કપિલવસ્તુ : શાક્યોના ગણરાજ્યનું પાટનગર અને સિદ્ધાર્થની જન્મભૂમિ. નેપાળમાં આવેલું તિલોરાકોટ તે જ કપિલવસ્તુ. સિદ્ધાર્થે ઓગણત્રીસની વયે કપિલવસ્તુથી મહાભિનિષ્ક્રમણ કરેલું. બુદ્ધત્વની પ્રાપ્તિના બીજા વર્ષે શુદ્ધોદનના નિમંત્રણથી બુદ્ધે કપિલવસ્તુની મુલાકાત લીધી. ગૌતમ બુદ્ધે પંદરમો ચાતુર્માસ કપિલવસ્તુમાં ઊજવેલો. કપિલવસ્તુમાં રહીને બુદ્ધે ઘણા શાક્યોને પ્રવ્રજ્યા આપેલી. આ નગરમાં સંથાગાર હતો. ભગવાન બુદ્ધની જન્મભૂમિ હોવાથી રાજા અશોકે આ નગરની મુલાકાત લઈ ત્યાં એક સ્તંભ ઊભો કરાવ્યો હતો. બુદ્ધ સાથેના સંબંધને કારણે આ નગરનું બૌદ્ધ કલા અને સાહિત્યમાં ચિત્રણ થયું છે. ‘બુદ્ધચરિત’માં ‘કપિલસ્યવસ્તુ’ અને ‘લલિતવિસ્તાર’ તથા ‘ત્રિપિટક’માં ‘કપિલપુર’ તરીકે તેનો નિર્દેશ છે. ‘દિવ્યાવદાન’માં આ નગરનો સંબંધ કપિલ મુનિ સાથે દર્શાવ્યો છે. ‘લલિતવિસ્તાર’ અનુસાર આ નગર ચાર દરવાજા, સાત પ્રાકાર અને પરિખાઓ, બાગબગીચા, બજાર, તોરણદ્વાર, પ્રાસાદ વગેરેથી શોભતું હતું. ચીની પ્રવાસી ફાહિયાનના સમયે નગરમાં થોડી વસ્તી હતી પરંતુ યુઆન શ્વાંગની મુલાકાત સમયે તે ખંડેર બની ગયું હતું.
રામજીભાઈ ઠા. સાવલિયા