ગુપ્ત, સુનેત્રા (જ. 15 માર્ચ 1965, કૉલકાતા) : પ. બંગાળનાં જાણીતાં અંગ્રેજી નવલકથાકાર અને ટૂંકી વાર્તાઓનાં લેખિકા. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘મેમરિઝ ઑવ્ રેન’ માટે 1996ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

વ્યવસાયે તેઓ વાવરવિજ્ઞાની છે અને લંડનની ઇમ્પિરિયલ કૉલેજમાં હાલ કાર્યરત છે. તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. એક સૂક્ષ્મજીવવિજ્ઞાનના સંશોધક રૂપે ઉત્કૃષ્ટ કામગીરી કરવા ઉપરાંત તેમણે વિજ્ઞાનકથાનાં લેખિકા તરીકે કથાસાહિત્યકારોમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે.

આજ સુધીમાં તેમણે 3 નવલકથાઓ ‘ધ ગ્લાસ બ્લોઅર્સ બ્રેથ’, ‘મુનલાઇટ ઇન ટુ મર્ઝીપાન’ અને ‘મેમરિઝ ઑવ્ રેન’ પ્રગટ કરી છે. તેમની પુરસ્કૃત કૃતિ આંતરિક ચેતનાપ્રવાહની અંતર્યાત્રાનું વિષયવસ્તુ ધરાવતી રોચક નવલકથા છે.

બળદેવભાઈ કનીજિયા