કંકુ : પન્નાલાલ પટેલની ગુજરાતી નવલકથા ‘કંકુ’ પર આધારિત ગુજરાતી સિનેકૃતિ (1969).
પટકથા, નિર્માતા અને દિગ્દર્શક : કાન્તિલાલ રાઠોડ; સંગીત : દિલીપ ધોળકિયા; ગીતો : વેણીભાઈ પુરોહિત; પ્રમુખ અભિનયવૃન્દ : પલ્લવી મહેતા (કંકુ), કિશોર જરીવાલા (ખૂમો), કિશોર ભટ્ટ (મલકચંદ), અરવિંદ જોષી, કૃષ્ણકાન્ત ભૂખણવાલા.
ઉત્તર ગુજરાતના ગ્રામવિસ્તારના વાતાવરણમાં આલેખાયેલ આ નવલકથાનાં કંકુ, ખૂમો, મલકચંદ વગેરે તે ધરતીનાં તળપદાં જીવંત પાત્રો છે. કથાની નાયિકા કંકુનાં યોગ્ય ઉંમરે ખૂમા સાથે લગ્ન થાય છે. કંકુ-ખૂમાના સ્નેહાળ દાંપત્યજીવનનાં કેટલાંક પ્રારંભનાં વર્ષો સુખમાં વીતે છે. પછી પતિ ખૂમાનું યુવાન ઉંમરે અવસાન થાય છે. કંકુ આ સમયે સગર્ભા છે. પતિની અચાનક વિદાય અને વિયોગ તેને અત્યંત સાલવા લાગે છે. પરંતુ તે હિંમત અને ધીરજથી પુત્રના આગમનની રાહ જુએ છે. પુત્રના જન્મ પછી તેનું જીવન તેના દીકરા હીરિયાના પાલનપોષણ અને ઉછેર પાછળ વીતવા લાગે છે.
કંકુની યુવાન ઉંમરને લઈને તેનાં સમાજ અને જ્ઞાતિના યોગ્ય સાધનસંપન્ન પુરુષપાત્રો તરફથી પુનર્લગ્નના પ્રસ્તાવો આવતા રહે છે. કંકુ પોતીકા ખેતીના વ્યવસાયની વ્યસ્તતા અને આર્થિક સંકડામણમાં પણ કુટુંબના નિર્વાહ અને પુત્રના ઉછેરમાં મન પરોવી સંસારસુખનાં અને સંપન્ન જીવનનાં પ્રલોભનો ટાળે છે.
આર્થિક સંકડામણના આ ગાળામાં કંકુને બીજા ગામના શાહુકાર વાણિયા મલકચંદ પાસેથી અવારનવાર કરજ લેવાની જરૂર પડે છે. મલકચંદ પોતે યુવાન વિધુર છે અને કંકુને અંતરમનથી ચાહે છે, જે તેના વર્તનમાં ક્યારેક પ્રકટ થાય છે. કંકુને પણ મલકચંદ પ્રિય છે અને તેની પોતા પ્રત્યેની લાગણી કળી ગઈ હોવા છતાં પોતાની જવાબદારી સમજીને તેને વશ વર્તવાનું ટાળે છે. મલકચંદ પણ સમજુ અને સાલસ વ્યક્તિ છે. તે એકવાર કંકુ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી જોવા પ્રયાસ કરે છે, પરંતુ કંકુનું વલણ જોતાં ખમી જવાનું પસંદ કરે છે. તેમ કરતાં કંકુનો પુત્ર હીરિયો યુવાન થતાં તેનાં લગ્ન નક્કી થાય છે. પુત્રને પરણાવી યુવાન કંકુ હવે સંસારની એક મોટી જવાબદારીમાંથી મુક્ત બનવા અને પુત્રને સુખી કરવાના ધ્યેયની સિદ્ધિ નજીક પહોંચે છે.
પુત્ર હીરિયાના લગ્નપ્રસંગ માટે મલકચંદ પાસે કરજ લેવા ગયેલ કંકુ કેટલીક નબળી ક્ષણોમાં પ્રિયપાત્ર મલકચંદ સાથે શરીરસંબંધ બાંધી બેસે છે. પુત્રનાં લગ્ન નિર્વિઘ્ને પાર પડે છે, પરંતુ મલકચંદ સાથે બંધાયેલ ક્ષણિક સંબંધ ત્યારબાદ કંકુના શરીરના પરિવર્તનમાં દેખાવા લાગે છે. આડોશીપાડોશી અને ગામમાં કંકુ ચર્ચાનો વિષય બને છે. પરંતુ હકીકત નહિ છુપાવતાં સમાજ અને લોકાપવાદ સામે નીડર બની કંકુ મલકચંદ સાથે પુનર્લગ્ન કરવાનો પોતાનો હિંમતભર્યો નિર્ણય જાહેર કરે છે. આ નિર્ણય વિરુદ્ધની પુત્ર હીરિયાની લાગણી કંકુ પ્રેમથી સંમતિમાં પલટી નાખે છે અને કંકુ પોતાના નવા જીવનનો પ્રારંભ કરે છે. આ છે સિનેકૃતિનું કથાવસ્તુ.
કંકુ અને ખૂમાના પ્રારંભના પ્રસન્ન દાંપત્યના પ્રસંગો અને પતિના અવસાન બાદ પતિના સાહચર્યની કંકુને થતી ભ્રાન્તિના એકાદ-બે પ્રસંગોનું નિરૂપણ સિનેકૃતિમાં હૃદયસ્પર્શી રહ્યું છે. તે સાથે ‘કંકુ’ જેવી મુખ્યત્વે ગ્રામસમાજની એકલ નારીના સંઘર્ષની કથા નિરૂપતી સિનેકૃતિમાં તેનું સ્વ. વેણીભાઈ પુરોહિતરચિત તથા સંગીતનિર્દેશક દિલીપ ધોળકિયા દ્વારા સ્વરાયોજિત ગીત ‘મને અંધારાં બોલાવે, મને અજવાળાં બોલાવે’ કંકુની મન:સ્થિતિને યોગ્ય રીતે રજૂ કરતું હોવાથી યથોચિત જણાય છે. વળી શ્યામ-શ્વેત સિનેછાયામાં થયેલ તેનું સિનેકરણ ગ્રાફિક માધ્યમની ગુણવત્તા જાળવી રાખતું હોઈ યાદગાર બન્યું છે. પલ્લવી મહેતાએ કંકુના પાત્રને પોતાની ક્ષમતા મુજબ સારો ન્યાય આપ્યો છે.
શિકાગો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નો પુરસ્કાર આ કૃતિએ પલ્લવી મહેતાને અપાવ્યો. 1969માં શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ ‘કંકુ’ને મળ્યો હતો. આમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ‘કંકુ’ સર્વપ્રથમ ગુજરાતી સિનેકૃતિ હોઈ તેનું ઐતિહાસિક મહત્વ છે. આ સિનેકૃતિને રાજ્યકક્ષાના જે ચાર પુરસ્કાર પ્રાપ્ત થયા હતા તે આ પ્રકારે હતા : ‘શ્રેષ્ઠ દિગ્દર્શક’ : કાન્તિલાલ રાઠોડ; ‘શ્રેષ્ઠ છબીકલા’ : કુમાર જયવંત, ‘શ્રેષ્ઠ સિનેકથા’ : પન્નાલાલ પટેલ; અને ‘ગુજરાતીમાં નિર્માણ પામેલ ગુજરાતી ચિત્રને ખાસ ઇનામ’. ‘કંકુ’ની એક નકલ રાષ્ટ્રીય ચલચિત્ર સંગ્રહાલય, પુણે ખાતે સંગૃહીત અને સુરક્ષિત છે.
ઉષાકાન્ત મહેતા