નેની, પિયેત્રો સાન્ડ્રો (જ. 9 ફેબ્રુઆરી 1891, ફાઇનઝા, ઇટાલી; અ. 1 જાન્યુઆરી 1980, રોમ) : ઇટાલીના અગ્રણી મુત્સદ્દી, પત્રકાર, સમાજવાદી નેતા તથા દેશના નાયબ વડાપ્રધાન. 7થી 18 વર્ષની વય સુધી આ ખેડૂતપુત્રનો અનાથાલયમાં ઉછેર થયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)માં તેમણે લશ્કરમાં કામગીરી કરી અને ત્યારબાદ પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને સમાજવાદી પક્ષના મુખપત્ર ‘અવાન્તી’ ના તંત્રી બન્યા. સપ્ટેમ્બર, 1911માં ઇટાલીએ તુર્કી પર જ્યારે આક્રમણ કર્યું ત્યારે તેની વિરુદ્ધમાં તેમણે દેશમાં હડતાળ પડાવી. આ માટે તેમને કારાવાસ ભોગવવો પડ્યો. આ કારાવાસ દરમિયાન બેનિટોમિ મુસોલીની સાથે તેમની મુલાકાત થઈ. 1921માં તેઓ ઇટાલિયન સોશિયાલિસ્ટ પાર્ટી(પીએસઆઈ)માં જોડાયા. 1922માં જ્યારે મુસોલીની સત્તા પર આવ્યો ત્યારે ફાસીવાદના આ કટ્ટર વિરોધીએ ‘અવાન્તી’ના માધ્યમ દ્વારા મુસોલીનીની ઝાટકણી કાઢી. 1925માં ફાસીવાદીઓના હાથે દેશના સમાજવાદી નેતા ગ્યાકોમો મેટીઓટ્ટીની હત્યા થઈ ત્યારે એક પુસ્તિકા બહાર પાડવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી. 1926માં ‘અવાન્તી’નું પ્રકાશન બંધ કરવામાં આવ્યું અને ત્યારપછી તેઓ પૅરિસ ખાતે નાસી છૂટ્યા. સ્પૅનિશ આંતરવિગ્રહ દરમિયાન તેઓ ગૅરિબાલ્ડી બ્રિગેડના સહસ્થાપક અને રાજકીય કોમિસાર હતા. 1940માં ફ્રાન્સમાં જર્મન ગેસ્ટાપો દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી અને 1943માં તેમને ઇટાલી લઈ જવામાં આવ્યા. મુસોલીનીએ પોન્ઝા ટાપુ પર તેમને અટકાયતમાં રાખ્યા. ઑગસ્ટ 1943માં માર્શલ પિએટ્રો બાદોગ્લિઓના આદેશ અનુસાર તેમને મુક્ત કરવામાં આવ્યા. 1944માં તેઓ ઇટાલિયન સોશિયાલિસ્ટ પાર્ટીના સેક્રેટરી જનરલ તરીકે ચૂંટાયા તથા 1945માં ફેરુસિઓ પારીની સરકારમાં નાયબ વડાપ્રધાન બન્યા. બીજા વિશ્વયુદ્ધ પછી 1946ની નિમાયેલી બંધારણ પરિષદમાં તેઓ ચૂંટાયા તથા ક્રિશ્ચિયન ડેમોક્રૅટ આલ્સીડે ’દ ગાસ્પેરીની મિશ્ર સરકારમાં નાયબ વડાપ્રધાન બન્યા. 1946-47 દરમિયાન તેમણે ઇટાલીના વિદેશમંત્રી તરીકે સેવાઓ આપી. જાન્યુઆરીમાં દેશની સોશિયાલિસ્ટ પાર્ટીમાં ભંગાણ પડ્યું ત્યારે તેમણે ડાબેરી જૂથને નેતૃત્વ પૂરું પાડતાં સામ્યવાદીઓ સાથે જોડાણ સાધ્યું. ત્યારપછીના લગભગ એક દાયકા સુધી આ ડાબેરી જોડાણ જમણેરી ક્રિશ્ચિયન ડેમોક્રૅટિક સરકારનો વિરોધ કરતું રહ્યું.
1952માં નાટો(NATO)ના સંગઠનમાં ઇટાલીના પ્રવેશનો વિરોધ કરવા માટે તેમને સોવિયેત યુનિયન તરફથી સ્ટાલિન શાંતિ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. નવેમ્બર, 1956માં સોવિયેત સંઘે હંગેરી પર આક્રમણ કર્યું તેના વિરોધમાં તેમણે આ પારિતોષિકનો ત્યાગ કર્યોં. 1959માં તેમનો પક્ષ સામ્યવાદીઓથી અલગ થયો. 1963માં તેમની ઇટાલિયન સોશયાલિસ્ટ પાર્ટીએ આલ્ડોમોરોના નેતૃત્વ નીચેના ક્રિશ્ચિયન ડેમોક્રૅટિક પાર્ટી સાથે જ્યારે જોડાણ સાધ્યું ત્યારે તેમને નાયબ વડાપ્રધાન તરીકે મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા. 1964માં સામ્યવાદી પક્ષના ઉમેદવાર તરીકે દેશના પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા રહેવાનો તેમણે ઇન્કાર કર્યો. 1966–68 દરમિયાન તેમણે બીજી વાર દેશના વિદેશમંત્રી તરીકે સેવાઓ આપી અને ત્યારબાદનાં ત્રણ મંત્રીમંડળમાં નાયબ વડાપ્રધાન તરીકે રહ્યા. 1969માં કેન્દ્રીય ડાબેરી જોડાણ પડી ભાંગતાં તેમણે ઇટાલિયન સોશિયાલિસ્ટ પાર્ટીના વડા તરીકે રાજીનામું આપ્યું. 1970માં તેમને આજીવન સેનેટર તરીકે નીમવામાં આવ્યા. 1979માં તેઓ સેનેટના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
નવનીત દવે