અજિત કેસકમ્બલ (અજિત કેશકંબલી) : બુદ્ધના સમકાલીન ચિંતક. બુદ્ધના ઉદયનો સમય તત્ત્વચિંતનના ઇતિહાસમાં ઊથલપાથલનો સમય હતો એમ લાગે. તત્ત્વચિંતનમાં જાણે કે જુવાળ આવ્યો હતો. ક્રાન્તિકારી વિચારો અસ્તિત્વમાં આવ્યા, જે એક રીતે તો ઔપનિષદ વિચારના આત્યંતિક પરિણામસ્વરૂપ હતા એમ કહી શકાય. જૈન ગ્રંથોમાં ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનિકવાદ તથા વૈનયિકવાદમાં સમાવિષ્ટ કરી શકાય તેવા 364 જૈનેતર મતોનો ઉલ્લેખ છે, બૌદ્ધ દીર્ઘનિકાયના બ્રહ્મજાલસુત્તમાં બુદ્ધના આવિર્ભાવના સમયે 62 મતો પ્રચલિત હતા એવું વર્ણન છે. એમ તો શ્ર્વેતાશ્વતર ઉપનિષદ(1.2)માં પણ જગતના મૂલ કારણ વિશેના જુદા જુદા મતોનો ઉલ્લેખ છે કાલ, સ્વભાવ, નિયતિ, યદૃચ્છા, ભૂતો ઇત્યાદિ.
બુદ્ધના સમકાલીન એવા છ ચિંતકોનાં નામ પ્રધાનપણે બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં મળે છે : (1) પૂરણ કસ્સપ (પૂર્ણ કાશ્યપ) — અક્રિયાવાદ, (2) અજિત કેસકંબલ (અજિત કેશકંબલી) – ભૌતિકવાદ, ઉચ્છેદવાદ (3) કકુધ કચ્ચાયન (કકુદ કાત્યાયન) — અકૃતતાવાદ, (4) મંક્ખલિ ગોસાલ (મખ્ખલી ગોશાલ) — નિયતિવાદ, (5) સઞ્જય બેલટ્ઠ(ટ્ઠિ). પુત્ત — અનિશ્ચિતતાવાદ, (6) નિગણ્ઠ નાથપુત્ત (નિર્ગ્રન્થ જ્ઞાતપુત્ર–મહાવીર). બૌદ્ધ ગ્રંથોમાં જે ઉલ્લેખ મળે છે તે પરથી કહી શકાય કે બુદ્ધના સમકાલીન આ ચિંતકો ઉંમરમાં તેમનાથી મોટા હતા.
અજિતને ‘કેશકંબલી’ એવી ઉપાધિ પ્રાપ્ત થઈ છે, કારણ કે તેઓ કેશનો કામળો ધારણ કરતા, જે ગરમીમાં ખૂબ ગરમ અને ઠંડીમાં ખૂબ ઠંડો હોય. તેમના મત અનુસાર — ‘‘નથી દાન, નથી યજ્ઞ, નથી હોમ, નથી પાપ-પુણ્યનું સારું-ખરાબ ફળ; માતા, પિતા કે અયોનિજ સત્ત્વ જેવું કશું નથી કોઈ જ્ઞાની કે સિદ્ધ પુરુષ, જે પરલોકમાં અસ્તિત્વ વિશે કશું કહી શકે. જીવતું શરીર ચાર મહાભૂતોનું બનેલું છે. જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે તેના શરીરનું પૃથ્વી તત્ત્વ પૃથ્વી મહાભૂતમાં લીન થઈ જાય છે; જલ જલમાં, તેજ તેજમાં અને વાયુ વાયુમાં; ઇન્દ્રિયો આકાશમાં લીન થઈ જાય છે. મૃત્યુ પછી કશું રહેતું નથી. આસ્તિકવાદ — એ મૂર્ખોની માન્યતા છે કે મૃત્યુ પછી પણ અસ્તિત્વ છે. મૂર્ખ અને પંડિત બધા, શરીર નષ્ટ થતાં, ઉચ્છેદને પામે છે.’’
અજિતના મતમાં લોકાયત દર્શનનાં બીજ દેખાય અને તેને ભૌતિકવાદ કે ઉચ્છેદવાદ કહેવામાં આવ્યો છે. મહાવીર સ્વામીએ તો એમ પણ કહેલું કે મૃત્યુ પછીની સત્તાનો નિષેધ કરીને અજિતે મારવાનો, બાળવાનો, નાશ કરવાનો અને ભૌતિક સુખોનો ઉપભોગ કરવાનો ઉપદેશ આપ્યો છે; પણ અજિતનો એવો આશય હોઈ શકે કે કેટલાક ચિંતકો ચિત્-તત્ત્વ કે આત્માને ભૌતિક કે મૂર્ત તત્ત્વથી તદ્દન જુદું અને સ્વતંત્ર માને છે એ બરાબર નથી; અને મૃત્યુ અને તે પછીના અસ્તિત્વનો વિચાર કરવા કરતાં જીવનને સારી રીતે જીવવું અને જીવતાંઓનો આદર કરવો એ વધારે સારું છે. છાંદોગ્ય ઉપનિષદ(7.15.23)માં પણ પ્રાણનો મહિમા બતાવતાં કહ્યું છે કે પ્રાણ પિતા છે, માતા છે વગેરે. માટે જો પિતા, માતા વગેરેને વધારે પડતું કોઈ બોલે તો લોકો કહે છે કે તું પિતાનો વધ કરનારો છે, માતાનો વધ કરનારો છે વગેરે. પણ પ્રાણ ઊડી ગયા છે એવા તેમને સળિયાથી બાળે તોય કોઈ આવું બોલતું નથી. વળી બૃહદારણ્યક ઉપનિષદ(2.4.12; 4.5.13)માં કહ્યું છે કે મૃત્યુ પછી સંજ્ઞા રહેતી નથી.
બુદ્ધના સમયના આવા ચિંતકોનાં નામનો વિચાર કરતાં અને તેમના પોતાના ગ્રંથો મળતા ન હોવાથી બૌદ્ધ નિકાયો અને જૈન આગમગ્રંથોમાંથી જે માહિતી મળે તેના પર જ આધાર રાખવો પડે છે. છતાં એટલું ચોક્કસ કહી શકાય કે આ તત્ત્વચિંતકોનો શિષ્યવર્ગ મોટો હતો, સમાજમાં તેમનો આદર હતો. તેએ તપસ્વીનું જીવન જીવતા હતા. એવું લાગ્યા કરે છે કે ઔપનિષદ વિચારોનાં જ આત્યંતિક તારણો તેમણે કાઢ્યાં છે, જે નહિ સમજી શકનાર કે નહિ વિચારી શકનાર સામાન્ય લોકોને માટે હિતકર ન હોય, અને એટલે જ બુદ્ધે કેટલીક અવ્યાકૃત બાબતો અંગે નિરર્થક ચર્ચા ન કરવા અને સૌને હેરાન કરતા દુ:ખના પ્રશ્ર્ન પર ધ્યાન કેન્દ્રિત કરવાની ભલામણ કરી છે.
એસ્થર સોલોમન