સરોવરો
January, 2007
સરોવરો : કુદરતી જળાશયો. બધી બાજુએથી ભૂમિ દ્વારા ઘેરાયેલો જળરાશિ. ભૂપૃષ્ઠ પર કુદરતી રીતે તૈયાર થયેલા નાનામોટા પરિમાણવાળા ગર્ત કે ખાડામાં મીઠા કે ખારા પાણીથી ભરાયેલા જળરાશિને સરોવર કહે છે. મોટેભાગે તો તે બધી બાજુએથી બંધિયાર હોય છે, પરંતુ કેટલાંક સરોવરોમાં ઝરણાં કે નદી દ્વારા જળઉમેરણ થતું રહે છે, તો વળી કેટલાંકમાંથી નદી દ્વારા જળનિર્ગમન પણ થતું હોય છે. સરોવર નાનકડા તળાવથી માંડીને દરિયાઈ પરિમાણવાળાં હોઈ શકે છે, જેમ કે સાંભર સરોવર, લોણાર સરોવર, વુલર સરોવર, ચિલકા સરોવર, મૃત સમુદ્ર, ગૅલિલીનો સમુદ્ર, લેક સુપીરિયર, લેક વિક્ટોરિયા, કાસ્પિયન સમુદ્ર વગેરે. દુનિયાનાં કેટલાંક સરોવરો ઊંચામાં ઊંચા સ્થળે (એન્ડીઝ પર્વતમાળા પરનું, પેરુમાં આવેલું ટિટિકાકા સરોવર) તો કેટલાંક સમુદ્રસપાટીથી પણ નીચા સ્થળે (ઇઝરાયલ અને જૉર્ડન વચ્ચે આવેલો, સમુદ્રસપાટીથી 399 મીટર નીચે રહેલો મૃત સમુદ્ર, સમુદ્રસપાટીથી 16 મીટર નીચે આવેલું ઑસ્ટ્રેલિયાનું આયર સરોવર) જોવા મળે છે. હિમજન્ય પ્રદેશોમાં બરફના ઓગળવાથી સરોવરો તૈયાર થઈ શકે છે. પંકધારક અને જળચાહક વનસ્પતિવાળાં સરોવરો પણ હોય છે. ભૂપૃષ્ઠના કોઈ વિસ્તારમાં ભૂગર્ભજળસપાટી તદ્દન છીછરી ઊંડાઈએ રહેલી હોય તેમજ ત્યાં નીચાણવાળો વિભાગ હોય તો તે ભીનો પંકવાળો બની રહે છે. રણ કે અર્ધરણ પ્રદેશોમાં સરોવરો સૂકાં થાળાંના સ્વરૂપે જોવા મળે છે. ક્યારેક આવી પડતા વર્ષા-વાવાઝોડાના પૂરથી સૂકાં થાળાં ભરાઈ જાય છે, પરિણામે તે મુદતી જળસંચયસ્થાન બની રહે છે. સામાન્ય રીતે નાના કે વિશાળ કદનાં છીછરાં સરોવરો મુદતી હોય છે. પરંતુ તેમ થવું અનિવાર્ય નથી; કેટલાંક સરોવરો કાયમી પણ હોય છે; એટલે કોઈ સરોવરને મુદતી કે કાયમી કહેવું તે તેની ઉત્પત્તિસ્થિતિ, ઊંડાઈ તેમજ પાણીપુરવઠા પર આધાર રાખે છે.
સરોવરો સ્થાનિક આબોહવામાં ઠીક ઠીક પ્રમાણમાં ફેરફારો લાવી મૂકે છે. જે તે વિસ્તારનાં સરોવરો ત્યાંની નદીઓમાં આવતાં પૂરનાં પાણીનો સંચય કરીને, પૂરથી થતા નુકસાનને રોકવામાં સહાયભૂત થાય છે. નદીજન્ય કાંપની જમાવટ માટે ક્યારેક તે નિક્ષેપથાળાની ગરજ સારે છે; દા.ત., ગંગા-જમનાનું કાંપનું વિશાળ મેદાન. કેટલાંક સરોવરો મીઠાના થરના, પીટ (કનિષ્ઠ કોલસો) કે લોહઅયસ્કના થાળાજન્ય નિક્ષેપજથ્થા રચે છે; દા.ત., લેક સુપીરિયરમાં લોહઅયસ્કના જથ્થા જમાવટ પામેલા છે. આમ, કેટલાંક સરોવરો કુદરતી રીતે તૈયાર થતાં ખનિજો માટે આર્થિક દૃષ્ટિએ સંપત્તિધારક બની રહે છે.
વર્ગીકરણ : પાણીનાં સ્વાદ અને બંધારણને આધારે સરોવરોના બે પ્રકારો પાડેલા છે : સ્વચ્છ (મીઠા) જળનાં સરોવરો અને ખારા જળનાં સરોવરો. આ બંને પ્રકારો વચ્ચે સામાન્યત: કોઈ સ્પષ્ટ બંધારણીય ભેદરેખા જળવાઈ શકતી નથી. સરોવરોમાંની પાણીની ક્ષારતા માટેનાં બે કારણો હોય છે. જે સરોવરથાળામાં જળપુરવઠાના પ્રમાણ કરતાં બાષ્પીભવનનું પ્રમાણ વિશેષ રહેતું હોય, ત્યાં ક્ષારો ક્રમે ક્રમે સંકેન્દ્રિત થતા જાય છે ને તે સરોવર ખારા પાણીનું બની રહે છે. એ જ રીતે જે થાળામાં પવનથી વહન પામીને મીઠાના કણો એકત્રિત થતા રહેતા હોય ત્યાં પણ સરોવર ખારા પાણીનું બની રહે છે. રાજસ્થાનનું સાંભર સરોવર નૈર્ઋત્યના મોસમી પવનોથી ઊડીને આવતા ક્ષાર રજકણોથી ક્ષારતાવાળું બની રહેલું છે.
સ્થાનભેદે સરોવરોને સૂકા અને ભેજવાળા પ્રદેશોનાં સરોવરો જેવા બે સમૂહોમાં પણ વહેંચી શકાય. શુષ્ક સરોવરોને જળનિર્ગમમાર્ગ હોતો નથી, કારણ કે તેમાં જળઆવક ઓછી, જળપ્રમાણ ઓછું અને બાષ્પીભવન-પ્રમાણ વધુ હોય છે. આવાં ઘણાંખરાં ગર્ત તો સૂકાં થાળાં (playa) માત્ર હોય છે. વાવાઝોડા દરમિયાન એકાએક પડી જતા વરસાદથી તે ભરાતાં હોય છે, મોટેભાગે તો તે ક્ષારીય કે આલ્કલીયુક્ત હોય છે. આથી ઊલટું, ભેજવાળા પ્રદેશોમાંનાં સરોવરો મીઠા પાણીનાં હોય છે. તે પૈકી ઘણાં સરોવરોમાં નદીઓ કે ઝરણાં દ્વારા જળની આવક-જાવક થતી રહે છે.
ઉત્પત્તિ : સરોવર ત્યારે જ બની શકે જ્યારે કોઈ થાળું કે ગર્ત અસ્તિત્વ ધરાવતું હોય, તેમજ તેને પાણીનો પર્યાપ્ત પુરવઠો મળી રહેતો હોય. સરોવર-થાળાંની ઉત્પત્તિ માટે ઘણાં કારણો રજૂ થયેલાં છે. પૃથ્વી પર ક્યારેક જેમનું અસ્તિત્વ હતું એવાં કેટલાંક પ્રાચીન સરોવરો (ઉદાહરણ : અગાસીઝ સરોવર) તેમાં ક્રમશ: થતી ગયેલી નિક્ષેપક્રિયાની જમાવટથી પુરાઈ ગયેલાં હોય છે, અથવા ભૂસંચલનજન્ય વિરૂપતાથી વિલુપ્ત થઈ ગયાં હોય છે. સરોવરોની ઉત્પત્તિ પ્રમાણેના તેમના નીચે મુજબના જુદા જુદા પ્રકારો પાડેલા છે. સરોવરથાળાં નીચેના કોઈ પણ કારણે ઉદ્ભવી શકે છે :
(1) ભૂસંચલનજન્ય સરોવરો (tectonic lakes) : પૃથ્વીના પોપડામાં થતું કોઈ પણ પ્રકારનું સંચલન અનેક પ્રકારની વિરૂપતાઓ સર્જે છે, જેને પરિણામે તૈયાર થતા નીચાણવાળા વિસ્તારો(થાળાં)માં જળસંચય માટેની અનુકૂળતા ઊભી થાય છે. વિરૂપતાઓ પૈકી સ્તરભંગ, ગેડીકરણ, ખંડો નજીકના સમુદ્રતળનું ઊર્ધ્વગમન અને ભૂમિભાગનું અવતલન મુખ્ય હોય છે. ભૂસંચલનજન્ય થાળાંની ઉત્પત્તિસ્થિતિ માટે આ ક્રિયાઓને કારણભૂત ગણાવી શકાય. સ્તરભંગોથી ઉદ્ભવતી ફાટખીણોના વિસ્તારોમાં, ગેડીકરણથી નદીઢોળાવોના વ્યસ્ત બની જતા વિસ્તારોમાં, ઊર્ધ્વગમનથી અવરોધાતા વિસ્તારોમાં, તેમજ અવતલનથી ઉદ્ભવતા નીચાણવાળા વિસ્તારોમાં સરોવરો બને છે. મધ્ય આફ્રિકાની ફાટખીણના વિસ્તારોમાં ફાટખીણ સરોવરો ટાંગાનિકા, માલાવી (ન્યાસા), તુર્કાના (રુડૉલ્ફ), પેલેસ્ટાઇનનો મૃત સમુદ્ર, અમેરિકાના ઉટાહ રાજ્યનું ગ્રેટ સૉલ્ટ લેક સ્તરભંગજન્ય સરોવરો છે. આ ઉપરાંત, સોપાન સ્તરભંગો(step-faults)થી પણ સરોવર સર્જાતું હોય છે, તે સામાન્ય રીતે ત્રિકોણાકાર હોય છે. યુ.એસ.ના ઑરેગૉનનાં હૂંફાળાં સરોવરો આ પ્રકારનાં છે. સ્વિટ્ઝર્લૅન્ડનાં જિનીવા, કૉન્સ્ટન્સ તેમજ કાશ્મીરનાં પ્લાયસ્ટોસીન વયનાં સરોવરો અને કુમાઉનાં નૈનિતાલ જેવાં સરોવરો ભૂસંચલનજન્ય પ્રકાર પૈકીનાં ઉદાહરણો છે.
ભૂકંપથી ભૂપૃષ્ઠમાં ઉદ્ભવતા ફેરફારોને પરિણામે પણ થાળાં બનવાની શક્યતા રહે છે. આલ્પ્સ પર્વતમાળાના કેટલાક વિભાગોમાં ભૂકંપીય સરોવરો બનેલાં છે. ભૂકંપથી થતા વિક્ષેપને કારણે ભૂપૃષ્ઠના કે નદીખીણોના ભાગો થાળાંમાં ફેરવાઈ જાય છે, જેમાં પાણીનો ભરાવો થવાથી સરોવર બને છે. યુ.એસ.ની ટેનિસી ખીણમાંનું રીલફૂટ સરોવર આ પ્રકારે થયેલું લાક્ષણિક ઉદાહરણરૂપ સરોવર છે. બિહાર અને કચ્છમાં પણ આ જ રીતે બનેલાં સરોવરો જોવા મળે છે. આવાં સરોવરો ક્યારેક મોટા પરિમાણવાળાં કાયમી, તો ક્યારેક નાના પરિમાણવાળાં તળાવો જેવાં મુદતી હોય છે.
ભૂમિઉત્થાનથી થતાં સરોવરો લાંબાં, છીછરાં તથા અનિયમિત આકારવાળાં હોય છે, તે થોડા સમય માટે રહે છે, તેમને કાંઠે વનસ્પતિ ઊગી નીકળે છે અને પંકવાળાં બની જાય છે. ફ્લોરિડાના દક્ષિણ ભાગમાં નૂતન ભૂમિ-ઉત્થાનથી બનેલાં આ પ્રકારનાં સરોવરો જોવા મળે છે.
(2) જ્વાળામુખીજન્ય સરોવરો (volcanic lakes) : કેટલાંક સરોવરોના ઉદ્ભવ અને વિકાસ માટે જ્વાળામુખી-પ્રક્રિયાને કારણભૂત ગણી શકાય. મૃત જ્વાળામુખીનાં જ્વાળામુખ (craters) વિશાળ કૂંડી સ્વરૂપનાં હોવાથી જળધારક બની રહે છે. આ પ્રકારનાં જળધારક થાળાં જ્વાળામુખ સરોવર (crater lake) કહેવાય છે. મોટેભાગે તે ગોળાકાર, ઊભી દીવાલોથી આરક્ષિત અને મધ્યભાગમાં ખૂબ જ ઊંડાઈવાળાં હોય છે. ઑરેગૉન (યુ.એસ.), રોમ (ઇટાલી), ફ્રાન્સ અને જર્મનીમાં જ્વાળામુખ સરોવરો આવેલાં છે. ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પરનું ટોબા સરોવર મૃત જ્વાળામુખીજન્ય જ્વાળામુખ સરોવર છે. મહારાષ્ટ્રના વિદર્ભ વિભાગમાં બુલઢાણા જિલ્લામાં આવેલા લોણાર સરોવરની ઉત્પત્તિ જ્વાળામુખીજન્ય ગણાય છે; તેમ છતાં ડેક્કન ટ્રૅપ રચનાના બેસાલ્ટ ખડકોનું લાવા અને વાયુઓ બહાર નીકળી જવાને કારણે ગોળાકારમાં અવતલન થવાથી તે બનેલું હોવાનું પણ માનવામાં આવે છે. તે ગોળાકાર છે, વ્યાસ 1.6 કિમી. જેટલો તથા ઊંડાઈ આશરે 168 મીટર જેટલી છે. તેના પાણીમાં સોડિયમના કાર્બોનેટ અને ક્લોરાઇડનું વિપુલ પ્રમાણ રહેલું છે, જેનું અવક્ષેપન ઉનાળામાં થતું રહે છે.
જ્વાળામુખી-પ્રસ્ફુટન દરમિયાન લાવા પ્રવાહના વહેવાથી નદીખીણમાર્ગો અવરોધાય તોપણ લાવા-બાધક સરોવરો (coulee lakes) બને છે. ઇથિયોપિયામાં આવેલું તાના સરોવર આ રીતે બનેલું છે. આઇસલૅન્ડમાં વારંવાર જ્વાળામુખી-પ્રસ્ફુટનો થતાં રહેતાં હોવાથી લાવા પથરાતો જાય છે અને આ પ્રકારનાં સરોવરો તૈયાર થાય છે, તે સામાન્ય રીતે લંબચોરસ કે અનિયમિત આકારવાળાં હોય છે.
(3) હિમનદીજન્ય સરોવરો (glacial lakes) : ઊંચાઈવાળા પર્વત-વિસ્તારોમાં તથા ધ્રુવીય પ્રદેશોમાં હિમનદીજન્ય ઘસારા અને નિક્ષેપક્રિયાને કારણે સરોવરથાળાં બનવા માટેના અનુકૂળ સંજોગો મળી રહે છે. ખંડીય હિમનદીઓ તળખડકોને ખોતરીને થાળાં બનાવે છે. ફિનલૅન્ડ અને કૅનેડામાં આ પ્રકારનાં થાળાંમાં પાણી ભરાવાથી સરોવરો બનેલાં છે. હિમનદીના પીછેહઠના કાળગાળા દરમિયાન તેમની હિમઅશ્માવલીઓ(moraines)ના ઢગ અવરોધરૂપ બનતાં તેમના ઉપરવાસમાં બરફના ઓગળવાથી નાનાં-મોટાં સરોવરો રચાતાં હોય છે. ક્યારેક મુખ્ય ખીણ-હિમનદી શાખા ખીણ-હિમનદીના માર્ગમાં અવરોધ રચે તોપણ સરોવર બનવાની શક્યતા ઊભી થાય છે. એ જ રીતે હિમનદીઓના માર્ગમાં ભૂપાતને કારણે ખડકદ્રવ્યના જથ્થા આવી પડવાથી પણ સરોવર રચાઈ શકે છે. ખીણ-હિમનદીના મુખભાગમાં હિમઅશ્માવલીના ઢગ પથરાવાથી સરોવર બનાવવાનો સંજોગ ઊભો થાય છે. આ પ્રકારનાં સરોવર સ્કૅન્ડિનેવિયા, ઇટાલી અને સ્કૉટલૅન્ડમાં જોવા મળે છે. સ્વિટ્ઝર્લૅન્ડમાંનાં જિનીવા, થુન અને બ્રિન્ઝ સરોવરો આ રીતે બનેલાં છે. ઇંગ્લૅન્ડના લેક ડિસ્ટ્રિક્ટ(કુમ્બ્રિયાનો સરોવરપ્રદેશ)માં પણ કેટલાંક સરોવરો આ પ્રકારનાં છે. આગળ ધપતી હિમનદી જો નદીમાર્ગમાં આવીને અવરોધરૂપ બની રહે તો મુદતી સરોવર તૈયાર થાય છે. લેક અગાસીઝ પ્લાયસ્ટોસીન હિમયુગ વખતે આ રીતે બનેલું. આજનાં વિનિપેગ, વિનિપેગુરી (વિનિપેગોસિસ), મૅનિટોબા અને વૂડ્ઝ સરોવરો ત્યારે તેના ભાગરૂપ હતાં. વિશાળ પાયા પરની ખંડીય હિમનદીઓ તેમની કિનારીઓ પર અનિયમિત રીતે નિક્ષેપક્રિયા કરતી રહે અને આજુબાજુનો ભૂમિભાગ ઊંચો આવતો જાય તો સરોવર થાળું તૈયાર થાય છે. ઉત્તર અમેરિકાનાં ઇરી, ઑન્ટેરિયો, સુપીરિયર અને મિશિગન સરોવરોની ઉત્પત્તિ માટે આ કારણ અપાયેલું છે.
(4) નદીજન્ય સરોવરો : નદીના સર્પાકાર વહનમાં તેના વળાંકો જ્યારે વધુ પ્રમાણમાં ખોતરાઈ જાય ત્યારે તેની અંતિમ કક્ષામાં નદી સીધો માર્ગ ગ્રહણ કરે છે, પરિણામે બાજુનો વળાંકવાળો વિભાગ અલગ પડી જઈ નાળાકાર સરોવર (oxbow lake) તૈયાર થાય છે; દા.ત., કાશ્મીરમાંનાં કેટલાંક અર્વાચીન સરોવરો. આ પ્રકારનાં સરોવરો મુદતી હોય છે. નદીના ત્રિકોણપ્રદેશમાં જો અનિયમિત નિક્ષેપજમાવટ થાય તો સ્થળદૃદૃશ્ય ઊંચાણ-નીચાણવાળું બની રહે છે. નીચાણવાળા ભાગોમાં થતા જળભરાવાથી બનતાં સરોવરોને ત્રિકોણપ્રદેશીય સરોવરો (delta lakes) કહે છે. પર્વતોમાંથી નીકળતી શાખાનદીઓ તળેટીમાં પ્રવેશે ત્યારે પંખાકાર કાંપ (alluvial fan) રચે છે, મુખ્ય નદી નજીક તેના અવરોધથી બાધક સરોવર(કે તળાવ)ની રચના થાય છે; દા.ત., કાશ્મીરનું પેંગકોંગ સરોવર. જ્યાં જળધોધ પડતો હોય ત્યાં તળખડક પર થતી રહેતી જળઅથડામણથી ખાડા બને છે, તેમાં પાણી ભરાઈ રહેવાથી નાનાં તળાવોનું નિર્માણ થાય છે. નદીપટમાં તૈયાર થતી ગોળાશ્મ બખોલોનું વિસ્તરણ થવાથી પણ જળભરાવો થઈ રહે છે. જળધોધ કે નદીપટના સુકાઈ ગયા પછીથી તે કોઈ કારણસર ભરાયેલો રહે તો તળાવ કે સરોવર બની શકે છે. એ જ રીતે નદીપટમાંથી જળ સુકાઈ ગયા પછી અવશેષ રહી ગયેલા ખાડાઓમાં સરોવર બનવાની શક્યતા રહે છે. આ પ્રકારના જળભરાવા (સરોવરો) ગંગાના ત્રિકોણપ્રદેશના વિખૂટા પડી ગયેલા વિભાગમાં જોવા મળે છે. સિંધમાંનું માંચાર સરોવર આ રીતે તૈયાર થયેલું છે. આયર્લૅન્ડમાં આવેલું, શૅનૉન નદીપટને આવરી લેતું લૉઘ ડર્ગ સરોવર પણ આ રીતે તૈયાર થયેલું છે. નદીઓનાં પૂરનાં મેદાનોમાં પણ ક્યારેક સરોવર નિર્માણ પામે છે; દા.ત., યુ.એસ.માંનું મૌરિપસ સરોવર. નદીના ખીણમાર્ગમાં ભૂપાત થાય તોપણ સરોવર રચાય છે; દા.ત., બુંદેલખંડનાં સરોવરો, ગઢવાલનું ગોહના સરોવર. ગોહના સરોવર 1893માં ગંગાની શાખાનદીની આડે ભૂપાત થવાથી બનેલું છે.
અન્ય કારણો : દરિયાકિનારા પર થતી મોજાં અને પ્રવાહોની અસરને કારણે આડશ ઉદ્ભવે છે, પરિણામે ખાડી-સરોવરો (Lagoons) કે કયાલ (Kayals) તૈયાર થતાં હોય છે. દરિયામાં આવતી ભરતીને કારણે તેમાં પાણી ઉમેરાતું રહે છે. ઓરિસાનું ચિલકા સરોવર, ચેન્નાઈ નજીકનું પુલિકટ સરોવર, કેરળને કિનારે આવેલાં કયાલ આ રીતે થયેલાં છે. આ પ્રકારની આડશો મોજાંના મારાને કારણે ક્યારેક તૂટી પણ જાય છે, તેથી આવાં સરોવર દરિયા સાથે ભળી જાય છે. પૃથ્વી પર ઉલ્કા પડવાથી આઘાતગર્ત રચાતાં હોય છે, આવાં સરોવરોને ઉલ્કામુખ સરોવરો (meteoric lakes) કહે છે. ઘાનાનું બોસુમ્ત્વી સરોવર આ પ્રકારનું ઉદાહરણ છે.
ચૂનાખડકો(કે સિંધવ)ના વિસ્તારોમાં ધોવાણની ક્રિયા થતી રહેવાથી પોલાણો ઉદ્ભવે છે. તેમાં ક્યારેક ડૂબક-બખોલો (sink holes) તૈયાર થાય છે. આવાં પોલાણોમાં પાણી ભરાવાથી સરોવર તૈયાર થાય છે. સૉલ્ટ રેન્જમાં જોવા મળતાં સરોવરો આ પ્રકારનાં છે. આવાં થાળાંને દ્રાવણ-થાળાં (dissolution lakes) કહે છે.
રેતીના ઢૂવા એકબીજા સાથે જોડાતા જાય તો તેમની વચ્ચેના ખાડાઓમાં ક્યારેક જળભરાવો થાય છે. સિંધમાંનાં ધાન્ડ્ઝ અને રાજસ્થાનમાંનાં આલ્કલી સરોવરો આ પ્રકારની ઉત્પત્તિવાળાં છે. વાયુઉત્ખાતની ઘટનાથી પણ થાળાં રચાતાં હોય છે. આવાં થાળાં શુષ્ક પ્રદેશોની લાક્ષણિકતા હોઈ ત્યાં ક્વચિત્ પડી જતા વરસાદથી મુદતી જળભરાવો થતો હોય છે. મોટેભાગે તો તે સૂકાં રહે છે. આ પ્રકારનાં થાળાં વાતજન્ય થાળાં (aeolian lakes) કહેવાય છે.
ક્ષારીય સરોવરો (saline lakes) : ક્ષારીય સરોવરોની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે. મોટેભાગે તેમને નિર્ગમમાર્ગ (outlets) હોતા નથી. ગરમીની મોસમમાં તેમાંના પાણીનું બાષ્પીભવન થતું હોય છે, પરિણામે ક્ષારીય પોપડી અવશેષરૂપ રહી જતી હોય છે. બીજી મોસમમાં ફરીથી પાણી ભરાતાં આ ક્ષારો ઓગળે છે અને નવા પાણીના ક્ષારો ઉમેરાતા જાય છે. આ રીતે આવાં સરોવરોની ક્ષારતા વધતી રહે છે. ભારતમાંનું રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર અને યુ.એસ.ના ઉટાહનું ગ્રેટ સૉલ્ટ લેક તેનાં ઉદાહરણ છે. આજનો કાસ્પિયન સમુદ્ર ભૂસ્તરીય અતીતના મહાસાગરનો અવશેષ છે, તે વિશાળ પરિમાણ ધરાવતું ક્ષારતાવાળું થાળું હોવાથી સમુદ્ર તરીકે ઓળખાય છે.
માનવસર્જિત સરોવરો : નદીઓ પર બંધનું નિર્માણ કરવાથી તેના ઉપરવાસમાં કૃત્રિમ જળાશય તૈયાર થાય છે. ગુજરાતમાં કડાણા અને વણાકબોરી (મહી નદી), કાકરાપાર અને ઉકાઈ (તાપી નદી), ધરોઈ (સાબરમતી), સરદાર સરોવર (નર્મદા) તેમજ ભારતનાં અન્ય સ્થળોમાંનાં ગોવિંદસાગર, નાગાર્જુન સાગર વગેરે આ પ્રકારનાં માનવસર્જિત જળાશયો છે. ઇજિપ્તની નાઈલ નદી પરના આસ્વાન બંધ તથા યુ.એસ.ના હુવર બંધ પાછળનાં જળાશયો પણ જાણીતાં ઉદાહરણો છે. આફ્રિકાની ઝામ્બેસી નદીના કરીબા કોતર પર બાંધેલા બંધ પાછળનું જળાશય 282 કિમી.થી વધુ લાંબું છે. ઑસ્ટ્રેલિયાની સ્નોઈ માઉન્ટન્સ યોજના હેઠળ ઘણાં જળાશયોનું નિર્માણ થયું છે. આવાં જળાશયોનાં પાણીનો મુખ્યત્વે સિંચાઈ માટે તેમજ જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉપયોગ થાય છે.
સરોવરજન્ય નિક્ષેપો (lacustrine deposits) : સરોવરથાળાંના તળ પર તૈયાર થતા નિક્ષેપો સરોવરજન્ય નિક્ષેપો કહેવાય છે. આ પ્રકારના નિક્ષેપો કક્ષાકીય કણકદવાળા હોય છે, કિનારા નજીક સ્થૂળ કણો અને ઊંડાઈ તરફ જતાં ક્રમે ક્રમે મધ્યમથી બારીક બનતા જાય છે. ઓરિસાના તાલ્ચીર પ્રદેશની નિમ્ન ગોંડવાના રચનાના ખડકો સરોવરજન્ય નિક્ષેપ-જમાવટનું ઉદાહરણ પૂરું પાડે છે.
નદી, હિમનદી કે પવન જેવાં પરિબળોની જેમ જ સરોવરો પણ ઘસારો અને નિક્ષેપક્રિયાનું કાર્ય કરે છે. દરિયાઈ સંજોગની જેમ સરોવરજળ શાંત, સ્થિર રહેતાં હોવાથી અહીં જમાવટની ક્રિયા વધુ અસરકારક રીતે થાય છે. કેટલાંક છીછરાં સરોવરો સતત નિક્ષેપક્રિયાને પરિણામે જમાવટથી ભરાઈ જાય છે અને ક્રમશ: અદૃદૃશ્ય બની જાય છે. માર્લ અને કાર્બોનેટ-નિક્ષેપો આ પૈકી મુખ્ય ગણાય. લોહધાતુ-નિક્ષેપો પૈકી લિમોનાઇટ અને ક્ષારો પૈકી હૅલાઇટ, ચિરોડી, મૅગ્નેશિયમ ક્ષાર, ટંકણખાર, ક્યારેક કૅલ્સાઇટ મુખ્ય હોય છે. કણજમાવટથી, સેન્દ્રિય અવશેષોથી, બરફ-અવરોધથી કે ભૂપાતને કારણે ખડકજથ્થો ખસી જવાથી; બાષ્પીભવન, ભૂસંચલન કે જળબહિર્ગમનથી સરોવરનું અસ્તિત્વ રહેતું નથી.
નામશેષ થઈ જતાં સરોવરો : આજે જ્યાં સરોવરનું અસ્તિત્વ હોય ત્યાં શક્ય છે કે ભવિષ્યમાં તે ન પણ હોય ! સરોવરને મળતો જળસ્રોત બંધ થઈ જવાથી અથવા જળસ્રોતની દિશા બદલાઈ જવાથી અથવા આબોહવામાં ફેરફાર થઈ જવાથી તેમનું અસ્તિત્વ જોખમાય છે. સરોવરમાં કે તેની નજીક ભૂકંપ કે જ્વાળામુખી-પ્રસ્ફુટન થાય તો ત્યાંના ભૂપૃષ્ઠમાં ફેરફાર થઈ જવાથી સરોવર અદૃદૃશ્ય બની જાય છે. સરોવરતળ પર જમાવટ સતત ચાલુ રહે તો વખત જતાં તે પુરાઈ જાય છે. સરોવરતળનો ઢોળાવ બદલાય તો તેનો જળરાશિ અન્ય જળરાશિમાં ઠલવાય છે.
ચૂનાખડકોથી બનેલા પ્રદેશોમાં નિર્માણ પામેલી ડૂબક-બખોલોમાં સપાટીજળ કે ભૂગર્ભજળ ભરાય તો સરોવર રચાય ખરું, પરંતુ ત્યાં લાંબાગાળા સુધી જો દુષ્કાળ પ્રવર્તે તો તે સરોવર સુકાઈ જઈ શકે અથવા તે ક્રમશ: સુકાતું જઈ નાનું તળાવ બની રહે અથવા ડૂબક-બખોલમાંથી ભૂગર્ભીય જળનિર્ગમનમાર્ગ તૈયાર થાય તો તેમાંનું જળ શોષાઈ જઈને તે નામશેષ બની જાય.
પૃથ્વી પર નીચી સપાટીએ રહેલા ઘણા વિસ્તારો સરોવરથાળા જેવા હોય છે. ત્યાં ક્યારેક સરોવર હતાં, પણ આજે તેમાં જળ નથી. આવાં સરોવરો શ્રેષ્ઠ પ્રકારની જમીનો રચતાં હોય છે. અગાસીઝ સરોવર અતીતમાં અસ્તિત્વ ધરાવતું હતું, આજે નથી; પરંતુ તેના તળ પરની જમીનો આ પ્રકારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
સરોવરોનું મહત્ત્વ : (1) આબોહવા : વિશાળ સરોવરોનું સામીપ્ય જે તે પ્રદેશની આબોહવા અને લોકજીવન પર અસર કરે છે. સરોવરો તેમની આજુબાજુના વિસ્તારના હવામાન પર અમુક પ્રમાણમાં ફેરફાર લાવી મૂકે છે. સરોવરજળ પર થઈને વાતા પવનો વાતાવરણની ગરમીને ઓછી કરે છે. ઉનાળામાં સરોવરજળ તેની આજુબાજુની ભૂમિ કરતાં ઓછાં ગરમ રહે છે; એ જ રીતે શિયાળામાં ભૂમિ ઝડપથી ઠંડી પડી જાય છે, પરંતુ સરોવરજળ એટલી ઝડપથી ઠંડાં પડતાં નથી, તેથી પ્રાદેશિક હવામાન હૂંફાળું રહે છે. યુ. એસ.કૅનેડાની સરહદ પરનાં મોટાં સરોવરો ત્યાંની આબોહવામાં સારો એવો ફેરફાર કરે છે.
સરોવરજળ પરથી વાતા હૂંફાળા પવનોને કારણે ત્યાંના અમુક ખેતીપાકો સરળતાથી ઊગે છે. ઑન્ટેરિયો અને મિશિગન સરોવરોની મંદ હૂંફાળી આબોહવાત્મક અસરથી ત્યાંની આજુબાજુના પ્રદેશોમાં ઊગતાં ફળો તેમજ મકાઈને ફાયદો મળે છે.
(2) સફર અને વેપારમાર્ગો : માનવોની અવરજવર, માલની હેરફેર તથા વેપાર-વાણિજ્ય માટે મોટાં સરોવરોનો જળ-માર્ગવ્યવહાર તરીકે ઉપયોગ થાય છે. અગાઉના સમયમાં ઉત્તર અમેરિકાનાં વિશાળ સરોવરોનો સેન્ટ લૉરેન્સ નદી સાથેનો વ્યવહાર તરાપાઓ દ્વારા ચાલતો. તે પછીથી હોડીઓ અને સ્ટીમબોટો મારફતે એ વ્યવહાર ચાલવા માંડ્યો. હવે તો આજુબાજુનાં ઔદ્યોગિક શહેરોને સાંકળી લેવામાં આવ્યાં છે. કોલસો, લોખંડ અને અનાજની હેરફેર આ સરોવરો તેમજ સેન્ટ લૉરેન્સ નદી મારફતે ઍટલૅન્ટિક મહાસાગરમાં પહોંચાડાય છે, ત્યાંથી સ્ટીમરો દ્વારા અન્યત્ર લઈ જવાય છે.
(3) સિંચાઈ : સરોવરો ખેતી માટેના સિંચાઈ-સ્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. સરોવરોમાંથી નહેરો, ખાઈઓ, નીકો કે મોટર-પંપો દ્વારા, છંટકાવ કરી શકે એવાં સાધનો કે ઉપકરણો દ્વારા નજીકનાં ખેતરોને પાણી પૂરું પાડી શકાય છે. નદીઓ પર બંધો બાંધી, તેમની પાછળ જળાશયોનું નિર્માણ કરી, નહેરો દ્વારા તેનાં પાણી રણવિસ્તારોને પણ ઉપલબ્ધ કરાવી શકાય છે. ઇજિપ્તવાસીઓએ અને ઇઝરાયલીઓએ આ રીતે તેમના હેતુ સિદ્ધ કર્યા છે. સિંધુ નદી પર બંધોનું નિર્માણ કરીને આજુબાજુના રણવિસ્તારની 1.48 કરોડ હેક્ટર જમીનને પાણી પૂરું પડાય છે. આ સુવિધા મળી રહેવાથી પાકિસ્તાનમાં જરૂરી પાકોની ખેતી થાય છે.
(4) જળપુરવઠો : શહેરો અને નગરોમાં વસ્તી વધતી ગઈ તે પછીથી સરોવરો અને જળાશયો દ્વારા પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શકાયો છે. અમદાવાદ, વડોદરા અને મુંબઈ તેનાં ઉદાહરણો છે. પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરને ત્યાંથી પૂર્વ અને અગ્નિ તરફ 80 કિમી. દૂર આવેલાં જળાશયોમાંથી પીવાનું પાણી પૂરું પડાય છે.
(5) મનોરંજન : સરોવરોની આજુબાજુ વસતા લોકો તેમજ પ્રવાસીઓ મનોરંજન માટે સરોવરોના સ્થળનો લાભ લે છે. સહેલાણીઓ ત્યાં આવીને નૌકાસફર, માછીમારી વગેરે જેવી મોજ માણે છે. ગરમ અને ઠંડા પ્રદેશભેદે જળસપાટી પર સરકવાની (water skiing) તથા બરફ પર સરકવાની રમતો અને સ્પર્ધાઓનો લહાવો લે છે. આ કારણોથી દુનિયાનાં ઘણાંખરાં સરોવરો જાણીતાં પ્રવાસમથકો બની રહેલાં છે.
(6) પ્રાણીઓના નિવાસસ્થાન (habitat) તરીકે : સરોવરો ક્યારેક તેની આજુબાજુનાં પશુ-પક્ષીઓના વસવાટ માટેની અનુકૂળતાઓ પણ ઊભી કરતાં હોય છે. વિવિધ આકાર/કદની કેટલીક વનસ્પતિ સરોવરની જળસપાટી હેઠળ તેમજ તળ પર મુક્ત રીતે તરતી સ્થિતિમાં નભતી હોય છે. આવી વનસ્પતિ માછલીઓ, નાનાં જીવડાં, સ્નેઇલ વગેરે જેવાં પ્રાણીઓને ખોરાક પૂરો પાડે છે. તે બગલા, બતક, હંસ, સુરખાબ જેવાં યાયાવર પક્ષીઓ માટે મોસમી રહેઠાણ બની રહેતાં હોય છે. કેટલાંક પશુઓ નિયમિત રીતે પાણી પીવા માટે આવતાં હોય છે. કાચબા અને મગર તેમાં રહે છે. આવાં પ્રાણીઓને/પક્ષીઓને તેમના ખોરાક માટે માછલીઓ/વનસ્પતિ મળી રહે છે.
દુનિયાનાં મહત્ત્વનાં સરોવરો
ઉત્તર અને દક્ષિણ અમેરિકા
અગાસીઝ સરોવર | ગ્રેટ લેક્સ |
ઑન્ટેરિયો સરોવર | ગ્રેટ સ્લેવ સરોવર |
ઇરી સરોવર | ક્રેટર સરોવર |
હ્યુરોન સરોવર | ગટુન સરોવર |
સુપીરિયર સરોવર | ટીટીકાકા સરોવર |
મિશિગન સરોવર | નિકારાગુઆ સરોવર |
ગ્રેટ સૉલ્ટ સરોવર | માનાગુઆ સરોવર |
ગ્રેટ બિયર સરોવર | મારાકાઇબો સરોવર |
વિનિપેગ સરોવર | મૅનિટોબા સરોવર |
વિનિપેગોસિસ સરોવર | વૂડ્ઝ સરોવર |
યુરોપ
કાસ્પિયન સમુદ્ર | લેક ડિસ્ટ્રિક્ટ |
આલ્બેનો સરોવર | મૅગિયોર સરોવર |
બાલા સરોવર | નેમી સરોવર |
કોમો સરોવર | થુન સરોવર |
કૉન્સ્ટન્સ સરોવર | ઓનેગા સરોવર |
ગારડા સરોવર | પાઇપસ સરોવર |
જિનીવા સરોવર | કિલાર્ની સરોવર |
ઇલમૅન સરોવર | લોમોન્ડ સરોવર |
લાડોગા સરોવર | લૉઘ દર્ગ સરોવર |
લ્યુગાનો સરોવર | લૉઘ નીઘ સરોવર |
લ્યુસર્ન સરોવર | વિન્ડરમિયર |
આફ્રિકા
આલ્બર્ટ સરોવર | તાના સરોવર |
બાંગ્વેલુ સરોવર | ટાંગાનિકા સરોવર |
ચાડ સરોવર | તુર્કાના (રુડૉલ્ફ) સરોવર |
એડવર્ડ સરોવર | વિક્ટોરિયા સરોવર |
નાસર સરોવર | વોલ્ટા સરોવર |
ન્યાસા સરોવર | રુક્વા સરોવર |
માલેબો સરોવર |
એશિયા
અરલ સમુદ્ર | બૈકલ સરોવર |
મૃત સમુદ્ર | બાલ્ખશ સરોવર |
ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલૅન્ડ
બર્લી ગ્રિફીન સરોવર | પેડર સરોવર |
યુકુમ્બિની સરોવર | સેન્ટ ક્લૅર સરોવર |
આયર સરોવર | તાઉપો સરોવર |
જ્યૉર્જ સરોવર | ટે અનાઉ સરોવર |
માકવારી સરોવર | ટૉરેન્સ સરોવર |
માનાપૌરી સરોવર | હિન્ડમાર્શ સરોવર |
ભારતનાં સરોવરો : દ્વીપકલ્પીય સરોવરો : દ્વીપકલ્પના પૂર્વ અને પશ્ચિમ કિનારે અનેક સરોવરો આવેલાં છે, તે મુખ્યત્વે સમુદ્રમોજાં અને કિનારાના પ્રવાહોને કારણે તૈયાર થયેલાં છે. આ પૈકીનાં ઘણાંખરાં તો ખાડીસરોવર પ્રકારનાં છે. ઓરિસાનું ચિલકા અને તામિલનાડુનું પુલિકટ તેનાં ઉદાહરણો છે. કેરળના મલબાર કિનારા પર નાનાંમોટાં સંખ્યાબંધ કયાલ છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આવેલું 1.6 કિમી.ના વ્યાસવાળું અને 168 મીટરની ઊંડાઈવાળું ખારા પાણીનું લોણાર સરોવર લગભગ ગોળાકાર છે. તેની ઉત્પત્તિ જ્વાળામુખીજન્ય ગણાય છે. રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર છીછરું અને મુદતી છે; ચોમાસામાં તે ભરાય છે અને ઉનાળામાં ક્ષારપોપડીથી આચ્છાદિત થઈ સૂકું બની રહે છે. પશ્ચિમ રાજસ્થાનમાં ધાન્ડ્ઝ પ્રકારનાં આલ્કલી સરોવરો છે, તે ક્ષારીય છે, તેમની ઉત્પત્તિ વાતજન્ય છે. તેમાં સોડિયમના ક્લોરાઇડ, કાર્બોનેટ અને સલ્ફેટ જામે છે.
બાહ્યદ્વીપકલ્પીય સરોવરો : બાહ્યદ્વીપકલ્પીય વિસ્તારમાંનાં સરોવરો ભૂસંચલનજન્ય અથવા હિમજન્ય ઉત્પત્તિવાળાં છે. પેંગોંગ, ત્સોમોરીરી, સૉલ્ટ લેક, દાલ અને વુલર કાશ્મીરનાં મુખ્ય સરોવરો ગણાય છે. આ પૈકીનાં દાલ અને વુલર જેલમ નદીના કાંપના થાળામાં બનેલાં સ્વચ્છ જળનાં સરોવરો છે, જ્યારે બાકીનાં ખારા પાણીનાં છે. 4,000 મીટરની ઊંચાઈએ આવેલું, લદ્દાખ(કાશ્મીર)માંનું પેંગોંગ (પેંગકોંગ) સરોવર, 64 કિમી. લાંબું અને 3થી 7 કિમી. પહોળું છે. રૂપ્શુમાં આવેલું ત્સોમોરિરી સરોવર 24 કિમી. લાંબું, 3થી 8 કિમી. પહોળું અને 4,000 મીટરથી વધુ ઊંચાઈએ આવેલું છે. ખારા પાણીનાં ત્રણે (પેંગોંગ, ત્સોમોરિરી અને સૉલ્ટ લેક) સરોવરો શાખાનદીઓ દ્વારા મુખ્ય ખીણમાર્ગમાં નિક્ષેપ-અવરોધ થવાથી બનેલાં બાધક સરોવરો (obstruction lakes) છે. આ ઉપરાંત કાશ્મીર અને નજીકના વિસ્તારોમાંનાં ‘ટૉર્ન’ (torns) નામથી ઓળખાતાં નાનાં કદનાં સરોવરો પણ છે.
કુમાઉંમાં આવેલાં નૈનીતાલ, ભીમતાલ અને ખેવનતાલ મુખ્યત્વે ભૂસંચલનજન્ય છે, આ ઉપરાંત નદી-અવરોધ અને ખડક-ધોવાણની ઉત્પત્તિ પણ તેમાં કારણભૂત ગણાય છે. ઉત્તરાંચલમાં આવેલો કુમાઉં પ્રદેશ માત્ર હિમશિખરોની જ નહિ, સરોવરોની ભૂમિ પણ ગણાય છે. કુમાઉં એટલે નૈનીતાલ, રાણીખેત અને અલમોડા જેવાં ગિરિમથકોની ભૂમિ. હિમાલયમાંનાં સુપ્રસિદ્ધ પર્યટનસ્થળો પૈકી જેનું મહત્ત્વ અનેરું છે એવું હજારો પ્રવાસીઓને સતત આકર્ષતું રહેલું, દિલ્હીથી 295 કિમી. અંતરે આવેલું અને 1934 મીટરની ઊંચાઈએ આવેલું નૈનીતાલ નગર નૈની સરોવરને કારણે જ આકર્ષણનું કેન્દ્ર બની રહેલું છે. રાણીખેત અને અલમોડાની ગણતરી નૈનીતાલ પછીના ક્રમે આવે છે. અહીં આવેલાં સાત સરોવરો પૈકી રમણીયતા/મનમોહકતામાં નૈનીતાલ પ્રથમ ક્રમે આવે, પરંતુ આજે તે પ્રદૂષિત બની રહેલું છે. આજુબાજુ ઘણી હૉટેલો, નૌકાસફરની અવરજવર અને ધમાલ, ગિરદી તેમજ ગંદકી વધી ગયાં છે. અન્ય ચાર સરોવરોનાં પ્રાકૃતિક સૌંદર્ય અને આહ્લાદકતા જળવાઈ રહ્યાં છે. 1,350 મીટરની ઊંચાઈએ ભીમતાલનગર અને ભીમતાલ હારમાળા સહિત ભીમતાલ સરોવર આવેલું છે. ખેવનતાલ સરોવર પણ નજીકમાં જ છે. અહીં પ્રાકૃતિક સૌંદર્યને માણી શકાય એટલી શાંતિ છે. ભીમતાલથી માત્ર 6 કિમી. દૂર, ટોચ તરફ નૌકુચિયતાલ અને સતતાલ સરોવરો પણ છે. સતતાલ નિર્મળ જળરાશિ ધરાવતું, ચારેય બાજુ પાઇનવૃક્ષોથી ઘેરાયેલું મનોરમ્ય સરોવર છે. અહીં સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં પર્યટકોની અવરજવર ઓછી રહે છે. પાઇનવૃક્ષોની વચ્ચે બીજાં નાનાં નાનાં સરોવરો પણ છે. સતતાલથી 60 કિમી. અંતરે 2020 મીટરની ઊંચાઈએ પાઇનવૃક્ષોની વચ્ચે મુક્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ સ્થાન વેટરનરી અભ્યાસ માટેના ભારતીય સંસ્થાનનું મૂળ સ્થળ ગણાય છે.
ભારતનાં મહત્ત્વનાં સરોવરો
1. | દાલ સરોવર | જમ્મુ-કાશ્મીર-શ્રીનગર |
2. | વુલર સરોવર | જમ્મુ-કાશ્મીર-બારામુલા |
3. | નૈનીતાલ | ઉત્તરાંચલ-નૈનીતાલ |
4. | ચિલ્કા (ચિલિકા) સરોવર | ઓરિસા |
5. | કોલેરુ સરોવર | આંધ્રપ્રદેશ-કૃષ્ણા જિલ્લો |
6. | પુલીકટ સરોવર | આંધ્ર-તામિલનાડુ સરહદ |
7. | પેરિયાર સરોવર | કેરળ-તામિલનાડુ |
8. | નળ સરોવર | ગુજરાત-અમદાવાદ જિલ્લો |
9. | સાંભર સરોવર | રાજસ્થાન-અજમેર-જયપુર |
10. | લોણાર સરોવર | મહારાષ્ટ્ર-બુલઢાણા જિલ્લો |
ગિરીશભાઈ પંડ્યા