સંધુ, વરિયમસિંગ (. 5 ડિસેમ્બર 1945, ચાવિંડા કલન, જિ. અમૃતસર, પંજાબ) : પંજાબી લેખક. તેમણે ગુરુનાનક દેવ યુનિવર્સિટીમાંથી પંજાબીમાં એમ.એ.; પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ.; અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ જાલંધરમાં લ્યાલપુર ખાલસા કૉલેજમાં પંજાબીના અધ્યાપક તરીકે કાર્યરત છે. તેઓ પંજાબ યુનિવર્સિટીમાં સેનેટ-સભ્ય; પંજાબ સાહિત્ય અકાદમીના કારોબારી સભ્ય તથા પંજાબ લેખક સભાના સભ્ય રહ્યા છે.

તેમણે પંજાબીમાં 8 ગ્રંથો આપ્યા છે તેમાં ‘લોહે દે હાથ’ (1971); ‘અંગ સંગ’ (1980); ‘ભજિયન બહિન’ (1987) તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ‘વાપસી’ (1986) તેમની દીર્ઘ વાર્તા છે. ‘કુલવંતસિંગ વિર્ક દા કહાની સંસાર’ (1979) વિવેચનગ્રંથ છે. ‘કથાધારા’ (1993) વાર્તાસંગ્રહોનું સંપાદન છે.

તેમને પંજાબ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ 1980-81; મનજીત યાદગરી પુરસ્કાર 1993; ભાઈ વીરસિંગ પુરસ્કાર તથા વારિસ શાહ પુરસ્કાર – 1997 મળેલા છે.

બળદેવભાઈ કનીજિયા