સન સિટી (Sun City) : દક્ષિણ આફ્રિકામાં મૂળ વતનીઓની ભૂમિ પૈકીના એક એવા બોફુથાત્સ્વાનામાં આવેલું પ્રવાસી વિશ્રામસ્થળ. સન સિટી લિટલ હૉલ નદી પાસેના પિલાન્સબર્ગ નૅશનલ પાર્કની અગ્નિ સરહદ પર વસેલું છે. આ શહેર દક્ષિણ આફ્રિકાનું ઘણું જ લોકપ્રિય પ્રવાસી વિશ્રામસ્થળ ગણાતું હોવાથી દર વર્ષે 20 લાખથી વધુ પ્રવાસીઓ તેની મુલાકાત લે છે. આ સંકુલ ખાતે મનોરંજન માટે ઘણી સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે. અહીં હોટેલો, રેસ્ટોરન્ટ, જુગારખાનાં અને રમતગમત માટેની સગવડો વિકસાવવામાં આવેલ છે. ગોલ્ફની મુખ્ય સ્પર્ધા, મિલિયન ડૉલર ગોલ્ફ ચેલેન્જ માટેની રમતો અહીં યોજાય છે. આ સંકુલમાં 4,000થી વધુ લોકો કામ કરે છે, તે પૈકી મોટાભાગના સ્થાનિક ત્સ્વાના લોકો છે.
આ વિશ્રામસ્થળ દક્ષિણ આફ્રિકી વેપારી સોલ કર્ઝર દ્વારા સ્થાપવામાં આવેલું. 1979માં અહીં સર્વપ્રથમ હોટેલ ખોલવામાં આવેલી. 7,000થી વધુ લોકો બેસી શકે એવું વિશાળ મનોરંજન-કેન્દ્ર સન સિટી ખાતે 1981માં બાંધવામાં આવેલું છે.
જાહ્નવી ભટ્ટ
ગિરીશભાઈ પંડ્યા