કરાર : બે અથવા તેના કરતા વધુ પક્ષો વચ્ચે પછી તે વ્યક્તિ, પેઢી કે સંસ્થા હોય, કોઈ કાર્ય અથવા કૃત્ય કરવા કે ન કરવા સંબંધી સ્વેચ્છાથી થયેલ અને કાયદા દ્વારા લાગુ કરવા યોગ્ય ગણાય તેવી સમજૂતી. કરારમાં જોડાનાર એક પક્ષ કોઈ મોંબદલાની અવેજીમાં કોઈ કૃત્ય અથવા કાર્ય કરવા સંમત થાય છે; જ્યારે બીજો પક્ષ તેના બદલામાં કોઈ અન્ય કૃત્ય કરવા કે ભોગ આપવા તૈયાર થતો હોય છે. કરારમાં એક પક્ષ દ્વારા બીજા પક્ષને અપાતો બદલો નાણાસ્વરૂપે જ હોવો જોઈએ એવું જરૂરી ગણાતું નથી. તે અમૂર્ત સ્વરૂપનો પણ હોઈ શકે છે; દા.ત., ત્યાગ, નુકસાન, હાનિ અથવા કોઈ અગવડ વેઠવાની તૈયારીના સ્વરૂપનો પણ હોઈ શકે છે. આમ કરાર એ એવી સમજૂતી છે, જેના દ્વારા કરારમાં જોડાયેલા પક્ષો પરસ્પરના હકો, જવાબદારીઓ તથા કાયદાકીય સંબંધો નિર્ધારિત કરતા હોય છે.

કાયદેસરના કોઈ પણ કરારમાં બે મુખ્ય તબક્કા હોય છે : (1) કરાર કરવા અંગેની દરખાસ્ત એક પક્ષ દ્વારા બીજા પક્ષ સમક્ષ રજૂ કરવામાં આવે છે; (2) કોઈ એક પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ દરખાસ્ત બીજા પક્ષને સ્વીકાર્ય હોવી જોઈએ અને તે મુજબની સ્વીકૃતિ બીજા પક્ષે સ્પષ્ટ રીતે વ્યક્ત કરવી જોઈએ. જો એક પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ દરખાસ્ત બીજા પક્ષ દ્વારા નકારી કાઢવામાં આવે તો તે દરખાસ્ત વિસર્જિત (lapse) થયેલી ગણાશે. ઉપરાંત, જો બીજો પક્ષ તેની સમક્ષ જે સ્વરૂપે દરખાસ્ત રજૂ થઈ હોય તે સ્વરૂપે તેને સ્વીકારવાને બદલે તેમાં સુધારાવધારા કે ફેરફાર સૂચવે તો આવા સુધારાવધારા કે ફેરફારો સાથેનો પ્રસ્તાવ નવી દરખાસ્તનું સ્વરૂપ ધારણ કરશે અને તેને લીધે પણ કરાર અંગેની મૂળ દરખાસ્ત વિસર્જિત થયેલી ગણાશે.

કાયદેસરના કોઈ પણ કરારમાં પાંચ તત્વોની હાજરી અનિવાર્ય ગણાય છે : (1) કરાર હંમેશ દ્વિપક્ષી હોય છે, જેમાંનો એક પક્ષ કોલ આપનાર (promisor) હોય છે, જ્યારે બીજો પક્ષ વચનગ્રાહિતા અને પ્રતિજ્ઞાતી (promisee) હોય છે. (2) કરાર એ એક સોદો હોય છે જેના દ્વારા કરારમાં જોડાયેલા પક્ષો વચ્ચે કૃત્યો (acts) અને વચનોનું આદાનપ્રદાન થતું હોય છે. (3) કરાર દ્વારા એક તરફ કાયદેસરના હક અને બીજી તરફ દાયિત્વ અસ્તિત્વમાં આવે છે. કરારમાં જોડાયેલો એક પક્ષ બીજા પક્ષ દ્વારા કરારની શરતોનું પરિપાલન કરાવવાનો હકદાર બને છે, જ્યારે બીજો પક્ષ કરારની શરતોનું પરિપાલન કરવા બાધ્ય બને છે. (4) કરાર દ્વારા પક્ષકારો વચ્ચે કાયદેસરના સંબંધો પ્રસ્થાપિત થતા હોઈ કરારની શરતોના ઉલ્લંઘનની સ્થિતિમાં કરારમાં જોડાયેલો કોઈ પણ પક્ષ બીજા પક્ષની સામે ન્યાયાલયમાં દાદ માગી શકે છે અને તે દ્વારા કરારની શરતોનું પરિપાલન ફરજિયાતપણે કરાવવા અથવા નુકસાન ભરપાઈની માગણી કરી શકતો હોય છે. આમ કાયદેસરના સંબંધો પ્રસ્થાપિત કરાવવા કે તેવા સંબંધો પ્રસ્થાપિત કરવાનો ઇરાદો રાખવો એ કરાર કરવા પાછળનો મુખ્ય હેતુ હોય છે. (5) કાયદેસરના કરારમાં બંને પક્ષો વચ્ચે સધાતી સમજૂતી એ એક અનિવાર્ય અને મૂળભૂત બાબત ગણાતી હોઈ દરેક વાજબી કરાર કાયદા દ્વારા લાગુ કરવા યોગ્ય ગણાય છે. જો કોઈ એક પક્ષ કરારની શરતોનું ઉલ્લંઘન કરે તો બીજો પક્ષ ન્યાયાલયની મધ્યસ્થીથી નુકસાન ભરપાઈની માગણી કરવા હકદાર બને છે.

કરાર કરવાની ક્ષમતા કે લાયકાત ધરાવતા પક્ષો જ કરાર કરી શકતા હોય છે; દા.ત., તંદુરસ્ત માનસ ધરાવતી વ્યક્તિ કરાર કરવા સક્ષમ ગણાય છે, જ્યારે અશક્ત કે નબળું માનસ ધરાવતી વ્યક્તિ કે પાગલ માણસ કરાર કરી શકે નહિ. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ સુધી પરિણીત સ્ત્રીઓ કરાર કરવા સક્ષમ ગણાતી નહોતી; કારણ કે જૂના જમાનામાં તેઓ તેમના પતિની આશ્રિત (creature) ગણાતી હતી; પરંતુ હવે પરિણીત સ્ત્રીઓની આ કહેવાતી ક્ષતિ નિરસ્ત કરવામાં આવી છે અને દરેક સ્ત્રીને, જો તે અન્યથા ક્ષમતા ધરાવતી હોય તો કરાર કરવા કાયદા દ્વારા સક્ષમ ગણાય છે. સગીર વયની વ્યક્તિ કરારની શરતોના પરિપાલન માટે બાધ્ય ગણાતી નથી. ઘેન કે કેફી વસ્તુઓની અસર નીચે કરવામાં આવેલા કરાર કાયદેસરના ગણાતા નથી.

કાયદા દ્વારા લાગુ કરી શકાય તેવા પ્રકારના કરાર સાથે કેટલીક શરતો અનિવાર્ય રીતે સંકળાયેલી હોય છે; દા.ત., કોઈ પણ કરાર સ્વૈચ્છિક હોવો જોઈએ. બળજબરીથી અથવા ધોકાધડીથી કરાયેલા કરારો ગેરકાયદેસર અથવા અવૈધ ગણાય છે.

અનૈતિક કે ગુનાઇત હેતુ દ્વારા કરવામાં આવેલા કરાર તેમજ જાહેર નીતિ સાથે વિસંગત હોય તેવા કરાર બંધનકારક ગણાય નહિ. તેવી જ રીતે મોંબદલા વિનાનો કરાર કાયદા દ્વારા લાગુ કરવા માટે યોગ્ય ગણાતો નથી.

કોઈ પણ કરાર આપોઆપ સમાપ્ત થઈ શકે તે માટે ત્રણ શરતો અનિવાર્ય ગણવામાં આવે છે : (1) જો કોઈ કરાર પાછળનો હેતુ ગેરકાયદેસરનો હોય અથવા કોઈ કરારની શરતોનું પરિપાલન અશક્ય બની જતું હોય; (2) કોઈ પણ કરાર સાથે જોડાયેલા પક્ષો મૂળ કરારના બદલામાં સ્વેચ્છાથી નવો કરાર કરે; તો મૂળ કરાર આપોઆપ નિરસ્ત બની જતો હોય છે. (3) કરારમાં જોડાયેલ વ્યક્તિ કરારના ભાગ તરીકે કોઈ પ્રત્યક્ષ સેવા આપવા બંધાયેલી હોય અને જો તેવી વ્યક્તિનું અવસાન થાય તો તેણે કરેલ કરાર આપમેળે નિરસ્ત થાય છે.

કોઈ પણ કરાર કાયદેસરનો ગણાવવા માટે તે લેખિત હોવો જોઈએ એ જરૂરી નથી. કરાર લેખિત અથવા મૌખિક બંને પ્રકારનો હોઈ શકે છે; પરંતુ મૌખિક કરારમાં સંદિગ્ધતાના દોષ ઉપરાંત અનેકાર્થતાનો દોષ પણ દાખલ થવાની શક્યતા વધારે હોય છે. તેથી કેટલાક કિસ્સાઓમાં કરાર લેખિત હોય તે જ ઇષ્ટ ગણવામાં આવે છે; દા.ત., વિનિમયપત્ર અથવા વચનચિઠ્ઠી; ગ્રંથસ્વામિત્વના અધિકારની સોંપણી, દરિયાઈ વીમા અંગેના કરાર, શૅરોની માલિકીનું હસ્તાંતરણ, હપતા-પદ્ધતિ દ્વારા વેચાણ અથવા પશ્ચાદ્ ચુકવણી દ્વારા sale on credit વેચાણ અથવા શરતી વેચાણના કરાર વગેરે. મિલકતની માલિકીના હસ્તાંતરણના કરાર લેખિત વસિયતનામા દ્વારા થાય તે વધુ ઇષ્ટ ગણવામાં આવે છે.

કરાર શરતી અને બિનશરતી બંને પ્રકારના હોઈ શકે છે. શરતી કરાર ત્યારે જ અમલમાં મુકાય છે, જ્યારે તેની સાથે જોડાયેલી શરત પૂરી થતી હોય. જો તે શરત અશક્ય અથવા અસંભવ બને તો તે કરાર અવૈધ બની જતો હોય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે