સહા, રણજિતકુમાર (જ. 21 જુલાઈ 1946, ભાગલપુર, બિહાર) : હિંદી લેખક તથા અનુવાદક. 1966માં તેમણે હિંદીમાં ભાગલપુર યુનિવર્સિટીમાંથી એમ.એ.; 1974માં વિશ્વભારતીમાંથી પીએચ.ડી.; 1964માં ફાઇન આર્ટ્સમાં, 1989માં કમ્પરેટિવ લિટરેચરમાં તથા તિબેટનમાં ડિપ્લોમા પ્રાપ્ત કર્યાં.
તેઓ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીમાં ડેપ્યુટી સેક્રેટરી રહ્યા. 1977માં તેઓ ભાગલપુર યુનિવર્સિટીમાં હિંદીના અધ્યાપક; 197982 સુધી વિશ્વભારતી, શાંતિનિકેતન અને દિલ્હી યુનિવર્સિટીના સહ-ફેલો અને ખાણ ખાતામાં હિંદી અધિકારી તરીકે રહ્યા.
અત્યાર સુધીમાં તેમણે 28 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સહજ સિદ્ધ – સાધના એવમ્ સર્જન’ (1980); ‘કિરંતન’ (1880, 1992) એ બંને તેમના વિવેચનગ્રંથો છે. ‘કહૉ પાઉં ઉસે’ (1983); ‘માસ્તરસાબ’ (1997) – એ બંને તેમની બંગાળીમાંથી અનૂદિત જાણીતી નવલકથાઓ છે. ‘હંસનેવાલા કુત્તા’ (1997) વાર્તાસંગ્રહ છે. ‘બાગ કી તલાશ’ (1997) બંગાળીમાંથી અનૂદિત નવલિકા છે; જ્યારે ‘અગ્નિગર્ભ’ (1991); ‘ચાહે જિતની દૂર જાઓ’ (1995) બંગાળીમાંથી અનૂદિત કાવ્યસંગ્રહો છે. ‘પિછલી રાતકી ધૂપ’ (1989) અનૂદિત ટૂંકી વાર્તાઓ તથા ‘કરુણા’ અને ‘તાશ કા દેશ’ એ બંને રવીન્દ્રનાથ ટાગોરની અનૂદિત કૃતિઓ છે, અને ‘રવીન્દ્રનાથ ઠાકુર : એક જીવની’ (1997) અંગ્રેજીમાંથી અનૂદિત કૃતિ છે. તેઓ રેડિયો અને ટી.વી. કાર્યક્રમોમાં ભાગ લે છે. 1999માં તેમણે પુશ્કિન સેલિબ્રેશન પ્રસંગે ભારતનું પ્રતિનિધિત્વ કરેલું અને લંડન ખાતે છઠ્ઠી હિંદી પરિષદમાં ભાગ લીધો હતો.
તેમની અનૂદિત કૃતિઓના સાહિત્યિક પ્રદાન બદલ તેમને દિનકર પ્રતિભા પુરસ્કાર અને 1996માં ભારતીય ભાષા પરિષદ સેતુબંધ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા.
બળદેવભાઈ કનીજિયા