પટનાયક, વસન્તકુમારી (જ. 1923, કટક) : ઊડિયા લેખિકા. ઉત્કલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એ. (પ્રથમ વર્ગમાં). 1951માં તેમની ટૂંકી વાર્તાઓનો પ્રથમ સંગ્રહ પ્રકાશિત. તેમની નવલકથા ‘અમડા બાટ’(1951)-એ તેમને સાહિત્યક્ષેત્રે પ્રતિષ્ઠિત કર્યાં. એ કથા પરથી ફિલ્મ પણ બની છે. 1956માં એમનો કાવ્યસંગ્રહ ‘ચિતાનલ’ પ્રગટ થયો. તેમની પાસેથી 1958માં ‘પાતાલ ઢેઉ’ તથા 1959માં ‘જીવનચિહ્ન’ – એ બે વાર્તાસંગ્રહો મળ્યા. ‘જ્વારભાટા’ (1961) તેમનો એકાંકીસંગ્રહ છે. એમની નવલકથા ‘અમડા બાટ’નો બીજો ભાગ ‘ચોરાબાલિ’ 1973માં બહાર પડ્યો. 1974-75 દરમિયાન એમના 64 પ્રેમપત્રોનો ‘અલિભામિતા’ નામનો જે સંચય પ્રસિદ્ધ થયો, તેણે ઊડિયા પત્રસાહિત્યમાં ઉલ્લેખનીય સ્થાન પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત ‘ઝંકાર’ તેમજ ‘સહકાર’ જેવાં જુદાં જુદાં સામયિકોમાં તેમણે સંખ્યાબંધ નિબંધો આપ્યા છે.
એમની કૃતિઓમાં એમણે સ્ત્રીઓની સમાજમાં થતી અવહેલના અંગે તથા એમની પર ગુજારાતા ત્રાસનું કરુણ ચિત્ર આપ્યું છે. એમનાં નારીપાત્રો અન્યાયનો પ્રતિકાર પણ કરે છે. તેઓ નિવૃત્ત થયા પછી એમનો પૂરો સમય સામાજિક-સાંસ્કૃતિક સેવામાં વિતાવે છે. નારી-ઉત્થાન માટેની એમની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં લઈ ઊડિયા સરકાર તરફથી તેમનું સુવર્ણચંદ્રક આપી બહુમાન કરવામાં આવેલું.
ચન્દ્રકાન્ત મહેતા