હદ્દુખાં (જ. ?; અ. 1875, ગ્વાલિયર) : ગ્વાલિયર ઘરાનાના શ્રેષ્ઠ ગાયક અને ઉસ્તાદ હસ્સુખાંના નાના ભાઈ. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મોટા ભાગના ઘરાનાનું ઊગમસ્થાન આ બે ભાઈઓના યોગદાનને આભારી છે. મૂળભૂત રીતે તેઓ લખનૌના નિવાસી હતા. તેમના દાદા નથ્થન પીરબખ્શ અને પિતા કાદિરબખ્શ બંને હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગાયકો હતા. હદ્દુખાં અને હસ્સુખાંને શાસ્ત્રીય સંગીતની તાલીમ નથ્થન પીરબખ્શે આપી હતી. હસ્સુખાં અને હદ્દુખાં આ બંને ભાઈઓ ગ્વાલિયર મહારાજાના આશ્રિત અને દરબારી ગાયક હતા. એક વાર જયપુરના રાજદરબારમાં આ બંને ભાઈઓનો સંગીત-કાર્યક્રમ યોજાયો, જેમાં તેમણે સાબિત કરી આપ્યું કે જયપુર ઘરાનાની ગાયકી કરતાં ગ્વાલિયર ઘરાનાની ગાયકી શ્રેષ્ઠ છે. વર્ષ 1859માં મોટા ભાઈ હસ્સુખાંના અવસાન પછી હદ્દુખાં પર તીવ્ર માનસિક અસર થયેલી, જેને કારણે તેમની સંગીત કારકિર્દીમાં વિક્ષેપ પડ્યો હતો. તેથી તેઓ ગ્વાલિયર છોડીને ફરી પોતાના વતન લખનૌ જતા રહેલા, જ્યાં તેમણે સંગીતની સાધના ફરી ચાલુ કરી, જેને કારણે હદ્દુખાંને કીર્તિ અને લોકપ્રિયતા પ્રાપ્ત થયાં. ત્યાર બાદ તેઓ થોડાક સમય માટે કોલકાતા જતા રહેલા, જ્યાં તેમના શાસ્ત્રીય સંગીતના જાહેર કાર્યક્રમો વખણાયા. ત્યાર બાદ ગ્વાલિયરનરેશે તેમને ફરી ગ્વાલિયર આવીને દરબારી ગાયક બનવાનું આમંત્રણ આપ્યું, જે તેમણે સ્વીકાર્યું અને ત્યાર પછીનું સમગ્ર જીવન તેમણે દરબારી ગાયક તરીકે ગ્વાલિયરમાં વિતાવ્યું. તેમને જે કેટલાક રાગો ખૂબ પ્રિય હતા તેમાં યમન, તોડી, મિયાં-મલ્હાર, બિહાગ અને દરબારી કાનડાનો સમાવેશ થતો હતો. તેમનો અવાજ અત્યંત મધુર અને કર્ણપ્રિય હતો.
તેમના અવસાનના શોકમાં ડૂબેલા ગ્વાલિયરનરેશે એક અઠવાડિયા માટે સંપૂર્ણ મૌન રાખ્યું હતું.
હદ્દુખાંના સૌથી નાના પુત્ર ખાંસાહેબ રહિમતખાંને જનતા દ્વારા ‘ભૂગંધર્વ’ એવી પદવી એનાયત કરવામાં આવી હતી અને તેમના પિતાના અવસાન પછી ગ્વાલિયર દરબારના ગાયક નિમાયા હતા.
ભારતની જાણીતી સરકસ કંપનીના માલિક વિષ્ણુપંત છત્રે હદ્દુખાંસાહેબના શિષ્ય હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે