હટન, જ્હૉન હેન્રી (જ. 27 જૂન 1885; અ. 1968) : ઇંગ્લૅન્ડના નૃવંશશાસ્ત્રી. તેમણે શાળાનું શિક્ષણ ચિંગવેલ (Chingwell) અને કૉલેજનું શિક્ષણ વુસ્ટર (Worcestor) અને ઑક્સફર્ડ (Oxford) યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કર્યું. અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી નૃવંશશાસ્ત્રી તરીકેની તાલીમ તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી લીધી. ત્યાર પછી તેઓ ભારતમાં આવ્યા. સને 1909માં તેમની નિમણૂક બંગાળના આસિસ્ટન્ટ મૅજિસ્ટ્રેટ તરીકે થઈ. 1912માં હટને આસિસ્ટન્ટ કમિશનર તરીકે નાગા હિલ્સ વિસ્તારમાં કાર્ય કર્યું. 1917માં પોલિટિકલ ઑફિસર તરીકે કુકી ઑપરેશન્સમાં કાર્ય કર્યું. આ કામ તેમણે 12 વર્ષ સુધી કર્યું.
1929માં તેમની નિમણૂક ભારત સરકારના સેન્સસ કમિશનર તરીકે કરવામાં આવી. સર રિઝલે પછી ભારતની વસ્તીગણતરીના કમિશનર તરીકે નોંધપાત્ર કામગીરી કરી. 1931ની વસ્તીગણતરીના કમિશનર હોવાને લીધે તેમની અભિરુચિ ભારતીય વસ્તીમાં વિદ્યમાન પ્રજાતીય તત્વો તરફ વધી. તેમણે રીઝલે દ્વારા આપવામાં આવેલ ભારતીય વસ્તીના વર્ગીકરણનો અસ્વીકાર કર્યો.
ભારતની વસ્તીગણતરીના કમિશનર તરીકે હટને પ્રાપ્ત કરેલી હકીકતોના આધારે પ્રજાતિઓનું વર્ગીકરણ, વિશ્લેષણ અને વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં તેમણે પોતાના મિશ્ર પ્રજાતિના ખ્યાલને પ્રસ્તુત કર્યો.
1934માં તેમની નિમણૂક ડેપ્યુટી કમિશનર તરીકે નાગા હિલ્સમાં થઈ. 1936માં નિવૃત્તિ લીધી. નિવૃત્તિ પછી તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સમાજ નૃવંશશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે જોડાયા, જ્યાં તેમને વિલિયમ વાઇસે (William Wyse) અને ફ્રેઝર (Frazer) જેવા વિદ્વાનો સાથે કામ કરવાની તક મળી. તેઓ પુન: ભારતમાં આવ્યા અને લાંબો સમય લગભગ આઠ વર્ષ સેમા નાગા આદિવાસી સમુદાય વચ્ચે રહીને નાગા લોકોનો અભ્યાસ કર્યો. હટને નાગા લોકોની બોલી અને ભાષા શીખીને નૃવંશશાસ્ત્રીય સંશોધન હાથ ધર્યું, તેના આધારે પુસ્તક પ્રકાશિત કર્યું. આવો જ બીજો સઘન અભ્યાસ અંગામી નાગા સમુદાયનો કર્યો; જેમાં તેમની ધાર્મિક માન્યતાઓ, વિધિ અને તહેવારો, લગ્ન અને મૃત્યુના સંદર્ભમાં જોવા મળતા નિષેધોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને અભ્યાસ કર્યો. એક કુશળ વહીવટદાર તરીકે તેઓ આ સમુદાયમાં જોવા મળતા વાદવિવાદો અને ઝઘડાનો ઉકેલ લાવ્યા હતા.
આ બંને અભ્યાસો માટે તેમણે સ્થાનિક દુભાષિયાની મદદ લીધી હતી. તેમનાં લોકગીતોનું રેકૉર્ડિંગ કરીને અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. માનવમિતિવિષયક માહિતી મેળવીને તેમના રક્તસમૂહોનો અભ્યાસ કર્યો હતો. વનસ્પતિશાસ્ત્રીની મદદ લઈને સ્થાનિક વનસ્પતિની ઓળખ મેળવી હતી. વહીવટદારની મદદ લઈને પક્ષીની ઓળખ મેળવી હતી અને તેને આધારે નિબંધાત્મક વર્ણન આપ્યું હતું. તેમાં હટનની એક કુશળ એથ્નૉગ્રાફર તરીકેની છાપ ઊપસી છે. પોતાના જીવના જોખમે માહિતી પ્રાપ્ત કરીને તેની ચકાસણી તેમણે કરી છે. આના આધારે લખાયેલા કેટલાક અભ્યાસલેખો સંશોધન-સામયિકોમાં પ્રકાશિત થયા છે. વસ્તીગણતરીના ગ્રંથોમાં તેમણે નાગા આદિવાસીની તુલના આસામના આદિવાસીઓ સાથે કરી છે.
હટનને નૃવંશશાસ્ત્રી તરીકેની કારકિર્દી દરમિયાન કેટલાક ચંદ્રકો મળ્યા છે, જેમાં રિવર્સ મેમૉરિયલ ચંદ્રક (1928); રૉયલ સોસાયટી ઑવ્ આર્ટ્સ સિલ્વર ચંદ્રક (1931–32); બંગાળની એશિયાટિક સોસાયટીનો અન્નાદુલે સુવર્ણચંદ્રક (1937); હાઇશેરિફ ઑવ્ રેડોનશાયર (1943); ઑનરરી ફેલો ઑવ્ કૅથલિક કૉલેજ, કેમ્બ્રિજ (1951) તરીકેનું સન્માન પણ તેમને મળ્યું હતું. તેમનાં પ્રકાશનો આ પ્રમાણે છે :
(1) ધ અંગામી નાગાઝ; (2) ધ સેમા નાગાઝ; (3) કાસ્ટ ઇન ઇન્ડિયન; (4) રિપોર્ટ ઑન ધી સેન્સસ ઑવ્ ઇન્ડિયા (1933); (5) અ પ્રિમિટિવ ફિલૉસૉફી ઑવ્ લાઇફ (ફ્રાઝર લેક્ચર); (6) ધ કનેક્શન ઑવ્ ડિફરન્ટ નાગાઝ ઑવ્ આસામ; સેન્સસ ઑવ્ ઇન્ડિયા પાર્ટ 3; (7) એથ્નૉગ્રાફિક નોટ્સ બાય વેરિયસ હેન્ડ્સ સેન્સસ ઑવ્ ઇન્ડિયા.
હર્ષિદા દવે