કાજલ (સં. कज्जलम्, હિં. આંજણ.) : આંખને તેજસ્વી બનાવવા વપરાતો પદાર્થ. તેનો બીજો અર્થ ‘મેશ’ પણ થાય છે. દીવા ઉપર કોડિયું ધરતાં જે કાળો પદાર્થ એકત્ર થાય તેને મેશ કહેવામાં આવે છે. આ મેશને કસ્તૂરી વગેરેની સાથે મિશ્ર કરીને ઘીમાં કાલવીને આંખ માટેનું આંજણ તૈયાર કરવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે મેશ બનાવવા માટે ઘણાં દ્રવ્યો એકત્ર કરવામાં આવે છે. સુશ્રુત, આર્યભિષક્ વગેરેમાં કાજલને નેત્રરોગ માટે ઉપકારક કહ્યું છે. તેનો સૌન્દર્યવર્ધક તરીકે પણ ઉપયોગ થાય છે.
‘સંગીતરત્નાકર’(અ. 7)માં નર્તકીની આંખોના સુશોભન માટે કાજલને આવશ્યક ગણવામાં આવ્યું છે. આર્યોની પ્રસાધનસામગ્રી સાદી નથી. ગૃહ્યસૂત્રોમાં આંખો માટે અંજન અને શરીર માટે ઉદ્વર્તનને જરૂરી ગણાવ્યાં છે અને તે પ્રમાણે તે દાનમાં પણ આપવાનું વિધાન છે.
‘આહનિક સૂત્રાવલિ’(શુક્લ યજુર્વેદ માધ્યન્દિનવાજસનેયી)માં ‘સૌભાગ્યકલ્પદ્રુમ’માં સુહાસિનીના માંગલ્ય માટેની આવશ્યક ચીજોનો ઉલ્લેખ કરેલો છે. તેમાં હળદર, કંકુ, સિંદૂર અને કાજળને માંગલ્યાભરણ ગણાવ્યાં છે. સાથોસાથ નોંધેલું છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓએ તેમનો ભક્તિભાવપૂર્વક ઉપયોગ કરવો.
બ્રહ્મવૈવર્તપુરાણ(4.4.107; 4.44.13)માં લગ્નસમયે કાજળ અને કસ્તૂરીનું મિશ્રણ આંખે લગાડવામાં આવતું તેનો ઉલ્લેખ છે.
‘ચૌરપંચાશિકા’(શ્લો. 15)માં अद्यापि तां विधृतकज्जललोलनेत्रां અને અમરુશતક(શ્લો. 88)માં कज्जलकालिमा એવા ઉલ્લેખ છે.
કવિ કાલિદાસના ‘ઋતુસંહાર’માં વર્ષાકાળનું વર્ણન કરતાં કહે છે કે ‘મેઘના વાદળસમૂહ કાજલ જેવા લાગે છે.’ ‘ગીતગોવિંદ’ (કવિ જયદેવ), ‘કૃષ્ણગીતિ’ (કવિ સોમનાથ), ‘શૃંગારહારાવલી’ (શ્રીહર્ષ) વગેરે ગ્રંથોમાં કાજલ અને નેત્રાંજનના ઉલ્લેખો છે. તેમાં સૌન્દર્યવર્ધક તરીકે કાજલના ઉલ્લેખો છે. વિરહિણી અને પ્રોષિતભર્તૃકા સ્ત્રીઓએ સૌભાગ્યશૃંગાર ન કરવા; તેમાં કાજળનો પણ નિષેધ કરેલો છે. કવિ બાણના સમકાલીન વાગ્ભટે પોતાના ‘અષ્ટાંગસંગ્રહ’માં સર્વાર્થસિદ્ધ અંજન બનાવવાની વિધિ વિસ્તારપૂર્વક આપી છે. મહાકવિ બાણે ‘સુષ્ટિ’નું વર્ણન કરતાં નોંધ્યું છે કે આંખોમાં અંજનની એક બારીક રેખા ખેંચી છે. જૈન ધર્મમાં તીર્થંકરની મૂર્તિની પ્રતિષ્ઠા વખતે અંજનશલાકા વિધિ કરવામાં આવે છે તે ખૂબ જાણીતું છે. ભાગવતપુરાણ(vi. 2.27)માં અજામિલ પશ્ચાત્તાપ કરતાં કહે છે કે ‘સત્પુરુષો વડે તિરસ્કારને પાત્ર બનેલા પાપી અને કુળમાં કાજળરૂપ એવા મને ધિક્કાર હજો.’ અહીં કાજળનો અર્થ અશુભ કલંક એવો છે.
કેટલાક ગુજરાતી કવિઓએ લખાણોમાં ‘કાજળ’નો ઉલ્લેખ કર્યો છે. આ કવિઓમાં અખો, પ્રેમાનંદ અને શામળ ભટ્ટ મુખ્ય છે. અખો : ‘આંધળો સસરો ને શણગટ વહુ, એમ કથા સુણવા ચાલ્યું સહુ, કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું;’ પ્રેમાનંદ ‘ઓખાહરણ’માં નોંધે છે કે ‘કુમકુમ ચંદન ચાંદલો, કાજળ સિંદૂર સંગ; તેલ તંબોલ ને નાડાછડી, કરી તે પૂજા અંગ.’ અન્ય ઉલ્લેખો ‘નળાખ્યાન’ અને ‘દશમસ્કંધ’માં મળે છે. દમયંતીના વર્ણનમાં તેના સૌન્દર્ય ને શણગારનું વર્ણન કરતાં કવિ કહે છે : ‘આંજેલ અંજન, ચપલ ખંજન.’ કવિ ‘દશમસ્કંધ’માં કુબ્જાસુંદરી શ્રીકૃષ્ણને મળવા આવે છે ત્યાં પણ ‘કાજળ’ શબ્દનો ઉપયોગ કરે છે, ‘ભર્યું કાજળ બે આંખડીએ રે.’
‘દશમસ્કંધ’માં બાળકને સ્નાન કરાવી નેત્રમાં કાજળ આંજતા તેનું વર્ણન કવિ પ્રેમાનંદ કરે છે : ‘એક નેત્રમાં કાજળ ભરે, નહિ અંજાવું રોતો નીસરે; એક નેત્રે ભર્યું કાજળ, એક અમથું જ રહે.’
નજર ન લાગે માટે કાજળનું ટપકું કરવાનો રિવાજ પ્રેમાનંદ બતાવે છે. તેનું વર્ણન ‘અભિમન્યુ આખ્યાન’ અને ‘રુક્મિણીહરણ’માં જોઈ શકાય છે. વરની ફોઈ વરને ગાલે કાજળનું ટપકું કરે છે. ‘દશમસ્કંધ’માં લગ્નના રીતરિવાજોની આછી રૂપરેખા છે તેમાં આંખ આંજવાનો રિવાજ બતાવ્યો છે. ‘આંખ આંજી અણિયાલડી રે, ગાલે ટપકાનો કાળો ડાઘ.’ ‘સુદામાચરિત્ર’માં ‘સૌભાગ્યના નથી શણગાર, નહિ કાજળ, નહિ કીડિયાંહાર.’
સાંસારિક વાર્તાઓ રચનાર કવિ શામળ ભટ્ટ પણ સ્ત્રીશણગારમાં કાજળ બતાવે છે.
આયુર્વેદની ર્દષ્ટિએ પણ તેનું મહત્વનું સ્થાન છે. વશીકરણ માટે પણ અંજનને સ્થાન મળેલું છે.
પ્રિયબાળાબહેન શાહ