સ્ટાઇનબૅક જ્હોન અર્ન્સ્ટ
January, 2009
સ્ટાઇનબૅક, જ્હોન અર્ન્સ્ટ (જ. 27 ફેબ્રુઆરી 1902, સેલિનાસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 20 ડિસેમ્બર 1968, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના નવલકથાકાર. જર્મન-આઇરિશ દંપતીનું સંતાન. 1962માં સાહિત્ય માટેના નોબલ પારિતોષિકથી વિભૂષિત. ઉચ્ચ અભ્યાસ માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની કૉલેજમાં પ્રવેશ લીધો, પણ સ્નાતક ન થઈ શક્યા. 1925માં ન્યૂયૉર્ક જઈને મુક્ત લેખક તરીકે કારકિર્દી શરૂ કરી, પણ ઝાઝી સફળતા મળી નહિ તેથી કૅલિફૉર્નિયા પાછા ફર્યા.
જ્હોન અર્ન્સ્ટ સ્ટાઇનબૅક
કેટલીક વિનોદી વાર્તાઓ અને સૌપ્રથમ નવલકથા ‘ટોર્ટીલા ફ્લૅટ’ (1935) પ્રગટ થતાં લેખક તરીકે ખ્યાતિ પામ્યા. 1930ના દસકામાં વાચકોને તેમની નવલકથાઓમાં ખૂબ રસ પડ્યો. વ્યક્તિની વ્યથા અને અન્યાય સામે ઝઝૂમવાની વૃત્તિ એ એમના રસના વિષયો. જાણીતા સમાજશાસ્ત્રી દુર્ખેઇમ અને નવલકથાકાર રોમેઇન્સની વિચારધારાનો પ્રભાવ તેમની નવલકથાઓમાં જોવા મળે છે. તેમની શ્રેષ્ઠ નવલકથાઓમાં જગતના તમામ જીવો તરફ પ્રેમ અને કૂણી લાગણી પ્રતિબિંબિત થયેલાં જણાય છે. ‘ટોર્ટીલા ફ્લૅટ’માં દુર્ખેઇમની વિચારધારાનું સીધું પ્રતિબિંબ છે. તેમાં મોન્ટેરે પ્રદેશની સરહદ ઉપર વસતા લોકોની વાતો છે. તે લોકો સુસંસ્કૃત સમાજનાં ‘મૂલ્યો’થી સાવ પર છે તેથી તે એદી –આળસુ અને ચોરી ઉપર જીવન વિતાવનાર લોકો છે, પણ તેઓ વેપારી ગણતરીથી પ્રભાવિત થયા વિના જરૂરિયાતવાળા લોકોને ઉદારતાથી મદદ કરતા રહે છે. ‘ઑવ્ માઇસ ઍન્ડ મૅન’ (1937) તેમની જાણીતી કૃતિ ગણાય છે. તેમાં લેની નામના મંદબુદ્ધિ રાક્ષસી પશુ-બાળના જીવનની વાત છે. લેનીને પોતાની શક્તિનો કોઈ ખ્યાલ છે જ નહિ તેથી તેનું રક્ષણ અશક્ત પણ બુદ્ધિમાન માનવી કરે છે. ‘ડ્યુબ્યસ બૅટલ’(1936)માં કૅલિફૉર્નિયામાં ફળ વીણનાર લોકોની હડતાળની વાત દ્વારા લેખક તેમનું સામ્યવાદી ઢબે ચિંતન પ્રગટ કરે છે. ‘ધ ગ્રેઇપ્સ ઑવ્ રૉથ’ (1939) તેમની શ્રેષ્ઠ કૃતિ ગણવામાં આવે છે. તેમાં ઓક્લાહોમાના ખેતમજૂરો પોતાના પ્રદેશમાં રોજી ન મળતાં કૅલિફૉર્નિયા જઈને વસે છે તેની કથા છે. જોડે કુટુંબ પણ બીજા અનેક પ્રદેશનાં વતન છોડીને કામની શોધમાં કૅલિફૉર્નિયા પહોંચેલા લોકો સાથે કેવું વ્યથામય જીવન જીવે છે તેનું વાસ્તવિક નિરૂપણ છે. આ નવલકથાને ઉત્કૃષ્ટ નિરૂપણશૈલીનું ઉદાહરણ લેખવામાં આવે છે. ‘ધ મૂન ઇઝ ડાઉન’ (1942), ‘કેનરી રૉ’ (1945), ‘ધ પર્લ’ (1947), ‘ધ વેવૉર્ડ બસ’ (1947), ‘બર્નિંગ બ્રાઇટ’ (1950) તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. સ્ટાઇનબૅકની ગંભીર નવલકથાઓ સામાજિક છે. તેમાં મુખ્યત્વે આર્થિક પ્રશ્નો અને ગ્રામપ્રદેશના શ્રમજીવીઓની વ્યથાનું વાસ્તવિક ચિત્ર છે. જીવનના ઉત્તરાર્ધમાં સ્ટાઇનબૅકે ‘ઈસ્ટ ઑવ્ ઇડન’ (1952), ‘ધ વિન્ટર ઑવ્ અવર ડિસકન્ટેન્ટ’ (1961) અને ‘ટ્રાવેલ્સ વીથ ચાર્લી’ (1962) જેવી કૃતિઓ આપી. ‘ટ્રાવેલ્સ વિથ ચાર્લી’માં લેખકે પોતે ટ્રક દ્વારા ત્રણ મહિનામાં અમેરિકાનાં 40 રાજ્યોની કરેલી યાત્રાનાં સંસ્મરણો છે. ‘ઈસ્ટ ઑવ્ ઇડન’ પરથી યાદગાર ફિલ્મ 1955માં બનાવાઈ હતી. સ્ટાઇનબૅકે પોતે આ ચલચિત્ર માટેની કથાનું નિર્માણ કર્યું હતું. એ પ્રમાણે ‘ધ પર્લ’ અને ‘ધ રેડ પોની’ની તથા ‘ફરગોટન વિલેજ’ અને ‘વિવા ઝપાટા’ની વાર્તાઓ પરથી તેમણે ચલચિત્રો માટે કથાઓ લખી આપી હતી.
પંકજ જ. સોની