સ્તરભંગ-ઉત્ખંડ (horst) : બે સ્તરભંગને કારણે વચ્ચેના ભાગમાં ઉત્થાન પામેલો ખંડવિભાગ. ઉત્ખંડનાં પરિમાણ સ્થાનભેદે જુદાં જુદાં હોઈ શકે છે. સામાન્ય રીતે તેની લંબાઈ પહોળાઈ કરતાં વધુ હોય છે. ઉત્ખંડની લંબાઈ અને ઉપર તરફનું સ્થાનાંતર થોડા સેમી.થી માંડીને સેંકડો મીટર સુધીનાં હોઈ શકે છે.
‘ઉત્ખંડ’
ઉત્ખંડની રચના ગુરુત્વ પ્રકારના સ્તરભંગોને કારણે થતી હોય છે. કોઈ પણ ભૂમિભાગમાં જ્યારે ઓછામાં ઓછા બે સ્તરભંગ ઉદભવે, જેમાં વચ્ચેનો ભાગ ઉપર તરફ ઊંચકાઈ આવે અથવા સ્થાયી રહે અને તેના સંબંધમાં, અનુક્રમે બાજુના ભાગો સ્થાયી રહે અથવા નીચે તરફ સરકીને દબાતા જાય ત્યારે ઉત્ખંડનું ભૂમિસ્વરૂપ રચાતું હોય છે, જે લાંબી ડુંગરધારનું દૃશ્ય રજૂ કરે છે. બંને તરફના અધ:પાત તરફ સ્તરભંગ સપાટીઓમાં નમન 50°થી 70° (કે ઓછાંવત્તાં) હોય છે.
આ પ્રકારના સંબંધો સૂચવે છે કે ઉત્ખંડ એવા ભૂમિભાગોમાં વિકસે છે, જે તણાવનાં પ્રતિબળોથી થતી વિસ્તૃતિની અસર હેઠળ આવેલા હોય. આવા ઉત્ખંડો ઊર્ધ્વવાંક કે ઘૂમટના શૃંગભાગોમાં રચાતા હોય છે અથવા પહોળાઈ ધરાવતા પ્રાદેશિક વળાંકોમાં થતા હોય છે.
સૌરાષ્ટ્રનો સમગ્ર ભૂમિભાગ તેની બધી બાજુઓ પર રચાયેલા સ્તરભંગો અને અધ:પાત થયેલી બાજુઓને કારણે ઉત્ખંડનું ઉદાહરણ રજૂ કરે છે.
ગિરીશભાઈ પંડ્યા