નોવા ઇગ્વાઝુ : બ્રાઝિલનું પરગણું અને તે જ નામ ધરાવતું ઔદ્યોગિક નગર. તે રિયો-દ-જાનેરો શહેરની ઉત્તર પશ્ચિમે 22° 45´ દ. અ. અને 43° 27´ પ. રે. પર આવેલું છે. તેનું જૂનું નામ મૅક્ષામબામ્બા હતું. તે સારાપુઈ નદીની ખીણમાં સમુદ્રની સપાટીથી 26 મી.ની ઊંચાઈ પર આવેલું છે. તેની પૂર્વે બેલફૉર્ડ રોક્સો તથા દક્ષિણ-પૂર્વે મેસ્કુઇટા અને નિલોપોલિસ નગરો આવેલાં છે.
નગરની આસપાસના વિસ્તારમાં નારંગીની વાડીઓ આવેલી હોવાથી આ નગરમાં ફળોના રસ બનાવતા ઔદ્યોગિક એકમો વિકસ્યા છે. તે ઉપરાંત રસાયણો તથા ઔષધિઓ બનાવતા ઔદ્યોગિક એકમો પણ ત્યાં આવેલા છે. બ્રાઝિલનાં બે મહત્વનાં નગરો રિયો-દ-જાનેરો તથા સાઓ પાવલોને જોડતા રેલ અને ધોરી માર્ગો તેની બાજુમાંથી પસાર થાય છે.
નગરની વસ્તી આશરે 8,23,302 (2020) હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે