હેન્ડરસન, આર્થર (જ. 13 સપ્ટેમ્બર 1863, ગ્લાસગો, સ્કૉટલૅન્ડ; અ. 20 ઑક્ટોબર 1935, લંડન, ઇંગ્લૅન્ડ) : બ્રિટનની લેબર પાર્ટીના અગ્રણી, ઇંગ્લૅન્ડના પૂર્વ ગૃહ તથા વિદેશમંત્રી અને નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા. કારકિર્દીની શરૂઆતનાં વર્ષો દરમિયાન તેઓ રેલવે-એન્જિનો બનાવતા લોખંડ અને પોલાદના કારખાનામાં મોલ્ડર તરીકે કામ કરતા તથા ત્યાંના શ્રમસંગઠનને સેક્રેટરી તરીકે નેતૃત્વ પૂરું પાડતા. ન્યૂકૅસલ, ડાર્લિંગ્ટન અને દુરહૅમની મ્યુનિસિપલ કાઉન્સિલોમાં લિબરલ પાર્ટીના પ્રતિનિધિ તરીકે રહ્યા તથા 1903માં તે પાર્ટી વતી ડાર્લિંગ્ટનના મેયરપદે ચૂંટાયા. તે જ વર્ષે લેબર પાર્ટી વતી દેશના સંસદના નીચલા ગૃહ ‘હાઉસ ઑવ્ કૉમન્સ’માં તેમને ચૂંટવામાં આવ્યા. 1914, 1921–23 તથા 1925–27નાં વર્ષો દરમિયાન હાઉસ ઑવ્ કૉમન્સમાં તે પક્ષના મુખ્ય દંડક રહ્યા. સાથોસાથ 1908–10 તથા 1914–17 દરમિયાન પક્ષના ચૅરમૅનપદે તથા 1911–34ના ગાળામાં પક્ષના સચિવપદે કામ કર્યું. તે ઉપરાંત 1915–16માં બોર્ડ ઑવ્ એજ્યુકેશનના પ્રમુખ, 1916માં પે-માસ્ટર જનરલ અને પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)નું સંચાલન કરતી મંત્રી પરિષદમાં 1916–17માં ખાતા વિનાના કૅબિનેટ મંત્રી રહ્યા. રૅમ્સે મેકડૉનાલ્ડના નેતૃત્વ હેઠળના સર્વપ્રથમ મંત્રીમંડળમાં તેઓ ગૃહપ્રધાન હતા. 1929–31ના ગાળામાં ફ્રાન્સ અને જર્મની વચ્ચેની તંગદિલી હળવી કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ લીગ ઑવ્ નેશન્સના કટ્ટર સમર્થક હતા. 1931માં દેશમાં રાષ્ટ્રીય સરકારના ગઠનમાં પણ તેમની ભૂમિકા શકવર્તી રહી હતી, જોકે તે વર્ષે તેમણે સંસદનું સભ્યપદ ગુમાવ્યું હતું. 1932–35ના ગાળામાં તેઓ વિશ્વ નિ:શસ્ત્રીકરણ પરિષદના પ્રમુખ હતા.
આર્થર હેન્ડરસન
પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું તે દરમિયાન 1917માં હેન્ડરસને રશિયાની રાજદ્વારી મુલાકાત લીધી હતી તથા ઍલેક્ઝાંડર કેરેન્સ્કીના નેતૃત્વ હેઠળ ત્યાં શાસન કરી રહેલ કામચલાઉ સરકાર સાથે યુદ્ધના સહિયારા સંચાલન અંગે વાટાઘાટો કરી હતી. સ્ટૉકહોમ ખાતે સમાજવાદી પક્ષોની વિશ્વપરિષદ યોજવાના કેરેન્સ્કીના સૂચનને તેમણે ટેકો આપ્યો હતો; પરંતુ તે અંગે લૉયડ જ્યૉર્જ સાથે મતભેદ થતાં તેમણે બ્રિટનના મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. સિડની વેબ સાથે મળીને તેમણે લેબર પાર્ટીના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો.
વર્ષ 1934 માટે આર્થર હેન્ડરસનને વિશ્વશાંતિનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે