પટેલ, ઊર્મિલાબહેન ચીમનભાઈ (જ. 5 માર્ચ 1932, વડોદરા; અ. 21 એપ્રિલ 2016, અમદાવાદ) : ગુજરાતનાં જાણીતાં સામાજિક કાર્યકર, કેન્દ્રીય મંત્રીમંડળનાં ભૂતપૂર્વ સભ્ય તથા રાજ્યસભાનાં સભ્ય. પિતા પ્રેમાનંદ વ્યવસાયે ડૉક્ટર. માતાનું નામ નર્મદાબહેન. પ્રાથમિક શિક્ષણ વીસનગર તથા મહેસાણા ખાતે અને માધ્યમિક શિક્ષણ ટી. જે. હાઈસ્કૂલ, વડોદરામાં લીધું. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે જી.એ.ની પરીક્ષા પાસ કર્યા પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાંથી સમાજશાસ્ત્ર વિષય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીની બી.એડ્.ની અને ગૂજરાત વિદ્યાપીઠની ‘વિદ્યાવાચસ્પતિ’(પીએચ.ડી.ને સમકક્ષ)ની પદવીઓ મેળવી. અભ્યાસ દરમિયાન કૉલેજ વિદ્યાર્થી મંડળની પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય ભાગ લેતાં હતાં. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિનયન વિદ્યાશાખાના વિદ્યાર્થી મંડળનાં તેઓ અધ્યક્ષ રહેલાં. 1948માં ચીમનભાઈ પટેલ સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં અને ત્યારપછીની પતિની સાડાચાર દાયકા ઉપરાંતની જાહેર કારકિર્દી દરમિયાન સતત ક્રિયાશીલ રહ્યાં.
પ્રકાશ હાઈસ્કૂલ તથા સી. એન. વિદ્યાવિહાર, અમદાવાદ ખાતે શિક્ષિકા તરીકે સેવાઓ આપ્યા બાદ 1960માં અમદાવાદની સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કૉલેજમાં સમાજશાસ્ત્ર વિષયનાં પ્રાધ્યાપિકા (1960-67) અને તે વિભાગનાં વડાં તરીકે અને 1967થી 1992 દરમિયાન તે જ કૉલેજમાં આચાર્યા તરીકે કામ કર્યું. સાથોસાથ ગુજરાત યુનિવર્સિટીનાં વિવિધ અધિકારમંડળોમાં પણ તેઓ સક્રિય હતાં.
1949માં સામાજિક ક્ષેત્રે પદાર્પણ કર્યા પછીના અત્યાર સુધીના સાત દાયકા દરમિયાન રાજ્યકક્ષાની, રાષ્ટ્રીય કક્ષાની તથા આંતરરાષ્ટ્રીય કક્ષાની ઘણી સંસ્થાઓમાં વિવિધ હેસિયતથી નોંધપાત્ર કામગીરી કરી છે. આ સંસ્થાઓમાં કેળવણીક્ષેત્રે કામ કરતી સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ફાઉન્ડેશન; ગુજરાત કેળવણી ટ્રસ્ટ; મંદબુદ્ધિનાં બાળકોના શિક્ષકો માટે તાલીમ આપતી કૉલેજ તથા શિશુવિકાસની સંકલિત પ્રવૃત્તિઓ, ઓછી આવક ધરાવતા ગ્રામ તથા શહેરી વિસ્તારોના પરિવારોની સ્ત્રીઓ માટે સ્વરોજગારલક્ષી પ્રવૃત્તિઓ, પ્રૌઢશિક્ષણની પ્રવૃત્તિઓ, રાજ્યના હરિજન તથા આદિવાસી લોકો માટે આવક-ઉપાર્જનની પ્રવૃત્તિઓ તથા અપંગ અને મંદ્બુદ્ધિનાં બાળકોના પુન:સ્થાપનની પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ વિશેષ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત અમદાવાદ ખાતે ‘નયા જીવન’ અને ‘નયા રાસ્તા’ નામથી નશીલા પદાર્થોના સેવનની બદી દૂર કરવાના હેતુથી ચલાવવામાં આવતાં સલાહ અને માર્ગદર્શન કેન્દ્રો(counselling centres)નાં તેઓ સંચાલિકા હતાં, જેને લીધે 7,000 ઉપરાંતને વ્યસનમુક્ત કરવામાં સફળતા મળી હતી. તેઓ ઇન્ડિયન ઍસોસિયેશન ઑવ્ પાર્લમેન્ટેરિયન્સ ફૉર પૉપ્યુલેશન ઍન્ડ ડેવલપમેન્ટનાં ઉપપ્રમુખ, એશિયન ફોરમ ઑવ્ પાર્લમેન્ટેરિયન્સ ફૉર પૉપ્યુલેશન ઍન્ડ ડેવલપમેન્ટનાં ઉપાધ્યક્ષ તથા ગુજરાત વિમેન્સ ઍક્શન ગ્રૂપનાં અધ્યક્ષ હતાં.
તેમણે વિવિધ નિમિત્તોએ યુરોપ, અમેરિકા અને એશિયાના અનેક દેશોનો પ્રવાસ ખેડ્યો હતો.
1993થી તેઓ છ વર્ષ(1993-99)ની મુદત માટે રાજ્યસભાનાં સભ્ય તરીકે ગુજરાતમાંથી ચૂંટાયેલાં. 199496 દરમિયાન ઊર્જા-મંત્રાલયનાં રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે કેન્દ્રીય મંત્રીમંડળમાં તેમનો સમાવેશ થયો હતો.
તેમના પુત્ર સિદ્ધાર્થ ચીમનભાઈ પટેલ ગુજરાત કૉંગ્રેસમાં અગ્રણી નેતા છે.
તેમણે લખેલાં પુસ્તકોમાં ‘ધ ડેવલપિંગ કમ્યુનિટીઝ ઑવ્ ગુજરાત (ચેન્જિઝ ઇન ધ પૉઝિશન ઑવ્ અનટચેબલ્સ : 1950-80)’ અને ‘વર્લ્ડ ફૂડ બૅન્ક’ – એ અંગ્રેજીમાં તથા ‘નર્મદા સત્યાગ્રહ’ અને ‘સત્ય તથ્યની ભીતરમાં’ એ ગુજરાતીમાં લખેલ પુસ્તકો ઉલ્લેખપાત્ર છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે