કરારનો ધારો (ભારતીય), 1872
વ્યક્તિએ આપેલાં ‘વચન’ કયા સંજોગોમાં તેને બંધનકર્તા બને તે નિર્ધારિત કરતો ભારતમાં અમલ ધરાવતો ધારો. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે થયેલી સમજૂતીમાંથી ઉદભવતા ફરજસ્વરૂપના વિવિધ વ્યવહારોના આધારે પ્રસ્થાપિત થતા કાયદેસર સંબંધોની વ્યાખ્યા તથા તેને આનુષંગિક બાબતોનો આ કાયદામાં સમાવેશ થાય છે. વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે આવા ‘કાયદેસર સંબંધો’ સ્થાપે એટલે એમને તેનું પાલન પણ કરવું ઘટે. કરારના ધારાનો મુખ્ય ઉદ્દેશ આવા સ્થાપિત થયેલા સંબંધોનો યોગ્ય રીતે અમલ કરાવવાનો છે. પક્ષકાર પોતાના કરારનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેની સામે કયા ઉપાયો યોજી શકાય એ આ ધારાના નિયમો નક્કી કરે છે.
કરારની વ્યાખ્યા : ‘‘કાયદા દ્વારા અમલી બનાવી શકાય તેવી સમજૂતી તે કરાર છે.’’ [કલમ 2 (એચ)] એટલે કે ‘કરાર’ માટે ‘સમજૂતી’ હોવી આવશ્યક છે. એક પક્ષકાર ‘દરખાસ્ત’ કરે અને બીજો પક્ષકાર તે દરખાસ્તનો ‘સ્વીકાર’ કરે, તેમાંથી કરાર પરિણમે છે. આમ સમજૂતી વગર કરાર શક્ય નથી.
પરંતુ દરેક સમજૂતી કરારમાં પરિણમતી નથી. જે સમજૂતી કાયદા દ્વારા અમલી બનાવી શકાય તે જ કરાર બની શકે. ફરજ ઉત્પન્ન કરતી સમજૂતી જ કાયદા દ્વારા અમલમાં મૂકી શકાય.
ફરજ : ‘ફરજ’ એટલે બે કે વધુ વ્યક્તિઓને જોડતું કાયદેસરનું બંધન. આ બંધન પક્ષકારોને સમજૂતીમાં નિર્દિષ્ટ કરેલું કામ કરવાનું કે ન કરવાનું આવશ્યક બનાવે છે. ફરજ સમજૂતી દ્વારા નહિ પણ અન્ય રીતે ઉત્પન્ન થતી હોય તો તેવી ફરજને કરારના ધારાના નિયમો લાગુ નહિ પડે. સ્વૈચ્છિક રીતે પક્ષકારો ફરજનું બંધન સ્વીકારે તો જ આ ધારો લાગુ પડશે.
દરખાસ્ત : ‘દરખાસ્ત’ એ કરાર સ્થાપિત કરવાનું પ્રથમ પગથિયું છે. દરખાસ્તની શરતો સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ. કોઈક નિશ્ચિત વ્યક્તિ કે સમુદાયને લક્ષીને કરેલી દરખાસ્ત ‘નિશ્ચિત દરખાસ્ત’ કહેવાય. અનિશ્ચિત વ્યક્તિઓને એટલે કે સમસ્ત જગતને અનુલક્ષીને કરેલી દરખાસ્ત એ ‘સામાન્ય દરખાસ્ત’ કહેવાય. ‘નિશ્ચિત દરખાસ્તનો સ્વીકાર, જે વ્યક્તિને અનુલક્ષીને તે કરવામાં આવી હોય તે જ કરી શકે. ‘સામાન્ય દરખાસ્ત’નો સ્વીકાર કોઈ પણ વ્યક્તિ કરી શકે.
દરખાસ્ત સંમતિ મેળવવાના ઇરાદાથી કરાયેલી હોવી જોઈએ. તેમજ દરખાસ્ત કરવા પાછળનો ઇરાદો પક્ષકારો વચ્ચે કાયદેસર સંબંધ બાંધવાનો હોવો જોઈએ. દરખાસ્ત શરતી કે બિનશરતી હોઈ શકે. કોઈ પણ શરત વગરની દરખાસ્તને બિનશરતી દરખાસ્ત કહેવાય. શરતી દરખાસ્ત હોય તો દરખાસ્તમાં સમાયેલી શરતોની સામા પક્ષકારને સ્પષ્ટ જાણ કરવી જોઈએ.
મૌનને ‘દરખાસ્તનો સ્વીકાર’ ગણતી દરખાસ્ત યોગ્ય ગણાતી નથી; દા. ત., ‘‘તમે આ પત્રનો ઉત્તર આપશો નહિ તો હું માની લઈશ કે આ દરખાસ્ત તમને માન્ય છે.’’ આ યોગ્ય દરખાસ્ત નથી.
સ્થાયી દરખાસ્ત : ઘણી વાર દરખાસ્ત લાંબા સમય સુધી ચાલુ (standing) રહે છે. આ સમય દરમિયાન દરખાસ્તનો ગમે તેટલી વાર સ્વીકાર થઈ શકે. ધારો કે એક વેપારી કોઈ એક મિલને વર્ષ દરમિયાન અમુક માલ જ્યારે જોઈએ ત્યારે અમુક ઠરાવેલા ભાવે પૂરો પાડવાની દરખાસ્ત કરે ત્યારે આ ‘ઊભી દરખાસ્ત’ કરેલી ગણાય. આ દરખાસ્ત એ કરાર નથી; આ તો વેપારીએ કરેલી શ્રેણીબદ્ધ દરખાસ્તો ગણાય. આ દરખાસ્ત સામે જ્યારે જ્યારે મિલ ઑર્ડર મૂકે એટલી વાર આ વેપારીની ઊભી દરખાસ્તનો સ્વીકાર કર્યો ગણાય. દરખાસ્તનો મિલે જેટલી વાર સ્વીકાર કર્યો તેટલી જ વાર એક જ દરખાસ્તમાંથી કરાર ઉત્પન્ન થયા. આ પ્રકારની દરખાસ્તને સ્થાયી કે ઊભી દરખાસ્ત કહે છે.
સ્વીકાર : સ્વીકાર એટલે દરખાસ્તને સંમતિ આપવી તે. સ્વીકાર સંપૂર્ણ, અમર્યાદિત અને બિનશરતી હોવો જોઈએ. દરખાસ્ત કરનારને જાણ કરવી જોઈએ; તો જ દરખાસ્તનો સ્વીકાર થયેલો ગણાય. સ્વીકાર, દરખાસ્ત કરનારે બતાવેલી રીત પ્રમાણે કરવો જોઈએ. રીત બતાવેલી ન હોય તો સામાન્ય રૂઢિ મુજબ સ્વીકાર કરવો જોઈએ. સ્વીકાર કર્યાની જાણ દરખાસ્ત કરનાર વ્યક્તિને કરવી અનિવાર્ય છે પરંતુ અમુક સંજોગોમાં દરખાસ્તનો સ્વીકાર કર્યાની જાણ દરખાસ્ત કરનારને કરવાની આવશ્યકતા નથી હોતી.
જે વ્યક્તિને અનુલક્ષીને દરખાસ્ત કરવામાં આવી હોય તે જ તેનો સ્વીકાર કરી શકે, સિવાય કે દરખાસ્તમાં જુદો ગર્ભિતાર્થ હોય. દરખાસ્તનો અંત આવે તે પહેલાં એટલે કે દરખાસ્ત જીવંત હોય ત્યાં સુધી જ તેનો સ્વીકાર થઈ શકે.
રદ્દીકરણ : દરખાસ્તને, એના સ્વીકારનું સંવહન દરખાસ્ત કરનારની વિરુદ્ધમાં પૂરું થાય તે પહેલાં, ગમે ત્યારે પાછી ખેંચી શકાય, પરંતુ ત્યારબાદ નહિ. તેવી જ રીતે, સ્વીકારને, એનું સંવહન સ્વીકાર કરનારની વિરુદ્ધમાં પૂરું થાય તે પહેલાં કોઈ પણ સમયે પાછો ખેંચી શકાય, પણ ત્યારબાદ નહિ.
અંગ્રેજી કાયદામાં સ્વીકાર અફર છે એટલે તેને પાછો ખેંચી શકાતો નથી. રદ્દીકરણ અંગેના ભારતીય કરાર ધારાના નિયમો જોઈએ તો સ્વીકાર કરનાર વ્યક્તિને ખાસ હકો આપ્યા છે : (1) દરખાસ્તનો સ્વીકાર કરતો સંદેશો રવાના કરવામાં આવે ત્યારે જ દરખાસ્તનો સ્વીકાર થયેલો ગણવામાં આવે છે. હવે જો સ્વીકાર કરતી ટપાલ ગુમ થાય તોપણ જ્યાં સુધી તે રદ કરવામાં ન આવે ત્યાં સુધી સ્વીકાર કરનારને કાયદેસર હક પ્રાપ્ત થઈ જ જાય છે. (2) બીજી બાજુ, સ્વીકારનો સંદેશો દરખાસ્ત કરનારને મળે જ નહિ ત્યાં સુધી, સ્વીકાર કરનાર વ્યક્તિ પોતાના સ્વીકારને પાછો ખેંચી શકે છે.
વ્યર્થ સમજૂતી : જે સમજૂતી કોઈ કાયદેસર પરિણામ લાવી શકતી ન હોય અગર તો કોઈ પણ જાતની ફરજ કે જવાબદારી ઉત્પન્ન કરી શકતી ન હોય તે સમજૂતી ‘વ્યર્થ’ એટલે કે કાયદાની ર્દષ્ટિએ અર્થહીન અથવા તો રદબાતલ સમજૂતી કહેવાય છે.
કરારનાં આવશ્યક તત્વો – જેવાં કે સમર્થ પક્ષકારો, મુક્ત સંમતિ, કાયદેસર અવેજનો અભાવ હોય તો તે સમજૂતી વ્યર્થ બને છે. આવી સમજૂતી પ્રારંભથી જ ખામીવાળી હોઈ ‘પ્રારંભથી જ રદબાતલ’ સમજૂતી ગણાય છે.
ઘણી સમજૂતીઓ એવી હોય છે જે શરૂઆતમાં કાયદેસર હોય છે, પરંતુ પાછળથી એવો કોઈક બનાવ બને તેથી અથવા અન્ય કોઈ કાયદાની મુશ્કેલીના કારણે તેનો પછીથી અમલ કરાવી શકાતો નથી.
ઘણી સમજૂતીઓ એવી હોય છે જેને ભારતીય કરાર ધારા દ્વારા સ્પષ્ટપણે વ્યર્થ કે રદબાતલ જાહેર કરવામાં આવી છે; દા. ત., લગ્ન-અવરોધક સમજૂતી રદબાતલ જાહેર કરવામાં આવી છે.
વ્યર્થ થવા પાત્ર સમજૂતી : જે સમજૂતીમાં, એને કાયદા દ્વારા અમલમાં લાવવાનો વિકલ્પ એક યા વધુ પક્ષને મળતો હોય, પરંતુ બીજા પક્ષ કે પક્ષોને ન મળતો હોય તેવી સમજૂતી વ્યર્થ થવા પાત્ર કે રદબાતલ થવા પાત્ર કહેવાય છે.
જે પક્ષકારની સંમતિ બળજબરી, અયોગ્ય લાગવગ, દગો અગર ગેરરજૂઆતથી મેળવવામાં આવી હોય તે પક્ષકારને સમજૂતીને માન્ય અગર અમાન્ય ઠરાવવાનો વિકલ્પ મળે છે, પરંતુ જે પક્ષકારને વિકલ્પ મળે છે એ પક્ષકાર તે સમજૂતીને વ્યર્થ જાહેર ન કરે ત્યાં સુધી તે સમજૂતીને વિધિમાન્ય કે કાયદેસર માનવામાં આવે છે.
કાયદેસર કરાર : કરાર કરવા માટે સમર્થ ગણાય તેવા પક્ષકારોની મુક્ત સંમતિથી, કાયદેસર અવેજ માટે અને કાયદેસર ઉદ્દેશ સહિત કરાર કરવામાં આવ્યો હોય અને જો તે વ્યક્ત રીતે રદબાતલ કરાર તરીકે જાહેર કરવામાં આવ્યો ન હોય તો તે કરાર કાયદેસર ગણાય છે.
અન્ય કાયદા હેઠળ કરાર કાયદેસર ત્યારે ગણાય જ્યારે જે તે કાયદામાં વધારાની વિધિનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું હોય. તે વધારાની વિધિનું પણ પાલન કરવામાં આવ્યેથી તે કરાર અન્ય કાયદા હેઠળ પણ વિધિમાન્ય બને છે; દા. ત., હસ્તાંતર ધારા પ્રમાણે કરાર વિધિમાન્ય બનાવવા માટે કરાર ધારાની ઉપરની શરતો ઉપરાંત અન્ય વિધિનું પણ પાલન કરવાનું હોય છે; જેમ કે, કરાર લેખિત, યોગ્ય સ્ટૅમ્પ-પેપર પર, યોગ્ય ઠેકાણે સાક્ષીની સહી ધરાવતો અને રજિસ્ટર થયેલો હોવો જોઈએ. આ વધારાની વિધિનું પણ પાલન થયેથી, હસ્તાંતર ધારા પ્રમાણે પણ હવે કરાર વિધિમાન્ય બનશે.
સમર્થ પક્ષકાર : પક્ષકારો કરાર કરવાને યોગ્ય, સમર્થ કે સક્ષમ હોવા જોઈએ. જે વ્યક્તિ, તેને લાગુ પડતા કાયદા અન્વયે પુખ્ય વયની હોય, જે વ્યક્તિ સ્વસ્થ મનની હોય અને જે વ્યક્તિ, તેને લાગુ પડતા કોઈ પણ કાયદા વડે કરાર કરવાને બિનલાયક બની ન હોય, તે પ્રત્યેક વ્યક્તિ કરાર કરવાને સમર્થ છે.
સગીર સાથેની સમજૂતી સદંતર વ્યર્થ અને શરૂઆતથી જ બિનઅસરકારક સમજૂતી છે; પરંતુ સગીર, વચન લેનાર બની શકે. સગીરને પ્રતિબંધનો સિદ્ધાંત લાગુ ન પડે. સગીરને તેના મોભાને અનુરૂપ જીવનની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે તો તેની મિલકતમાંથી વસૂલ કરવાનું બને. અંગત રીતે સગીર જવાબદાર બનતો નથી. સગીર એજન્ટ તરીકે કામ કરી શકે છે, પરંતુ ભાગીદારી પેઢીમાં ભાગીદાર બની ન શકે કારણ કે તે કાયદા મુજબ કરાર કરવા અસમર્થ છે. જોકે ચાલુ પેઢીના તમામ ભાગીદારોની સંમતિથી તે ભાગીદારી પેઢીના લાભાર્થે સગીરને પ્રવેશ આપી શકાય છે. સગીર અપકૃત્ય (torts) માટે જવાબદાર બને છે પરંતુ કરારભંગ (breach of contract) માટે તેની કોઈ જવાબદારી નથી.
અસ્વસ્થ મન : જે વ્યક્તિ કરાર કરતી વખતે એને સમજવાની અને પોતાનાં હિતો પરત્વે, તેની અસર વિશે, બુદ્ધિપૂર્વક અભિપ્રાય બાંધવાની શક્તિ ધરાવતી હોય તે વ્યક્તિ કરાર કરવાના હેતુ માટે સ્વસ્થ મનની છે એમ કહેવાય. અસ્વસ્થ મનવાળી વ્યક્તિ કરાર કરવા માટે અસમર્થ છે. મનની અસ્વસ્થતા કાયમની ન પણ હોય. એટલે જે વ્યક્તિ સામાન્યત: અસ્વસ્થ મનવાળી હોય પરંતુ પ્રસંગોપાત્ત, સ્વસ્થ મનવાળી બનતી હોય, તે જ્યારે સ્વસ્થ મનવાળી હોય ત્યારે તે કરાર કરી શકે. કોઈ વ્યક્તિ સામાન્યત: સ્વસ્થ મનવાળી હોય પરંતુ કોઈક વાર અસ્વસ્થ મનવાળી બનતી હોય તે વ્યક્તિ જ્યારે અસ્વસ્થ મનવાળી હોય ત્યારે તે કરાર કરવા અસમર્થ બને છે.
વ્યક્તિ સ્વસ્થ મનની છે કે નહિ તે નક્કી કરવા માટેની બે કસોટીઓ છે : (1) એનામાં કરારનો વ્યવહાર સમજવાની શક્તિ છે કે કેમ ? (2) પોતાનાં હિતો પરત્વે કરારની શી અસર થાય છે એ વિશે એ બુદ્ધિ અને સમજપૂર્વક નિર્ણય કે અભિપ્રાય બાંધી શકે એમ છે કે નહિ ?
મનની અસ્વસ્થતા અનેક કારણોથી ઉદભવી શકે – ગાંડપણ, મૂર્ખતા, માદક પદાર્થોના સેવન હેઠળની અસર તથા ઉંમર અથવા બીમારીને કારણે મન નબળું બન્યું હોય, આ સર્વે મનની અસ્વસ્થતા ઊભી કરી શકે. કાયદો એમ માનીને ચાલે છે કે દરેક વ્યક્તિ સ્વસ્થ અને સાબૂત મનવાળી છે. એટલે કોઈ પણ પક્ષકારની અસ્વસ્થતા પુરવાર કરવાનો બોજો, એ હકીકત પર આધાર રાખનારને શિરે રહે છે.
બિનલાયક : કાયદાથી વ્યક્તિને કરાર કરવા માટે અસમર્થ અને બિનલાયક જાહેર થઈ શકે. નાદાર વ્યક્તિ, નાદારી દરમિયાન કરાર કરવા અસમર્થ વ્યક્તિ જાહેર થઈ શકે છે.
પરદેશી વ્યક્તિ સાથે અમુક પ્રકારના વ્યવહારો કરવા પર પ્રતિબંધ હોઈ શકે. ખાસ કરીને યુદ્ધ દરમિયાન, દુશ્મન દેશના નાગરિક સાથે કરેલા કરાર વ્યર્થ ગણાય છે.
કંપની અગર કૉર્પોરેશન કાયદેસર પક્ષ ગણાય (legal entity) છે. તેથી તે જાતે કાર્ય કરી શકતાં નથી. તેમણે એજન્ટ મારફત જ કાર્ય કરવું પડે છે. આવા એજન્ટ કંપની વતી તેના ઠરાવેલ કાયદેસર સત્તાના ક્ષેત્રમાં અને જણાવેલી રીતે જ કાર્ય કરી શકે છે.
કેદી જ્યારે ખરેખર જેલની સજા ભોગવી રહ્યો હોય ત્યારે તે કરાર કરવાના હેતુ માટે અસમર્થ વ્યક્તિ ગણાય છે, પરંતુ તે જ્યારે ‘પૅરોલ’ પર હોય ત્યારે તે સમર્થ વ્યક્તિ બની જાય છે.
મુક્ત સંમતિ : સમર્થ પક્ષકારો વચ્ચે સંમતિ સધાય ત્યારે જ કરાર ઉદભવી શકે. બે કે વધુ વ્યક્તિઓ એક જ વસ્તુ પરત્વે એક જ અર્થમાં એકમતી સાધે ત્યારે તેઓ સંમત થઈ છે એમ કહેવાય. કરાર કરવા માટે આવી મનની એકતા અનિવાર્ય છે.
સંમતિ જ્યારે બળજબરી, અયોગ્ય લાગવગ, દગો, ગેરરજૂઆત અથવા ભૂલથી મેળવવામાં આવી હોય ત્યારે એ સંમતિ મુક્ત સંમતિ ગણાતી નથી.
(i) બળજબરી : જે કૃત્ય ફોજદારી ધારાથી પ્રતિબંધિત છે તે કૃત્ય કરવું અથવા કરવાની ધમકી આપવી એ ‘બળજબરી’ છે. કોઈને મારવાનું કૃત્ય ફોજદારી ધારા પ્રમાણે પ્રતિબંધિત કૃત્ય છે. તેથી મારવાની ધમકી આપવી તે બળજબરી કહેવાય.
તેવી જ રીતે મિલકતને કાયદા વિરુદ્ધ કબજામાં રાખવી કે તેમ કરવાની ધમકી આપવી તે પણ બળજબરીનું કૃત્ય ગણાશે.
(ii) અયોગ્ય પ્રભાવજન્ય દબાણ : જ્યારે પક્ષકારો વચ્ચેના સંબંધો એવા હોય કે એક પક્ષકાર બીજા પક્ષકારની ઇચ્છાશક્તિ પર વર્ચસ્ ધરાવવાની સ્થિતિમાં હોય અને એ સ્થિતિનો ઉપયોગ, એ બીજા પક્ષકાર પર અયોગ્ય લાભ મેળવવા માટે કરે ત્યારે કરાર અયોગ્ય દબાણથી કરવામાં આવ્યો છે એમ કહેવાય; દા.ત., પિતા-પુત્ર, ડૉક્ટર-દર્દી, વકીલ-અસીલ આ બધા સંબંધો વિશ્વાસજન્ય સંબંધો છે, જેમાં એક પક્ષકાર એવો છે કે બીજા પક્ષકારની ઇચ્છાશક્તિ પર વર્ચસ્ ધરાવી શકે તેમ છે.
અયોગ્ય દબાણથી કરાર થયો છે એમ ઠરાવવા માટે ત્રણ બાબતો સાબિત કરવી પડે છે : (1) એક પક્ષકાર બીજા પક્ષકારની ઇચ્છાશક્તિ પર વર્ચસ્ ધરાવવાની સ્થિતિમાં છે. (2) જે પક્ષકાર આવી સ્થિતિમાં છે તેણે બીજાની ઇચ્છાશક્તિ પર વર્ચસ્નો દુરુપયોગ કર્યો છે. (3) વર્ચસ્ ધરાવવાની પોતાની સ્થિતિનો ઉપયોગ કરી એણે બીજા પક્ષકાર પાસેથી ગેરવાજબી લાભ ઉઠાવ્યો છે.
વ્યવહાર દેખીતી રીતે જ અથવા રજૂ થયેલા પુરાવાઓ પરથી આઘાતજનક રીતે અનુચિત લાગે ત્યારે, કરાર અયોગ્ય દબાણથી કરાવવામાં આવ્યો નથી એવું સાબિત કરવાનો બોજો બીજી વ્યક્તિની ઇચ્છાશક્તિ પર વર્ચસ્ ધરાવવાની સ્થિતિમાં રહેલી વ્યક્તિ (ડૉક્ટર, વકીલ, પિતા વગેરે) પર રહેશે.
પરદાનશીન સ્ત્રી : જે સ્ત્રીઓ પોતાની કોમના રિવાજ મુજબ પરદો રાખતી હોય અને પોતાનાં અંગત સ્વજનો સિવાય સમાજથી બિલકુલ વિમુખ રહેતી હોય એવી સ્ત્રીઓ અયોગ્ય દબાણનો ભોગ સહેલાઈથી બની શકતી હોય છે. આવી પરદાનશીન સ્ત્રી સાથેનો કરાર ત્યારે જ કાયદેસર ગણાય જ્યારે સામેનો પક્ષકાર અદાલતને સંતોષ થાય તે રીતે એમ સાબિત કરી આપે કે (1) એ સ્ત્રીને કરારની શરતો સંપૂર્ણ રીતે સમજાવવામાં આવી હતી, (2) એ સ્ત્રી કરારનાં પરિણામો બરાબર સમજી હતી, અને (3) એ સ્ત્રીને સ્વતંત્ર સલાહ મળી હતી. એટલે કે આવી સ્ત્રીએ પોતાની સ્વતંત્ર અને મુક્ત સમજથી આ કરાર કર્યો હતો. આમ આવી પરદાનશીન સ્ત્રીને કાયદો વિશિષ્ટ રક્ષણ બક્ષે છે.
(iii) કપટ (દગો) : છેતરવાના ઇરાદાથી હકીકતનું ખોટું નિરૂપણ કરવામાં આવે તો તે કપટ યા દગો ગણાય. કોઈ વ્યક્તિની કરાર કરવાની ઇચ્છાને અસર કરે તેવી હકીકતો પરત્વેનું માત્ર મૌન એ કપટ ગણાતું નથી, સિવાય કે કામના સંજોગો જ એવા હોય કે તેને ધ્યાનમાં લેતાં મૌન સેવનાર વ્યક્તિની બોલવાની ફરજ બનતી હોય એટલે કે એનું મૌન જ બોલવા બરાબર હોય.
દગો યા કપટ એટલે (1) ખોટી હકીકતને તે ખરી છે એમ સૂચવે તે, (2) હકીકતની જાણકારી તે સક્રિયપણે છુપાવે તે, (3) વચનનું પાલન કરવાના કોઈ ઇરાદા વિના વચન આપવામાં આવે તે, (4) છેતરી શકે તેવું અન્ય કોઈ પણ કૃત્ય, (5) કાયદાએ જે કપટયુક્ત હોવાનું ખાસ જાહેર કર્યું હોય તેવું કોઈ કૃત્ય.
કપટનું કૃત્ય સામા પક્ષને છેતરવાના ઇરાદાથી થયું હોવું જોઈએ અને તેનાથી સામો પક્ષ છેતરાયેલો હોવો જોઈએ. છેતરપિંડીનું જે કૃત્ય હકીકતમાં છેતરતું નથી તે કપટ ન ગણાય.
મૌન કપટ ક્યારે ગણાય ? કેવળ મૌન એ દગો નથી. માલમાં રહેલી ખામી વેપારી જાહેર ન કરે તો તેને દગો કર્યો ન ગણાય. પરંતુ અમુક સંજોગોમાં પક્ષકારની બોલવાની ફરજ બનતી હોય; જેમ કે, પક્ષકારો વચ્ચે વિશ્વસનીય સંબંધ હોય ત્યાં પક્ષકારે બોલવાની ફરજ છે. આવા સંજોગોમાં મૌન કપટમાં પરિણમે.
(iv) ગેરરજૂઆત : કોઈ વ્યક્તિ, જે બાબત ખરી નથી તેનું ચોક્કસપણે પ્રતિપાદન કરે, પણ એના દ્વારા માહિતીથી પ્રમાણિત થયા વગર એ પ્રતિપાદન કરવામાં આવ્યું હોય (જોકે એ વ્યક્તિ એ બાબતને ખરી માનતી હોય) તો ગેરરજૂઆત થઈ કહેવાય.
છેતરવાના ઇરાદા વગર કર્તવ્યભંગ કરે પણ તેથી જો બીજાને તે ગેરમાર્ગે દોરે અને એનાથી કર્તવ્યભંગ કરનારને લાભ થતો હોય અગર બીજાને હાનિ થતી હોય તો એ કર્તવ્યભંગ ‘ગેરરજૂઆત’ કહેવાય.
તેવી જ રીતે સમજૂતીના વિષયવસ્તુ પરત્વે સમજૂતીના પક્ષકારને ભલે નિર્દોષ ભાવેય ભૂલમાં નાખવો, એ પણ ગેરરજૂઆત કહેવાય.
ગેરરજૂઆત થઈ હોય તેમ છતાં સામો પક્ષ સહજ પ્રયત્નથી સત્ય શોધી શકે તેમ હોય એવા સંજોગોમાં ગેરરજૂઆત થઈ ન ગણાય.
અસર : જે પક્ષકારની સંમતિ બળજબરી, અયોગ્ય લાગવગ, દગો અગર ગેરરજૂઆતથી મેળવવામાં આવી હોય તેવા પક્ષકારને (સામા પક્ષકારને નહિ) વિકલ્પ મળે છે કે એ સમજૂતીને માન્ય કે અમાન્ય કરી શકે. અર્થાત્ આવી સમજૂતીઓ રદબાતલ થવાને પાત્ર ગણાય છે અને જ્યાં સુધી પક્ષકાર તેને અમાન્ય જાહેર ન કરે ત્યાં સુધી તે કાયદેસર કરાર ગણાય છે.
ભૂલ : ભૂલથી અપાયેલ સંમતિ, મુક્ત સંમતિ ન ગણાય. આવી સમજૂતીઓ રદબાતલ ગણાય છે. જ્યારે કરારને આવશ્યક એવી હકીકતની બાબત પરત્વે (કાયદાની બાબત નહિ) બંને પક્ષકારોની (એક પક્ષકારની નહિ) ભૂલ હોય ત્યારે તે સમજૂતી વ્યર્થ અને રદબાતલ બને છે.
કાયદાનું અજ્ઞાન એ કરારના પક્ષકાર માટે સારો બચાવ નથી. પરંતુ પરદેશના કાયદાની ભૂલને હકીકતની ભૂલ બરાબર જ ગણાય છે.
પક્ષકારની એકરૂપતા પરત્વેની અગર વિષયવસ્તુની એકરૂપતા પરત્વેની અગર વ્યવહારની એકરૂપતા વિશેની ભૂલ હોય તો કરારમાં સંમતિનો જ અભાવ છે એમ ગણાય છે અને તેના કારણે કરાર રદબાતલ બને છે.
અવેજ : જ્યારે એક પક્ષકાર ‘કંઈક’ કરવાનું વચન આપે ત્યારે સામા પક્ષકાર પાસેથી ‘કંઈક’ મળવું જોઈએ. આવા ‘કંઈક’ને અવેજ કહેવાય. અવેજ એ ‘કંઈક’ની લેવડદેવડ છે. કાયદાની ર્દષ્ટિએ કીમતી અવેજ, એક પક્ષકારને મળતા કોઈ હક, હિત, નફા કે લાભરૂપે હોય અથવા તો બીજા પક્ષકારે ઉઠાવેલી સહિષ્ણુતા, નુકસાન, ખોટ કે જવાબદારીરૂપે પણ હોય.
ભારતમાં અવેજ ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્યનો પણ હોઈ શકે. ઇંગ્લૅન્ડમાં ભૂતકાળનો અવેજ એ સારો અવેજ ગણાતો નથી. અવેજ વચન આપનારની ઇચ્છાથી અપાયો હોવો જોઈએ. અવેજ વાસ્તવિક હોવો જોઈએ, પરંતુ તે ગેરકાયદેસર, અનૈતિક કે જાહેર નીતિની વિરુદ્ધનો ન હોવો જોઈએ છતાં અવેજ પૂરતો કે કિંમતને અનુરૂપ હોવો જોઈએ એ આવશ્યક નથી.
ગેરકાયદેસર અવેજ : નીચેના સંજોગોમાં અવેજ ગેરકાયદેસર ગણાય : (1) જો એ કાયદાથી પ્રતિબંધિત હોય, (2) એ કાયદાની જોગવાઈઓને નિષ્ફળ બનાવે એવો હોય, (3) અવેજ કપટયુક્ત હોય, (4) વ્યક્તિ કે મિલકતને હાનિ પહોંચાડે એવો હોય અથવા (5) અનીતિમય કે જાહેર નીતિથી વિરુદ્ધનો હોય.
અવેજ વિનાની કાયદેસર સમજૂતીઓ : કરાર માટે અવેજ અનિવાર્ય અંગ છે. અવેજ વિનાની કબૂલાતને ‘નગ્ન સમજૂતી’ અથવા વ્યર્થ સમજૂતી ગણવામાં આવી છે. આમ છતાં આ નિયમના કેટલાક અપવાદો છે. (1) નજીકના સગપણમાં હોય તેવા પક્ષ વચ્ચે સમજૂતી, નૈસર્ગિક પ્રેમ અને લાગણી ખાતર કરવામાં આવી હોય અને આવી સમજૂતીને લખાણ કરી નોંધણીના કાયદા અનુસાર નોંધાવવામાં આવી હોય તો તે સમજૂતી અવેજ વિનાની હોવા છતાં, વ્યર્થ ગણાતી નથી. (2) એક વ્યક્તિએ બીજી વ્યક્તિ માટે સ્વેચ્છાથી કંઈ કાર્ય કર્યું હોય અથવા એવું કાર્ય કર્યું હોય જે કરવાની તેની કાયદેસર ફરજ હોય તો એ બીજી વ્યક્તિ સંપૂર્ણ કે અંશત: વળતર ચૂકવવાનું વચન આપે તો એ સમજૂતી અવેજ વિનાની હોવા છતાં વ્યર્થ ન ગણાય. (3) દેવું, પૂરેપૂરું કે અંશત: ચૂકવી આપવા માટે અપાયેલું વચન અવેજ ન હોવા છતાં વ્યર્થ નથી; પણ તે વચન લિખિત અને પક્ષકારની સહી સાથેનું હોવું જોઈએ. (4) અભિકરણ (agency) ઉત્પન્ન કરવા અવેજની જરૂર નથી. (5) દાતાએ દાન લેનારને ખરેખર બક્ષિસ આપી દીધી હોય તો અવેજ ન હોય તોપણ તે કાયદેસર ગણાય છે.
ત્રાહિત પક્ષ : અવેજ પરત્વે જે ત્રાહિત વ્યક્તિ છે તે સમજૂતીનો અમલ કરાવી શકે છે, પરંતુ કરાર પરત્વે જે ત્રાહિત વ્યક્તિ છે તે સમજૂતીનો અમલ કરાવી શકે નહિ; સિવાય કે ટ્રસ્ટના હિતાધિકારી હોય, લગ્ન વખતની સમજૂતી હોય કે કુટુંબના ભરણપોષણ માટેની સમજૂતી હોય; તો તેનો અમલ પક્ષકાર ન હોય એવી વ્યક્તિ પણ કરાવી શકે છે.
વ્યર્થ સમજૂતીઓ : ભારતીય કરારના કાયદાએ નીચેની સમજૂતીઓને સ્પષ્ટપણે રદબાતલ કે વ્યર્થ જાહેર કરી છે : (1) લગ્ન-અવરોધક સમજૂતી : સગીર સિવાયની દરેક વ્યક્તિના લગ્ન કરવાના અધિકાર પર તરાપ મારતી કે બંધન લાદતી સમજૂતી વ્યર્થ છે. (2) વેપાર-અવરોધક સમજૂતી : કોઈને પણ કોઈ પણ પ્રકારના કાયદેસર વ્યવસાય, વેપાર કે ધંધો કરવા ઉપર અંકુશ મૂકતી દરેક સમજૂતી તેટલે અંશે વ્યર્થ છે. ‘ગુડવિલ’ના વેચાણમાં, ભાગીદારોની સમજૂતીઓમાં, વેપારી જોડાણો અથવા નોકરી કરારોમાં કેટલાક અપવાદો સ્વીકારાયા છે. (3) કાયદેસર કાર્યવહી અવરોધક સમજૂતી : દરેક વ્યક્તિને અદાલત પાસે જઈ ન્યાય માગવાનો મૂળભૂત અધિકાર છે. અદાલતમાં પક્ષકારને જતાં કોઈ રોકે એટલે કે તેના હકોને અમલમાં લાવવા પર પ્રતિબંધ મૂકે તેવી સમજૂતી વ્યર્થ છે, સિવાય કે તે સમજૂતીનો આશય આ કાર્યવાહી લવાદ પાસે લઈ જવાનો હોય. (4) જે સમજૂતીઓનો અર્થ નિશ્ચિત નથી અથવા નિશ્ચિત કરી શકાય તેવો નથી, તે સમજૂતી પણ વ્યર્થ છે. (5) હોડ તરીકે કરેલી સમજૂતી : આવી સમજૂતીઓ વ્યર્થ છે અને હોડથી જિતાયેલી કહેવાતી અગર જેના પર હોડ કરવામાં આવી હોય તેવા કોઈ ખેલ કે બીજા અનિશ્ચિત બનાવના પરિણામનું પાલન કરવા, કોઈ વ્યક્તિને સોંપાયેલી વસ્તુ મેળવવા, દાવો લાવી શકાય નહિ.
કરારનો અંત : કરારમાંથી ઉદભવતી પક્ષકારોની જવાબદારીઓનો અંત આવે ત્યારે કરારનો અંત આવ્યો કહેવાય. કરારના કાયદામાં તે માટે છ ભિન્ન ભિન્ન રીત બતાવવામાં આવી છે : (1) (ક) વચનનું પાલન કરવામાં આવે અથવા (ખ) વચનપાલનની દરખાસ્ત કરવામાં આવે ત્યારે; (2) પરસ્પર સંમતિથી કરારને કાં તો રદ કરવામાં આવે અથવા જૂની સમજૂતીને સ્થાને નવી સમજૂતી અમલમાં લાવવામાં આવે ત્યારે; (3) (પાછળથી) કરાર કર્યા પછી કરાર-પાલન કરવું અશક્ય બની જાય ત્યારે; (4) મૃત્યુ, નાદારી, વિલીનીકરણ જેવા સંજોગોમાં કાયદાના અમલથી, કરારમાંની જવાબદારીઓનો અંત આવે ત્યારે; (5) સામા પક્ષની સંમતિ વિના, કરારમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવે ત્યારે; (6) કોઈ એક પક્ષકાર કરારનો ભંગ કરે ત્યારે.
નૈમિત્તિક (અવલંબી કે શરતી) કરાર : કરારને આનુષંગિક એવો કોઈ બનાવ બને કે ન બને તેવા પ્રસંગે કંઈ કરવા કે ન કરવાનો કરાર એ નૈમિત્તિક કરાર કહેવાય. નૈમિત્તિક કરાર જે આનુષંગિક બનાવ પર આધાર રાખે છે તે પક્ષકારના કૃત્યરૂપ પણ હોઈ શકે. પક્ષકારનું કૃત્ય એટલે એની પસંદગી, મંજૂરી કે સ્વીકૃતિ.
જુદા જુદા પ્રકારના નૈમિત્તિક કરારો અંગેના નિયમો આ પ્રમાણે છે : (1) ભવિષ્યના કોઈ અનિશ્ચિત બનાવના બનવા પર આધારિત કરારો એ અનિશ્ચિત બનાવ બને ત્યારે અમલમાં મૂકી શકાય. (2) ભવિષ્યના કોઈ અનિશ્ચિત બનાવના ન બનવા પર આધારિત કરારો, એ બનાવ બનવાનું અશક્ય થઈ જાય ત્યારે જ અમલમાં મૂકી શકાય, તે પહેલાં નહિ. (3) મુકરર સમયમાં નિર્દિષ્ટ અનિશ્ચિત બનાવના બનવા પર આધારિત કરાર હોય ત્યારે તે બનાવ તે મુકરર સમયમાં ન બને અથવા તે બનાવ બનવાનું અશક્ય બની જાય તો તે વ્યર્થ છે. (4) મુકરર સમયમાં નિર્દિષ્ટ અનિશ્ચિત બનાવના ન બનવા પર આધારિત કરાર હોય ત્યારે તે બનાવ તે મુકરર સમયમાં ન બને અથવા તો તે બનાવ બનવાનું અશક્ય બની જાય તો આ કરારને અમલમાં મૂકી શકાય. (5) કોઈ અશક્ય બનાવના બનવા પર આધારિત સમજૂતી હોય તો તે પહેલેથી જ વ્યર્થ છે. (6) કોઈ વ્યક્તિ અનિર્દિષ્ટ સમયે, અમુક રીતે વર્તે તેના પર આધારિત કરાર હોય તો તે વ્યક્તિને માટે કોઈ નિયત સમયમર્યાદામાં એ રીતે વર્તવાનું અશક્ય બની જાય કે કોઈ નિમિત્તરૂપ બનાવો બન્યા વિના એ રીતે વર્તવાનું અશક્ય બની જાય તો કરાર જેના પર આધાર રાખે છે તે બનાવ અશક્ય બનેલો ગણાય. આ કરાર વ્યર્થ બને.
કરારનું પાલન : કરારનું પાલન વચન આપનારે પોતે અગર તેના મૃત્યુ બાદ તેના પ્રતિનિધિઓએ કરવાનું હોય છે. યોગ્ય વ્યક્તિને કરારનું પાલન કરવા માટે રોકી શકાય, સિવાય કે કરારનું પાલન વચન આપનારે જાતે જ કરવાનું છે એવું ગર્ભિત હોય; દા.ત., ચિત્રકાર ચિત્ર દોરી આપવાનું વચન આપે, કે ગાયક ગાવાનું વચન આપે ત્યારે તે વ્યક્તિએ જ તે કાર્ય કરવાનું હોય છે.
સંયુક્ત રીતે અપાયેલું વચન : જ્યારે બે કે વધુ વ્યક્તિઓએ સંયુક્ત રીતે કોઈ વચન આપ્યું હોય ત્યારે કરારમાંથી વિરુદ્ધ ઇરાદો જણાતો ન હોય તો (1) બધી વ્યક્તિઓ જીવંત હોય તે દરમિયાન તેમણે બધાંએ તેનું પાલન કરવું જોઈએ, (2) તેમાંનું કોઈ મૃત્યુ પામે તો તેના પ્રતિનિધિઓએ જીવંત રહેલાની સાથે રહીને વચનનું પાલન કરવું જોઈએ, અને (3) એ બધી જ વ્યક્તિઓ મૃત્યુ પામી હોય તો તેમના પ્રતિનિધિઓએ સંયુક્તપણે વચનનું પાલન કરવું જોઈએ.
કરારપાલનની દરખાસ્ત : પક્ષકારોએ કરારનું પાલન કરવું જોઈએ અથવા તો કરારનું પાલન કરવાની દરખાસ્ત કરવી જોઈએ. કરારપાલનની દરખાસ્તને ‘ટેન્ડર’ (પ્રસ્તાવ) કહે છે. તેને કરારપાલન કરવાની તૈયારી કે પ્રયત્ન પણ કહી શકાય.
વચન આપનાર કરારપાલન કરવા તૈયાર હોય પરંતુ સામો પક્ષ તેનો અસ્વીકાર કરે અથવા કરારપાલન કરતાં પહેલાં પક્ષકારને અટકાવે તો ત્યારબાદ વચન આપનાર વચનનું પાલન ન કરવા માટે જવાબદાર નથી અને તેથી કરારથી પ્રાપ્ત થતા હકો તે ગુમાવતો નથી.
કરારપાલનની દરખાસ્ત કાયદેસર હોવી જોઈએ એટલે કે (1) દરખાસ્ત બિનશરતી હોવી જોઈએ, (2) દરખાસ્ત યોગ્ય સમયે અને સ્થળે થવી જોઈએ, (3) દરખાસ્ત તાત્કાલિક, સંપૂર્ણ કરારપાલનની હોવી જોઈએ, એટલે કે, દરખાસ્ત પ્રમાણે તે જે કંઈ કરવા બંધાયેલો હોય તે બધું, ત્યાં અને ત્યાં જ કરવા શક્તિમાન છે તેની ખાતરી કરવાની વચન મેળવનારને તક મળે તેવી રીતે દરખાસ્ત થયેલી હોવી જોઈએ, (4) દરખાસ્ત નિર્દિષ્ટ વસ્તુ અને જથ્થા માટે હોવી જોઈએ, એટલે કે, જે જાતનો અને પ્રકારનો જથ્થો આપવા બંધાયેલો છે તે હોવો જોઈએ અને તે જોવાની સામાવાળાને તક આપવી જોઈએ, (5) સંયુક્ત વચન લેનારાઓમાંથી કોઈ એકને દરખાસ્ત થઈ શકે. એવી દરખાસ્તનાં કાનૂની પરિણામો જાણે કે બધાંને જ દરખાસ્ત કરી છે એમ આવે.
કરારનો પરસ્પર સંમતિથી અંત : કોઈ પણ કરારના પક્ષકારો, એ કરારને બદલે નવો કરાર મૂકવા અથવા મૂળ કરારને રદ કરવા કે એમાં ફેરફાર કરવા કબૂલ થાય તો મૂળ કરારનું પાલન કરવાની જરૂર રહેતી નથી. તેવી જ રીતે દરેક વચન લેનાર, તેને અપાયેલા વચનનું પાલન સંપૂર્ણપણે અથવા અંશત: જતું કરી શકે અથવા છોડી શકે અથવા આવા પાલનનો સમય વધારી શકે અથવા તેને બદલે તેને ઠીક લાગે તે બદલો કે વળતર સ્વીકારી શકે.
સમજૂતી અને સંતોષ (agreement and satisfaction) : ઇંગ્લૅન્ડના કાયદામાં ‘સમજૂતી અને સંતોષ’થી કરારનો અંત લાવવાની જે જોગવાઈ છે તેના કરતાં ભારતીય કરાર ધારાની જોગવાઈ (કલમ 63) જુદી છે. ઇંગ્લૅન્ડના કાયદા પ્રમાણે કરારનો એક પક્ષ કરાર હેઠળ એને જે કાંઈ કરવાનું છે તેનાથી કંઈક જુદું કરવાનું વચન આપે અને બીજો એ સ્વીકારતાં પહેલાં કરારમાંથી એને મુક્તિ આપે તો તે ‘સમજૂતી અને સંતોષ’ તરીકે ઓળખાય છે. જવાબદારીમાંથી મુક્ત કરવાની સંમતિ તે ‘સમજૂતી’ અને સમજૂતીને અસ્તિત્વમાં લાવનાર જે અવેજ તે ‘સંતોષ’.
જ્યારે ભારતીય કરાર ધારાની કલમ 63ની જોગવાઈ અનુસાર વચન લેનાર, વચન આપનારને મુક્ત કરે અથવા કંઈક ઓછું સ્વીકારે તો તે માટે અવેજની આવશ્યકતા નથી.
કરારપાલનની નિષ્ફળતા : જે કૃત્ય, કરાર કર્યા પછી અશક્ય બને અથવા વચન આપનાર અટકાવી ન શકે એવા કોઈ બનાવને કારણે કાયદા વિરુદ્ધનું બને ત્યારે તે વ્યર્થ બને છે.
પાછળથી અશક્યતાઓ જુદી જુદી રીતે ઉદભવી શકે છે, જેમ કે (1) કરારના વિષય વસ્તુનો નાશ થાય, (2) કાયદામાં ફેરફારથી કૃત્ય ગેરકાયદેસર બને, (3) કરારનો મૂળભૂત ઉદ્દેશ નિષ્ફળ જાય [જેમ કે રાજ્યાભિષેકની સવારી નિહાળવા રૂમ ભાડે રાખવામાં આવે પરંતુ રાજાની માંદગીને કારણે તે સવારીનો કાર્યક્રમ જ રદ થાય તો કરાર પાછળનો મૂળભૂત ઉદ્દેશ જ માર્યો જાય; પરિણામે ભાડે લેનારે હવે ભાડાનાં નાણાં ચૂકવવાની જરૂર નથી], (4) વ્યક્તિગત અશક્તિ હોય; જેમ કે, વચનનું પાલન જે વ્યક્તિની લાયકાત પર જ આધારિત હોય તે મૃત્યુ પામે તો કરારપાલનમાંથી પક્ષકાર મુક્તિ મેળવે, (5) યુદ્ધ : લડાઈ દરમિયાન દુશ્મન દેશના નાગરિક સાથે કરાર કરવો એ જાહેરનીતિની વિરુદ્ધ છે, સિવાય કે સરકારની સ્પષ્ટ મંજૂરી મેળવી હોય. પરંતુ યુદ્ધ પહેલાં કરાર થયો હોય તો યુદ્ધ દરમિયાન કરાર મુલતવી રહે છે.
નિષ્ફળતા ક્યારે લાગુ ન પડે ? : નીચેના સંજોગોમાં નિષ્ફળતાનો સિદ્ધાંત લાગુ પડતો નથી : (1) કરારનું પાલન કરવાની કેવળ મુશ્કેલી કરારપાલનમાંથી મુક્તિ અપાવતી નથી, (2) હડતાળ, તાળાબંધી, હુલ્લડ વગેરેને કારણે કરારનો અંત આવતો નથી, (3) ત્રીજા પક્ષના કરારપાલન પર આધાર રાખી બીજા પક્ષ સાથે કરાર કર્યો હોય ત્યારે ત્રીજો પક્ષ પાલન ન કરે તોપણ પક્ષકારને કરારપાલનમાંથી મુક્તિ મળતી નથી, (4) જ્યારે કરારના એક કરતાં વધુ ઉદ્દેશો હોય અને તેમાંથી એકાદ ઉદ્દેશ નિષ્ફળ જાય ત્યારે આખા કરારનો અંત આવતો નથી.
પાછળથી ઉદભવતી અશક્યતાની કાનૂની અસર : ક. 56 (2) અનુસાર કરારનું પાલન પાછળથી અશક્ય બને ત્યારે કરાર વ્યર્થ બને છે. કલમ 65 અનુસાર કોઈ પણ કરાર વ્યર્થ બને ત્યારે એ કરાર અન્વયે કોઈ વ્યક્તિએ જે કંઈ લાભ મેળવ્યો હોય તે, જેની પાસેથી એ લાભ મેળવ્યો હોય તેને પાછો આપવા અગર તેનું વળતર આપવા તે બંધાયેલી છે.
કાયદાની પ્રક્રિયાથી કરારનો અંત : નીચેના સંજોગોમાં કાયદાની પ્રક્રિયાથી કરારનો અંત આવે છે : (1) વિલીનીકરણ : જે પક્ષકારો વચ્ચે એક કરાર અસ્તિત્વમાં હોય તે જ પક્ષકારો વચ્ચે વધુ વિશાળ હક ઉત્પન્ન કરનારો બીજો કરાર થાય ત્યારે પહેલો કરાર, આ બીજા કરારમાં વિલીન થઈ જાય છે અને તેથી પ્રથમ કરારનો અમલ કરવાનો રહેતો નથી. (2) નાદારી : જ્યારે કોઈ વ્યક્તિ નાદાર જાહેર થાય ત્યારે તેના હકો અને એની જવાબદારીઓ ‘ઑફિશિયલ એસાઇની’ અથવા ‘રિસીવર’ને હસ્તક જાય છે. હવે જ્યારે તે વ્યક્તિ નાદારીના કાયદા મુજબ નાદારીમાંથી મુક્ત થાય ત્યારે નાદારી પહેલાંની સાબિત થઈ શકે એવી જવાબદારીઓમાંથી તેને મુક્તિ મળે છે. (3) વ્યર્થ થવાને પાત્ર કરારો : જે કરારો અમુક પક્ષને વિકલ્પે વ્યર્થ થવાને પાત્ર હોય છે તે કરારને એ પક્ષ રદ કરે ત્યારે કરારનો અંત આવે છે.
સમય વીતવાને કારણે કરારનો અંત : કરારમાં સમયમર્યાદા દર્શાવવામાં આવી હોય તો તે સમયની અંદર કરારનું પાલન થવું જોઈએ. ત્યારબાદ સામો પક્ષ તે કરારપાલન સ્વીકારવા બંધાયેલો નથી. કરારમાં જો સમયમર્યાદા દર્શાવવામાં આવી ન હોય તો ‘વાજબી સમય’માં તેનું પાલન થવું જોઈએ.
કરારભંગ : કરારનો ભંગ થવાથી પણ કરારનો અંત આવે છે. જે પક્ષકાર ખોટી રીતે કરારપાલન કરવાની ના પાડે તેને સામા પક્ષને કરારભંગના કારણે જે નુકસાની થઈ હોય તે ચૂકવી આપવી પડે.
પૂર્વાપેક્ષિત (anticipatory) કરારભંગ : કરારનો એક પક્ષકાર, કરારપાલનના સમય પહેલાં, સામા પક્ષને પોતે કરારનું પાલન કરવા માગતો નથી એમ અગાઉથી જ જણાવી દે તો તેણે પૂર્વાપેક્ષિત કરારભંગ કર્યો છે એમ કહેવાય. એક પક્ષ પૂર્વાપેક્ષિત કરારભંગ કરે ત્યારે સામા પક્ષને કરાર બાબત બે વૈકલ્પિક હકો મળે છે : (1) તે કરારનો તાત્કાલિક અંત લાવી શકે છે અને કરારપાલનના નિયત સમય સુધી રાહ જોયા વિના, નુકસાનીનો દાવો લાવી શકે છે, અથવા (2) તે પહેલા પક્ષકારે આપેલી નોટિસને બિનઅસરકારક ગણીને કરારપાલનના સમય સુધી રાહ જોઈ શકે છે અર્થાત્ તે કરારને જીવંત રાખી શકે છે. આ વિકલ્પમાં કરાર બંને પક્ષ માટે જીવંત રહેલો ગણાય, જેથી ભવિષ્યમાં એવા કોઈ પણ સંજોગો ઊભા થાય કે જેમાં કરારનું પાલન અશક્ય બને તો એને કરારપાલનમાંથી મુક્તિ મળી જાય. હવે આ સંજોગોમાં તે કરારભંગ માટે જવાબદાર ન રહે.
અંશત: કરારભંગ : કરારપાલન જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલું હોય ત્યારે કોઈ એક ભાગના પાલનની નિષ્ફળતાથી આખા કરારનો અંત આવે કે કેમ તેનો આધાર દરેક કિસ્સાના વિશિષ્ટ સંજોગો પર અને સમગ્ર કરારના અર્થઘટન પર રહે છે.
દેવાંની ચુકવણી બાબતના નિયમો : ઘણી વાર દેણદારે લેણદારને એકથી વધુ કરજો ચૂકવવાનાં હોય તેવે વખતે દેણદાર લેણદારને કોઈ રકમ ચૂકવે તો તે કયા કરજ પેટે જમા કરવી એના નિયમોને ‘ક્લેટન કેસ’ના નિયમો પણ કહે છે. તદનુસાર (1) જ્યારે દેણદાર ચુકવણી કરે ત્યારે તેને મન ફાવે તે દેવાં પેટે જમા કરવાનું કહી શકે અને લેણદારે તે પ્રમાણે ચુકવણી જમા કરવી જોઈએ. આમ દેણદારને તે અંગેની પસંદગીનો પ્રથમ હક મળે છે. (2) દેણદારનું કોઈ સૂચન ન હોય અને સંજોગો પરથી એ નક્કી પણ થઈ શકતું ન હોય ત્યારે લેણદાર ગમે તે દેવા પેટે એને જમા લઈ શકે છે, પછી ભલે તે સમય-બહારનું હોય. આમ લેણદારને બીજો હક મળે છે. (3) બેમાંથી એકેય પક્ષ કયા દેવા પેટે જમે લેવાના છે તે નક્કી ન કરે ત્યારે દેવાંના સમયાનુક્રમે દેવું ભરપાઈ કરવામાં રકમ જમે લેવામાં આવે છે. પછી તે દેવાંને મુદતનો બાધ હોય કે ન હોય તોપણ દેવાં એકસરખા જૂના સમયનાં હોય તો ભરણું દરેક દેવા પેટે પ્રમાણસર રીતે જમે લેવામાં આવે છે.
કરારભંગના ઉપાયો : કરારનો જ્યારે ભંગ થાય ત્યારે તેના કારણે સહન કરનાર પક્ષને નીચેના ઉપાયો મળી શકે છે : (1) કરારથી પ્રાપ્ત થતી જવાબદારીમાંથી મુક્તિ મેળવે છે, (2) કરારનું અંશત: પાલન થતું હોય ત્યારે કરારભંગથી સહન કરનાર પક્ષે જે સેવાઓ આપી હોય તેનું મૂલ્ય કે વળતર કરારભંગ થતાં એ માગી શકે, (3) કેટલાક વિશિષ્ટ સંજોગોમાં કરાર હેઠળ સામા પક્ષને જે કંઈ કરવાનું હોય તે કરવાની ફરજ અદાલત પાડી શકે, (4) એવી જ રીતે, ખાસ સંજોગોમાં કરાર નીચે જે કંઈ ન કરવાનું હોય તે ન કરવાની ફરજ અદાલત પાડી શકે, (5) કરારભંગથી સહન કરનાર પક્ષકાર, પોતાને જે નુકસાની કે ખોટ ભોગવવી પડી હોય તે મેળવવા હકદાર બને છે અને તે માટે અદાલતમાં દાદ માગી શકે છે. આ છેલ્લા ઉપાયની ચર્ચા કરાર ધારામાં ખાસ કરીને કરવામાં આવે છે. તે નીચે મુજબ છે :
કરારભંગથી થતી નુકસાની : કરારભંગથી સહન કરનાર પક્ષકાર, પોતાને જે નુકસાની કે ખોટ ભોગવવી પડી હોય તે મેળવવા હકદાર બને છે. નુકસાની કયા કયા પ્રકારની હોઈ શકે અને જે તે સંજોગોમાં કેટલી નુકસાની મળી શકે તે અંગેના કેટલાક નિયમો આ પ્રમાણે છે :
નુકસાનીના પ્રકારો : નુકસાની એ નાણાકીય વળતર છે, જે કરારભંગ થતાં સહન કરનાર પક્ષને થયેલ નુકસાની કે ખોટ ભરપાઈ કરવાના આશયથી અદાલત અપાવે છે. શિક્ષા કે દંડ કરવાનો આશય નથી હોતો. (1) વળતરરૂપી નુકસાની : કરારભંગ થતાં પક્ષકારને જે નુકસાન સહન કરવું પડતું હોય તેટલી જ નુકસાનીની રકમ અપાવવામાં આવે તે. (2) નામની અગર તિરસ્કારદર્શક નુકસાની : કરારભંગથી પક્ષકારને કોઈ આર્થિક નુકસાની થઈ જ ન હોય અથવા તે ગૌણ પ્રકારની હોય ત્યારે અદાલત કરારભંગ કરનારનો તિરસ્કાર કરવા ખાતર નામની જ નુકસાની અપાવે તે. (3) શિક્ષાત્મક કે ર્દષ્ટાંતરૂપ નુકસાની : અસાધારણ સંજોગોમાં, નુકસાન થયું હોય તેનાથી વધારે રકમની નુકસાની અદાલત દાખલો બેસાડવા કે દંડરૂપ અપાવે તે – જેમ કે (i) લગ્નવચનના ભંગના કિસ્સામાં તથા (ii) ગ્રાહકનાં નાણાં બૅન્કમાં જમા હોવા છતાં બૅન્કર ગ્રાહકનો ચેક પાછો કાઢે ત્યારે.
નુકસાનીની રકમ અંગેના નિયમો : સામાન્ય સિદ્ધાંત એ છે કે કરારભંગને પરિણામે કરારના જે પક્ષને નુકસાન કે ખોટ સહન કરવી પડી હોય તે પક્ષને કરારનો અમલ કરવામાં આવ્યો હોત તો તે જે સ્થિતિમાં હોત તે સ્થિતિમાં મૂકી આપવો; આને પ્રતિસ્થાપના-(restitution)નો સિદ્ધાંત પણ કહે છે. હેડલી વિ. બક્સેન્ડેલના કેસમાંથી કેટલાક નિયમો ભારતીય કરારના કાયદામાં અપનાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે : (1) નુકસાન એ કરારભંગમાંથી વ્યવહારના સામાન્ય ક્રમ પ્રમાણે, કુદરતી રીતે પરિણમેલું હોવું જોઈએ, (2) કરાર કરતી વખતે પક્ષકારોએ કરારભંગમાંથી આવું નુકસાન પરિણમી શકે એવું સંભવિત માન્યું હોવું જોઈએ, (3) પરંતુ કોઈ પણ સંજોગોમાં આ નુકસાન કરારભંગના દૂરના કે પરોક્ષ પરિણામરૂપ ન હોવું જોઈએ.
કરારભંગથી જે કંઈ ખોટ કે નુકસાન થાય તે ઓછું કરવાની જવાબદારી, એક સામાન્ય બુદ્ધિશાળી વ્યક્તિ જે રીતે લે, તેવાં પગલાં નુકસાન સહન કરનાર પક્ષકારે લેવાં જોઈએ. નુકસાન સહન કરનાર પક્ષને, નુકસાનીનો હુકમ મેળવવા માટે જે ખર્ચ થાય તે મેળવવા તે હકદાર છે. નુકસાનીની ગણતરી કરવી મુશ્કેલ હોય તે કારણસર આ મુદ્દાને ટાળી ન શકાય.
નિર્ધારિત નુકસાની અને શિક્ષાત્મક નુકસાની : કરારમાં પ્રથમથી દર્શાવવામાં આવેલા કરારભંગને પ્રસંગે આપવાની રકમ બે પ્રકારની હોય – નિર્ધારિત અને શિક્ષાત્મક. નિર્ધારિત નુકસાની એ કરારના પક્ષકારોએ નુકસાન થતા પહેલાં, શુદ્ધબુદ્ધિથી કરેલો નુકસાનીનો અંદાજ છે, જ્યારે શિક્ષાત્મક જોગવાઈ એ પક્ષકારો કરારનું પાલન કરે તે માટે ધાક બેસાડવા દાખલ કરેલી શરત છે.
ઇંગ્લૅન્ડની અદાલત નિર્ધારિત નુકસાનીની નક્કી કરેલી પૂરી રકમ અપાવે છે. પરંતુ શિક્ષાત્મક રૂપે મૂકવામાં આવેલી રકમ હોય તો અદાલતને વાજબી લાગે તેવી રકમ અપાવે છે. ભારતમાં નિર્ધારિત નુકસાની કે શિક્ષાત્મક નુકસાની એવો ભેદ સ્વીકારવામાં આવ્યો નથી. બંને સંજોગોમાં ભારતીય અદાલત વાજબી લાગે તેટલી વળતરની રકમ અપાવે છે.
અર્ધ–કરાર : બંને પક્ષકાર વચ્ચે સમજૂતી થઈ હોય તો જ પક્ષકારો જવાબદાર બને. પરંતુ કોઈકવાર એવું પણ બને કે એક વ્યક્તિના વર્તનથી, બીજી વ્યક્તિને લાભ મળ્યો હોય અને સંજોગો એવા હોય કે બંને પક્ષ વચ્ચે કોઈ કાયદેસર કરાર ન હોય. તેમ છતાં શુદ્ધ ન્યાયની ર્દષ્ટિએ લાભ આપનાર વ્યક્તિને એનું વળતર મળવું જોઈએ એમ લાગે ત્યારે કાયદો એવું વળતર અપાવે છે. કાયદો, આવા પ્રસંગે, બંને પક્ષકારો વચ્ચે જો કરાર થયો હોત અને તેઓ જે સ્થિતિમાં હોત, તે સ્થિતિમાં તેમને મૂકે છે. આવા સંબંધોને કરારાભાસ, કરાર-કલ્પ કે અર્ધ-કરાર (quasi-contract) કહેવામાં આવે છે. આવા સંબંધોને ગર્ભિત કરારો કે કાયદાજન્ય કરારો પણ કહે છે. આવા કરારોને સ્વીકારવાનું કારણ એ છે કે બીજાને ભોગે કોઈ વ્યક્તિ ગેરવાજબી રીતે તવંગર ન બને એમ સમન્યાય(law of equity)નો સિદ્ધાંત અપેક્ષા રાખે છે. અર્ધ-કરાર સંબંધોમાં પક્ષકારોનો સંબંધ, કરારથી ઉત્પન્ન થતા સંબંધ જેવો જ હોય છે. ભારતીય કરારના ધારામાં આવા સંબંધો આ પ્રમાણે છે :
અસમર્થ વ્યક્તિને પૂરી પાડવામાં આવેલી જીવન–જરૂરિયાતો : (i) જ્યારે કરાર કરવાને અસમર્થ વ્યક્તિને અથવા આવી વ્યક્તિ જેને પોષવા કાયદેસર રીતે બંધાયેલી હોય તેમને (ii) તેમના જીવનની સ્થિતિને અનુરૂપ હોય (iii) તેવી જરૂરિયાતો પૂરી પાડવામાં આવે ત્યારે (iv) જે વ્યક્તિ આવી જરૂરિયાતો પૂરી પાડે તે વ્યક્તિ આ અસમર્થ વ્યક્તિની મિલકતમાંથી વળતર મેળવવા હકદાર છે.
આમાં મોજશોખની વસ્તુઓનો સમાવેશ થતો નથી. જરૂરિયાતો માટે વાજબી વળતર જ મળી શકે, નહિ કે સગીરે જે કિંમત કબૂલી હોય તે. સગીર વ્યક્તિ અંગત રીતે આ માટે જવાબદાર નથી.
હિત ધરાવતી વ્યક્તિએ આપેલાં નાણાંનું વળતર : (i) બીજી વ્યક્તિ જે નાણાં ભરવા કાયદાથી બંધાયેલી હોય, (ii) તે નાણાં ભરવામાં જે વ્યક્તિ હિત ધરાવતી હોય તે ભરે, તો (iii) તે વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી વળતર મેળવવા હકદાર છે.
મ્યુનિસિપલ ટૅક્સ ભરવાની જવાબદારી મકાનમાલિકની હોય અને જો તે ન ભરે તો પાણીનું જોડાણ કપાઈ જાય તેવે વખતે ભાડવાતનું પણ હિત ટૅક્સ ભરવામાં છે એમ કહેવાય છે. તેવે વખતે ભાડવાત ટૅક્સ ભરી દે તો તે મકાનમાલિક પાસેથી વસૂલ લઈ શકે.
ચુકવણી સ્વૈચ્છિક હોવી જોઈએ નહિ, એટલે કે, એવી ચુકવણીની ફરજ ઊભી થયેલી હોવી જોઈએ. તેવી જ રીતે આવી જાતની ચુકવણી, ત્રીજી વ્યક્તિને કરવામાં આવેલી હોવી જોઈએ. વળી ચુકવણીમાં હિત ધરાવતો પક્ષ કોઈ પણ દબાણ વગર, પણ પોતાના હિતનું રક્ષણ કરવા ચુકવણી કરે તોપણ આ કલમ હેઠળ ચૂકવેલી રકમ પાછી મેળવવા તે હકદાર છે.
વિના મૂલ્યે નહિ કરવામાં આવેલા કાર્યનું વળતર : (i) જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ માટે (ii) કાયદેસર રીતે કંઈ કરે અથવા તેને કંઈ આપે અને (iii) તે પણ વિના મૂલ્યે કરવાનો ઇરાદો ન હોય, તથા (iv) તે બીજી વ્યક્તિ તેનો લાભ ઉઠાવે ત્યારે (v) તે બીજી વ્યક્તિ જે કંઈ કરવામાં આવ્યું હોય કે આપવામાં આવ્યું હોય તે પ્રથમ વ્યક્તિને કાં તો પાછું વાળવા અગર એનું વળતર ચૂકવવા બંધાયેલી છે.
ડૂબતા માણસને બચાવવો એ સ્વૈચ્છિક કાર્ય છે. તેથી તેને આ કલમનો લાભ ન મળે. મતલબ કે આ કલમ હેઠળ લાભ મેળવવો હોય તો એ કાર્ય વિનામૂલ્ય કે મફતમાં કરવાનો તેનો ઇરાદો ન હતો તે પુરવાર કરવું જોઈએ.
યથાપરિશ્રમ : આ શબ્દનો ‘જેટલું કમાયા હોય તેટલું’ અથવા ‘કામ કર્યું હોય તેટલું’ એવો અર્થ થાય. કરાર પક્ષકારો વચ્ચે થયો ન હોય તેવે વખતે અથવા પક્ષકારની કસૂરને કારણે કરારનો અંત આવ્યો હોય અથવા તો કોઈ કારણસર કરાર વ્યર્થ બન્યો હોય ત્યારે અમુક સંજોગોમાં, જે વ્યક્તિએ કંઈ કાર્ય કર્યું હોય કે માલ પૂરો પાડ્યો હોય તે વ્યક્તિ તે માટે નાણાંની ચુકવણી માગી શકે. આને યથાપરિશ્રમનો સિદ્ધાંત કહે છે.
આ સિદ્ધાંત અનુસાર (1) જ્યારે કરારનો ભંગ થયો હોય ત્યારે નુકસાન સહન કરનાર વ્યક્તિ કરાર મુજબ પોતે કરેલા કાર્યનું યોગ્ય વળતર માગી શકે. (2) કોઈ વિશિષ્ટ ખામીને કારણે કરાર જ્યારે બિનઅસરકારક માલૂમ પડે કે વ્યર્થ બને ત્યારે પક્ષકારે કરાર હેઠળ જે કંઈ કર્યું હોય તેનું યોગ્ય વળતર મેળવવા તે હકદાર છે.
અપવાદ : (1) કરારભંગનો દોષિત પક્ષ સામાન્ય રીતે યથાપરિશ્રમનું મહેનતાણું માગી શકે નહિ. (2) કામ કરવા બદલ વળતર ચૂકવવાનો કોઈ સ્પષ્ટ કે ગર્ભિત વચનનો પુરાવો ન હોય તોપણ મહેનતાણું ન મળે. (3) આખા કામ માટે ઉચ્ચક રકમ નક્કી થઈ હોય અને કરારને ખંડોમાં વહેંચી શકાય તેમ ન હોય ત્યારે અંશત: પાલન માટે યથાપરિશ્રમ વળતર મળી શકે નહિ.
માલ શોધનારની જવાબદારી : (i) જે વ્યક્તિને બીજી વ્યક્તિનો માલ જડે અને (ii) જે તેને કબજે રાખે (પોતાની પાસે રાખે), (iii) તે વ્યક્તિ નિપેક્ષી(bailee)ની જવાબદારીના જેવી જવાબદારીને અધીન ગણાય છે. અર્થાત્ બીજી વ્યક્તિનો માલ પહેલી વ્યક્તિને જડે અને જો તે તેની પોતાની પાસે રાખી લે તો ત્યારબાદ તે પહેલી વ્યક્તિની જવાબદારી નિપેક્ષી જેવી છે એટલે કે તે પોતે માલનો સાચો માલિક હોત અને સામાન્ય બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે આવા અને એટલા જથ્થાના તેમજ તેટલી જ કિંમતના માલની જેટલી કાળજી લેત તેટલી કાળજી આ જડેલા માલની લેવા બંધાયેલ છે.
આ માટે (i) સાચા માલિકને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. (ii) માલનું યોગ્ય જતન કરવું જોઈએ. સાચો માલિક મળે તેને જ તે માલ સોંપવા તે બંધાયેલો છે, અન્યને નહિ. પરંતુ તેને આ અંગે જે કંઈ ખર્ચ કરવો પડ્યો હોય તેનું વળતર સાચા માલિક પાસેથી માગી શકે. ખર્ચ ન મળે ત્યાં સુધી તે માલને ધારણ કરવાનો અધિકાર (lien) તેને મળે છે.
નીચેના સંજોગોમાં માલનો શોધનાર, માલને વેચી દઈ શકે છે : (1) માલ નાશ પામે એવો હોય, (2) બહુ પ્રયત્ન બાદ પણ માલનો સાચો માલિક ન મળતો હોય, (3) માલનો સાચો માલિક કાયદેસર ખર્ચ ચૂકવવાની ના પાડે, અને (4) જે વસ્તુ મળી હોય તેની કિંમતના 2/3 જેટલી રકમ માટે વસ્તુ શોધનાર કાયદેસર રીતે હકદાર બનતો હોય ત્યારે.
ભૂલથી કે બળજબરીથી અપાયેલાં નાણાં કે સુપરત થયેલી વસ્તુ અંગેની જવાબદારી : (i) જે વ્યક્તિને ભૂલથી નાણાં અપાયાં હોય કે કંઈ વસ્તુ સુપરત થઈ હોય, (ii) તો તેણે તે નાણાં પાછાં આપવાં જોઈએ અથવા તે વસ્તુ પરત કરવી જોઈએ.
કોઈ વ્યક્તિ પોતે ચૂકવવા બંધાયેલી ન હોય તેવી રકમ, જરૂરિયાત અને તાકીદના દબાણ હેઠળ અથવા તો માલની જપ્તી કે તેની ધમકીને કારણે ચૂકવે તો તેવે વખતે તેને રક્ષણ આપવાનો આ કલમનો ઇરાદો છે. આવા પ્રસંગે નાણાં કે વસ્તુ પરત મળવાં જોઈએ; ભૂલ હકીકતની કે કાયદાની હોઈ શકે.
આમ ઉપરના પાંચ પ્રસંગોમાં વિશિષ્ટ સંજોગોના કારણે વિશિષ્ટ જોગવાઈ કરવાની જરૂરિયાત ઊભી થઈ. આવા પ્રસંગોમાં બે વ્યક્તિઓ વચ્ચે સમજૂતી ન હોવા છતાં એક વ્યક્તિને બીજી વ્યક્તિ પ્રત્યે જવાબદાર ઠેરવવી પડે છે. જો આમ કરવામાં આવે નહિ તો ઉપર જોઈ ગયા તેમ, જેના પર બીજી વ્યક્તિનો કાયદેસર વાજબી હક હોય તેવાં નાણાં કે અન્ય લાભ, પહેલી વ્યક્તિના હાથમાં આવતાં તે તેને રાખી મૂકે. બીજી રીતે જોઈએ તો આવી જવાબદારી અદા કરવાનું ન કહેવામાં આવે તો બીજી વ્યક્તિને ગેરવાજબી નુકસાન થાય.
પ્રફુલ્લ રમણલાલ દેસાઈ