અડિવિ બાપ્પીરાજુ (જ. 8 ઑક્ટોબર 1895, સરી પલ્લે, ભીમાવરમ, જિ. ગોદાવરી; અ. 22 સપ્ટેમ્બર 1952) : અર્વાચીન તેલુગુ કવિ. ગીતકાર, ગાયક, ચિત્રકાર, વાર્તાકાર તથા નવલકથાકાર પણ ખરા. વિવિધ કલાઓ પ્રત્યે નાનપણથી જ આકર્ષણ. ભારતમાં ભમીને એમણે મંદિરોની શિલ્પકલા અને ગુફાઓની ચિત્રકલાનું અધ્યયન કર્યું હતું. એમણે ગાંધીજીના સત્યાગ્રહ આંદોલનમાં ભાગ લઈને એક વર્ષ જેલ ભોગવી હતી. ત્યાં એમની પ્રસિદ્ધ નવલકથા ‘હિમબિન્દુ’ લખાઈ હતી. તેઓ વકીલાતની સાથે સાથે ‘મીજાન’ નામનું દૈનિક પત્ર પણ ચલાવતા હતા. એમની મુખ્ય કૃતિઓ છે ‘હિમબિન્દુ’, ‘ગોનગન્ના રેડ્ડિ’, ‘તુપાનુકોણંગિ’ અને ‘નરુડુ’. એમની કવિતામાં – ખાસ કરીને પ્રકૃતિકાવ્યોમાં – ભીતરમાં રહેલો ચિત્રકાર દેખા દે છે. ‘હિમબિન્દુ’ આંધ્રના શાતવાહનો પર રચાયેલી ઐતિહાસિક કથા છે. ‘નારાયણરાવુ’ એમની ચરિત્રપ્રધાન સામાજિક નવલકથા છે.
ચન્દ્રકાન્ત મહેતા