સ્ટિલબાઇટ : ઝિયોલાઇટ વર્ગનું ખનિજ. રાસા. બં. : NaCa2Al5Si13O3616H2O. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટે ભાગે વધસ્તંભની આકૃતિવાળા, આંતરગૂંથણી યુગ્મ-સ્વરૂપે મળે. યુગ્મસ્ફટિકો લગભગ સમાંતર સ્થિતિમાં બાણના ભાથા જેવા સમૂહો રચે; છૂટા, સ્વતંત્ર સ્ફટિકો ભાગ્યે જ મળે. વિકેન્દ્રિત, પતરીમય, ગોલકો કે દળદાર સ્વરૂપોમાં પણ મળે. યુગ્મતા (001) ફલક પર. પારદર્શકથી પારભાસક. સંભેદ : (010) પૂર્ણ, (100) અસ્પષ્ટ. ભંગસપાટી : ખરબચડી, બરડ. ચમક : કાચમય; સંભેદ સપાટીઓ મોતી જેવી ચમકે. રંગ : સફેદ, રાખોડી, પીળાશ પડતો, ગુલાબી, રતાશ પડતો, કેસરી, આછાથી ઘેરો કથ્થાઈ. ચૂર્ણરંગ : રંગવિહીન. કઠિનતા : 3.5થી 4. વિ. ઘ. : 2.09થી 2.20. પ્રકા. અચ. : α = 1.484થી 1.500, β = 1.492થી 1.507, ϒ = 1.494થી 1.513. પ્રકા. સંજ્ઞા : –Ve, 2V = 30°–49°.

પ્રાપ્તિસ્થિતિ : બેસાલ્ટ, ઍન્ડેસાઇટ અને સંબંધિત જ્વાળામુખી ખડક-પોલાણોમાં મુખ્યત્વે બદામાકાર સંરચના બનાવે; વિકૃત ખડકોની ફાટોમાં ઉષ્ણજળજન્ય ખનિજ તરીકે, ગ્રૅનાઇટ-પેગ્મેટાઇટમાંનાં પોલાણોમાં અને અમુક ગરમ પાણીના ઝરા-નિક્ષેપોમાં મળે છે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., નોવા સ્કોશિયા, મૅક્સિકો, બ્રાઝિલ, આઇસલૅન્ડ, ફેરો ટાપુઓ, સ્કૉટલૅન્ડ, નૉર્વે, સ્વિટ્ઝર્લૅન્ડ, ઇટાલી, જર્મની, ઑસ્ટ્રિયા, ચેકોસ્લોવૅકિયા, પોલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ભારત. ભારતમાં તે દખ્ખણના લાવાના ઉચ્ચપ્રદેશમાં મળે છે.

સ્ટિલબાઇટના નાના સ્ફટિકોનું જૂથ

ગિરીશભાઈ પંડ્યા