હાથી (elephant)
February, 2009
હાથી (elephant) : હાલમાં જોવા મળતું જમીન ઉપરનું સૌથી મોટું પ્રાણી. તેની મુખ્યત્વે બે જાતિઓ જોવા મળે છે : ભારતીય હાથી (Elephas maximus indicus) અને આફ્રિકન હાથી (Loxodonta africana and L. cyclotis). ભારતીય હાથી ભારત ઉપરાંત બર્મા, સિયામ, મલાયા, સુમાત્રા અને શ્રીલંકામાં વસે છે. ભારતીય હાથીની ઊંચાઈ 2.5થી 3 મીટર (8´–10´), લંબાઈ 9 મીટર (સૂંઢથી પૂંછડી સહિત) અને વજન આશરે 3000થી 3600 કિગ્રા. જેટલું હોય છે. નર અને માદામાં સ્પષ્ટ લિંગભેદ જોવા મળતો નથી. ભારતીય હાથીમાં માત્ર નર હાથીને દંતૂશળ જોવા મળે છે. વજન ઊંચકી શકે તે માટે ચાર થાંભલા જેવા પગો હોય છે. જેમના તળિયે પોચી ગાદી આવેલી હોય છે. અન્ય સસ્તન પ્રાણીઓની તુલનામાં હાથી તેની સૂંઢ અને દંતૂશળને કારણે અલગ પડે છે. તેની સૂંઢ અસ્થિવિહીન હોવા છતાં મજબૂત સ્નાયુઓના કારણે શક્તિશાળી હોય છે. તેના અગ્ર પ્રદેશમાં બે નસકોરાંનાં બે છિદ્રો અને ઓષ્ઠ આવેલા હોવાથી તે નાજુક વસ્તુઓને ગ્રહણ કરવાનું કાર્ય પણ કરી શકે છે. વાસ્તવમાં સૂંઢ એ હાથીના ઉપલા ઓષ્ઠ અને નાકના જોડાણથી રચાય છે. આથી એને સ્પર્શ અને ગંધ માટેની જ્ઞાનેન્દ્રિય કહી શકાય. સૂંઢ હાથીનું અતિસંવેદનશીલ અંગ છે; આથી પ્રેમક્રીડામાં, વહાલની અભિવ્યક્તિમાં કે બચ્ચાને પંપાળવામાં તેનો ઉપયોગ હાથી કરે છે.
ભારતીય હાથી (Elephas maximus indicus)
હાથીના દંતૂશળ એ તેના ઉપરના જડબામાં આવેલા બીજા છેદક (incisor) દાંતોનું રૂપાંતર છે. તેની રચનામાં મુખ્યત્વે ડેન્ટાઇન રહેલું છે. બહારની બાજુએ આવેલું ઇનેમલ શરૂઆતમાં જોવા મળે છે. દંતૂશળનો ઉપયોગ સ્વબચાવ અને ખોરાક ગ્રહણ કરવા માટે તે કરે છે. દંતૂશળ જીવનપર્યંત વધતા રહે છે. આથી તેની લંબાઈના આધારે હાથીની ઉંમર જાણી શકાય છે. નર કરતાં માદાના દંતૂશળ નાના હોય છે. આફ્રિકન હાથીના દંતૂશળો સૌથી લાંબા જોવા મળે છે. હાથીની ખોપરીનું વજન તેના કુલ વજનના 25 % જેટલું હોય છે.
હાથી શાકાહારી પ્રાણી છે. તેના મોટા કદને ટકાવવા તે વિપુલ માત્રામાં ખોરાક લે છે. પુખ્ત હાથી પ્રતિદિન 150 કિગ્રા. જેટલો ખોરાક ડાળી, પાંદડાં અને ફળસ્વરૂપે લે છે. ખોરાકને પૂરેપૂરો ચાવવા માટે 6 જોડ દાઢો આવેલી હોય છે. ઘસાઈ ગયેલી દાઢોના સ્થાને, પશ્ચ બાજુએ નવી દાઢ ફૂટે છે. દાઢની ચર્વણ સપાટી મોટી અને વિશિષ્ટ પ્રકારની હોય છે. (40–50 ચો. ઇંચ)
હાથી સમૂહમાં જોવા મળે છે. પોતાની સીમાના રક્ષણની જવાબદારી આ પ્રાણીઓમાં જોવા મળતી નથી; કારણ કે તેઓ નિર્ભીક પ્રાણીઓ છે. પુખ્ત હાથણી સમગ્ર ટોળીનું સંચાલન કરતી જોવા મળે છે. તેમની દિનચર્યામાં ખોરાક અને પાણીની શોધ મુખ્ય છે અને તે માટે તેઓ સતત સ્થળાંતર કરતા જોવા મળે છે. તેમની દર્શનેન્દ્રિય અને કર્ણેન્દ્રિયનો સામાન્ય વિકાસ થયેલ હોય છે; પરંતુ ઘ્રાણેન્દ્રિય (સૂંઢ) સુવિકસિત જોવા મળે છે. સામાજિક સંપર્ક જાળવવામાં ગંધ એક મહત્વનું પરિબળ છે.
હાથીમાં ચોક્કસ પ્રજનનકાળ હોતો નથી. 12 વર્ષની ઉંમરે હાથીનું બચ્ચું (મદનિયું) પ્રજનનશક્તિ ધરાવે છે. ઋતુમાં આવેલી હાથણી સાથે નર હાથી સમાગમ કરે છે. હાથણીનો ગર્ભાવધિકાળ 22 મહિના જેટલો લાંબો હોય છે. સામાન્ય રીતે તે એક (ક્વચિત્ બે) બચ્ચાને જન્મ આપે છે. હાથીનું આયુષ્ય 50 થી 70 વર્ષનું માનવામાં આવે છે. ઉંમર વધતાં હાથીનાં કાન અને પીઠનો રંગ ઝાંખો પડે છે. દાઢની સપાટી ઘટતાં ખોરાક લેવામાં પડતી મુશ્કેલીને કારણે હાથીનું કુદરતી રીતે મૃત્યુ થાય છે.
ભારતીય હાથીની પીઠ ગોળાકાર હોય છે, જ્યારે આફ્રિકન હાથીની પીઠ અંતર્ગોળ. ભારતીય હાથીના કર્ણપલ્લવ નાના અને ત્રિકોણાકાર હોય છે અને તેના કપાળમાં બે ઉભાર જોવા મળે છે. આફ્રિકન હાથીનું કપાળ ગોળાઈવાળું છે. ભારવાહક પશુ તરીકે ભારતીય હાથીનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. તેમને સહેલાઈથી કેળવી શકાય છે. તેથી લશ્કરમાં, સરકસમાં કે જંગલોમાં ભારે લાકડાંના વહન માટે તે અતિઉપયોગી સાબિત થયેલ છે. આફ્રિકન હાથીની પ્રકૃતિ ઉગ્ર હોવાથી તેમને કેળવી શકાતા નથી.
ભૂતકાળમાં જોવા મળતી હાથીની અનેક જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. હાલની જાતિઓ માટે પણ મનુષ્યનું સંકટ યથાવત્ જોવા મળે છે. હાથીદાંતનો ઉપયોગ અને માનવ-વસવાટ માટે વધુ ને વધુ વન્યભૂમિનું સંપાદન આ બંને બાબતો આ પ્રાણીના અસ્તિત્વ માટે ખતરો સર્જી રહી છે.
દિલીપ શુક્લ