કસ્ટમ યુનિયન

January, 2006

કસ્ટમ યુનિયન : બે અથવા વધુ સાર્વભૌમ દેશો વચ્ચે પારસ્પરિક તથા અન્ય દેશો સાથે થતા વ્યાપારને સ્પર્શતા જકાત દરો અંગે કરવામાં આવતો કરાર. જુદા જુદા દેશો આર્થિક એકીકરણ(integration)ના હેતુથી ભિન્ન ભિન્ન પ્રકારના કરારો કરે છે. કસ્ટમ યુનિયન તેનું એક વિશિષ્ટ સ્વરૂપ છે. આવા આર્થિક સંગઠનના બે મુખ્ય ગુણધર્મો હોય છે : (1) પરસ્પરની વસ્તુઓ તથા સેવાઓના મુક્ત વ્યાપારમાં અવરોધક બનતી બધી દીવાલો નાબૂદ કરવી અને તે દ્વારા સભ્ય દેશો વચ્ચે મુક્ત વ્યાપારની પરિસ્થિતિ ઊભી કરવી. મુક્ત વ્યાપારને આડે આવતાં પરિબળો મુખ્યત્વે બે પ્રકારનાં હોય છે  આયાત-જકાત તથા આયાત-પરિમાણ. આ બે અવરોધો દૂર કરવાથી સભ્ય દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓની મુક્ત આપલે થઈ શકે છે. (2) કસ્ટમ યુનિયનમાં જોડાયેલા દેશો સિવાયના દેશો સાથેના વ્યાપાર માટે આયાત-જકાતના સમાન દરો સ્વીકારવા અને તેનું ચુસ્ત રીતે પાલન કરવું. આમ કસ્ટમ યુનિયનમાં ન જોડાયેલા દેશોમાંથી કોઈ પણ દેશ કોઈ પણ સભ્ય દેશ સાથે વ્યાપાર કરે તો આવા નિકાસકારને એકસરખા દરે આયાત-જકાત ચૂકવવી પડે છે. આ વ્યવસ્થાને ‘બાહ્ય જકાત વ્યવસ્થા’ (external tariff) તરીકે પણ ઓળખવામાં આવે છે.

કોઈ એક અથવા અમુક જ વસ્તુઓના સંદર્ભમાં આવા કરાર કરવામાં આવે ત્યારે મર્યાદિત કસ્ટમ યુનિયનની રચના થઈ એમ કહેવાય, પરંતુ બધી જ વસ્તુઓ તથા ઉત્પાદનનાં સાધનોની પરસ્પર હેરફેર પરની જકાત કે આયાત-પરિમાણ નાબૂદ કરવામાં આવે ત્યારે તે પૂર્ણ કસ્ટમ યુનિયનની રચનાનો નિર્દેશ કરે છે. કસ્ટમ યુનિયનમાં જોડાયેલા દેશો સમાન નાણાકીય અને રાજકોષીય નીતિ અખત્યાર કરતા હોઈ તેને ઇકૉનૉમિક યુનિયન પણ કહેવામાં આવે છે.

કસ્ટમ યુનિયનમાં જોડાયેલા દેશો વચ્ચે ઉત્પાદનનાં બધાં જ સાધનો તથા બધી વસ્તુઓની મુક્ત હેરફેર થતી હોય અને તેને લીધે તેમની વચ્ચેનું પરસ્પરાવલંબન મહત્તમ બને ત્યારે સહિયારું બજાર (common market) અસ્તિત્વમાં આવે છે. આવું બજાર એ કસ્ટમ યુનિયનનું છેલ્લું સ્વરૂપ ગણાય છે; દા.ત., રોમ ખાતે કરવામાં આવેલા કરાર (treaty of Rome) દ્વારા જે જૂથ રચવામાં આવ્યું તેને યુરોપીય સહિયારું બજાર (European Common Market) કહેવામાં આવે છે.

પરસ્પર મુક્ત વ્યાપારના અવરોધો નાબૂદ કરવાથી વ્યાપારની શરતો, જુદી જુદી વસ્તુઓની સાપેક્ષ માગનું કદ, વ્યાપારમાં દાખલ થતી વસ્તુઓની ભાત કે સ્વરૂપ તથા તેમનું ભૌગોલિક ઉદગમસ્થાન આ બધાંમાં ફેરફાર થાય છે. તેને લીધે ‘વ્યાપારસર્જક’ અસરો અને ‘વ્યાપાર દિશાફેર’ અસરો ઊભી થાય છે. કસ્ટમ યુનિયન અંગે શરૂઆતમાં એવી માન્યતા હતી કે તેને લીધે મુક્ત વ્યાપારને પ્રોત્સાહન મળતું હોવાથી તે હંમેશ લાભદાયી જ નીવડે છે પરંતુ જૅકબ વાઇનરે સાબિત કરી આપ્યું છે કે કસ્ટમ યુનિયનની રચનાને લીધે વ્યાપારની દિશામાં જે ફેરફાર આવે છે તેને લીધે કેટલીક વાર કેટલાક કિસ્સામાં ઉત્પાદનનાં સાધનોની ઇષ્ટ ફાળવણીમાં વિક્ષેપ ઊભા થાય છે અને તેને લીધે કસ્ટમ યુનિયનમાં જોડાયેલા દેશોને મોટું નુકસાન વેઠવું પડે છે. આ ઉપરથી એમ કહી શકાય કે કસ્ટમ યુનિયનની સ્થાપનાથી, વ્યાપારસર્જક અને વ્યાપાર-દિશાફેર જેવી જે બે પ્રકારોની અસરો નીપજે તેમાંથી કઈ અસર વધુ તીવ્ર અને વ્યાપક છે તે જાણ્યા પછી જ કસ્ટમ યુનિયન લાભદાયક છે કે કેમ તે નક્કી થઈ શકે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે