કાજી અલીની મસ્જિદ : અમદાવાદમાં જૂની સિવિલ હૉસ્પિટલની સામે ઘીકાંટા રોડને પૂર્વકિનારે છોટા એદ્રૂસ અને શાહ અબ્દુર્રઝ્ઝાકના રોજાવાળા વાડામાં આવેલી પથ્થરની નાની પણ સુંદર મસ્જિદ. ગયા શતકના મધ્યાહન સુધી તે અલીખાન કાજી અથવા કાજીની મસ્જિદ કહેવાતી હતી. છેલ્લાં દોઢસો વર્ષથી તેની પાસે આવેલા છોટા એદ્રૂસના મકબરા પરથી છોટા એદ્રૂસની મસ્જિદ કહેવામાં આવે છે.
આ મસ્જિદ મુઘલ બાદશાહ ઔરંગઝેબ(1658-1706)ના સમયમાં કાજી અબ્દુલ ફરહખાને બાંધી હોવાનું મનાય છે. પણ સ્થાપત્યની ર્દષ્ટિએ તેનું નિર્માણ સલ્તનતકાલીન સોળમા શતકમાં થયું હોય તેમ લાગે છે. સોએક વર્ષ પહેલાં મસ્જિદનો ઉત્તર તરફનો ભાગ તોડી પાડી મકાનો અને દુકાનો બાંધવામાં આવેલાં, આજે પણ તે ત્રણે બાજુથી દુકાનોથી ઘેરાઈ ગયેલી દેખાય છે.
આ મસ્જિદ પૂર્ણ હશે ત્યારના તેના સૌન્દર્યનો અંદાજ આજે પણ તેની ત્રણમાંથી બાકી રહેલી એક મહેરાબ, લીવાનની ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ દીવાલની છજાવાળી સુંદર બારીઓ અને વિદ્યમાન મહેરાબના બહારના સુંદર કંડારેલા કામવાળા કડસલા કે પુસ્તા (buttresses) પરથી આવી શકે છે.
ઝિયાઉદ્દીન અ. દેસાઈ