સંકલિત ગ્રામવિકાસ યોજના : ગ્રામીણ ગરીબોની આવકવૃદ્ધિ માટેનો એક કાર્યક્રમ. સ્વાતંત્ર્ય પછી પંચવર્ષીય યોજનાઓને કારણે એકંદર વિકાસનો દર વધ્યો છે, પરંતુ ગરીબમાં ગરીબ વર્ગો સુધી એના લાભ પહોંચ્યા નથી. આ ગરીબ પ્રજાનો મોટો ભાગ ગામડાંઓમાં વસે છે.

આ ગ્રામીણ ગરીબોની આવક સુધારવા માટે સમગ્રલક્ષી વિકાસ યોજના ઉપરાંત બીજા બે પ્રકારના પ્રયત્ન થયા છે : એક તો અલ્પ જમીન કે સ્વતંત્ર ધંધા-ઉદ્યોગ ધરાવતા હોય તેમને વધુ જમીન કે અન્ય અસ્કામતો આપવામાં આવે છે, જેથી તેઓ વધુ કામ ને આવક પ્રાપ્ત કરી શકે. બીજું, સાધનવિહોણા વર્ગને માટે વેતનયુક્ત રોજગારીની તકો વધે એવો પ્રયત્ન થાય છે. આમ સ્વરોજગારી ને વેતનયુક્ત રોજગારી વધે તો ગ્રામીણ ગરીબ દારુણ દરિદ્રતાની સ્થિતિમાંથી ઊગરી શકે  તેમાંથી બહાર આવી શકે.

સંકલિત ગ્રામવિકાસ યોજના સ્વરોજગારી વધારવાનો એક કાર્યક્રમ છે. તેમાં ગરીબના હાથમાં રોજગારી ને આવક સર્જી શકે તેવી અસ્કામત મૂકવાનો ઉપક્રમ છે.

તેમાં ખેતીને સંલગ્ન ક્ષેત્રો, ગ્રામોદ્યોગ, સેવાક્ષેત્ર ને વ્યાપારધંધામાં સ્વરોજગાર આપે તેવા એકમોને વિકસાવવાનું વિચારાયું છે. ગરીબાઈની રેખા નીચે જીવતાં કુટુંબોને પસંદગી પછી સ્વરોજગાર વધારવા તેમાં આર્થિક સહાય અને સંસ્થાકીય ધિરાણ આપવાનું વિચારાયું છે.

આ કાર્યક્રમનો આરંભ છઠ્ઠી પંચવર્ષીય (1980-85) યોજના દરમિયાન થયો હતો. 1978-79માં પસંદ કરાયેલા બ્લૉકમાં તે અપનાવાયો અને ઑક્ટોબર 2, 1980થી તેને દેશના તમામ બ્લૉક સુધી વિસ્તારવામાં આવ્યો. પાછળથી ગ્રામયુવકોને સ્વરોજગાર માટે તાલીમ આપવાનો કાર્યક્રમ, ગ્રામવિસ્તારની સ્ત્રીઓ ને બાળકો માટેનો કાર્યક્રમ, ગ્રામીણ કારીગરોને સુધારેલાં ઓજાર પૂરાં પાડવાનો કાર્યક્રમ ને ગંગા કલ્યાણ યોજના તેનાં પેટા પ્લાન તરીકે સ્વીકારવામાં આવ્યાં.

તેનો હેતુ ગરીબાઈની રેખા નીચે જીવતાં ગામડાનાં કુટુંબોને સ્વરોજગાર આપી કે વધારી આ રેખા પર ઉઠાવવાનો હતો. છઠ્ઠી યોજનામાં રૂ. 3500ની વાર્ષિક કૌટુંબિક આવક ભેદરેખા હતી.

પસંદગી પામેલાં કુટુંબોને સરકારી આર્થિક સહાય અને સંસ્થાકીય ધિરાણ દ્વારા મદદ કરવાનું વિચારાયું હતું. સહાય-ધિરાણ પ્રમાણ સરેરાશ 1 : 2 જેટલું હતું. સહાયનું પ્રમાણ (1) નાના ખેડૂત; (2) સીમાંત ખેડૂત, ખેતમજૂર ને ગ્રામીણ કારીગર તથા (3) અનુસૂચિત જાતિ માટે અનુક્રમે વધતું જતું હતું. તે જ રીતે અનાવૃદૃષ્ટિગ્રસ્ત વિસ્તારના લાભાર્થી માટે આર્થિક સહાયની મર્યાદા (ટોચમર્યાદા) ઊંચી અને આદિવાસી લાભાર્થી માટે તે એથી પણ ઊંચી હતી.

છઠ્ઠી યોજનામાં બ્લૉકદીઠ 3,000 કુટુંબના એક-સમાન ધોરણે કાર્યક્રમનાં ભૌતિક લક્ષ્યાંક ઠરાવાયાં હતાં. બ્લૉકદીઠ રૂ. 35 લાખની જોગવાઈ કરવામાં આવી હતી. સમગ્ર દેશ માટે આ કાર્યક્રમ માટે રૂ. 1500 કરોડના કુલ ખર્ચની છઠ્ઠી યોજનામાં જોગવાઈ કરવામાં આવી હતી. આ ખર્ચ કેન્દ્ર ને રાજ્યસરકાર વચ્ચે સરખે ભાગે વહેંચાવાનો હતો. સંસ્થાકીય ધિરાણ રૂ. 3,000 કરોડનું યોજના દરમિયાન કરવાનું વિચારાયું હતું. આમ, કુલ કાર્યક્રમમાં રૂ. 4,500 કરોડનું રોકાણ કરવાનું હતું. લાભાર્થીની સંખ્યા 150 લાખની રહેશે ને તેમાં 50 લાખ અનુસૂચિત જાતિ / જનજાતિના હશે એમ વિચારાયું હતું.

સાતમી યોજનામાં (1985-90) નાણાકીય જોગવાઈ ને લાભાર્થી કુટુંબોની સંખ્યાના લક્ષ્યાંક એકસરખા ધોરણ અનુસાર નહિ, પણ રાજ્યની ગરીબાઈની તીવ્રતા અનુસાર રાખવામાં આવેલ હતા. જુદાં જુદાં રાજ્યોમાં ગરીબાઈ અલગ અલગ પ્રમાણમાં હોઈ આમ કરવાનું યોગ્ય ગણાયું હતું. ગરીબાઈની રેખા રૂ. 6,400 ગણવામાં આવી હતી, પરંતુ રૂ. 4,800 કે ઓછી સરેરાશ વાર્ષિક આવક ધરાવતા કુટુંબને યોજના હેઠળ મદદપાત્ર ગણવામાં આવ્યું હતું. ધારણા એવી હતી કે રૂ. 4,800થી રૂ. 6,400ની આવક ધરાવતાં ગ્રામીણ કુટુંબો પંચવર્ષીય યોજનાની સામાન્ય વિકાસની પ્રક્રિયાને કારણે ગરીબાઈની રેખાને ઓળંગી શકશે. સાતમી યોજનામાં આર્થિક સહાયને બૅંક-ધિરાણ દ્વારા સ્વરોજગાર વધારવાના કાર્યક્રમ હેઠળ બે કરોડ કુટુંબોને સહાય કરવાનું વિચારાયું હતું. તેમાં ગરીબાઈની રેખા પાર ન કરી શકેલા એક કરોડ છઠ્ઠી યોજનાનાં લાભાર્થી કુટુંબો હતાં. બીજાં એક કરોડ કુટુંબો નવાં લાભાર્થી હતાં.

સાતમી યોજનામાં આર્થિક સહાય તરીકે આ કાર્યક્રમ હેઠળ રૂ. 3,316 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો ને તે લક્ષ્યાંક કરતાં વધુ હતો. સંસ્થાકીય ધિરાણ સહિતનું કુલ નાણારોકાણ રૂ. 8,688 કરોડનું હતું. ગરીબાઈની રેખા પર ઉઠાવાયેલાં કુટુંબોની સંખ્યા 1.8 કરોડ અંદાજવામાં આવી હતી. આ કાર્યક્રમ હેઠળ પસંદ કરાયેલી 44 % સ્કીમ પ્રાથમિક (ખેતીસંલગ્ન) ક્ષેત્રની, 18.5 % દ્વિતીય (ઉદ્યોગ) ક્ષેત્રની ને 37.5 % તૃતીય (સેવા) ક્ષેત્રની હતી. આમ ગામડાંના વ્યવસાયના માળખામાં વિવિધતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આઠમી યોજનામાં (1992-97) કેન્દ્ર ને રાજ્ય સરકારોએ આ કાર્યક્રમ પાછળ રૂ. 4,868 કરોડનો ખર્ચ કર્યો હતો ને 108.36 લાખ કુટુંબોને તેમાં આવરી લેવામાં આવ્યાં હતાં.

સંકલિત ગ્રામવિકાસ યોજના હેઠળ થયેલી પ્રગતિને સાથેના કોઠાના આંકડાઓ પ્રકાશિત કરે છે.

સંકલિત ગ્રામવિકાસ યોજના / સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના 

યોજના કુલ ફાળવણી

(કેન્દ્ર + રાજ્ય)

(કરોડ રૂ.)

કુલ ખર્ચ

(કરોડ રૂ.)

લાખ કુટુંબ

સ્વરોજગારી

સાતમી (1985-90) 2,358.81 3,000.27 181.77
આઠમી (1992-97) 5,048.29 4,867.68 108.36
નવમી (1997-02) 6,169.13 4,716.17  56.92

સંકલિત ગ્રામવિકાસ યોજનાનાં થયેલ મૂલ્યાંકનો દર્શાવે છે કે ગ્રામીણ ગરીબની આવકમાં સ્વરોજગારી વધારીને થોડો ઉમેરો કરવામાં આવે તો તેને સફળતા મળી છે; પરંતુ ગરીબાઈની રેખા પાર કરનાર ને એ સ્થિતિમાં ટકી રહી આર્થિક સ્થિતિ સુધારતાં જતાં કુટુંબોની સંખ્યા અલ્પ છે. લોન ને આર્થિક સહાયનું રોકાણ કરીને ગ્રામીણ ગરીબ કુટુંબ પોતાની રોજગારી ને આવક વધારી શકશે એવી અપેક્ષા પૂર્ણ થઈ નથી. જુદાં જુદાં અનેક કારણોને લીધે આરંભનું રોકાણ અલ્પ રહ્યું. બીજું લાભાર્થીને આ રોકાણમાંથી અપૂરતી આવક મળી. તે લાભાર્થીના કુટુંબની આજીવિકા માટે ને તેણે લીધેલ લોનની રકમ તથા તે પરનું વ્યાજ ચૂકવવા માટે અપર્યાપ્ત હતી. તે લોન પરત ન કરી શક્યો ને તેના પર મુદતવીતી લોનનો બોજો વધ્યો. અડધોઅડધ લાભાર્થી પર મુદતવીતી લોનનો બોજો હતો, એવો એક અંદાજ છે. ત્રીજા ભાગના લાભાર્થી પાસે તો તેમને કાર્યક્રમ હેઠળ આપવામાં આવેલ આવક વધારનાર અસ્કામત પણ રહી નહોતી. લાભાર્થીએ ગુજરાન ચલાવવા તેને વેચી મારી હતી. શક્ય તો એ પણ હતું કે ગરીબાઈને પાર કરી ચૂકેલ લાભાર્થી પણ કુટુંબમાં બાળક ઉમેરાય, અસ્કામત હાથમાંથી જતી રહે કે પસંદ કરાયેલી પ્રવૃત્તિ સધ્ધર ન નીવડે તો પાછા ગરીબાઈમાં ગરકાવ થઈ ગયા હોય.

આ કાર્યક્રમ હેઠળ લાભાર્થીને અસ્કામત પ્રાપ્ત કરવા, સ્વરોજગારની પ્રવૃત્તિ વિસ્તારવા સહાય અપાય છે. એમાં થોડો ભાગ આર્થિક સહાય કે સબસિડીનો હોય છે ને બાકીની સહાય બૅંકલોનના રૂપમાં હોય છે. આ લોન આપતાં પહેલાં બૅંક પ્રવૃત્તિની આર્થિક સધ્ધરતા ચકાસે છે ને ઠીક લાગે તો લોન મંજૂર કરે છે. આ આખીય પ્રક્રિયા લક્ષ્યાંક મુજબની સહાય આપી લક્ષ્યાંક મુજબનાં ગ્રામીણ કુટુંબોને ગરીબાઈની રેખા ઉપર લાવી દેવાની તાલાવેલી સાથે દેખીતી રીતે જ મેળમાં નથી. આઠમી યોજનામાં કહેવાયું છે તેમ સંકલિત ગ્રામવિકાસ કાર્યક્રમને આર્થિક સબસિડી પર આધારિત બૅંકધિરાણનું પૂરક તત્ત્વ ધરાવનાર કાર્યક્રમને બદલે સહાયનું તત્ત્વ ધરાવનાર બૅંકલોન પર આધારિત કાર્યક્રમ ગણવો જોઈએ.

સ્વરોજગાર વધારવાના કાર્યક્રમોની અલ્પ અસરકારકતાને કારણે આયોજનપંચે 1997માં સ્વરોજગાર ને વેતનયુક્ત ગ્રામીણ રોજગારી વધારવાનો હેતુ ધરાવતા કાર્યક્રમોની સમીક્ષા માટે કમિટીની રચના કરી હતી. કમિટીએ ગ્રામીણ ગરીબ વર્ગને સ્વરોજગારી આપતા કાર્યક્રમોને એકત્ર કરી નાખવાનું સૂચન કર્યું. વળી વ્યક્તિગત ધોરણે એ માટે સહાય આપવાને બદલે જૂથલક્ષી અભિગમ અપનાવવાનું પણ તેણે સૂચવ્યું. ચોક્કસ વિસ્તારોમાં વિકાસ માટે સુસંકલિત પ્રવૃત્તિઓના સમૂહને પસંદ કરવા પર તે તદનુસાર તાલીમ ને ખરીદ-વેચાણની કડીઓ ગોઠવવા પર કમિટીએ ભાર મૂક્યો. સરકારે તેનાં સૂચનોનો સ્વીકાર કર્યો છે.

1999-2000થી ભારત સરકારે તમામ સ્વરોજગાર કાર્યક્રમોની [આઇ.આર.ડી.પી. (I.R.D.P.); ટ્રાયસેમ (TRYSEM) DWACRA, SITRA, GKY, MWS વગેરે] પુનર્રચના કરીને સૌને સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજનામાં સમાવવામાં આવ્યાં છે. સ્વરોજગાર આપતા નાના આર્થિક એકમો સંબંધી આ સર્વાંગીણ કાર્યક્રમ છે. તેમાં સ્વાશ્રયી જૂથ (self help group) પર ભાર છે ને તેમાં ધિરાણ તથા આર્થિક સહાયની જોગવાઈ છે. તે મદદપાત્ર ઠરેલા દરેક કુટુંબને ત્રણ વર્ષમાં ગરીબાઈની રેખા ઉપર લઈ જવાનું ધ્યેય ધરાવે છે. ત્રીજા વર્ષમાં આવાં કુટુંબની ચોખ્ખી માસિક આવક રૂ. 2,000થી વધુ થઈ જાય એવો તેમાં પ્રયત્ન છે, તે પછીના પાંચ વર્ષમાં દરેક બ્લૉકનાં 30 % કુટુંબોને આવરી લેવાનો તેમાં વિચાર કરવામાં આવ્યો છે.

આમ, સંકલિત ગ્રામવિકાસ યોજના અહીં સ્વતંત્ર એકમ તરીકે વિલીન થઈ જાય છે ને નવું રૂપ પામે છે.

બદરીપ્રસાદ ભટ્ટ