સ્મિથ્સોનિયન અમેરિકન આર્ટ મ્યુઝિયમ (Smithsonian American Art Museum) : સાત હજાર અમેરિકન ચિત્રકારો અને શિલ્પીઓની ચાળીસ હજારથી પણ વધુ કલાકૃતિઓનું અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડી.સી. ખાતે આવેલું મ્યુઝિયમ. 1829માં તેની સ્થાપના જોન વાર્ડેન નામના વિદ્વાને કરી અને એક ક્યુરેટર તરીકે અમેરિકન ચિત્રો અને શિલ્પો તેમણે એકઠાં કર્યાં. 1906માં અમેરિકન પ્રમુખ જેઇમ્સ બુયાનને આ મ્યુઝિયમને અમેરિકન રાષ્ટ્રની ‘નૅશનલ ગૅલરી ઑવ્ આર્ટ’નો દરજ્જો આપી રાષ્ટ્રના પ્રથમ મ્યુઝિયમ રાજધાનીમાં શો-કેસ શોભા તરીકે તેનો વિકાસ વધાર્યો. આજે અમેરિકન કલાની ત્રણ સદીઓ(અઢારમી, ઓગણીસમી અને વીસમી)નો તબક્કાવાર ઇતિહાસ આ મ્યુઝિયમમાં વિગતવાર જોવા મળે છે.
સ્મિથ્સોનિયન અમેરિકન આર્ટ મ્યુઝિયમ
સત્તરમી સદી : પુઅર્તો રિકોમાં સત્તરમી સદીમાં સર્જાયેલા એક ચિત્ર ‘સાન્તા બાર્બરા’ અને એક રંગેલું કાષ્ઠ શિલ્પ ‘મધર મેરી વર્જિન અવર લેડી ઑવ્ સોરોઝ’ આ મ્યુઝિયમમાં રહેલ સૌથી જૂની કલાકૃતિ છે.
અઢારમી સદી : જોન સિંગલ્ટન કોપ્લે, ચાર્લ્સ વિલ્સન પીલે તથા ગિલ્બર્ટ સ્ટુઅર્ટ દ્વારા આલેખિત વ્યક્તિચિત્રો તથા હોરેશિયો ગ્રીનફે સર્જેલાં શિલ્પો અહીં છે.
ઓગણીસમી સદી : અમેરિકન ચિત્રકારોનાં ‘હડ્સન રિવર સ્કૂલ’ જૂથે કરેલ અમેરિકન નિસર્ગનાં પ્રભાવશાળી આલેખનો રજૂ કરતી ચિત્રશ્રેણી અહીં છે. તેમાં થૉમસ કૉલ, એશર ડુરાન્ડ, ફ્રેડરિક એડ્વીન ચર્ચ, આલ્બર્ટ બીર્સ્ટેટ માર્ટીન હીડે, જૉન કેન્સેટ, ફીટ્ઝ લેઇન અને વિન્સ્લો હોમર જેવા ચિત્રકારોનો સમાવેશ થાય છે. આ ચિત્રકારોનાં ચિત્રોમાં નાયેગરા ધોધ, રૉકી પર્વતો, ગ્રાન્ડ કેન્યોનની ભેંકાર કોતરો, કૅલિફૉર્નિયાની મરુભૂમિ તેમજ ઍટલૅન્ટિક કાંઠાનાં ગાઢ જંગલોનાં ભવ્ય અને આહલાદક આલેખનો થયાં છે. અમેરિકાનાં ‘વાઇલ્ડ વેસ્ટ’ નામે જાણીતા પૅસિફિક કાંઠા નજીકનાં જંગલો, પર્વતો અને કોતરોનાં જૉર્જ કૅટલીને આલેખેલાં 400થી પણ વધુ ચિત્રો અહીં છે. એમાંથી કેટલાંક ચિત્રોમાં અમેરિકાના મૂળ નિવાસી રેડ ઇન્ડિયનો એમની જીવનશૈલી સાથે નજરે પડે છે. થૉમસ મોરાન અને ફ્રેડરિક રેમિંગ્ટને આલેખેલાં ભરવાડ–કાઉબૉઇઝનાં અને અમેરિકન નિસર્ગનાં ચિત્રો પણ અહીં છે. અમેરિકન પ્રભાવવાદી (impressionist) ચિત્રકારો ચાઇલ્ડ હાસમ (Childe Hassam), જૉન વેરમૅન, મેરી કસાત અને વિલિયમ મેરિટ ચેઇઝનાં પ્રભાવવાદી ચિત્રો પણ છે. જૉન જેમ્સ ઓદુબોન(Audubon)નાં પંખીચિત્રો પણ અહીં છે.
જૉર્જ કૅટલીને આલેખેલ એક આદિવાસી-અમેરિકન ‘કી-ઓ-કુક’ પુરુષનું ચિત્ર : ‘આહ-મોઉ-આ, ધ વ્હેલ’.
વીસમી સદી : જૉન સિંગર સાર્જન્ટ, જેમ્સ વિસ્લર, એબોટ થેયર, એડ્વર્ડ હોપર, જૉન સ્લોઆન, એન્ડ્રુ વીથ, જેકોબ લૉરેન્સ, થૉમસ હાર્ટ બેન્ટનનાં ચિત્રોમાં વીસમી સદીના અમેરિકાની જીવનશૈલી વાસ્તવિક ઢબે આલેખાઈ છે. તેમાં કાર્યરત અને બેકાર મજૂરો, ખેતમજૂરો, શહેરી જીવનની એકલતા, હબસી વસાહતોનાં આનંદકિલ્લોલ અને વ્યથાઓ, દારૂનાં પીઠાંમાં જાઝ સંગીતના નાદે હિલોળે ચડેલું અને દારૂના નશામાં ઝૂમતું મદમસ્ત યૌવન નજરે પડે છે. જ્યોર્જિયા ઓ’કીફીનાં ચિત્રોમાં પુષ્પો, ખોપરીઓ નારીના ભગોષ્ઠની આકૃતિઓનો મહિમા દેખાય છે. વિલેમ કૂનિંગ, ફ્રાન્ઝ ક્લાઇન, જૉસેફ સ્ટેલા, કેનીથ નોલૅન્ડ, માર્સ્ડન હાટર્લી, સ્ટુઅર્ટ ડૅવિડ, વાઇન થીબોડ, આલ્ફ્રેડ જેન્સેન, ફિલિપ ગુસ્ટોન, જેનીફર બાર્ટલેટ, ડેબરા બટર્ફીલ્ડ, એરિક ફિશલ, ડૅવિડ હૉકની, નામ જૂન પાઇક, રેની સ્ટાઉટ અને માર્ક ટેન્સીનાં ચિત્રોમાં અમૂર્ત કલાની આરાધના જોવા મળે છે.
જ્યોર્જિયા ઓ’કીફીનું એક ભેંકાર નિસર્ગચિત્ર : બ્લૅક મેસા લૅન્ડસ્કેપ, ન્યૂ મેક્સિકો’ (1930)
શિલ્પ : ઓગણીસમી સદીના વાસ્તવવાદી શિલ્પીઓ હિરેમ પોવર્સ, એડ્મોનિયા લુઇસ, હેરિયેર હૉસ્મર, ઓગુસ્ટસ સેંઈ ગોદેં, પોલ મેન્શીપની કૃતિઓથી માંડીને વીસમી સદીના અમૂર્ત શિલ્પીઓ લુઇસ નેવેલ્સન, ઇસામુ નોગુચી, એડ્વર્ડ કીનહોલ્ઝ, માર્ટીન પુરિયારની કૃતિઓ અહીં છે.
ફોટોગ્રાફ : પ્રસિદ્ધ ફોટોગ્રાફરો કાર્લેટોન વૉટ્કિન્સ, ટિમોથી ઓ’સુલિવાન, આરોન સિસ્કિન્ડ, ઇર્વિંગ પેન, વિલિયમ ક્રિસ્ટન્બેરી અને રિચાર્ડ મિસ્રાખનાં કેટલાક શ્રેષ્ઠ ફોટોગ્રાફ આ મ્યુઝિયમમાં પ્રદર્શિત છે.
લોકકલા વિભાગ : લોકકલાના બે મહત્વના સંગ્રહો – ‘હર્બર્ટ વાઇડ હેમ્ફીલ જુનિયર કલેક્શન’ તથા ‘ચક ઍન્ડ જાન રોસેનાક કલેક્શન’ આ મ્યુઝિયમને ભેટ મળવાથી એક અનોખો લોકકલાસંગ્રહ આ મ્યુઝિયમમાં ઊભો થયો છે.
આફ્રો–અમેરિકન આર્ટ : અમેરિકાસ્થિત હબસી ચિત્રકારો–શિલ્પીઓની 2000થી વધુ કલાકૃતિઓ આ મ્યુઝિયમમાં છે. તેમાં વિલિયમ જૉન્સન, રૉબર્ટ સ્કૉટ ડુન્કેન્સન, હેન્રી ઓસાવા ટેનર, હોરેસ પિપિન, રોમારે બીર્ડન, જેકોબ લૉરેન્સ, લોઇસ માઇલૂ જૉન્સ અને સેમ ગિલિયમ જેવા ચિત્રકારો–શિલ્પીઓ સામેલ છે. આ કલાકૃતિઓમાં અમેરિકા સ્થિત હબસીઓનાં આનંદ, કિલ્લોલ, વ્યથા, દુ:ખદર્દ વ્યક્ત થયાં છે.
લૅટિન–અમેરિકન આર્ટ : મેક્સિકો, જમૈકા, પુઅર્તો રિકો, વેનેઝુએલા, ચીલી, ઉરાગ્વે, પેરાગ્વે, આર્જેન્ટિના, હોન્ડુરસ, ક્યુબા જેવા લૅટિન–અમેરિકન દેશોમાં જન્મેલા અથવા ત્યાંના લોકોનાં અમેરિકામાં જન્મેલાં સંતાનોની 500થી વધુ ચિત્રકૃતિઓ–શિલ્પકૃતિઓ આ મ્યુઝિયમમાં છે. તેમાં કાર્મેન લોમસ ગાર્ઝા, પાત્સી વાલ્ડેઝ, કાર્લોસ આલ્ફોન્ઝો, વિક મુનીઝ અને લુઇ જિમેનેઝ જેવા ચિત્રકારો–શિલ્પીઓની કૃતિઓનો સમાવેશ થાય છે.
હુલામણા નામ ‘સામ’ (SAAM) વડે સ્મિથ્સોનિયન અમેરિકન આર્ટ મ્યુઝિયમ લોકોમાં જાણીતું છે.
અમિતાભ મડિયા