સંકેન્દ્રણ (segregation) : અમુક ચોક્કસ ખનિજીય બંધારણ ધરાવતા ખડકમાં કોઈ એક ખનિજ-જૂથનું અમુક ભાગ પૂરતું સ્થાનિક સંકેન્દ્રણ.
ઉદાહરણો : (1) જળકૃત ખડકો : રેતીખડક જેવા જળકૃત-કણજન્ય ખડકમાં મૅગ્નેટાઇટ જેવાં ભારે ખનિજોનાં વીક્ષ (lenses) કે દોરીઓ હોય, કોઈકમાં ચૂનેદાર ગઠ્ઠાઓ હોય.
(2) અગ્નિકૃત ખડકો : અગ્નિકૃત ખડકદળના કોઈ એક ભાગમાં સ્ફટિકીકરણની પ્રારંભિક કક્ષાએ તૈયાર થયેલાં મૅગ્નેટાઇટ કે ઑલિવિન સંકેન્દ્રિત થયાં હોય.
(3) વિકૃત ખડકો : સામાન્ય પટ્ટીદાર (banded) સંરચના ધરાવતા નાઇસ જેવા ખડકમાં ક્વાર્ટ્ઝો-ફેલ્સ્પેથિક ખનિજ કે ખનિજજૂથનું અથવા આરસપહાણમાં ફેરો-મૅગ્નેશ્યન ખનિજ કે ખનિજજૂથનું સંકેન્દ્રણ થયું હોય.
કોઈ પણ ખડકના સામાન્ય ખનિજ-બંધારણ સાથે જ્યારે આવું સ્થાનિક, મર્યાદિત સંરચનાત્મક વલણ ધરાવતું લક્ષણ જોવા મળે તો તેને સંકેન્દ્રણ કહી શકાય.
ગિરીશભાઈ પંડ્યા