સંગરુર : પંજાબ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 44´થી 30° 42´ ઉ. અ. અને 75° 18´થી 76° 13´ પૂ. રે. વચ્ચેનો 5,021 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે લુધિયાણા જિલ્લો, પૂર્વમાં પતિયાળા જિલ્લો, દક્ષિણે હરિયાણા રાજ્યની સીમા, પશ્ચિમે બથિંડા જિલ્લો તથા વાયવ્યમાં ફરીદકોટ જિલ્લો આવેલા છે. જિલ્લામથક સંગરુર જિલ્લાના મધ્યભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાનું સમગ્ર ભૂપૃષ્ઠ સમતળ મેદાની વિસ્તારથી બનેલું છે. અહીં ટેકરીઓ કે નદીઓ આવેલી નથી. જિલ્લાની ભૂમિ પાવધ અને જાંગલ નામે ઓળખાતા બે કુદરતી વિભાગોમાં વહેંચાયેલી છે. ખેડાણ માટે સમૃદ્ધ ગણાતી ઉત્તર તરફની મલેરકોટલા તાલુકાની જમીનો માટીવાળી ગોરાડુ પ્રકારની છે. અહીં સિંચાઈ મોટેભાગે કૂવાઓ દ્વારા થાય છે. અહીં ભૂગર્ભજળ ઓછી ઊંડાઈએથી મળી રહે છે. જાંગલ-વિભાગમાં આવતી સંગરુર તાલુકાની જમીનો રેતાળ ગોરાડુ પ્રકારની છે. અહીં સિંચાઈ નહેરો દ્વારા મળે છે.
જળપરિવાહ : આ જિલ્લામાંથી કોઈ મોટી નદી પસાર થતી નથી, પરંતુ ચોમાસા દરમિયાન, સરહિંદ ચોયા અને ઝાંબોવાલી ચો થોડા વખત માટે સંગરુર તાલુકામાંથી ઝડપી ગતિએ વહી જાય છે. ઘગ્ગર નદી જિલ્લાના થોડાક ભાગમાંથી પસાર થાય છે, પરંતુ જિલ્લા માટે તેનું કોઈ વિશેષ મહત્ત્વ નથી.
સરહિંદ નહેર સિંચાઈનો મુખ્ય સ્રોત છે, તેના બે ફાંટા પડે છે, ઉત્તર તરફ બથિંડા ફાંટો અને મધ્યમાં કોટલા ફાંટો. ભાકરા મુખ્ય નહેર પણ આ જિલ્લાના છેક દક્ષિણ ભાગમાં થઈને જાય છે. જિલ્લામાંથી પસાર થતા બધા જ ફાંટા ઈશાનથી નૈર્ઋત્ય તરફ જાય છે.
ખેતી–પશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર કૃષિપેદાશો પર આધારિત છે. ઘઉં, શેરડી, ડાંગર, મકાઈ, બાજરી, મગફળી અને કપાસ અહીંના મુખ્ય કૃષિપાકો છે. ખેતી માટે બિયારણ, રાસાયણિક ખાતરો, કીટનાશકો તેમજ અદ્યતન કૃષિસાધનોનો ઉપયોગ થાય છે, આ પ્રકારની સુવિધાઓથી ખાદ્યાન્નનું પ્રમાણ વધ્યું છે. નહેરો, નળકૂપ, પંપસેટ અને કૂવાઓનો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે.
ગાયો, ભેંસો, બળદ, ઊંટ, ઘોડા, ટટ્ટુ, ગધેડાં, ખચ્ચર અને ઘેટાં-બકરાં અહીંનાં મુખ્ય પશુઓ છે. દુધાળાં ઢોરની સંખ્યા અહીં વધુ છે. મરઘાં-બતકાંનો ઉછેર પણ વધ્યો છે. પશુઓ માટે અહીં દવાખાનાં તેમજ પશુઓ માટેની જાણકારીની સંસ્થાઓ આવેલી છે.
ઉદ્યોગો–વેપાર : વીસમી સદીની શરૂઆતનાં વર્ષોમાં ભદૌર પિત્તળની ઘંટડીઓ, વાસણો અને પાત્રો માટે; સુનામ સુતરાઉ પાઘડીઓ, ખેસ અને ચટાઈઓ માટે; બરનાલા સાદડીઓ માટે અને સંગરુર ફૂલકારી, ભરતકામ, દેશી પગરખાં અને સોનારૂપાના દાગીના માટે જાણીતાં હતાં. અહીંના કુશળ કારીગરો લાકડાનાં ગાડાં, પેટીઓ, જરીકામ માટે, હાથીદાંત પરનાં નકશીકામ માટે, પિત્તળ-તાંબાનાં વાસણો માટે, ખેસ, શેતરંજીઓ અને ભરત ભરેલી મોજડીઓ માટે જાણીતા બન્યા હતા. મલેરકોટલા તેનાં કૃષિઓજારો, તગારાં, હળ, તવા અને ડોલો માટે તથા સર્વેક્ષણનાં સાધનો માટે ઉત્તર ભારતમાં જાણીતું બન્યું હતું. 1904માં રૂ માટે જિનિંગ-પ્રેસિંગ મિલ સ્થપાયેલી અહીંનાં કારખાનાં ત્યારે વરાળ અને ડીઝલનાં એન્જિનથી ચલાવાતાં હતાં.
આ જિલ્લામાં મોટા પાયા પરના ઉદ્યોગો વિકસ્યા નથી. ભાકરા જળવિદ્યુત-મથકમાંથી વીજપુરવઠો મળવાથી ઔદ્યોગિક એકમો નંખાયા છે. નાના પાયા પરના ઉદ્યોગોમાં આ જિલ્લો વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મલેરકોટલા ખાતે કુશળ શ્રમિકો મળી રહેતા હોવાથી ત્યાં આવા એકમો સ્થપાયા છે. ગ્રામીણ ક્ષેત્રે કુટિરઉદ્યોગોનું પ્રમાણ વધુ છે; તેમાં હાથસાળ-વણાટકામનાં દોરડાં, ચામડાં કમાવાના, પગરખાં અને ચામડાના સામાનના, ગોળ અને ખાંડસરીના તથા ખાદી-ઉત્પાદનના એકમોનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકાર અહીંના ઉદ્યોગોને, એકમોને તથા કારીગરો-શ્રમિકોને પ્રોત્સાહન આપે છે. સરકાર કાચો માલ, કોલસો, સિમેન્ટ વગેરેની વ્યવસ્થા કરી આપે છે; એટલું જ નહિ, જરૂરી યંત્રસામગ્રી, પુરજા, વગેરે દેશમાં ન મળતાં હોય તો તે આયાત કરવા માટેના પરવાના પણ મંજૂર કરાવી આપે છે, તકનીકી તાલીમ માટેની વ્યવસ્થા પણ રાજ્ય સરકારે ઊભી કરી છે. મહિલાઓ માટેના સીવણવર્ગો, ભરતગૂંથણના વર્ગો પણ ચાલુ કરેલા છે.
જિલ્લાનાં નગરોમાં સાઇકલો, સાઇકલોના પુરજા, વાઢકાપનાં સાધનો, પાણીના નળનાં સાધનો અને વીજસામગ્રી વગેરેનાં નાનાંમોટાં ઘણાં કારખાનાં કાર્યરત છે. આ જિલ્લામાં ઑર્ગેનિક કેમિકલ્સ લિ., માલવા કૉટન સ્પિનિંગ મિલ્સ લિ., નહાર ફાઇબર્સ લિ. અને પંજાબ પાવર જનરેશન મશીન્સ લિ. જેવા ઉદ્યોગો કાર્યરત છે.
સંગરુર જિલ્લો મુખ્યત્વે તો કૃષિપ્રધાન છે. ઘઉં, ડાંગર, મકાઈ અને જવ ઉપરાંત અહીં મગફળી, શેરડી અને કપાસનો વેપાર ચાલે છે. આ જિલ્લો પંજાબ રાજ્યના દક્ષિણ ભાગમાં તેમજ દિલ્હીથી પ્રમાણમાં દૂર આવેલો હોવાથી અહીં બજારો વિકસ્યાં છે. બરનાલા, ધૂરી, મલેરકોટલા, સંગરુર, સુનામ, અહમદગઢ, તાપા, ખાનૌરી અને ભવાનીગઢ ખાતે ખરીદ-વેચાણકેન્દ્રો ઊભાં કરાયાં છે.
પરિવહન : આ જિલ્લાનું અર્થતંત્ર કૃષિ-આધારિત હોવાથી ગામડાંને શહેરો સાથે સડકમાર્ગોથી જોડવામાં આવ્યાં છે. જિલ્લામાં ત્રણ રાજ્યધોરીમાર્ગો અને આઠ જિલ્લામાર્ગો આવેલા છે. અહીંનાં શહેરો આજુબાજુના જિલ્લાઓનાં શહેરો સાથે પાકા રસ્તાઓથી સંકળાયેલાં છે. જિલ્લામાં ઉત્તર-દક્ષિણ દિશામાં તેમજ પૂર્વ-પશ્ચિમ દિશામાં બ્રૉડગેજ રેલમાર્ગો પથરાયેલા છે. સંગરુર, સુનામ, મલેરકોટલા, બરનાલા, ધુરી વગેરે રેલમાર્ગો દ્વારા જોડાયેલાં છે.
પ્રવાસન : જિલ્લામાં સંગરુર, મલેરકોટલા, સુનામ, બરનાલા, અહમદગઢ, તાપા જેવાં મુખ્ય સ્થળો જોવાલાયક છે.
મલેરકોટલા : તાલુકામથક. અગાઉના વખતના મલેરકોટલા દેશી રાજ્યનું તે મુખ્ય મથક હતું. ભૌગોલિક સ્થાન : 30° 32´ ઉ. અ. અને 75° 59´ પૂ. રે.. તે જિલ્લામથક સંગરુરથી ઉત્તરે 32 કિમી. તથા લુધિયાણાથી દક્ષિણે 48 કિમી.ને અંતરે આવેલું છે તેમજ લુધિયાણા-જાખાલ-હિસ્સાર રેલમાર્ગ પરનું (રેલ)મથક છે. આ નગર મલેર અને કોટલા નામના બે વિભાગોમાં વહેંચાયેલું છે. આ બંને વિભાગો મોતી બજારથી જોડાયેલા છે. મલેર 1466માં અને કોટલા 1656માં અનુક્રમે સદરુદ્દીન અને બાયઝિદખાને સ્થાપેલાં. મલેર સ્થાપનાર સદરુદ્દીન ખૂબ પવિત્ર માણસ હતો અને મુલતાની પીર રુબ્ન આલમનો શિષ્ય હતો. પીરને છોડીને તે મલેરકોટલા નજીકના ભૂમસી ખાતે આવીને વસેલો. બહલોલ લોદી દિલ્હી પર આક્રમણ કરવા જતી વખતે અહીં રોકાયેલો અને સદરૂદ્દીનને મળેલો. દિલ્હીનો બાદશાહ બન્યા પછી તેણે પોતાની શાહજાદીને સદરૂદ્દીન સાથે પરણાવેલી તથા દહેજમાં 68 ગામો આપેલાં. તેના મોટા પુત્રના વંશજો મલેરકોટલાના શાસકો બનેલા; જ્યારે નાના પુત્રના વંશજો ખલિફા બનેલા. આ ખલિફાઓ 1515માં મૃત્યુ પામેલા સદરૂદ્દીનના દફન-સ્થળના રક્ષકો રહેલા. દર ગુરુવારે આ સ્થાનકે મેળો ભરાય છે. અહીં રોકડ રકમ અને ચીજવસ્તુઓ ભેટ તરીકે ચઢાવાય છે. દર વર્ષે અહીંની આશરે બે લાખ રૂપિયાની ભેટ ખલિફાઓમાં વહેંચી દેવાય છે. આ દેશી રાજ્ય જ્યારે પેપ્સુ(પતિયાળા ઍન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન)માં ભેળવાયું ત્યારે નવાબ ઇફ્તિહારખાન ત્યાંનો શાસક હતો. શીશમહલ અથવા દીવાનખાના તથા મોતીબજાર આ નગરમાંનાં આકર્ષણોનાં મુખ્ય કેન્દ્રો છે. મોતીબજાર બે માળની દુકાનોથી સજ્જ બનાવાયું છે, ત્યાં અનાજનું બજાર પણ છે.
સુનામ : મૂળનામ સૂરજપુર. ભૌગોલિક સ્થાન : 30° 08´ ઉ. અ. અને 75° 52´ પૂ. રે.. 1860માં ફિરોઝ શાહે ખોદાવેલી નહેરની સીધી રેખામાં સૂરજકુંડ આવેલો છે. તેના પરથી આ નગરનું નામ પડ્યું છે. આ સ્થળ સંગરુરથી રેલમાર્ગ 13 કિમી. દૂર, જ્યારે સડકમાર્ગે તે 19 કિમી. અંતરે આવેલું છે. તે પતિયાળા અને બથિંડા સાથે પાકા રસ્તે જોડાયેલું છે. આજનું શહેર જૂના કિલ્લાની અંદર તરફ વિકસેલું છે.
1964માં અહીં ગ્રામીણ વસાહત સ્થપાયેલી. અહીં રેડિયો કૅબિનેટ અને ટ્રાન્ઝિસ્ટરના પુરજાઓ તથા તેલ-મિલના એકમો આવેલા છે; રૂની જિનિંગ-પ્રેસિંગ ફૅક્ટરીઓ, બરફની ફૅક્ટરી, ઔદ્યોગિક તાલીમી સંસ્થા પણ અહીં આવેલી છે. 1963માં સ્થપાયેલું ચામડાંની ચીજવસ્તુઓ બનાવવા માટેનું ગ્રામીણ વિકાસમથક અહીં આવેલું છે. આ નગરમાં હાઈસ્કૂલો, સિવિલ હૉસ્પિટલ અને પશુદવાખાનું પણ આવેલાં છે.
સરદાર ઉધમસિંહ(રામ બક્ષસિંહ)ની યાદમાં અહીં સ્મારક બનાવાયું છે; તેણે જલિયાંવાલા બાગ ખાતેના હત્યાકાંડ માટે જવાબદાર જનરલ ડાયરને લંડન ખાતે વીંધી નાખેલો. અહીં દર વર્ષે ટુર્નામેન્ટ યોજાય છે. તે જોવા પ્રેક્ષકો અને ભાગ લેનારા આવે છે.
બરનાલા : જૂનું નામ અનહદગઢ. બરનાલા તાલુકાનું (તાલુકા)મથક. ભૌગોલિક સ્થાન : 30° 23´ ઉ. અ. અને 75° 37´ પૂ. રે.. તે સંગરુરથી પશ્ચિમે 38 કિમી.ને અંતરે આવેલું છે અને બથિંડાઅંબાલા રેલમાર્ગ પરનું (રેલ)મથક છે. તે પતિયાળા, લુધિયાણા, બથિંડા, મોગા, ફરીદકોટ અને મનસા સાથે સડકમાર્ગથી જોડાયેલું છે.
1722માં બાબા આલાસિંહે તે વસાવેલું. 1763 સુધી તે રાજધાનીનું સ્થળ રહેલું. પછીથી પતિયાળા રાજધાની બનેલું. જૂનું નગર કોટથી રક્ષિત છે. નગરના અંદરના ભાગમાં જૂનો કિલ્લો આવેલો છે. આજે તેમાં ઉપવિભાગીય મૅજિસ્ટ્રેટની અદાલત તથા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઑવ્ પોલીસનું કાર્યાલય બેસે છે. જિલ્લાનું મોટામાં મોટું અનાજ બજાર અહીં આવેલું છે. ઘઉં, મકાઈ અને કપાસ આ બજારમાં મળે છે.
અહીં પ્રાથમિક શાળાથી કૉલેજ સુધીની શિક્ષણસંસ્થાઓની સંખ્યા વધુ છે, જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ પણ ઊંચું છે. કન્યાકેળવણી તથા વ્યાવસાયિક તાલીમી કેન્દ્રો પણ અહીં આવેલાં છે. આ ઉપરાંત તાલુકામાં સિવિલ હૉસ્પિટલ, પશુદવાખાનું, પોસ્ટ-ઑફિસ, નર્સિંગ હોમ તથા ગીતાભવન અને ધર્મશાળાઓ આવેલાં છે. કૉટન જિનિંગ-પ્રેસિંગનાં કારખાનાં, બરફનાં કારખાનાં, તેલીબિયાં પીલવાની અને લાકડાં વહેરવાની મિલો પણ અહીં છે.
બરનાલા સંગરુરથી 16 કિમી. ઉત્તરે લુધિયાણા-જાખાલ અને બથિંડા-અંબાલાના રેલમાર્ગો પરનું જંકશન છે. પતિયાળાના દેશી રાજ્ય વખતે અહીં બજાર વિકસાવવામાં આવેલું. આજે તે કૃષિપેદાશોનું બજાર બની રહેલું છે. 1990ના દશકા દરમિયાન બરનાલાની વસ્તી પણ વધી છે. અહીં માલવા ખાંડ મિલ, પોલાદનાં પતરાંનું કારખાનું, કપાસની જિનિંગ-પ્રેસિંગ મિલ, તેલમિલો, સુરોખારની રિફાઇનરી આવેલી છે, આ ઉપરાંત સોફાની કમાનો, સ્ટેપલ-પિનો તથા હાર્ડવેરનો સામાન પણ બને છે અને મળે છે.
અહમદગઢ : અગાઉથી યોજનાબદ્ધ રીતે મલેરકોટલાના નવાબ અહમદ અલીખાને તે 1905માં સ્થાપેલું. તે સંગરુરથી સડકમાર્ગે 53 કિમી. દૂર જિલ્લાની ઉત્તર સરહદે લુધિયાણા-જાખાલ રેલમાર્ગ પર આવેલું છે.
અહમદગઢ ખાતે કપાસનાં જિનિંગ-પ્રેસિંગ કારખાનાં, જિલ્લામાંનું પોલાદનાં પતરાંનું મોટામાં મોટું કારખાનું, સુતરાઉ કાપડની મિલો તથા સીવણ-સંચાના પુરજાના એકમો આવેલા છે. આ નગરમાં શાળાઓ, ચિકિત્સાલયો તથા પશુદવાખાનાં આવેલાં છે. મહિલા ઔદ્યોગિક શાળા, સીવણવર્ગો, ચામડાંની ચીજવસ્તુઓ શીખવાના તથા ભરતકામના વર્ગો આ નગરમાં ચાલે છે. આ નગરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા (1979-80) આવેલી છે. વળી આ નગર લુહારીકામનું મથક પણ છે.
તાપા : આ નગર સંગરુરથી 54 કિમી.ને અંતરે તથા બથિંડાથી 56 કિમી.ને અંતરે આવેલું છે. ધ્યાનસ્થ જીવન ગુજારનાર બાબા સુખાનંદના શિષ્ય તાપારામના નામ પરથી આ નગરને નામ અપાયેલું છે. તેમની સમાધિના સ્થાનકે વર્ષમાં બે વાર મેળા ભરાય છે. બથિંડા-અંબાલા રેલમાર્ગની સગવડ મળ્યા બાદ અહીં અનાજનું બજાર વિકસ્યું છે, કપાસ માટેનું તે મુખ્ય બજાર ગણાય છે. અહીં કપાસની સંખ્યાબંધ જિનિંગ-પ્રેસિંગ મિલો આવેલી છે. આ ઉપરાંત અહીં દાળના એકમો, બરફનાં કારખાનાં અને પશુદવાખાનું આવેલાં છે.
જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ વારતહેવારે વિવિધ જાતના મેળા ભરાય છે અને ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. રમતોત્સવો પણ આયોજાય છે.
વસ્તી : સંગરુર જિલ્લાની વસ્તી 2001 મુજબ 19,98,464 જેટલી છે, તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ અનુક્રમે 53.5 % અને 46.5 % જેટલું તથા ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 75 % અને 25 % જેટલું છે. જિલ્લામાં હિન્દુઓ, શીખો અને મુસ્લિમોની વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધોની વસ્તી ઓછી છે. સાક્ષરતાનું પ્રમાણ, હમણાં સુધી 40 % જેટલું હતું, તે હવે શૈક્ષણિક સંસ્થાઓનું પ્રમાણ વધતાં, વધ્યું છે. જિલ્લામાં 7 કૉલેજો આવેલી છે. આયુર્વેદિક દવાખાનાં તેમજ સ્વાસ્થ્ય-સંભાળ યોજનાઓ અમલમાં મુકાઈ હોવાથી તબીબી સેવાનો લાભ લોકો લેતા થયા છે. વસવાટવાળાં 709 ગામોમાંનાં આશરે 45 % ગામડાંઓમાં તબીબી સેવા અપાય છે. આ ઉપરાંત જિલ્લામાં પ્રસૂતિગૃહો, બાળકલ્યાણ કેન્દ્રો, સ્વાસ્થ્યકેન્દ્રો પણ આવેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 4 તાલુકાઓમાં અને 10 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 12 નગરો અને 718 (9 વસ્તીવિહીન) ગામો આવેલાં છે. ગામડાંઓમાં 1991 મુજબ અપાતી સેવાઓનું પ્રમાણ આ પ્રમાણે છે : શિક્ષણ 97.74 %, તબીબીસેવા : 43.86 %, પીવાનું પાણી 100 %, તાર-ટપાલ સેવા : 33 %, બજાર 4 %; સંદેશાવ્યવહાર 79 %, પાકા રસ્તા 98.5 %, ઊર્જા-પુરવઠો 100 %.
ઇતિહાસ : આ જિલ્લાની રચના 1948માં પતિયાળા, નાભા, મલેરકોટલા અને જિંડનાં તત્કાલીન દેશી રાજ્યોમાંથી મલેરકોટલા, સંગરુર, સુનામ અને બરનાલા તાલુકાઓ બનાવીને કરવામાં આવેલી છે. જિલ્લાનું નામ જિલ્લામથક સંગરુર પરથી પાડેલું છે. કહેવાય છે કે સંગુ નામના જાટે સંગરુરની સ્થાપના કરેલી. રાજા સંગતસિંહ દ્વારા 19મી સદીના પહેલા ચરણમાં જિંડ ખાતેની રાજધાની ખસેડીને સંગરુર ખાતે લવાયેલી, કારણ કે સંગરુર પતિયાળા અને નાભાથી નજીક પડતું હતું.
સંગરુર (શહેર) : જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 30° 15´ ઉ. અ. અને 75° 59´ પૂ. રે.. તે લુધિયાણા-જાખાલ-હિસ્સાર રેલમાર્ગ પરનું રેલમથક. જિંડ, બથિંડા, બરનાલા, નાભા, ધુરી, પતિયાળા, મલેરકોટલા અને લુધિયાણા સાથે પાકા રસ્તાથી જોડાયેલું છે.
આ નગરનું ‘સંગરુર’ નામ આશરે 400 વર્ષ અગાઉ જાટ જાતિના સંગુએ સ્થાપેલું હોવાથી પડેલું હોવાનું કહેવાય છે. સંગરુર પતિયાળા અને નાભાની વધુ નજીક હોવાથી રાજા સંગતસિંહે તેની રાજધાની જિંડથી ખસેડીને આ સ્થળે સ્થાપેલી. ત્યારપછીથી રાજા રઘુબીરસિંહે આ નગરમાં બજારો ઊભાં કરાવીને શહેરને નવો ઓપ આપેલો. તેણે જયપુરની બાંધણી મુજબ આ નગરને તૈયાર કરાવેલું. જૂનું નગર કોટથી આરક્ષિત હતું. ભારત સ્વતંત્ર થયા બાદ તે બહારના ભાગોમાં પણ વિસ્તર્યું છે. શહેરનો મધ્યનો ભાગ સુંદર ફુવારાઓથી સુશોભિત છે. ત્યાંથી ઉત્તર-દક્ષિણનો એક માર્ગ નાભા દરવાજાને સુનામી દરવાજા સાથે જોડે છે, જ્યારે પૂર્વ-પશ્ચિમ જતો બીજો માર્ગ પતિયાળા દરવાજાને ધુરી દરવાજા સાથે જોડે છે.
સંગરુર જિલ્લાનું વહીવટી મથક હોવાથી ડેપ્યુટી કમિશનરનું કાર્યાલય અહીંના જૂના મહેલમાં રાખેલું છે. બનાસર બાગ આ નગરનું મુખ્ય આકર્ષણ-કેન્દ્ર છે. તેના તરણ હોજની મધ્યમાં આરસની બારાદરી છે. મહેલના પરિસરમાં રમતગમતનું સ્ટેડિયમ તથા દરબારખંડ છે. તેમાં પણ ઘણી સરકારી કચેરીઓ, જાહેર પુસ્તકાલય અને શાળા આવેલાં છે. રણબીર કૉલેજ અને શાળાઓ આ નગરમાં આવેલી છે. સિવિલ હૉસ્પિટલ અને પશુદવાખાનું અહીંની અન્ય જાહેર સુવિધાઓ છે. ઉદ્યોગોમાં જિનિંગ-પ્રેસિંગ ફૅક્ટરી અને સિમેન્ટની પાઇપોનો સમાવેશ થાય છે.
ગિરીશભાઈ પંડ્યા