સલીમ શાહઝાદ (સલીમખાન ઇબ્રાહીમખાન) (. 1 જૂન 1949, ધૂલિયા, મહારાષ્ટ્ર) : ઉર્દૂ લેખક. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને ઉર્દૂમાં એમ.એ.ની પદવી મેળવી. પછી અધ્યાપન અને લેખનકાર્ય કર્યું.

તેમણે અત્યારસુધીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘દુઆ : પાર મુન્ટાશર’ (1981); ‘તઝકિયા’ (1987) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘જદીદ શાયરી કી અબજાદ’ (1983); ‘કિસ્સા જદીદ અફસાને કા’ (1989); ‘બયાન કી વુસાત’ (1992) તેમના ઉલ્લેખનીય વિવેચનગ્રંથો છે. ‘દશ્ત-એ-આદમ’ (1985) નવલકથા છે; તો ‘જીમ સે જુમલે તક’ (1997) ભાષાશાસ્ત્રવિષયક ગ્રંથ છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને મહારાષ્ટ્ર ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ (છ વખત); બિહાર ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ (બે વખત); પશ્ચિમ બંગાળ ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ (બે વખત); તથા ઉત્તર પ્રદેશ ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

તેમણે 1976-80 સુધી ઉર્દૂ માસિક ‘જાવાઝ’ના સહ-સંપાદક; 1980-82 દરમિયાન ઉર્દૂ ત્રિમાસિક ‘રિવાયત’ના સંપાદક તરીકે કામગીરી બજાવેલી.

બળદેવભાઈ કનીજિયા