કલ્પતરુરસ : આયુર્વેદિક રસૌષધિ. શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, શુદ્ધ મન:શિલ, સુવર્ણમાક્ષિક ભસ્મ અને ફુલાવેલો ટંકણખાર – આ છ ઔષધિઓ 10-10 ગ્રામ; સૂંઠ અને લીંડીપીપર 20-20 ગ્રામ તથા કાળાં મરી 100 ગ્રામ લેવામાં આવે છે. સૂંઠ, મરી, પીપરનું બારીક ચૂર્ણ બનાવી, પછી પાકા કાળા આરસના ખરલમાં પ્રથમ પારો અને ગંધક મેળવી, તેને ઘૂંટી કજ્જલી કરી તેમાં મન:શિલ, સુવર્ણમાક્ષિક અને ટંકણખાર અનુક્રમે મેળવતાં જઈ ઘૂંટવામાં આવે છે. છેવટે તેમાં સૂંઠ-મરી-પીપરનું ચૂર્ણ મેળવી, સારી રીતે દવા ઘૂંટીને એકરસ કરી તેની 2-2 રતીની ગોળીઓ વાળીને લેવામાં આવે છે. માત્રા : 1થી 2 રતી (121થી 242 મિગ્રા.) દવા આદુના કે તુલસીના રસ અને મધ સાથે દિવસમાં 2 વાર લેવાય છે.
આ ઔષધિ ખાસ કરી વાયુ તથા કફદોષપ્રધાન દર્દો, જેવાં કે તાવ, ખાંસી, શરદી, શ્વાસ, મુખમાંથી લાળ પડવી, ઠંડી લાગવી (મલેરિયા), મંદાગ્નિ અને અરુચિ વગેરેમાં વપરાય છે. કફ-વાતજ મસ્તકપીડા વખતે આ દવાના સૂક્ષ્મ ચૂર્ણનું નસ્ય દેવાથી તરત લાભ થાય છે. કફદોષપ્રકોપથી ભયંકર મોહ, મંદ મંદ બકવાટ અને છીંક આવવામાં અવરોધ વખતે પણ આ રસનું નસ્ય આપવાથી લાભ થાય છે. તાવપીડિત રોગીની છાતીમાં જ્યારે કફ ભરાયેલ હોય, શ્વાસકષ્ટ અને ગભરામણ હોય, ત્યારે આ રસનું સેવન ચમત્કારી ફાયદો કરે છે. ભારે કફજ્વરથી દર્દી જો બેભાન થઈ ગયો હોય અને દાંત બંધાઈ ગયા હોય તેવી અવસ્થામાં આ દવા દર્દીના બંને નાકમાં ભૂંગળી વડે ફૂંકીને નસ્ય દેવાથી, તે તત્કાળ ભાનમાં આવી જાય છે.
બળદેવપ્રસાદ પનારા