સ્તરભંગ (fault)

ખડકોમાં ઉદભવતી તૂટવાની અને ખસવાની ઘટના. પૃથ્વીના પોપડામાં ઉત્પન્ન થતાં પ્રતિબળોની અસર જ્યારે ખડકો પર થાય છે ત્યારે તેમાં વિરૂપતા આવે છે. વિરૂપતા ગેડીકરણની કે ભંગાણ પ્રકારની હોઈ શકે છે. ખડકો બરડ હોય અને અસર કરતાં પ્રતિબળો વિરૂપણ (shear) પ્રકારનાં હોય ત્યારે સામાન્ય રીતે ખડકજથ્થા તેમની મૂળસ્થિતિ જાળવી શકતા નથી અને ભંગાણ પડે છે. આ સંજોગો હેઠળ ખડકો કચરાઈ જાય છે, તેમાં તડો કે સાંધા પડે છે અથવા તો અરસપરસ ખસી જાય છે. ખડકોની પ્રતિકારક્ષમતા કરતાં વિરૂપણની અસર વધુ હોય ત્યારે ખડકોમાં આ પ્રકારની અસરો ઉદભવે છે. આ રીતે ખડકોની ખસી જવાની કે સ્તરોની સરકી પડવાની ઘટનાને સ્તરભંગ કહે છે, અર્થાત્ સ્તરભંગ એ એવા પ્રકારનું ભંગાણ છે, જેમાં ખડકોના તૂટતા ખંડવિભાગો એકમેકની અપેક્ષાએ ઉદભવતી ફાટસપાટીની ધારે ધારે ખસી જાય છે.

સ્તરભંગને કારણે ખડકો ખંડવિભાગોમાં વિભાજિત થાય છે. એક ખંડ બીજા ખંડના સંદર્ભમાં ઉપર, નીચે કે બાજુમાં ખસે છે; આ ઘટનામાં કાર્યરત પ્રતિબળોની તીવ્રતા, દિશા અને પ્રકાર મુજબ થતો ખસેડ થોડાક મિલીમિટર કે સેન્ટિમિટરથી માંડીને થોડાક મિટર કે કિલોમિટરનો હોઈ શકે છે. વળી ખસેડનો પ્રકાર ખડકસ્તરોની નમનદિશા કે સ્તરનિર્દેશનને સમાંતર, ત્રાંસો કે ચક્રીય હોઈ શકે છે. સ્તરભંગસપાટીને આધારે થતું સંચલન ભિન્ન ભિન્ન દિશાકીય લક્ષણવાળું પણ હોઈ શકે છે. તે આડું, ઊભું કે ત્રાંસું અથવા વળાંકવાળું પણ હોઈ શકે. (જુઓ આકૃતિ 1.)

સ્તરભંગજન્ય લક્ષણો : ખડકોમાં ઉદભવતા સ્તરભંગને પરિણામે વિવિધ પ્રકારનાં વિશિષ્ટ લક્ષણો સ્તરભંગની તલસપાટી (fault surface) સાથે સંકળાયેલાં જોવા મળે છે. સ્તરભંગજન્ય પ્રત્યેક લક્ષણ નીચે મુજબ વર્ણવી શકાય. :

(i) સ્તરભંગસપાટી (fault plane or fault surface) : સ્તરભંગને કારણે પડતી ફાટના સંદર્ભમાં જે તલસપાટી તૈયાર થાય તેને સ્તરભંગસપાટી કહે છે. આ સપાટી સરખી અને સુંવાળી હોય કે ન પણ હોય; ખરબચડી અને વાંકીચૂકી પણ હોય. આ સપાટીથી થતો ભૂપૃષ્ઠ સાથેનો આડછેદ સ્તરભંગ-વિવૃતિ (fault trace, fault outcrop) તરીકે ઓળખાય છે. (જુઓ આકૃતિ 2,)

આકૃતિ 1 : સ્તરભંગ-સંચલનનાં વલણ

(ii) ઘર્ષિત પાર્શ્વતલ (slicken sides) : સ્તરભંગજન્ય સપાટીઓ મોટે ભાગે તો ખસેડથી ઉદભવતા ઘર્ષણને કારણે લીસી, સુંવાળી કે ચમકવાળી બનતી હોય છે; પરંતુ તેમાં સામેલ થતી દીવાલોમાં રહેલા કેટલાક કઠિન ખનિજ-ઘટકો સામેની દીવાલ પર ઘસાઈને જાય તો તેને ખોતરીને ઘસરકા, રેખાંકનો કે સળ પાડે છે. આ પ્રકારનાં લક્ષણો ધરાવતી સ્તરભંગસપાટીઓને સ્તરભંગઘર્ષિત સપાટીઓ કે ઘર્ષિત પાર્શ્વતલ કહે છે. ક્ષેત્રીય કાર્ય દરમિયાન સ્તરભંગ પરખ માટેનું આ એક મહત્વનું લક્ષણ બની રહે છે અને સ્તરભંગની હાજરી હોવાની ખાતરી કે પુરાવો પૂરો પાડે છે. આ ઉપરાંત રેખાંકનો કે સળ સ્તરભંગની સંચલનદિશા પણ સૂચવે છે; ક્યારેક આવાં રેખાંકનો કે સળની આડે ઊપસેલા ભાગો કે અનિયમિતતાઓ પણ તૈયાર થતાં હોય છે, ઊપસેલી ધારોની એક બાજુ આછા ઢોળાવવાળી અને બીજી બાજુ સીધા ઢોળાવવાળી હોય છે, જેમાં સંચલન આછી બાજુ તરફથી થયેલું ગણાય છે. (જુઓ આકૃતિ 2.)

(iii) સ્તરભંગજન્ય વિરૂપક વિભાગ (fault zone) : જે પ્રાદેશિક વિભાગ સ્તરભંગની અસર હેઠળ આવે ત્યાં ચાલુ રહેલા એકધારા તણાવજન્ય વિરૂપક બળને કારણે એક કરતાં વધુ, એકબીજીને સમાંતર (કે લગભગ સમાંતર), ઓછાવત્તા અંતરને ગાળે ફાટો (fractures) ઉદભવે છે, અથવા તો એક કરતાં વધુ ઘર્ષિત પાર્શ્વતલ નજીક નજીક જોવા મળે છે. બારીક ચૂર્ણ (મૃદ સમકક્ષ) પણ તૈયાર થતું હોય છે. આ પ્રકારનાં લક્ષણોવાળો સ્તરભંગજન્ય વિભાગ વિરૂપક વિભાગ કહેવાય છે. (જુઓ આકૃતિ 2.)

આકૃતિ 2 : સ્તરભંગજન્ય લક્ષણો

(iv) સ્તરભંગ બ્રેક્સિયા અને સ્તરભંગ મૃદ (fault or crushed breccia and gouge) : સ્તરભંગ-ખસેડ દરમિયાન તેમાં સામેલ થતી ખડક દીવાલો જો કઠિન તેમજ નરમ ખનિજ ઘટકોથી બનેલી હોય તો કઠિન ઘટકો કચરાઈને નાના મોટા પરિમાણવાળા કોણાકાર કે અનિયમિત આકારવાળા ટુકડાઓમાં ફેરવાય છે, નરમ દ્રવ્ય બારીક ચૂર્ણ બની રહે છે. સ્તરભંગક્રિયા દરમિયાન ઘર્ષણથી ગરમી પણ ઉદભવે છે. આ પ્રકારની સંયુક્ત અસરો હેઠળ ખડકટુકડાઓ અને ચૂર્ણ, ઉદભવતી ગરમીને કારણે અરસપરસ સંધાઈ જાય છે અને બ્રેક્સિયા પ્રકારનો ખડક તૈયાર થાય છે. તે સ્તરભંગજન્ય હોવાથી તેને સ્તરભંગ બ્રેક્સિયા કહે છે. ગરમીથી શેકાતી વખતે મૂળ દ્રવ્યબંધારણ મુજબ જો તેમાંથી વાયુઓ નીકળી જાય તો કોટરો પણ રહી જાય છે. આ રીતે શેકાયેલું કે શેકાયા વગરનું ચૂર્ણ બારીક માટી જેવું દેખાતું હોવાથી તેને સ્તરભંગ મૃદ (gouge) કહેવાય છે. જ્યાં આ પ્રકારનાં લક્ષણો જોવા મળે તે વિસ્તારમાં સ્તરભંગ થયો હોવાનો પુરાવો મળે છે.

(v) ઝૂલતી દીવાલ–અધ:સ્થિત દીવાલ (hanging wall and foot wall) : ખડક-જથ્થામાં ઉદભવતા સ્તરભંગને પરિણામે જોડાજોડ બે ખંડવિભાગો બની રહે છે. ઊર્ધ્વ વલણ ધરાવતા સ્તરભંગની સામસામેની બંને દીવાલો ઊભી સ્થિતિમાં હોય છે; પરંતુ સ્તરભંગસપાટી જ્યારે નમેલી હોય ત્યારે નીચે તરફની દૃશ્ય સપાટીને અધ:સ્થિત દીવાલ અને ઉપરની સામાન્ય સંજોગોમાં ન દેખાતી (કારણ કે તે ઘસારાને કારણે ખલાસ થઈ ચૂકી હોય છે.), આધારિત દીવાલને ઝૂલતી દીવાલ કહે છે. (સ્તરભંગસપાટીને સમાંતર જતા, માથા તરફની બાજુ ઝૂલતી દીવાલ અને પગ તરફની બાજુ અધ:સ્થિત દીવાલ કહેવાય છે.) (જુઓ આકૃતિ 2.)

આકૃતિ 3 : સ્તરભંગનાં ભૌમિતિક લક્ષણો.

F1F2F3 = સ્તરભંગસપાટી; F1F2 = સ્તરભંગની સ્તરનિર્દેશક દિશા; AB = સ્પષ્ટ ખસેડ; BC = ક્ષિતિજ સમાંતર ખસેડ; AC = ઊર્ધ્વ ખસેડ; = નમનકોણ;  = ઊર્ધ્વકોણ; MNOP = ઊર્ધ્વતલસપાટી

(vi) અધ:પાત બાજુ–ઊર્ધ્વપાત બાજુ (downthrow sideupthrow side) : સ્તરભંગને કારણે ખડકજથ્થાનો જે વિભાગ નીચે તરફ ખસ્યો હોય તે અધ:પાત બાજુ (અથવા ખંડ) અને જે વિભાગ ઉપર તરફ ગયો હોય તે ઊર્ધ્વપાત બાજુ (અથવા ખંડ) કહેવાય છે. આ ક્રિયામાં એક વિભાગ નિષ્ક્રિય રહી બીજો વિભાગ ખસે, અથવા બંને વિભાગો ક્રિયાશીલ રહી ઓછાવત્તા પ્રમાણમાં ખસે ત્યારે આ લક્ષણ રચાય છે. (જુઓ આકૃતિ 2.)

ભૌમિતિક લક્ષણો : (i) નમનકોણ–ઊર્ધ્વકોણ (dip and hade) : સ્તરભંગસપાટીનું વલણ ક્ષૈતિજ, ઊર્ધ્વ કે નમેલું હોઈ શકે. સ્તરભંગસપાટી ક્ષિતિજસમાંતરતા સાથે જે ખૂણો બનાવે તેને સ્તરભંગનો નમનકોણ કહે છે, તે અંશ અને દિશા દ્વારા દર્શાવાય છે. એ જ રીતે સ્તરભંગસપાટી ઊર્ધ્વતલ સાથે જે ખૂણો બનાવે તેને સ્તરભંગનો ઊર્ધ્વકોણ કહે છે. નમનકોણ અને ઊર્ધ્વકોણ અન્યોન્ય પૂરક ખૂણાઓ બની રહે છે. (જુઓ આકૃતિ 3.)

(ii) ખસેડ અને અલગીકરણ (slip and separation) : સ્તરભંગની વ્યાખ્યા પરથી સ્પષ્ટ બની રહે છે કે ખસવાની ક્રિયામાં ખડકવિભાગો એકબીજાના સંદર્ભમાં સરકે છે, જે મૂળ સ્થિતિમાંથી જુદાઈ થયાનું બતાવે છે. આ ક્રિયામાં ખસેડ તેનો પ્રકાર છે અને જુદાઈ તેનું પ્રમાણ છે. મૂળ સ્થિતિ વખતે જે બે બિંદુઓ એકમેક હતાં તે ખસેડ થવાથી અલગ બન્યાં છે. ખસેડનું માપ સ્તરભંગસપાટી પર માપી શકાય છે. આ ઉપરાંત, ખસેડ નમનદિશા તરફ, સ્તરનિર્દેશક દિશા તરફ કે ત્રાંસી સ્થિતિમાં થઈ છે, તે આ જુદાં પડેલાં બિંદુઓ પરથી માપીને નક્કી થાય છે. એ રીતે સ્પષ્ટ ખસેડ (net slip), ક્ષિતિજસમાંતર ખસેડ (horizontal slip), ઊર્ધ્વ ખસેડ (vertical slip) અને ત્રાંસી ખસેડ (oblique slip) જાણી શકાય છે. ‘જુદાઈ’ અથવા ‘અલગીકરણ’ પર્યાય સામાન્ય રીતે ઓછા વપરાય છે. તે અંતરનો નિર્દેશ કરે છે અને જુદા પડેલા બે વિભાગો વચ્ચે કાટખૂણે કેટલું અંતર થાય છે તે બતાવે છે. (જુઓ આકૃતિ 3.)

(iii) ક્ષૈતિજ ખસેડ–ઊર્ધ્વ ખસેડ (ઊર્ધ્વપાત) : સ્તરભંગ દ્વારા સ્તરોમાં થતી ખસેડ માટે આ પર્યાયો વધુ પ્રમાણમાં વપરાય છે. સ્તરભંગની સ્તરનિર્દેશક દિશાને કાટખૂણે લેવાતા ઊભા આડછેદમાં મપાતા આડા ઘટકને ક્ષિતિજસમાંતર ખસેડ (heave) અને ઊભા ઘટકને ઊર્ધ્વપાત અથવા ઊર્ધ્વ ખસેડ (throw) કહેવાય છે. (જુઓ આકૃતિ 3.)

જળકૃત ખડકસ્તરો માટે ઉપયોગમાં લેવાતો સમાનાર્થી પર્યાય સ્તરિત ઊર્ધ્વપાત (strigraphic upthrow) કહેવાય છે. સ્તરભંગસપાટીના નમનકોણ મુજબ આ બંને ઘટકો ફેરફારને અધીન રહે છે. નમનકોણ 45° હોય, તો બંને સરખા માપના; નમનકોણ ઓછો હોય તો આડી ખસેડ વધુ, ઊભી ખસેડ ઓછી; જ્યારે નમનકોણ વધુ હોય તો આડી ખસેડ ઓછી, ઊભી ખસેડ વધુ હોય છે. (જુઓ આકૃતિ 3.)

સ્તરભંગસપાટી ઊર્ધ્વસ્થિતિમાં હોય તો આડી ખસેડ અને ઊર્ધ્વકોણ હોતા નથી; તે ક્ષિતિજસમાંતર હોય તો ઊર્ધ્વપાત અને નમનકોણ હોતા નથી. સ્તરભંગસપાટીની નમેલી સ્થિતિ જ ઉપર્યુક્ત બધાં લક્ષણો દર્શાવી શકે છે. આ ઉપરાંત, કોઈ પણ તલમાંની ક્ષિતિજસમાંતર રેખા સાથે તે જ તલમાં મળતી અન્ય કોઈ રેખાકીય સ્થિતિ જે ખૂણો બનાવે તેને ‘તલીય કોણ’ (rake) કહે છે. ખાસ કરીને, સ્તરભંગની ઘર્ષિત-સપાટીઓમાં જોવા મળતાં રેખાંકનો આ ખૂણા દ્વારા દર્શાવાય છે. (જુઓ આકૃતિ 3.)

વર્ગીકરણ : સ્તરભંગોનું બે પ્રકારોમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે : (I) ભૌમિતિક વર્ગીકરણ, (II) ઉત્પત્તિજન્ય વર્ગીકરણ.

(I) ભૌમિતિક વર્ગીકરણ (geometrical classification) : જે સ્તરોમાં સ્તરભંગ મળે તે સ્તરોનાં નમનદિશા–સ્તરનિર્દેશન વલણ, સ્પષ્ટ ખસેડકોણ, સ્તરભંગની પ્રાપ્તિસ્થિતિ, નમનકોણ અને સ્તરભંગ – વિભાગીય ખંડનું સંચલન  એ પ્રમાણેના પાંચ ભૌમિતિક આધારો મુજબ પ્રકારો પાડવામાં આવેલા છે :

(i) સ્તરોના વલણ મુજબ : (અ) સ્તરનિર્દેશક દિશાકીય સ્તરભંગ (strike fault) : જેની સ્તરભંગસપાટીની વિવૃતિ સ્તરોની સ્તરનિર્દેશક દિશાને સમાંતર રહે તેને સ્તરનિર્દેશક દિશાકીય સ્તરભંગ કહેવાય. પ્રસ્તર ખડકોમાં તે સમજવાનું સરળ પડે છે, અગ્નિકૃત ખડકોમાં પ્રવાહરચના મુજબ અને વિકૃત ખડકોમાં શિસ્ટોઝ-સંરચના મુજબ ગણાય છે.

(આ) પ્રસ્તરીય સ્તરભંગ (bedding fault) : સ્તરનિર્દેશક દિશાકીય સ્તરભંગનો જ આ પ્રકાર છે, જે સ્તરોને સમાંતર રહે છે.

(ઇ) સ્તરનમન સ્તરભંગ (dip fault) : જેની સ્તરભંગસપાટી સ્તરોની નમનદિશાને સમાંતર રહે તેને સ્તરનમન સ્તરભંગ કહેવાય. સ્તરભંગસપાટીની સ્તરનિર્દેશક દિશા આ પ્રકારમાં સ્તરોની સ્તરનિર્દેશક દિશાને કાટખૂણે રહે છે.

(ઈ) ત્રાંસો સ્તરભંગ (oblique or diagonal fault) : જેની સ્તરભંગસપાટી સ્તરોની નમનદિશા કે સ્તરનિર્દેશક દિશા બંનેમાંથી એકેયને સમાંતર ન હોય તેને ત્રાંસો સ્તરભંગ કહેવાય.

(ઉ) અનુદીર્ઘ સ્તરભંગ (longitudinal fault) : સ્તરોના પ્રાદેશિક વલણ કે ઉપસ્થિતિ(trend)ને સમાંતર મળતા સ્તરભંગ અનુદીર્ઘ સ્તરભંગ ગણાય છે.

આકૃતિ 4 : સ્તરભંગના ભૌમિતિક પ્રકારો : A, B, C = સ્તરો, F1 = સ્તરનિર્દેશક સ્તરભંગ, F2 = સ્તરનમન સ્તરભંગ, F3 = ત્રાંસો સ્તરભંગ.

(ઊ) અનુપ્રસ્થ સ્તરભંગ (transverse fault) : સ્તરોના પ્રાદેશિક વલણ કે ઉપસ્થિતિને છેદીને પસાર થતા સ્તરભંગ અનુપ્રસ્થ સ્તરભંગ ગણાય છે.

(એ) ચક્રીય (અક્ષીય/કીલક) સ્તરભંગ (pivotal or hinge fault) : આ એક વિશિષ્ટ પ્રકારનો સ્તરભંગ છે, જેમાં સ્તરભંગ-સપાટીથી અલગ પડતા બંને વિભાગો કોઈ એક ધરી પર ભ્રમણ કરતા રહીને ખસે છે. (જુઓ આકૃતિ 4.)

(ii) સ્પષ્ટ ખસેડ કોણ મુજબ (pitch of net slip) : () સ્તરનિર્દેશક દિશાકીય ખસેડ (strike-slip fault) : આ પ્રકારના સ્તરભંગમાં સ્તરભંગસપાટીને સમાંતર સ્તરોની ખસેડ થતી હોય છે. સ્તરભંગસપાટીની સ્તરનિર્દેશક દિશામાં ખસેડનું અંતર મપાય છે, જે સ્પષ્ટ ખસેડ દર્શાવે છે, તેની નમનદિશામાં સ્તરભંગનું ખસેડ-મૂલ્ય શૂન્ય રહે છે.

આકૃતિ 5 : સ્પષ્ટ ખસેડ. A = સ્તરનિર્દેશક દિશાકીય ખસેડ, OP = સ્પષ્ટ ખસેડ; B = નમનદિશાકીય ખસેડ, OP = સ્પષ્ટ ખસેડ; C = ત્રાંસો ખસેડ, OP = સ્પષ્ટ ખસેડ,

PR = સ્તરનિર્દેશક ખસેડ, PQ = નમન ખસેડ. (O અને P બિંદુઓ મૂળ સ્થિતિમાં એક હતાં.)

(આ) નમનદિશાકીય ખસેડ (dip-slip fault) : આ પ્રકારના સ્તરભંગમાં સ્તરભંગસપાટીની પોતાની નમનદિશા તરફ સ્તરખસેડ થાય છે, જ્યાં તેનું અંતર માપી શકાય છે, તે સ્પષ્ટ ખસેડ દર્શાવે છે. તેની સ્તરનિર્દેશક દિશામાં સ્તરભંગનું ખસેડ-મૂલ્ય શૂન્ય રહે છે. અહીં મળતો સ્પષ્ટ ખસેડતલીય કોણ (pitch) 90°નો બને છે.

(ઇ) ત્રાંસી દિશાકીય ખસેડ (oblique or diagonal slip fault) : આ પ્રકારના સ્તરભંગમાં સ્તરભંગસપાટીની નમનદિશા તેમજ સ્તરનિર્દેશક દિશાની વચ્ચે ત્રાંસી ખસેડ થાય છે, જેથી તે નમન-દિશાકીય તેમજ સ્તરનિર્દેશક દિશાકીય બંને મૂલ્ય આપે છે. અહીં મળતો તલીય કોણ 0°થી 90° વચ્ચેનો રહે છે. (જુઓ આકૃતિ 5.)

(iii) પ્રાપ્તિસ્થિતિ મુજબ (mode of occurrence) : સ્તરભંગોની પ્રાદેશિક પ્રાપ્તિસ્થિતિ ક્યારેક એકબીજાના સંબંધમાં સરખી કે ભિન્ન ભિન્ન જોવા મળે છે, તેથી તેમની પ્રાપ્તિસ્થિતિ વર્ગીકરણનો આધાર બની રહે છે.

આકૃતિ 6 : પ્રાપ્તિસ્થિતિ મુજબ સ્તરભંગના પ્રકારો

(અ) સમાંતર સ્તરભંગ (parallel faults) : સમાંતરવત્ સ્તરભંગ સમૂહ (enechelon fault). જ્યારે એક કરતાં વધુ સ્તરભંગો પ્રાદેશિક સંદર્ભમાં અન્યોન્ય સમાંતર વિવૃતિઓમાં ગોઠવાયેલા હોય, તેમનાં સ્તરનિર્દેશન, નમન-લક્ષણો લગભગ સમાન હોય, એવા જૂથને સમાંતર સ્તરભંગશ્રેણી કહેવાય છે. તેના પેટા પ્રકારો આ પ્રમાણે છે : નાના કદનાં સ્તરભંગ-જૂથ અન્યોન્ય સમાંતર વિવૃતિઓ દર્શાવે. તેમની સ્તરનિર્દેશક દિશા એકસરખી હોય, પણ સ્તરભંગસપાટીનાં નમનકોણ-નમનદિશા જુદાં જુદાં હોય, તે પ્રકારની સ્તરભંગશ્રેણીને સમાંતરવત્ (enechelon) સ્તરભંગ સમૂહ કહેવાય છે. (જુઓ આકૃતિ 6.)

જ્યારે સ્તરભંગ વિવૃતિઓ અન્યોન્ય સમાંતર હોય અને તેમની સ્તરભંગસપાટીઓની નમનદિશા સમાન હોય, અધોપાત-દિશા પણ એકતરફી હોય, એવી શ્રેણીને સોપાન સ્તરભંગ (step faults) કહે છે. (જુઓ આકૃતિ 6.)

જો સોપાન સ્તરભંગોની બે શ્રેણી નજીક નજીક આવેલી હોય, પ્રત્યેક શ્રેણીના અધ:પાત મધ્ય ભાગના સંદર્ભમાં એકબીજાથી વિરુદ્ધ, દૂર તરફ જતા હોય ત્યારે ખંડપર્વત (horst) જેવા ભૂમિઆકારની રચના થાય છે; પરંતુ તે જ્યારે મધ્યવર્તી હોય ત્યારે ગ્રેબન અથવા ફાટખીણ જેવા ભૂમિઆકારની રચના થાય છે. (જુઓ માહિતી અને આકૃતિઓ માટે તે તે અધિકરણો.)

(આ) કમાનાકાર સ્તરભંગ (peripheral faults) : પ્રાદેશિક સંદર્ભમાં જ્યારે કિનારીઓના ભાગોમાં સ્તરભંગ થયેલા હોય, તે પૈકીના મોટા ભાગના અર્ધચંદ્રાકાર કે ચાપ આકારના હોય અને ચારે બાજુનો પ્રદેશ આ પ્રકારની ગોળાકાર સ્તરભંગ ચાપોથી આવૃત થયેલો હોય ત્યારે રચાતા સ્તરભંગ-જૂથને કમાનાકાર સ્તરભંગ કહે છે. (જુઓ આકૃતિ 6.)

(ઇ) વિકેન્દ્રિત સ્તરભંગ (radial fault) : પ્રાદેશિક સંદર્ભમાં જોવા મળતી સ્તરભંગ-વિવૃતિઓ લગભગ એક સ્થાનેથી જુદી જુદી દિશાઓમાં વિકેન્દ્રિત થયેલી હોય ત્યારે રચાતી સ્તરભંગશ્રેણી વિકેન્દ્રિત સ્તરભંગ તરીકે ઓળખાય છે. (જુઓ આકૃતિ 6.)

(iv) નમનકોણ મુજબ (value of dip) : સ્તરભંગસપાટીના નમનકોણના મૂલ્ય મુજબ સ્તરભંગના બે પ્રકારો પાડેલા છે : 45°થી વધુ નમન ધરાવતી સ્તરભંગસપાટીવાળા સ્તરભંગ ઉગ્ર-નમનકોણીય સ્તરભંગ (high angle faults) અને 45°થી ઓછા નમનકોણ ધરાવતી સ્તરભંગસપાટીવાળા સ્તરભંગ આછા-નમનકોણીય સ્તરભંગ કહેવાય છે.

(v) સંચલન મુજબ (apparent movement) : જ્યારે સ્તરભંગ ઉદભવે ત્યારે અલગ પડતા બંને વિભાગીય ખંડ એકબીજાના સંદર્ભમાં ઉપર કે નીચે તરફ ખસે છે અથવા એક સક્રિય અને બીજો નિષ્ક્રિય રહી શકે છે. સ્તરભંગસપાટીની સ્થિતિ પણ આ સાથે ગણતરીમાં લેવાય છે. પ્રકારો આ પ્રમાણે છે : અધ:સ્થિત દીવાલ નિષ્ક્રિય રહી ઝૂલતી દીવાલવાળો વિભાગ નીચે તરફ સરકે અથવા ઝૂલતી દીવાલવાળો વિભાગ નિષ્ક્રિય રહી અધ:સ્થિત દીવાલવાળો વિભાગ ઉપર તરફ ખસે ત્યારે રચાતા પ્રકારને સામાન્ય સ્તરભંગ અથવા ગુરુત્વ સ્તરભંગ (normal or gravity fault) કહે છે; આ પ્રકાર કરતાં તદ્દન વિરુદ્ધ ક્રિયા થાય ત્યારે વિપરીત સ્તરભંગ (reversed fault) રચાય છે. આ બંને પ્રકારોમાં સ્તરભંગસપાટી નમેલી હોવી જરૂરી છે. અન્ય સ્થિતિવાળી સ્તરભંગસપાટી આ પ્રકારના સ્તરભંગ બનાવી શકતી નથી. (જુઓ આકૃતિ 2 અને 7.)

જે સ્તરભંગમાં સ્તરભંગસપાટી ભલે નમેલી સ્થિતિમાં હોય; પરંતુ સ્તરભંગ-ખંડો ક્ષિતિજસમાંતર સ્થિતિમાં ખસે ત્યારે રચાતા સ્તરભંગ આડા કે અનુપ્રસ્થ સ્તરભંગ (transverse or transcurrent fault) કહેવાય છે. (જુઓ આકૃતિ 8.) જે સ્તરભંગમાં સ્તરભંગસપાટી અને ખસેડ ઊર્ધ્વસ્થિતિમાં હોય એવા પ્રકારને ઊર્ધ્વ સ્તરભંગ (vertical fault) કહે છે.

આકૃતિ 7 : વિપરીત સ્તરભંગ

આકૃતિ 8 : અનુપ્રસ્થ સ્તરભંગ

પ્રાદેશિક અને ભૌમિતિક પ્રાપ્ય પરિસ્થિતિ મુજબ પ્રકારભેદે રચાતા સ્તરભંગોનું સંકલન કરીને, કોઈ પણ સ્તરભંગને કોઈ એક નામથી ઓળખવા કરતાં, એક કરતાં વધુ પર્યાયવાળું યોગ્ય રીતે બંધબેસતું સંયુક્ત નામ આપવું ઉચિત ગણાય; જેમ કે ઉગ્ર નમનકોણીય – નમનદિશાકીય–સમાંતર સ્તરભંગ.

(II) ઉત્પત્તિજન્ય વર્ગીકરણ (genetic classification) : પોપડામાં કાર્ય કરતાં વિવિધ પ્રતિબળોના પ્રકાર અને અસર મુજબ કરવામાં આવતું વર્ગીકરણ ઉત્પત્તિ-સ્થિતિદર્શક હોવાથી તે વધુ સંતોષકારક ગણાય છે. પ્રતિબળો તણાવ, દાબ, વિરૂપણ, વળ પ્રકારનાં હોઈ શકે છે. જે તે પ્રતિબળોની ક્રિયાશીલ અસર હેઠળ રચાતા સ્તરભંગો મુખ્યત્વે બે પ્રકારોમાં વર્ગીકૃત કરેલા છે :

(1) તણાવજન્ય સ્તરભંગ (tensional fault) અથવા ગુરુત્વ/સામાન્ય સ્તરભંગ (gravity/normal fault) : તણાવનાં પ્રતિબળોની અસર હેઠળ તૈયાર થતો સ્તરભંગ તણાવજન્ય સ્તરભંગ કહેવાય છે. તણાવની અસરથી પ્રાદેશિક વિસ્તરણ થાય છે. સ્તરભંગસપાટીના સંદર્ભમાં એક વિભાગ ખેંચાઈને બીજા વિભાગથી દૂર ખસે છે. આ કારણે ભંગાણ ઉત્પન્ન થયા પછી ઝૂલતી દીવાલવાળો વિભાગ અધ:સ્થિત દીવાલના સંબંધમાં નીચે તરફ સરકે છે, આ ક્રિયામાં ગુરુત્વઅસર કાર્યશીલ હોવાથી આ પ્રકારને ગુરુત્વ સ્તરભંગ પણ કહે છે. આ પ્રકારના સ્તરભંગોમાં સ્તરભંગસપાટી આવશ્યકપણે નમેલી હોય છે. તેમાં બનતો ઊર્ધ્વકોણ (hade) હંમેશાં અધ:પાત તરફી હોય છે. (જુઓ આકૃતિ 2.) આ કારણે તેને સામાન્ય સ્તરભંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા સ્તરભંગોની શ્રેણી બે અગત્યનાં રચનાત્મક ભૂમિસ્વરૂપો પણ બનાવે છે, જેમને ખંડપર્વત અથવા ઉત્ખંડ (horst) અને ગ્રેબન (અથવા ફાટખીણ) કહે છે.

આકૃતિ 9 : ઉત્ખંડફાટખીણ

(2) દાબજન્ય સ્તરભંગ અથવા વિપરીત સ્તરભંગ (compressional or reversed fault) : દાબનાં પ્રતિબળોની અસર હેઠળ તૈયાર થતો સ્તરભંગ દાબજન્ય સ્તરભંગ કહેવાય છે. દાબની અસરથી પ્રાદેશિક ભીંસ ઉદભવતી હોવાથી તેમાં સામેલ થતો વિસ્તાર ઘટે છે. એક વિભાગ બીજા વિભાગની ઉપર સરકીને ચઢી જાય છે. ઝૂલતી દીવાલવાળો વિભાગ સ્તરભંગસપાટી પર થઈને અધ:સ્થિત દીવાલવાળા વિભાગની ઉપર ખસે છે અને ગોઠવાઈ રહે છે. આ સ્થિતિ સામાન્ય સ્તરભંગથી ઊલટા ક્રમની હોવાથી તેને વિપરીત સ્તરભંગ પણ કહે છે. આ પ્રકારના સ્તરભંગોમાં પણ સ્તરભંગસપાટી આવશ્યકપણે નમેલી હોય છે અને તેમાં બનતો ઊર્ધ્વકોણ હંમેશાં ઊર્ધ્વપાત બાજુ-તરફી હોય છે. (જુઓ આકૃતિ 7.)

આ પ્રકારના સ્તરભંગમાં જ્યારે સ્તરભંગસપાટી તદ્દન આછા (10° કે વધુમાં વધુ 20° સુધીના) નમનકોણવાળી હોય અને સ્તરો એકબીજા ઉપર ચઢી જાય ત્યારે તેને ધસારા (thrust) અથવા ધસારા-સ્તરભંગ (thrust fault) તરીકે ઓળખવામાં આવે છે. ધસારાના પણ બે પ્રકાર પડે છે : અતિ ધસારો અને નિમ્ન ધસારો (overthrust and underthrust). અતિ ધસારામાં નિષ્ક્રિય અધ:ખંડ ઉપર ઝૂલતી દીવાલનો વિભાગ ધસી જાય છે, જ્યારે નિમ્ન ધસારામાં ઝૂલતી દીવાલનો વિભાગ નિષ્ક્રિય રહે છે અને અધ:ખંડ ક્રિયાશીલ બની રહે છે. ધસારા-વિભાગો ઘણે દૂર સુધી ધસી જઈને ક્યાંક ગોઠવાય ત્યારે થતી રચના ‘નેપ’ (nappe) કહેવાય છે. (જુઓ નેપ.) એક ઉપર બીજો – એમ શ્રેણીબંધ ધસારા-સ્તરભંગોથી તૈયાર થતા રચનાત્મક લક્ષણને ધસારા-શ્રેણીનું જટિલ કોરછાદી રચના (imbricate structure) કહે છે.

સ્તરભંગની અસરો : પ્રકારભેદે સ્તરભંગો દ્વારા જુદી જુદી વિવૃતિઓ પર થતી અસરો જુદા જુદા પ્રકારની હોય છે. વિવૃતિઓની મૂળ સ્થિતિમાં સ્તરભંગની અસર દ્વારા ઉદભવતા ફેરફારો માટે સ્તરભંગ તેમજ ખડકોના પ્રકાર અને વલણ જવાબદાર ગણાય છે. સ્તરનિર્દેશક સ્તરભંગ, નમન-સ્તરભંગ અને ત્રાંસા સ્તરભંગની આછા નમનવાળા સ્તરો પર થતી અસર એકબીજીથી સ્પષ્ટપણે જુદી પડે છે.

(i) સ્તરનિર્દેશક સ્તરભંગ (strike fault) : આ પ્રકારમાં જો સ્તરભંગની અધ:પાત બાજુ અને સ્તરનમનદિશા એકબીજાથી વિરુદ્ધ હોય તો સ્તરોનું આવર્તન (repetition) થાય છે; પરંતુ આ બંને લક્ષણો જો એકતરફી હોય તો અમુક સ્તરો અદૃશ્ય (omission) થઈ જાય છે. અસરો હંમેશાં અધ:પાત બાજુ પર જોવાની હોય છે.

આકૃતિ 10 : (અ) સ્તરનમન દિશા અને સ્તરભંગસપાટીની નમનદિશા–સામસામે. સ્તરનિર્દેશક – સ્તરભંગની અસર, સ્તરોનું આવર્તન

(આ) સ્તરનમન દિશા અને સ્તરભંગ સપાટી એકદિશાકીય, સ્તરનિર્દેશક સ્તરભંગની અસર. સ્તરો અદૃશ્ય.

(ii) નમનસ્તરભંગ (dip fault) : આ પ્રકારના સ્તરભંગમાં સ્તરો ક્ષિતિજસમાંતર દિશામાં ખસે છે, તેને પાર્શ્વ ખસેડ (lateral shifting) કહે છે.

(iii) ત્રાંસો સ્તરભંગ (oblique fault) : આ પ્રકારનો સ્તરભંગ, સંકળાયેલા સ્તરાનુક્રમમાં ખાંચ (offset) લાવી મૂકે છે, જેમાં અધોપાત દિશા મુજબ અતિવ્યાપ (overlap) કે અંતર (gap) ઉદભવે છે. અધ:પાત બાજુ ડાબી તરફ હોય તો અતિવ્યાપ્તિ સહિત ખાંચ થાય છે, જ્યારે જમણી બાજુવાળા અધ:પાતમાં અંતર સહિત ખાંચ થાય છે. ગેડવાળા સ્તરો પરની અસર આ પ્રમાણે થાય છે : ઊર્ધ્વવાંક પર થતો નમનસ્તરભંગ સ્તરભુજને નજીક લાવે છે, જ્યારે અધોવાંક પરનો નમનસ્તરભંગ સ્તરભુજનું અંતર વધારી મૂકે છે. આ અસરો ઊર્ધ્વપાત-ખંડ (upthrown block) ઘસાઈ ગયા પછી, તેના સંદર્ભમાં અધ:પાત-ખંડ પર મૂલવવાની હોય છે.

આકૃતિ 11 : (અ) નમનસ્તરભંગની અસર : ક્ષિતિજસમાંતર (= પાર્શ્વ) ખસેડ (આ) ત્રાંસા સ્તરભંગની અસર : ત્રાંસો પાર્શ્વ ખસેડ

સ્તરભંગની ભૂપૃષ્ઠ પર અસર : સ્તરભંગ થવાથી અસર પામતું ભૂપૃષ્ઠ ઉપર નીચે ખસતાં બે વિભાગોમાં વહેંચાઈ જાય છે, સામાન્ય રીતે ઊંચકાતો ભાગ ભેખડ(કરાડ)નું ભૂમિસ્વરૂપ રચે છે, જેની બાજુઓ ઉગ્ર ઢોળાવવાળી બની રહે છે, ત્યાં જળધોધ માટેની શક્યતા ઊભી થાય છે. સ્તરભંગ વિવૃતિઓમાંથી અનુકૂળ સંજોગો મળતાં ઝરા ફૂટીને નીકળી શકે છે, આજુબાજુનો કેટલોક ભાગ આ કારણે પંકમય બની રહે છે; નદીપથમાં સ્તરભંગ વિવૃતિઓ રહેલી હોય તો જળપ્રવાહપથમાં ફેરફારો લાવી મૂકે છે.

સ્તરભંગપરખ (recognition of faulting) : ભૂસ્તરીય ક્ષેત્ર અભ્યાસમાં ખડકો પર સ્તરભંગ દ્વારા ઉદભવેલી અસરો તે સ્થાનમાં થયેલા સ્તરભંગના અસ્તિત્વનું સૂચન કરે છે. આ પ્રકારનાં અસરયુક્ત લક્ષણો પૂરતા પ્રમાણમાં મળી રહે અને તેમનું યોગ્ય રીતે અર્થઘટન કરી શકાય તો ત્યાં રહેલા સ્તરભંગનાં પ્રકૃતિ, પ્રકાર અને વિસ્તરણ જાણી શકાય. સર્વસામાન્ય મળી રહેતાં મહત્વનાં પ્રત્યક્ષ અને પરોક્ષ સ્તરભંગ-પરખ-લક્ષણો આ પ્રમાણે છે :

(1) પ્રત્યક્ષ પરખ (direct exposures) : સ્તરભંગની દૃશ્ય વિવૃતિ જો કોઈ ભેખડમાં, માર્ગની બાજુઓ પર રેલમાર્ગ પર, ખાણ, સપાટીખાણ કે બોગદાંની દીવાલો પર મળે તો તેનું વલણ અને ખસેડ માપી શકાય. જબલપુરમાંની ચૂઈ ટેકરીમાં આવું પ્રત્યક્ષ લક્ષણ જોઈ શકાય છે, જોકે આ પ્રકારના દાખલા ભાગ્યે જ જોવા મળે છે.

આકૃતિ 12 : ગેડવાળા સ્તરો પર નમનસ્તરભંગની અસર : અધ:પાત બાજુના સંદર્ભમાં – અધોવાંક દૂર જાય, ઊર્ધ્વવાંક નજીક આવે.

(2) રચનાત્મક સાતત્યભંગ (discontinuity of structures) : સ્તરસમૂહ, શિરા કે ડાઈક જ્યારે કોઈ રેખા પર એકાએક અટકી જતાં જણાય અને તે જ લક્ષણ લગભગ એ જ રેખાના પાર્શ્વ વિસ્તરણ પર અન્ય સ્થાને ફરીથી શરૂ થતાં જણાય તો નિશ્ચિત બની જાય છે કે આવી રેખાકીય સપાટી, સ્તરભંગનું સૂચન કરે છે. અસંગતિમાં આ લક્ષણો અટકી જતાં હોય છે અને ફરીથી દેખાતાં હોતાં નથી.

(3) આવર્તિત સ્તરો-અદૃશ્ય સ્તરો (repetition or omission) : જ્યારે એકનો એક સ્તર એક જ દિશામાં બીજી વાર (કે એક કરતાં વધુ વાર) દેખાય, કે કોઈક સ્તર એક જ દિશામાં અશ્ય થઈ જતો જણાય (ઢંકાઈ જાય, વિવૃતિ ન પામે) તો તે સ્તરભંગની હાજરીનો નિર્દેશ કરે છે. સ્તરનિર્દેશક સ્તરભંગને કારણે અસર ઉદભવતી હોય છે.

(4) ખાંચ (offset) વગેરે : સ્તરભંગને કારણે થતું સ્તરભંગાણ સામાન્ય રીતે તેમના સ્થાનાંતર(ખસેડ)માં પરિણમતું હોય છે; જે ખસેડ, જુદાઈ, ખાંચ દ્વારા મૂલવી શકાય છે. આવાં લક્ષણો સ્તરભંગની હાજરી હોવાના પુરાવારૂપ બની રહે છે.

(5) સ્તરભંગસપાટી સાથે સંકળાયેલાં લક્ષણો : સ્તરભંગસપાટી પરની ઘર્ષિત બાજુઓ, સ્તરભંગ બ્રેક્સિયા (સ્થૂળ તેમજ સૂક્ષ્મ), સ્તરભંગ-મૃદ, સ્તરભંગસપાટી પરનાં તરંગલક્ષણો ક્ષેત્રકાર્ય દરમિયાન જ્યાં મળી આવે ત્યાં સ્તરભંગ માટેના પુરાવા પૂરા પાડે છે.

(6) ખનિજીકરણ અને સિલિકાકરણ (mineralisation and silicification) : સ્તરભંગ એ ફાટનું સ્વરૂપ હોઈને ખનિજીય દ્રાવણો માટેના પ્રવહનમાર્ગો બની શકે છે. આ પ્રકારના નબળા વિભાગોમાં દ્રાવણોના વિસ્થાપનથી કે અવક્ષેપનથી ખનિજ-શિરાઓ કે સિલિકાથી બનેલી ક્વાર્ટ્ઝ-શિરાઓ સ્થાનીકરણ પામે છે. ખનિજીય વિસ્તારોની આસપાસ સ્તરભંગો હોય તો ખનિજીકરણ કે સિલિકાકરણ થવા માટે અનુકૂળતા મળી રહે છે. આ લક્ષણો પણ સ્તરભંગની હાજરી સૂચવી શકે છે.

(7) ભૂપૃષ્ઠરચનાત્મક લક્ષણો (physiographic criteria) : અધ:પાત ખંડ જો કાંપથી કે શિલાચૂર્ણના આવરણથી ઢંકાઈ ગયેલો હોય તો પુરાવાજન્ય લક્ષણો સહેલાઈથી જોવા મળતાં નથી. આ પ્રકારના સંજોગોમાં સ્થળદૃશ્ય (topography) ક્યારેક કેટલાંક લક્ષણો બતાવે છે. જો કોઈ જગાએ જળપરિવાહ રચનામાં ફેરફાર થયેલો જણાય, સપાટભૂમિના પ્રદેશમાં નાની ડુંગરધારો (ridges), નાના સમુત્પ્રપાતો (scarps) હોય અથવા કોઈક રેખીય સ્થાનેથી ઝરા કે ઝરણાં ફૂટી નીકળેલાં જણાય, પંકવાળો ભીનો ભાગ જણાય, તો તે વિભાગ સ્તરભંગવાળો હોઈ શકવાનાં લક્ષણો દર્શાવે છે.

આકૃતિ 13 : સ્તરોનો સાતત્યભંગ

સ્તરભંગની ઉત્પત્તિ માટેનાં કારણો : પૃથ્વીના પોપડાના ખડકજથ્થાઓ પર લાગતાં પ્રતિબળોની અસર હેઠળ સ્તરભંગ ઉદભવતા હોવાનું ગણાય છે. સ્તરભંગોની ઉત્પત્તિ માટે મોટે ભાગે તો વિરૂપક બળો કારણભૂત હોય છે. વિરૂપક બળો ઉત્પન્ન થવા માટેનો સ્રોત પૃથ્વીના પોપડામાં ખરેખર ક્યાંથી મળી રહે છે તે બાબત વિવાદાસ્પદ રહી છે, તેમ છતાં કેટલાક સિદ્ધાંતો તે માટે આગળ ધરવામાં આવેલા છે. એક સિદ્ધાંત એવો છે કે પૃથ્વી પોતે સંકોચાઈ રહી હોવાથી વિરૂપક બળો પેદા થાય છે. એ સિદ્ધાંત યોગ્ય જણાતો હોવા છતાં ચોકસાઈભર્યો તો નથી જ. બીજો એક સ્વીકૃત સિદ્ધાંત પૃથ્વીના અંદરના ભાગમાં ઉષ્ણતાનયનના પ્રવાહો (convection currents) વહેતા હોવાનો ઉલ્લેખ કરે છે. આ પ્રવાહોની ઉત્પત્તિ માટે પૃથ્વીના ઊંડાણવાળા ગરમ ભાગમાંથી મળતી રહેતી ઉષ્ણતા તેમજ પોપડામાં રહેલાં કિરણોત્સારી-દ્રવ્યોના સતત વિભંજનમાંથી મળતી રહેતી ઉષ્ણતાને કારણભૂત ગણાવી છે. ઉષ્ણતાનયનના પ્રવાહો અહીં અગત્યના એટલા માટે ગણાય છે કે તેનાથી પોપડાનાં નીચેનાં ઘણાં સ્થાનો ખેંચાણની અને દાબની અસર હેઠળ આવે છે, જે વિરૂપક પ્રતિબળો ઉત્પન્ન કરવા માટે જવાબદાર ગણાય છે.

સ્તરભંગોના વિવિધ પ્રકારો બનવા માટે સામેલ થતાં બળોના પ્રકાર અને પ્રમાણ વિશે કોઈ એકવાક્યતા સધાઈ નથી, જે કંઈ જાણવા મળ્યું છે તે સૈદ્ધાંતિક જ છે અને તેથી શક્યતાઓના સૂચનરૂપ છે. ગુરુત્વ અને ધસારા (વિપરીત) સ્તરભંગ એ સ્તરભંગના મહત્વના પ્રકારો છે. ગુરુત્વ સ્તરભંગ ક્ષૈતિજ તણાવનાં બળોની અસરથી ઉત્પન્ન થતા હોવાનું મનાય છે, તેનાથી પોપડાના ખડકો ખેંચાઈને તૂટે છે. ધસારા-સ્તરભંગ મુખ્યત્વે દબાણનાં બળોથી અને ગેડીકરણના અંતિમ પરિણામ રૂપે બનતા હોવાનું કહેવાય છે. આત્યંતિક દાબનાં બળોથી ગેડીકરણ અને તે ચાલુ રહેતાં ગેડની તૂટવાની ક્રિયા થતી હોય છે.

સ્તરભંગ વિસ્તારનાં ભયસ્થાનો : બહુહેતુક યોજનાઓ, જળાશયો, પાયા, પુલો, બોગદાં, ધોરી માર્ગો, રેલમાર્ગો, મોટી ઇમારતો વગેરેનાં નિર્માણ માટેનાં સ્થાનોની પસંદગી કરવાનું કાર્ય ભૂસ્તરશાસ્ત્રીઓનું અને તે અંગેનાં સલાહસૂચનો અનુસાર બાંધકામ કરવાનું કાર્ય સિવિલ ઇજનેરોનું હોય છે. પસંદગીને પાત્ર સ્થાન સ્તરભંગની અસરવાળું હોય તો તે બિનઉપયોગી ગણાય કે પછી તેમાં ફેરફારો કરીને ઉપયોગી નીવડશે કે કેમ તે માટે તે સ્થાનનો ભૂસંચલનજન્ય ભૂસ્તરીય ઇતિહાસ ચકાસીને પછી જ આગળ ધપી શકાય. સ્તરભંગવાળું સ્થાન વિરૂપક બળોની અસરથી નબળું પડી ગયું હોય છે. ખડકો ભંગાણ પામી કચરાઈ ગયા હોય છે. જળપ્રવેશ માટે તે સ્થાન ભેદ્ય બની રહ્યું હોય છે, સાંધો ઉદભવી હોય છે, પરિણામે એવાં સ્થાનો અસ્થાયી ગણાય છે. ઉપર્યુક્ત પ્રકારનાં બધાં જ બાંધકામ માટે તે યોગ્ય રહેતાં નથી, તેથી શક્ય હોય ત્યાં સુધી સ્તરભંગયુક્ત સ્થાનોને ટાળવાં જોઈએ. પસંદગી માટે જ્યારે કોઈ જ વિકલ્પ રહેતો ન હોય તો અને ત્યારે જ તેને સ્વીકારવું જોઈએ અને સ્તરભંગની અસરોનું નિરીક્ષણ–પરીક્ષણ–ચકાસણી કરીને ત્યાં જરૂરી ઊંડાઈ સુધી ખોદાણ કરાવી, સિમેન્ટ કે કૉંક્રીટથી પૂરણી કરાવી, ઘનિષ્ઠ અને અભેદ્ય બનાવી લેવું જરૂરી છે. બોગદાંઓની ઉપરના વિભાગોના ખડકો સરકી ન પડે તે માટે જરૂરી લંબાઈના ખીલા (bolts) ખોડી દેવાય અને બાંધકામ મુજબ યોગ્ય ડિઝાઇન તૈયાર કર્યા પછી જ કાર્ય આગળ ધપાવાય એ ઇચ્છવાયોગ્ય છે.

ગિરીશભાઈ પંડ્યા