સલીમ–જાવેદ (સલીમ : જ. 1935, જાવેદ : જ. 17 જાન્યુઆરી 1945, ગ્વાલિયર) : ભારતીય પટકથાલેખકો. હિંદી ચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્ન બની જનારાં ચિત્રો ‘શોલે’ અને ‘દીવાર’ સહિત અનેક સફળ ચિત્રોની પટકથા લખનારી લેખક-બેલડી સલીમ ખાન અને જાવેદ અખ્તર ‘સલીમ-જાવેદ’ તરીકે ખ્યાતિ પામી. અર્થસભર ચોટદાર સંવાદો, જકડી રાખે એવાં દૃશ્યો અને પાત્રાલેખન તેમની પટકથાની વિશેષતા રહેતાં. ચલચિત્રમાં કથા-પટકથાનું શું મહત્ત્વ છે
એ તો હરકોઈ એ પહેલાં પણ જાણતું જ હતું, પણ સલીમ-જાવેદ આ બાબતને જે રીતે પ્રતિષ્ઠિત કરી શક્યા એ સફળતા એ પહેલાં કોઈ લેખકને મળી નહોતી. ચલચિત્રમાં માત્ર મુખ્ય કલાકારો કે તેના નિર્માતા-દિગ્દર્શક જ નહિ, પટકથાલેખક પણ એટલું જ મહત્ત્વનું અંગ છે એ તેમને મળેલી સફળતા પછી ભારતીય ચિત્રજગતમાં સ્વીકૃત થયું. 1966માં પહેલી વાર બંને ‘સરહદી લૂટેરે’ ચિત્રના નિર્માણ દરમિયાન મળ્યા હતા. જાવેદ અખ્તર એ ચિત્રના સંવાદલેખક હતા અને સલીમ ખાન તેમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા. બંને મિત્રો બની ગયા અને થોડા જ સમયમાં તેમને ખ્યાલ આવી ગયો કે બંનેમાં એવી ખાસિયતો છે કે જો સાથે મળીને કામ કરે તો વધુ સફળતા મેળવી શકે. સલીમ કથાવસ્તુ ઊભું કરવામાં માહેર હતા અને જાવેદ તેને દૃશ્યોમાં ઢાળવામાં તથા સંવાદો લખવામાં માહેર હતા. તેમની સંયુક્ત કામગીરીમાં કોઈ કદી જાણી શક્યું નહિ કે કયા ચિત્રનો કયો સંવાદ કે કયું દૃશ્ય કોની કલમમાંથી નીપજ્યું. તેમણે રમેશ સિપ્પીના ચિત્ર ‘અંદાઝ’ અને ચિનપ્પા દેવરના ચિત્ર ‘હાથી મેરે સાથી’ની પટકથા-સંવાદો લખીને પ્રારંભ કર્યો હતો, પણ એમાં તેમને નામ મળ્યું નહોતું; પણ આ બંને ચિત્રોની સફળતા બાદ રમેશ સિપ્પીના સફળ ચિત્ર ‘સીતા ઔર ગીતા’થી લેખક-બેલડી તરીકે તેમને નામના મળવા માંડી. ‘જંજીર’ અને ‘યાદોં કી બારાત’ ચિત્રોએ તેમને મશહૂર કરી દીધા, તેમજ ‘શોલે’, ‘દીવાર’ તથા ‘ત્રિશૂલ’ જેવાં ચિત્રોએ તેમને ટોચ પર બેસાડી દીધા હતા. તેમની પટકથામાં માતાનું પાત્ર બહુ મજબૂત રહેતું. બંનેએ પોતાની માતાનું છત્ર નાનપણમાં ગુમાવી દીધું હતું એ પણ તેનું એક કારણ હોવાનું મનાતું રહ્યું છે. 1980ના દાયકામાં તેમની જોડી તૂટી ગઈ હતી. જોકે એ પછી જાહેરમાં બંનેમાંથી કોઈ કદી એકબીજા વિશે ઘસાતું બોલ્યા નથી. બંને છૂટા પડ્યા બાદ સલીમની એક પટકથા ‘નામ’ને સફળતા મળી હતી, પણ પછી કેટલાંક નિષ્ફળ ચિત્રો બાદ તેમણે આ ક્ષેત્ર જ છોડી દીધું, જ્યારે જાવેદ વધુ સક્રિય રહ્યા ને તેમને ખૂબ સફળતા પણ મળી. જોકે તેમને પટકથાલેખક કરતાં ગીતકાર તરીકે વધુ સફળતા મળી છે.
નોંધપાત્ર ચિત્રો : ‘હાથી મેરે સાથી’, ‘અંદાઝ’ (1971); ‘સીતા ઔર ગીતા’ (1972); ‘યાદોં કી બારાત’ (1973); ‘હાથ કી સફાઈ’, ‘મજબૂર’ (1974); ‘દીવાર’, ‘આખરી દાવ’, ‘શોલે’ (1975); ‘ઇમાન ધરમ’ (1977); ‘ડોન’, ‘ત્રિશૂલ’ (1978); ‘કાલા પત્થર’ (1979); ‘દોસ્તાના’, ‘શાન’ (1980); ‘ક્રાંતિ’ (1981); ‘શક્તિ’ (1982).
હરસુખ થાનકી