સ્ટાઇન્બર્ગ સૉલ (Steinberg Saul)
January, 2009
સ્ટાઇન્બર્ગ, સૉલ (Steinberg, Saul) (જ. 15 જૂન 1914, રોમાનિયા) : રોમાનિયન કાર્ટૂનિસ્ટ અને વ્યંગ્યચિત્રકાર. તેમણે યુનિવર્સિટી ઑવ્ બુખારેસ્ટમાં સમાજશાસ્ત્ર તથા મનોવિજ્ઞાનનો અને પછી ઇટાલીમાં મિલાન ખાતે સ્થાપત્યનો અભ્યાસ કર્યો.
સૉલ સ્ટાઇન્બર્ગ
1936થી 1939 સુધીમાં એમણે કાર્ટૂનો અને ઠઠ્ઠાચિત્રો–વ્યંગ્યચિત્રો વિવિધ ઇટાલિયન સામયિકોમાં પ્રકાશિત કરી નામના મેળવી. 1942માં તેઓ ન્યૂયૉર્ક નગરમાં સ્થિર થયા અને ફ્રીલાન્સ ધોરણે ઠઠ્ઠાચિત્રો (વ્યંગ્યચિત્રો) અને પ્રસંગચિત્રો (illustrations) કરતા રહ્યા. ‘ધ ન્યૂયૉર્કર’ મૅગેઝિનમાં તેમનાં આવાં ચિત્રો અવારનવાર છપાતાં રહ્યાં. એમનાં આ ચિત્રોનાં પૅરિસ, લંડન અને ન્યૂયૉર્ક નગરમાં પ્રદર્શનો પણ યોજાયાં.
અમિતાભ મડિયા