ગુલમર્ગ : જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના પર્યટનસ્થળોમાંનું એક. તે બારામુલા જિલ્લામાં આવેલું છે. તે સમુદ્રસપાટીથી 2591 મીટર ઊંચાઈ ધરાવે છે. રાજ્યના પાટનગર શ્રીનગરથી તે 46 કિમી. પશ્ચિમે આવેલું છે. તેની વસ્તી આશરે 1200 (2022) છે.
શ્રીનગરથી તંગમાર્ગ સુધીનો 39 કિમી.નો રસ્તો સીધો છે; પરંતુ તે પછી ચઢાણ શરૂ થાય છે. આ સ્થળેથી કાશ્મીરની ખીણ, વૂલર સરોવર તથા હિમાલય પર્વતશૃંખલાના નંગા પર્વતનાં મનોહારી દર્શન થાય છે. વર્તુળાકાર રસ્તાઓ તેના પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો કરે છે. બરફ પર રમાતી સ્કીઇંગ જેવી રમતો ઉપરાંત ગોલ્ફ, ટેનિસ તથા પોલો વગેરે માટે ત્યાં સગવડો ઊભી કરવામાં આવી છે. વિશ્વમાં ગોલ્ફ રમવાનું ઊંચામાં ઊંચું મેદાન આ સ્થળે આવેલું છે.
‘ફૂલોની વાડી’ (meadow of flowers) તરીકે આ સ્થળ ઓળખાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે