પરિભ્રમણ : ગુજરાતની પર્વતારોહણની પ્રતિષ્ઠિત સંસ્થા. ઉત્સાહી અને સાહસિક ધ્રુવકુમાર પંડ્યાએ સ્થાપેલી આ સંસ્થાએ ગુજરાતનાં યુવક-યુવતીઓમાં પર્વતારોહણની પ્રવૃત્તિ વ્યાપક બનાવી. ગુજરાતના પત્રકાર સ્વ. નીરુભાઈ દેસાઈ અને એમના મિત્રોએ આ સંસ્થાને વધુ વેગ મળે તે માટે પ્રયત્નો કર્યા. એને પરિણામે દાર્જીલિંગની ‘હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ’માં પર્વતારોહણ અને બરફ પર ટ્રેકિંગ કરવા માટે ગુજરાતના યુવાનોની ટુકડી જતી હતી. પરિભ્રમણ સંસ્થાએ ખડક ચડવાની તાલીમ આપતી કેટલીક શિબિરોનું આયોજન કર્યું. ગુજરાત યુનિવર્સિટીએ આ સંસ્થાના સભ્યોનો ઉત્સાહ જોઈને એના સહયોગથી 1962ના ડિસેમ્બરમાં પર્વતારોહણનો તાલીમી શિબિર યોજ્યો. આ સંસ્થા દ્વારા હિમાલયનાં જુદાં જુદાં શિખરો પર આરોહણ કરવાનો પ્રયાસ થયો. આ રીતે ગુજરાતમાં પર્વતારોહણની પ્રવૃત્તિને વેગ મળ્યો. એ પછી 1964માં ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા ગુજરાત યુનિવર્સિટીએ યોજેલી પર્વતારોહણની શિબિરની પ્રવૃત્તિ જોઈને પ્રભાવિત થયા હતા અને તેને પરિણામે 1965ના ઑક્ટોબરમાં ગુજરાત સરકારના શિક્ષણવિભાગે એક સંસ્થા સ્થાપવાનો ઠરાવ કર્યો. પરિણામે ગુજરાત સ્ટેટ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ. આ સમયગાળામાં ગુજરાતમાં પર્વતારોહણ-પ્રવૃત્તિનો ઘણો વિકાસ થયો અને ગુજરાતનાં યુવક-યુવતીઓ હિમાલયનાં ઊંચાં શિખરો પર આરોહણ કરવા લાગ્યાં. ગુજરાતના રમતગમતક્ષેત્રે યશસ્વી એવી પર્વતારોહણની આ પ્રવૃત્તિમાં પરિભ્રમણનું યોગદાન ઘણું મહત્ત્વનું છે.

કુમારપાળ દેસાઈ