સમર્થક તારણ (બૅન્કિંગ) : ધીરેલાં નાણાંની સલામતી માટે જામીનગીરી તરીકે લખાવી લીધેલી અને ધિરાણની રકમ કરતાં વધારે બજાર-કિંમતવાળી માલમિલકત. બૅન્કો શૂન્યાવકાશમાંથી નાણું પેદા કરતી નથી. થાપણદારો તરફથી જે નાણાં મળે છે તેનું બૅન્કો ધિરાણ કરે છે. નાણાકીય સંચાલનની કાર્યદક્ષતાનો ઉપયોગ કરીને તે મળેલ નાણાં કરતાં વધારે રકમનું ધિરાણ કરી શકે છે. મુદત પૂરી થયે નાણાં ચૂકવવાની શુદ્ધ દાનત હોય તોપણ જો ધિરાણ લેનારની તે ચૂકવવા માટે શક્તિ નહિ હોય તો બૅન્કનાં નાણાં ડૂબી જાય છે. કેટલીક વાર ઉછીનાં નાણાં લેનારની દાનત સાફ હોતી નથી. આથી બૅન્ક પોતાનાં નાણાંની સલામતી માટે ધિરાણ લેનારની કોઈ મિલકત કે માલને જામીનગીરી તરીકે લખાવી લે છે. આ જામીનગીરી સમર્થક તારણથી ઓળખાય છે. આ માલમિલકતની કિંમત ધિરાણની રકમ કરતાં વધારે હોવી જ જોઈએ. વખતોવખત એની આકારણી થવી જોઈએ અને જો નક્કી કરેલા પ્રમાણ કરતાં એની કિંમતનો વધારો (ધિરાણની રકમ કરતાં) ઘટી જાય તો નવી માલમિલકત જામીનગીરી તરીકે લેવામાં આવે છે. ધિરાણની રકમ કરતાં સમર્થક તારણ હેઠળની મિલકતની કિંમતનો જે વધારો હોય તે તારણના ગાળાથી ઓળખાય છે. આમ, વાસ્તવમાં ધિરાણ લેનારનાં પોતાની મિલકતમાં રોકાઈ ગયેલાં નાણાં સામે રોકડ રકમ નક્કી કરેલી મુદત માટે બૅન્ક છૂટી કરી આપે છે. આ સેવાના બદલામાં બૅન્ક વ્યાજ લે છે. જેની આર્થિક સધ્ધરતા માટે બૅન્કને પૂરી ખાતરી હોય તેવાને અને અપવાદરૂપ કિસ્સામાં તેમને કેટલીક શરતો હેઠળ, બૅન્ક સમર્થક તારણ વિના પણ ધિરાણ કરે છે.
ધિરાણની સલામતી માટે બૅન્કને સમર્થક તારણ તરીકે મળેલ માલ-મિલકત પર બૅન્કને પૂર્વાધિકાર (લિયન, lien) હોય છે. ‘લિયન’નો સામાન્ય અર્થ એવો થાય છે કે લેણું વસૂલ નહિ થાય ત્યાં સુધી દેવાદારની માલમિલકત પર લેણદારનો કબજો ધરાવવાનો હક્ક. જો દેવાદાર દેવું ચૂકવવામાં નિષ્ફળ જાય તો સામાન્ય લિયન હેઠળ લેણદારે તે માલમિલકત વેચીને લેણું વસૂલ કરવા માટે અદાલતની સંમતિ મેળવવી પડે છે. જ્યારે બૅન્કને પોતાના પૂર્વાધિકાર (lien) હેઠળ લેણાંની વસૂલાત માટે અદાલતી સંમતિ મેળવવાની જરૂર હોતી નથી. દેવાદારને યોગ્ય મુદતની નોટિસ આપીને બૅન્કે જણાવવાનું રહે છે કે એને દેવું ચૂકવવા માટે યોગ્ય તક આપવા છતાં દેવું ચૂકવાયું નથી તેથી બૅન્ક, સમર્થક તારણ હેઠળના માલમિલકત વેચીને લેણું વસૂલ લેશે. નોટિસની મુદત પૂરી થયે તે માલમિલકત વેચીને લેણું વસૂલ કરવાનો હક્ક ‘બૅન્કર્સ લિયન’થી ઓળખાય છે. ‘બૅન્કર્સ લિયન’ને ‘સમયમર્યાદા ધારો’ લાગુ પડતો નથી.
સમર્થક તારણ તરીકે માલ અને/અથવા મિલકત ગીરો મૂકવાની જુદી જુદી પદ્ધતિઓ પૈકી કેટલીક પદ્ધતિઓ : (1) કબજાસહિતનો જંગમ મિલકતનો ગીરો (પ્લેજ, pledge), (ii) કબજાસહિતનો સ્થાવર મિલકતનો ગીરો (મૉર્ગેજ, mortgage) અને (iii) કબજા વગરનો ગીરો-આડહક (હાઇપૉથિકેશન, hypothecation) તરીકે ઓળખાય છે. ભારતીય કરાર ધારા અનુસાર પ્લેજ એટલે દેવાની ચુકવણી કે કોઈક વચનના પાલન માટે જામીનગીરી તરીકે માલ જેવી જંગમ મિલકતનો કબજો લેણદારને સોંપવો તે. આમ, બૅન્ક પાસેથી ધિરાણ લેનાર ધંધાદારી જ્યારે પોતાની માલિકીના માલનો કબજો તારણ તરીકે બૅન્કને સોંપે ત્યારે તે ‘પ્લેજ’થી ઓળખાય છે. કેટલીક વાર વેચનારને ત્યાંથી માલની રવાનગી થઈ હોય છે પણ ખરીદનારને તે મળતો નથી. અલબત્ત, એના પર ખરીદનારની માલિકી દર્શાવતા ‘બિલ ઑવ્ લેડિંગ’ જેવા દસ્તાવેજો જો ખરીદનારને મળી ગયા હોય તો ખરીદનાર એવા દસ્તાવેજોનો કબજો બૅન્કને સોંપે તો તે પણ ‘પ્લેજ’ કહેવાય છે. ભારતીય મિલકત તબદીલ ધારા અનુસાર મૉર્ગેજ એટલે ઉછીનાં નાણાં મેળવવા માટે નાણાં આપનારની તરફેણમાં નાણાં લેનાર પોતાની માલિકીની ચોક્કસ સ્થાવર મિલકતનાં હિત તબદીલ કરી આપે તો તે મૉર્ગેજ કહેવાય. મિલકતોની માલિકી, કિંમત અને તરલતા નક્કી કરવાનું કાર્ય મુશ્કેલ છે, તેથી બૅન્કો મૉર્ગેજ હેઠળ ઓછું ધિરાણ કરે છે. કીમતી ધાતુ અને પથ્થર તેમજ તેનાં ઘરેણાં જેવી મિલકતો સ્થાવર નથી, છતાં ભારતમાં તે ગીરો મુકાય તો તે પણ મૉર્ગેજથી ઓળખવામાં આવે છે. આ મિલકતો ધિરાણ લેનાર ધિરાણ આપનાર બૅન્કને તબદીલ કરી આપે છે. ધિરાણ લેનાર પોતાની માલમિલકતની માલિકી અને કબજો પોતાની પાસે રાખે, પરંતુ બૅન્ક પાસેથી લીધેલાં ઉછીનાં નાણાં એ માલમિલકતમાંથી વસૂલ કરવાનાં બૅન્કના હક્કને સ્વીકારે ત્યારે તે માલમિલકતનું હાઇપૉથિકેશન થયેલું કહેવાય. બૅન્કની દૃષ્ટિએ શુદ્ધ દાનતવાળા ધંધાદારી પાસેથી આ પ્રકારનું તારણ લેવાય છે. હાઇપૉથિકેશનમાં માલમિલકતના જથ્થા અને કિંમત નક્કી હોય છે; પરંતુ તે ચોક્કસ માલમિલકત હોતાં નથી. મહદંશે માલનું હાઇપૉથિકેશન થાય છે. આ પરિસ્થિતિમાં ધિરાણ લેનારો પોતાની પાસેના માલના જથ્થાનું નિવેદન નક્કી કરેલા સમયાંતરે બૅન્કને આપે છે. બૅન્ક પ્રસંગોપાત્ત, અને કેટલીક વાર પૂર્વજાણ કર્યા વિના નિવેદન પ્રમાણે ધિરાણ લેનાર પાસે માલ છે કે કેમ તે ચકાસતી હોય છે. હાઇપૉથિકેશન જેટલા માલમિલકત પર બૅન્કનો, અન્ય લેણદારોની સરખામણીએ અગ્રિમ દાવો હોય છે. આ અંગેની જાણ ત્રાહિતોને થાય તે હેતુથી માલમિલકતવાળી જગ્યા પર બધાં વાંચી શકે તે રીતે બૅન્ક લખાણ પ્રદર્શિત કરતી હોય છે કે તે જગ્યા પરનાં માલમિલકત પર બૅન્કનો હાઇપૉથિકેશન હેઠળ હક્ક છે.
સૂર્યકાન્ત શાહ