પર્ટ (Programme Evaluation and Review Technique PERT) : નિર્માણયોજનાનાં વિક્ટ કાર્યો પૂરાં કરવા માટે, સમયનો અંદાજ કાઢી તદનુસાર સમયસારણી બનાવીને વિકસાવવામાં આવેલી સંકલન-પદ્ધતિ. નિર્માણયોજના સાંગોપાંગ સમયસર પૂરી થાય તે માટે વિવિધ પ્રકારની સંચાલકીય અંકુશપદ્ધતિઓ વિકસાવવામાં આવેલી છે. તે પૈકી એક છે ‘કાર્યક્રમ મુલવણી અને પુનરવલોકન પદ્ધતિ’ (Programme Evaluation and Review Technique – PERT) અને બીજી છે ‘આલોચક માર્ગ પદ્ધતિ’ (Critical Path Method – CPM). અગાઉ ક્યારેય નહિ બનાવેલી તેવી પોલરીસ અણુસબમરીનનું બાંધકામ અમેરિકાના નૌકાદળે 1957-58માં હાથ ઉપર લીધું ત્યારે 3000 ઉપરાંત કંપનીઓ અને કૉન્ટ્રેક્ટરો સાથે સંકલનની જરૂરિયાત ઊભી થઈ; તેથી તેના બાંધકામની સમયમર્યાદા જાળવી રાખવા માટે પર્ટ-પદ્ધતિ વિકસાવવામાં આવી હતી અને સબમરીનના બાંધકામમાં બે વર્ષનો સમય બચાવ્યો હતો. તે અરસામાં ડુ પોન્ટ નામની કંપનીએ ઇજનેરી બાંધકામનાં કાર્યો સમયસર પૂરાં કરવા માટે ‘આલોચક માર્ગપદ્ધતિ’ વિકસાવી હતી. આમ તો આ બંને પદ્ધતિઓ લગભગ સરખી છે; છતાં પુનરાવર્તી (repetitive) કાર્યો માટે આલોચક માર્ગપદ્ધતિ અને અપુનરાવર્તી (nonrepetitive) અથવા અભૂતપૂર્વ કાર્યો માટે પર્ટપદ્ધતિ માફક આવે છે.

પર્ટપદ્ધતિ જાળગૂંથણી-પૃથક્કરણ આધારિત હોઈને નીચે દર્શાવેલી આકૃતિ મુજબ ચાર આવશ્યકતાઓ પૂરી કરીને કાર્યાન્વિત કરાય છે.

આકૃતિ : પર્ટની જાળગૂંથણી (ઘાટી રેખા ક્રાન્તિક માર્ગ સૂચવે છે.)

(1) જે યોજના પૂરી કરવાની હોય તેનું જુદી જુદી પ્રવૃત્તિઓ (activities) અને ઘટનાઓ(events)માં વિભાજન કરવામાં આવે છે. નિશ્ચિત સમયમાં જે કાર્ય પૂરું કરવાનું હોય તેને ઘટના અને એક ઘટનાથી બીજી ઘટના સુધી પ્રગતિ કરવાની કાર્યવહીને પ્રવૃત્તિ કહેવાય છે. પર્ટના આલેખ(chart)માં પ્રવૃત્તિઓ તીર (ડ્ડ) વડે અને ઘટનાઓ વર્તુળ (o) વડે દર્શાવવામાં આવે છે.

(2) પ્રવૃત્તિઓ અને ઘટનાઓને તાર્કિક અને સુગ્રથિત અનુક્રમમાં સાંકળીને પર્ટનો આલેખ તૈયાર કરવામાં આવે છે. આમ દરેક પ્રવૃત્તિની જોડે પુરોગામી અને અનુગામી ઘટનાઓ સંકળાયેલી હોય છે. પુરોગામી ઘટના પૂરી થાય નહિ ત્યાં સુધી સાધારણ રીતે અનુગામી પ્રવૃત્તિ શરૂ કરાતી નથી.

(3) દરેક પ્રવૃત્તિના સમયની લંબાઈ-આદર્શ પરિસ્થિતિમાં જરૂરી તેવો આશાસ્પદ સમય, સામાન્ય સંજોગોમાં જરૂરી જણાય તેવો સંભવિત સમય, વિપરીત સંજોગોમાં વ્યતીત થાય તેવો આશારહિત સમય અને આ ત્રણેય સમયનો સરેરાશ તેવો સરકારી સમય – એમ ચારેય પ્રકારોના સંદર્ભમાં નક્કી કરીને પ્રવૃત્તિના તીર ઉપર પ્રથમ ત્રણ પ્રકારના સમયની નોંધણી કરવામાં આવે છે.

(4) જાળગૂંથણીના આલેખમાં સમયની દૃષ્ટિએ જે માર્ગ સૌથી લાંબો હોય તેને ઘાટી લીટીથી દોરવામાં આવે છે. તેને ‘આલોચક માર્ગ’ કહેવામાં આવે છે. યોજના પૂરી કરવામાં કેટલો સમય જોઈએ તે આ માર્ગ વડે નક્કી કરાય છે. આ માર્ગ ઉપર દર્શાવેલી ઘટનાઓમાંથી એક પણ ઘટનામાં વિલંબ થાય તો આખી યોજનામાં વિલંબ થઈ જાય છે. જેથી આ માર્ગ અતિ મહત્ત્વનો હોય છે અને તેવું તેનું નામ પણ યથાર્થ જણાય છે.

પિનાકીન ર. શેઠ