કર્ઝનરેખા : પહેલા વિશ્વયુદ્ધનો અંત (1918) અને બીજા વિશ્વયુદ્ધનો આરંભ(1939)ના સમયગાળા દરમિયાન પોલૅન્ડની પૂર્વ સરહદ આંકતી રેખા, જે દ્વારા પોલૅન્ડના લોકો અને પૂર્વ તરફના લોકો જેવા કે લિથુઆનિયા, બાયલોરશિયા અને યુક્રેનના લોકો વચ્ચે ભેદ પાડવામાં આવ્યો હતો. આ રેખા પહેલા વિશ્વયુદ્ધ પછી મળેલી પૅરિસ પરિષદમાં લૉર્ડ કર્ઝન દ્વારા નિયત કરવામાં આવી હતી.
બીજા વિશ્વયુદ્ધ પછી પાછળથી આ જ રેખા ઉપર પોલૅન્ડ અને રશિયા વચ્ચેની સરહદોની આંકણી સ્વીકારવામાં આવી હતી. 1945માં મળેલી યાલ્ટા પરિષદે પોલૅન્ડની પૂર્વ સરહદ તરીકે તેની ઉપર મહોર મારી હતી.
દેવવ્રત પાઠક