કર્તા-ભિષક : રોગનિવારણ કરનાર વૈદ્ય. આયુર્વેદ વિજ્ઞાનમાં ચિકિત્સાક્રિયાના ચાર પાદ (પાયા – મુખ્ય અંગો) બતાવ્યા છે : 1. ભિષક્, વૈદ્ય; 2. દ્રવ્ય, ઔષધો; 3. પરિચારક, સેવાકર્તા અને 4. રોગી. આ ચારેયમાં ભિષક્(ભિષગ્ – વૈદ્ય)ને પ્રધાનકર્તા કે મુખ્ય પાદ કહે છે. તેના વિના અન્ય ત્રણ પાદોનું ખાસ મહત્વ રહેતું નથી.
‘ભિષક્’ કે ‘ભિષગ્’ શબ્દનો અર્થ છે ‘રોગનિવારણક્રિયાકર્તા’. ‘વૈદ્ય’, ‘ચિકિત્સક’, ‘ગદહર્તા’, ‘અગદંકાર’, ‘રોગહારી’, ‘આયુર્વેદી’, ‘દોષજ્ઞ’ આદિ ‘ભિષક્’ના પર્યાયો છે. જે આયુ (જીવન-આરોગ્ય) સંબંધી સર્વ પ્રકારે જ્ઞાન ધરાવતો હોય, જે આયુર્વેદશાસ્ત્રનાં સૂત્રો અને અર્થોની વ્યાખ્યા તથા તેના પ્રયોગોનું ક્રિયાત્મક (practical) જ્ઞાન પણ ધરાવતો હોય તે ભિષક્ અથવા ચિકિત્સક કહેવાય.
‘ભિષક્’ શબ્દ ભારતના પ્રાચીન વૈદિક સાહિત્ય; જેમ કે, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, શતપથ બ્રાહ્મણ આદિમાં ખૂબ વપરાયો છે. યજુર્વેદમાં રુદ્રનો ‘દેવભિષક્’ તરીકે સર્વપ્રથમ ઉલ્લેખ છે. એ જ રીતે દેવગણોના વૈદ્ય તરીકે અશ્વિનીકુમારો(બંધુબેલડી)નો પણ ‘દેવભિષક્’ તરીકે યજુર્વેદ તથા આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત રામાયણ, મહાભારત, ‘કૌટિલ્ય અર્થશાસ્ત્ર’, ‘રઘુવંશ’, ‘નૈષધીયચરિત’, ‘હર્ષચરિત’ ઇત્યાદિ ઉત્તરકાલીન સાહિત્યમાં પણ ‘ભિષક્’ના ઉલ્લેખો મળે છે.
આયુર્વેદવિજ્ઞાન મુજબ વૈદ્ય (ભિષક્) વિજ્ઞાનનો જ્ઞાતા, દર્દી તથા પરિચારકો પર શાસનકર્તા અને શરીરે સ્વસ્થ અને નિદાન-ચિકિત્સા કરવામાં પૂર્ણ યુક્ત હોવો જોઈએ. તેને રોગનાં કારણો, પ્રકારો, તીવ્રતા, તેની સાધ્યાસાધ્યતા, રોગીની પ્રકૃતિ; તેનાં અગ્નિ, કોષ્ઠ, વય, બળ વગેરેનું પૂરું જ્ઞાન હોવું જોઈએ. તે ઉપરાંત ઔષધોનાં નામ, રૂપ, ગુણ, કર્મ, વિવિધ કલ્પના (નિર્માણ), યોજના, માત્રા, કાલ, અનુપાન તથા પથ્ય(પરેજી)નું પણ જ્ઞાન હોવું જોઈએ. શરીરરચના, રોગરૂપી વિક્રિયાઓ તથા ઔષધોનો પરિચય અને ચિકિત્સાનું જ્ઞાન હોય તે ‘વિજ્ઞાતા’. રોગી, પરિચારકો તથા અન્ય સંબંધીઓ પર દર્દીના હિતમાં દર્દીનાં આહાર-વિહાર, ઔષધ તથા પથ્ય બાબત નિયંત્રણ રાખનાર ‘શાસનકર્તા’ વૈદ્ય હોવો જોઈએ. દર્દીને ઔષધ કયા સ્વરૂપમાં, કઈ માત્રામાં, કયા અનુપાનથી, કયા સમયે આપવું, તેમજ તે અતિ અલ્પ કે સમ્યગ યોગ છે કે નહિ, દર્દીની પ્રકૃતિ મુજબ તે યોગ્ય છે કે નહિ, તેના બળને અનુરૂપ દવા છે કે નહિ તે અંગે તે ‘યોગ્ય જ્ઞાનયુક્ત’ હોવો જોઈએ.
વૈદ્યના ગુણો : (1) શાસ્ત્રોનું વિશદ જ્ઞાન; (2) કર્માભ્યાસ; (3) ચિકિત્સા તથા ઔષધનિર્માણનું વ્યાવહારિક જ્ઞાન; (4) વિવિધ કાર્યોમાં દક્ષતા, બુદ્ધિમત્તા, સ્મૃતિ અને તર્કશીલતા; (5) સાહસ; (6) શુચિતા અને વ્યવસ્થા – આયોજનશક્તિ; (7) પવિત્રતા, સilહજતા, મધુર વાણી અને સૌમ્ય વર્તન; (8) માનસિક દોષોથી મુક્તતા; (9) સાધનસજ્જતા; (10) બધી જ ઇંદ્રિયો બરાબર કાર્ય કરતી હોય તેવો પૂર્ણ; (11) આધ્યાત્મિક જ્ઞાન; (12) વિકટ સમયે કરવાના કાર્યની સહજબુદ્ધિ અથવા ‘પ્રત્યુત્પન્નમતિ’પણું.
દર્દીના શરીરમાં વિષમ (અસમતોલ) બનેલી ધાતુઓને ફરી સમતોલ કરવી, દર્દીને રોગમુક્ત કરી તેની રક્ષા કરવી અને દર્દીને આરોગ્યરક્ષા અંગેનું જ્ઞાન આપવું તે ‘વૈદ્યનું કર્તવ્ય’ છે.
આયુર્વેદમાં ચિકિત્સકના 4 પ્રકારો બતાવેલ છે : (1) છદ્મચર – વૈદકના સાચા જ્ઞાન વગરનો, વૈદ્ય હોવાનો માત્ર દંભ કરનાર. (2) સિદ્ધસાધિત વૈદ્ય – શાસ્ત્રજ્ઞાન કે ચિકિત્સાની આવડત અલ્પ હોવા છતાં નસીબના બળે ચિકિત્સક તરીકે સફળ થયેલો વૈદ્ય. (3) પ્રાણાભિસર વૈદ્ય; વૈદકના સાચા જ્ઞાન અને અનુભવથી સંપન્ન વૈદ્ય કે જે દર્દીના પ્રાણની રક્ષા કરી તેને નવજીવન આપે છે. (4) રોગાભિસર વૈદ્ય; જે દર્દીના રોગને વધારી કે ઉગ્ર કરીને તેના પ્રાણનું જોખમ પેદા કરે તેવા મૃત્યુના દૂત જેવા અજ્ઞાન વૈદ્ય.
ચિકિત્સાના પ્રકારની ર્દષ્ટિએ પ્રાચીન કાળમાં બીજા પણ પ્રકારો નીચે મુજબ પ્રચલિત હતા : (1) ભિષગવર : વનસ્પતિ આદિ દ્રવ્યોથી ચિકિત્સા કરનારા વૈદ્ય. (2) ધન્વન્તરીય : છેદન-ભેદન જેવી ક્રિયાઓમાં કુશળ વૈદ્ય (સર્જ્યન). (3) શાલક્ય : નેત્રરોગવિશેષજ્ઞ, ચિકિત્સક (સર્જ્યન). (4) કૌમારભૃત્ય : બાલરોગવિશેષજ્ઞ. (5) વિષ(અગદ) ચિકિત્સક : વિવિધ ઝેરની ચિકિત્સા કરનાર તબીબ. (6) માનસરોગભિષક્ : માનસિક દર્દોની ચિકિત્સા કરનાર. (7) મંત્રચિકિત્સક : વિવિધ પ્રકારનાં યંત્રો-મંત્રોથી સારવાર કરનાર. (8) પંચકર્મચિકિત્સક : ઊલટી, ઝાડા, માલિશ, સ્વેદ-શેક, એનિમા (બસ્તિ), નસ્ય, રક્તાવસેચન (લોહી કાઢવું) જેવી વિવિધ ક્રિયાઓ દ્વારા દર્દીના દેહની શુદ્ધિ કરી, રોગ મટાડનાર વૈદ્ય.
આયુર્વેદમાં એક આદર્શ વૈદ્યમાં નીચેના ચાર ગુણો હોવાનું આવશ્યક માનેલ છે. તેનાથી ચિકિત્સકના વર્તન-વ્યવહાર અંગેનું ઉચ્ચ ધોરણ સમાજમાં સ્થાપિત થાય છે : (1) સર્વ પ્રાણી પ્રત્યે આત્મીય મૈત્રભાવ. કોઈ પણ પ્રત્યે પરાયાપણું, દ્વેષ કે ભેદ ન રાખવો. (2) સર્વ પ્રત્યે કરુણાભાવ. અન્યનાં દુ:ખ-દર્દથી દ્રવી ઊઠી, તેને રાહત તથા આશ્વાસન આપવાની ભાવના. (3) પ્રીતિ-સ્નેહભાવ. સર્વ દર્દી તથા વ્યક્તિ સાથે સ્નેહભાવ રાખી, હોંશ અને મનથી, મધુર વચનથી તેમની સાથે સૌમ્ય વ્યવહાર રાખવો. (4) ઉપેક્ષાભાવ. બીજાના દુર્ગુણો પ્રત્યે, અનિવાર્ય વાતો અને સંજોગો પ્રત્યે ઉપેક્ષાભાવ રાખી, ‘ઈશ્વર ઇચ્છા બળવાન છે’ એમ માની, પોતાનું કર્તવ્ય બજાવી સંતોષ માનવો.
ભિષક્(વૈદ્ય)ને ‘ત્રિજ’ અર્થાત્ ત્રણ જન્મવાળો કહેલ છે. માતાના ઉદરથી બાળક જન્મે તે તેનો પ્રથમ જન્મ. ત્યારપછી તે બાળક ગુરુ પાસે વેદાભ્યાસ કરવા દીક્ષા ગ્રહણ કરે કે ઉપવીત (જનોઈ) ધારણ કરે તે તેનો બીજો જન્મ. ત્યારપછી વયસ્ક વ્યક્તિ અનુભવી વૈદ્ય કે ગુરુ પાસે વૈદકનું જ્ઞાન પ્રાપ્ત કરી, વૈદ્ય બને ત્યારે તેનો ત્રીજો જન્મ થયો હોવાનું કહેવાય છે.
કોઈ પણ વ્યક્તિ ‘ત્રિજ’ (વૈદ્ય) બને ત્યારે તેના આંતરિક (માનસ) સંસ્કારમાં પરિવર્તન આવે છે. તેના રાજસ-તામસ ગુણોનો છેદ થાય છે અને તેનામાં સત્વગુણ, બ્રાહ્મણત્વ અથવા ઋષિસત્વનો ઉદય થાય છે. આવા સાત્વિક ગુણની વૃદ્ધિથી જ વૈદ્યમાં મૈત્રી, પ્રેમ, કરુણા તથા ઉપેક્ષા જેવા આદર્શ ગુણો પેદા થાય છે જેથી વૈદ્યની સમાજમાં સુકીર્તિ થાય છે. જ્ઞાની વૈદ્યોની સમાજમાં ખૂબ સન્માનનીય સ્થિતિ હોય છે.
વિ. જ. ઠાકર
બળદેવપ્રસાદ પનારા