હુલ્લડ : અનિયંત્રિત ટોળાંઓ દ્વારા થતો ઉપદ્રવ. સશસ્ત્ર વિદ્રોહ એ તેનું ચિહન છે. રાજકીય સ્વરૂપ ધારણ કરે ત્યારે તે વિપ્લવ નામથી ઓળખાય છે. 1857નો બળવો સામાન્ય રીતે વિપ્લવ નામથી ઓળખાય છે. તેવી જ રીતે 1973–74ના વર્ષમાં ગુજરાતમાં નવનિર્માણના નામે જે ચળવળ થઈ ગઈ તે પણ કાયદા દ્વારા પ્રસ્થાપિત તત્કાલીન રાજ્ય સરકાર સામેનું બંડ હોવાથી તે પણ વિપ્લવની કક્ષામાં ગણાય. વિશ્વમાં જ્યાં જ્યાં રક્તરંજિત ક્રાંતિ થઈ છે તે તે દેશોમાં તેની શરૂઆત હુલ્લડ દ્વારા થઈ હતી અને જેમાં બંડખોરો ઉપરાંત નિર્દોષ લોકોએ પણ મોટી સંખ્યામાં જાન ગુમાવ્યા હતા. દા. ત., અઢારમી સદીમાં 1789–99 દરમિયાન ફ્રાન્સમાં થયેલ રાજ્યક્રાંતિ, ઑક્ટોબર 1917માં બોલ્શેવિક પક્ષના નેતૃત્વ હેઠળ થયેલ રશિયન ક્રાંતિ વગેરે. વર્ષ 2006માં નેપાળ અને બાંગ્લાદેશમાં બનેલા બનાવો તેનો જ નિર્દેશ કરે છે.

હુલ્લડનાં લક્ષણો : (1) લોકોનાં મોટાં ટોળાં દ્વારા ઇરાદાપૂર્વક શાંતિ ભંગ. (2) ટોળાનું વર્તન અનિયંત્રિત, બેકાબૂ બને. (3) ઘોંઘાટનો વ્યાપક પ્રાદુર્ભાવ. (4) શસ્ત્રોનો ઉપયોગ. (5) કાયદા દ્વારા પ્રસ્થાપિત શાસનવ્યવસ્થાને છિન્નભિન્ન કરવાનો હેતુ. (6) જાનમાલની હાનિ. (7) હુલ્લડમાં સામેલ થયેલા મોટા ભાગના લોકો તેના મૂળ હેતુ અંગે અનભિજ્ઞ હોય છે અને દેખાદેખીથી તેમાં સામેલ થતા હોય છે. (8) મોટા ભાગના દેશોમાં આવા બનાવો ખાળવા માટે ખાસ તાલીમ પામેલી સશસ્ત્ર પોલીસ ટુકડીઓ હોય છે, જેમને ‘રાયટ પોલીસ’નું ઉપનામ આપવામાં આવે છે. તેમને અપાતાં શસ્ત્રો ઉપરાંત આત્મરક્ષણ માટે તેમને કેટલાંક વિશિષ્ટ સાધનો પણ આપવામાં આવતાં હોય છે. (9) લોકોનાં ટોળાં અને પોલીસ વચ્ચે હિંસક અથડામણો થતી હોય છે. (10) મોટા ભાગના કિસ્સાઓમાં ધરપકડ કરવામાં આવેલા લોકોને સમયાંતરે કોઈ પણ પ્રકારની શિક્ષા વગર મુક્ત કરી દેવામાં આવે છે, જે તેનું નકારાત્મક પાસું ગણાય. (11) ધાર્મિક, સાંપ્રદાયિક અને ઘોર અન્યાયની તીવ્ર લાગણી જેવાં કારણો હુલ્લડ માટે ઉશ્કેરણી પૂરી પાડે છે. (12) શરૂઆતના તબક્કામાં તેનું નેતૃત્વ ભલે કોઈ વ્યક્તિ કે પક્ષના હાથમાં હોય; પરંતુ સમય જતાં તેનો દોર ટોળાંઓના હાથમાં જતો રહે છે અને એટલા માટે જ તે બેકાબૂ બને છે.

ભારતીય ફોજદારી ધારા (IPC) 1860ની કલમ 146માં તેની વ્યાખ્યા આપવામાં આવી છે. ગેરકાયદેસર મંડળી અથવા તેનો કોઈ સભ્ય ઉપરોક્ત મંડળીનો સામાન્ય ઉદ્દેશ હાંસલ કરવા માટે બળ અથવા હિંસાનો આશ્રય લે છે, હિંસાત્મક અથવા બળવારૂપ કૃત્ય કરે છે ત્યારે હુલ્લડનો ગુનો બને છે. તેમાં સક્રિય ભાગ લેનારને બળવાખોર અથવા બંડખોર ગણવામાં આવે છે. ઇતિહાસમાં એવા પણ કિસ્સાઓ બન્યા છે જ્યારે બંડખોરો પોતે કાયદો હાથમાં લે છે અને જેમની સામે તેમને અસંતોષ કે અન્યાયની તીવ્ર લાગણી હોય તેવાઓને બળપૂર્વક પકડીને તેમનો શિરચ્છેદ કરતા હોય છે. દા. ત., ફ્રેન્ચ રાજ્યક્રાંતિ દરમિયાન ફ્રાન્સના શાહી પરિવારના ઘણાંને આ રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ(1939–45)ના અંતિમ તબક્કામાં ઇટાલીના સરમુખત્યાર બેનેડિક્ટ મુસોલિનીને જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી તથા નજીકના ભૂતકાળમાં અફઘાનિસ્તાનના સોવિયત પરસ્ત રાષ્ટ્રાધ્યક્ષને ટોળાએ ફાંસીને માંચડે ચઢાવીને ત્રણ દિવસ સુધી તેનો મૃતદેહ જાહેર સ્થળે લટકાવી રાખેલો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે