સ્ટુઅર્ટ ટાપુ (Stewart Island) : ન્યૂઝીલૅન્ડના મુખ્ય ત્રણ ટાપુઓ પૈકીનો દક્ષિણે આવેલો ટાપુ. ન્યૂઝીલૅન્ડના બીજા ક્રમના દક્ષિણ ટાપુ અને સ્ટુઅર્ટ ટાપુ વચ્ચે 24 કિમી. પહોળી ફોવિયક્સની સામુદ્રધુની આવેલી છે. ભૌગોલિક સ્થાન : 47° દ. અ. અને 168° પૂ. રે.. વિસ્તાર : 1,746 ચોકિમી.. તેની ઉત્તરે ફોવિયક્સની સામુદ્રધુની અને પૂર્વ, દક્ષિણ તેમજ પશ્ચિમ તરફ પૅસિફિક મહાસાગર આવેલો છે. સ્ટુઅર્ટ આઇલૅન્ડકાઉન્ટી કાઉન્સિલ આ ટાપુનો તેમજ ફોવિયક્સ સામુદ્રધુનીમાં આવેલા રુઆપુક ટાપુનો વહીવટ કરે છે.
સ્ટુઅર્ટ અને બ્લફ (ઊભી-પહોળી ભૂશિર) વચ્ચે અવરજવર માટે શનિ-રવિના દિવસોએ તેમજ ઉનાળા દરમિયાન અઠવાડિયામાં ત્રણ વાર ફેરીસેવા ચાલે છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં જંગલપેદાશો અને ખેતીનો સમાવેશ થાય છે. વિપુલ ઘાસવાળી અને ઝાડવાંવાળી ભૂમિમાં ઘેટાં ચરે છે. ખીણોમાં પશુપાલન થાય છે અને દૂધની પેદાશોનું ઉત્પાદન લેવાય છે. ખેડૂતો અહીં પશુચારાની પેદાશોનું વાવેતર પણ કરે છે. સ્ટીલ રેડિયેટર તથા રક્ષણાત્મક કપડાંનું ઉત્પાદન પણ લેવાય છે.
1809માં આ ટાપુની મુલાકાત લેનાર જહાજ પૅગાસસના અધિકારી વિલિયમ સ્ટુઅર્ટના નામ પરથી તેને ‘સ્ટુઅર્ટ’ નામ અપાયેલું છે. અહીંના સ્થાનિક નિવાસી માઓરી લોકો તેને ‘રાકીઉરા’ ટાપુના નામથી ઓળખે છે, અહીંના સૂર્યાસ્ત પરથી થતા ઝળહળતા લાલચોળ આકાશને કારણે આવું નામ આપ્યું છે.
ગિરીશભાઈ પંડ્યા