નેપિયર, જૉન [જ. 1 ફેબ્રુઆરી 1550, મર્કિસ્ટન કેસલ (એડિનબરો પાસે), યુ.કે.; અ. 4 એપ્રિલ 1617, મર્કિસ્ટન કેસલ, યુ.કે.] : સ્કૉટિશ ગણિતશાસ્ત્રી અને બ્રહ્મવિદ્યા (theology) અંગેના લેખક. ગણિતમાં સરળતાથી ગણતરી કરવા માટેના લઘુગણક અંગેના ખ્યાલના શોધક. તેઓ સેંટ ઍન્ડ્રૂઝ યુનિવર્સિટીમાં જોડાયા હતા, પરંતુ ત્યાં ટૂંકા રોકાણ બાદ સ્નાતકની ઉપાધિ મેળવ્યા સિવાય સ્કૉટલૅન્ડ પાછા આવી પોતાની જાયદાદ તેમણે સંભાળી હતી. તેઓ પ્રૉટેસ્ટંટપંથી હતા. તે સમયે પ્રવર્તતા ધાર્મિક વિવાદમાં તેમણે ભાગ લીધો હતો અને સેંટ જૉનના વિચારદર્શનને પ્રસિદ્ધ કર્યું હતું. તેમનો ગણિતશાસ્ત્રનો અભ્યાસ એ માત્ર શોખનો વિષય હતો. 1614માં તેમનું પુસ્તક ‘મીરીકી લૉગેરિથમ કેનોસિસ ડિસ્ક્રિપ્ટો’ (લઘુગણકનાં અદભુત સૂત્રોનું વર્ણન) નામથી પ્રસિદ્ધ કર્યું. લઘુગણકનાં કોષ્ટકો અને તેમનો ઉપયોગ કરવાના નિયમોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. લઘુગણકના ઉપયોગથી ખગોળવેત્તાઓને ગણતરીમાં સુગમતા, સમયનો બચાવ અને સરતચૂકથી થતી ભૂલોનું નિવારણ વગેરે જેવી સુવિધાઓ પ્રાપ્ત થઈ. ત્રિકોણમિતીય વિધેયોના લઘુગણકનાં તેમનાં કોષ્ટકો લગભગ એક સદી સુધી વપરાતાં રહ્યાં હતાં.
1617માં નેપિયરે ગણતરીની બીજી સરળ પદ્ધતિ પ્રયોજી, જેમાં અંકિત કરેલા સળિયાઓનો ઉપયોગ કરીને ગુણાકાર કરવાની રીતો તેમણે વર્ણવી છે. આ સળિયા કેટલીક વાર હાથીદાંતમાંથી બનાવવામાં આવતા હતા તેથી તેને નેપિયરનાં અસ્થિઓ પણ કહેવામાં આવતાં હતાં ! વાસ્તવમાં આમતેમ આઘાપાછા કરી શકાય તેવા કાર્યભાગોવાળું આ એક સાધન (device) હતું.
ઘન ત્રિકોણમિતિ(spherical trigonometry)ના સંશોધનમાં પણ તેમણે યોગદાન કર્યું હતું. તેમણે ત્રિકોણમિતીય વિધેયોને ઘાતાંકીય સ્વરૂપ(exponential expression)માં દર્શાવતાં સૂત્રો આપ્યાં અને અપૂર્ણાંકોને દશાંશ-પદ્ધતિમાં દર્શાવવાની પહેલ કરી. નેપિયરના પૂર્વજીવન અંગે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. સ્કૉટલૅન્ડના ભદ્ર સમાજમાં પ્રવર્તતા રિવાજ અનુસાર તેમણે પરદેશનો પ્રવાસ કર્યો હતો તેમ જણાય છે. 1571માં પ્રવાસેથી પાછા ફર્યા બાદ તેમણે જિંદગીનાં શેષ વર્ષો મર્કિસ્ટોનમાં જ ગાળ્યાં હતાં.
શિવપ્રસાદ મ. જાની