હૅનોવર : જર્મનીનો પ્રાદેશિક વિસ્તાર : આજના ઉત્તર જર્મનીનો એક વખતનો રાજકીય વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 52° 24´ ઉ. અ. અને 9° 44´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. હૅનોવર 1386થી હૅન્સિયાટિક લીગનું સભ્ય હતું. 1692માં તેને મતદાર મંડળ બનાવવામાં આવેલું તથા હૅનોવર શહેરને પાટનગર બનાવવામાં આવેલું. મતદાર મંડળને અધિકાર અપાયો કે તેનો પ્રાદેશિક શાસક પવિત્ર રોમન સામ્રાજ્યના શહેનશાહને ચૂંટી કાઢે. ત્યારે જ્યૉર્જ પહેલો આ મતદાર મંડળનો સભ્ય હતો. રાણી ઍનના મૃત્યુ બાદ 1701ના વસાહતી ધારા હેઠળ રાજ્યનો વારસાઈ હક જર્મનીના હૅનોવરના શાસકવંશને મળેલો. 1714થી 1901 સુધી જર્મન શાહીવંશે ગ્રેટ બ્રિટન અને આયર્લૅન્ડ પર શાસન કરેલું. રાણી વિક્ટોરિયાના મૃત્યુ બાદ રાજમુગટ ઍડવર્ડ સાતમાને મળેલો.
1714માં જ્યૉર્જ પહેલાને ઇંગ્લૅન્ડનો રાજા બનાવવામાં આવ્યો. હૅનોવર અને ઇંગ્લૅન્ડ 1837 સુધી જોડાયેલાં હતાં. 1837માં જ્યૉર્જનો પુત્ર, જે ગાદીનો વારસ હતો, તે મરણ પામ્યો. એ વખતના સેલિક કાયદા મુજબ હૅનોવરની ગાદી પર શાસક તરીકે સ્ત્રી આવી શકે નહિ; તેથી હૅનોવરની ગાદી તેના કાકા અર્ન્સ્ટને – કુંબરલૅન્ડના ડ્યૂકને મળી. 1866માં પ્રશિયાએ હૅનોવરનો કબજો મેળવ્યો. પ્રશિયન વડાપ્રધાન બિસ્માર્કે અર્ન્સ્ટના પુત્રને જબરદસ્તીથી હોદ્દાનો ત્યાગ કરવાની ફરજ પાડી. તેથી હૅનોવર નવા જર્મન સામ્રાજ્યનું પ્રશિયન પ્રાંત બન્યું. 1946માં હૅનોવરને બ્રુન્સવીક અને ઓલ્ડનબર્ગ સાથે ભેળવી દેવાયું. આમ, આ પ્રદેશ લોઅર સૅક્સની પ્રદેશ તરીકે ઓળખાયો. હૅનોવર પ્રદેશમાં ગોટિન્જન, ઍમડેન, હૅનોવર અને ઓલ્ડનબર્ગનો સમાવેશ થાય છે.
‘શહેરનો હૉલ’ – ‘નગરગૃહ’ (City Hall)
હૅનોવરના પ્રાદેશિક વિસ્તારની મુખ્ય પ્રવૃત્તિ ખેતીની હોવા છતાં તે અન્ય ચીજવસ્તુઓનું પણ ઉત્પાદકીય મથક બની રહ્યું છે. અહીંના હાર્ઝ પર્વત વિસ્તારમાંથી ખનિજપેદાશો તેમજ લાકડાં મળી રહે છે.
હૅનોવર (શહેર) : જર્મનીમાં મોટાં ગણાતાં શહેરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : 52° 24´ ઉ. અ. અને 9° 44´ પૂ. રે.. તે બ્રેમેનથી અગ્નિકોણમાં, હૅમ્બર્ગથી દક્ષિણમાં અને બ્રુન્સવીકથી પશ્ચિમમાં આવેલું છે. આ શહેર જર્મનીના લોઅર સૅક્સની રાજ્યનું પાટનગર છે.
હૅનોવર આજે ઔદ્યોગિક શહેર તેમજ ઉત્પાદકીય મથક બની રહેલું છે. તેના ઉદ્યોગોમાં યંત્રસામગ્રી, કાર્યાલયો માટે જરૂરી સાધનસામગ્રી, વાહનો, વીજસાધનો, રબરનાં સાધનો, કાપડ, તેલ-શુદ્ધીકરણ, તમાકુની પેદાશો, ચૉકલેટ અને બિસ્કિટને લગતા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ શહેરમાં દર વર્ષે ઔદ્યોગિક મેળો પણ ભરાય છે. હૅનોવર રેલવેનું મહત્વનું કેન્દ્ર પણ છે. આ વિસ્તારમાં થઈને મિત્તેલલૅન્ડ નહેર પણ પસાર થાય છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હૅનોવરમાં ભારે બૉંબવર્ષા થયેલી, શહેર તારાજ થઈ ગયેલું; પરંતુ તે પછીથી તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં સંખ્યાબંધ ઐતિહાસિક ઇમારતો આવેલી છે. તેમાં માર્કેટ-ચર્ચ, ચૌદમી સદીનું ગૉથિક ચર્ચ, પંદરમી સદીનો જૂનો ટાઉનહૉલ તથા સત્તરમી સદીના સુંદર બગીચાઓનો સમાવેશ થાય છે. 2004 મુજબ તેની વસ્તી 5,15,800 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા