સ્કેપોલાઇટ : મારીઆલાઇટ, ડાયપાયર, મિઝોનાઇટ અને મીઓનાઇટ ખનિજોને સમાવી લેતા ખનિજ જૂથ માટેનું સામૂહિક નામ. તે વર્નેરાઇટના નામથી પણ ઓળખાય છે. તેમનું સામૂહિક રાસાયણિક બંધારણ દર્શાવતું સૂત્ર (Na, Ca, K) 4Al3 (Al, Si)3 Si6O24 (Cl, F, OH, CO3, SO4) મુકાય છે. બીજી રીતે, મારીઆનાઇટ = 3 આલ્બાઇટ + NaCl, મીઓનાઇટ = 3 ઍનોર્થાઇટ + CaCO3.
સ્કેપોલાઇટ
(1) મારીઆલાઇટ : સ્કેપોલાઇટ શ્રેણીનું ખનિજ. રાસા. બંધા. mNa4(Al3Si9O24)Cl → nCa4(Al6Si6O24)CO3 સહિત. સંજ્ઞાકીય સૂત્ર : Ma100Meoથી Ma80Me20 જેમાં Ma = મારીઆલાઇટ અને Me = મીઓનાઇટ છે. સ્ફ. વર્ગ : ટેટ્રાગૉનલ. સ્ફટિક સ્વરૂપ : સ્ફટિકો પ્રિઝમેટિક, ક્યારેક સ્થૂળ; દળદાર, દાણાદાર પણ મળે; ક્વચિત્ સ્તંભાકાર, પારદર્શકથી પારભાસક. સંભેદ : (100) સ્પષ્ટ, (110) સ્પષ્ટ. પ્રભંગ : ખરબચડાથી કમાનાકાર, બરડ. ચમક : કાચમય, આછી મૌક્તિક, રાળમય. રંગ : રંગવિહીન, શ્વેત, રાખોડી, ગુલાબી, જાંબલી, ભૂરાશ પડતો, લીલાશ પડતો, પીળાશ પડતો પણ હોય. ચૂર્ણરંગ : રંગવિહીન. કઠિનતા : 5.5થી 6. વિ. ઘ. : 2.50થી 2.62. પ્રકા. અચ. : ω = 1.546થી 1.550; ε = 1.540થી 1.541. પ્રકા. સંજ્ઞા : –Ve.
પ્રાપ્તિસ્થિતિ : મુખ્યત્વે પ્રાદેશિક વિકૃતિજન્ય ખડકોમાં, સંપર્કજન્ય સ્કાર્ન ખડક-વિભાગોમાં, પરિવર્તિત આગ્નેય ખડકોમાં અને પ્રસ્ફુટિત જ્વાળામુખી ગચ્ચાંઓમાં મળે છે.
પ્રાપ્તિસ્થાનો : કૅનેડા (ઑન્ટેરિયો, ક્વિબૅક), રશિયાઉ. કારેલિયા તેનાં વિશિષ્ટ પ્રાપ્તિસ્થાનો છે.
(2) ડાયપાયર (સ્કેપોલાઇટ શ્રેણીનું ખનિજ) : રાસા. બંધારણ : mNa4(Al3Si9O24)Cl → nCa4(Al6Si6O24)CO3 સહિત; Ma80Me20થી Ma50Me50 . ભૌતિક ગુણધર્મો અને પ્રાપ્તિસ્થિતિ મારીઆલાઇટ જેવાં જ. જેમાં તફાવત છે તે આ પ્રમાણે છે : લાંબી તરંગલંબાઈવાળા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ હેઠળ ક્યારેક પ્રદીપ્તિ બતાવે છે. વિ. ઘ. : 2.57થી 2.69 છે. પ્રકા. અચ. : w = 1.545થી 1.610 અને e = 1.540થી 1.570 છે. ઉપર દર્શિત પ્રાપ્તિસ્થાનો ઉપરાંત તે નૉર્વેમાંથી પણ મળી રહે છે.
(3) મિઝોનાઇટ (સ્કેપોલાઇટ શ્રેણીનું ખનિજ) : રાસા. બંધા. : mCa4(Al6Si6O24)CO3 → nNa4(Al3Si9O24)Cl સહિત; Ma50Me50થી Ma20Me80. ભૌતિક ગુણધર્મો અને પ્રાપ્તિસ્થિતિ ઉપર મુજબ. તફાવત આ પ્રમાણે છે : પ્રદીપ્તિ તેજસ્વી પીળા કે મંદ લાલ રંગની. વિ. ઘ. : 2.67થી 2.722. પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, સ્વીડન, ફિનલૅન્ડ, ઘાના, માડાગાસ્કર અને દક્ષિણ ઑસ્ટ્રેલિયા.
(4) મીઓનાઇટ (સ્કેપોલાઇટ શ્રેણીનું ખનિજ) : રાસા. બંધા. : mCa4(Al6Si6O24)CO3 → nNa4(Al3Si9O24)Cl સહિત. Ma20Me80થી MaoMe100. ભૌતિક ગુણધર્મો અને પ્રાપ્તિસ્થિતિ ઉપર મુજબ. તફાવત આ પ્રમાણે છે : વિ.ઘ. : 2.72થી 2.78. પ્રકા. અચ. : ω = 1.590થી 1.600, ε = 1.556થી 1.562. પ્રકા. સંજ્ઞા : -Ve. પ્રાપ્તિસ્થાનો : ઇટાલી, ફિનલૅન્ડ, રશિયા.
સ્કેપોલાઇટ સમૂહનાં ખનિજો ફેલ્સ્પાર, કાર્બોનેટ, પાયરૉક્સીન, સ્ફીન, ઍમ્ફિબોલ અને Ca-Na ધારક ખનિજો સાથે સંકળાયેલાં મળે છે. આ પૈકી પીળો રત્ન-પ્રકાર જાણીતો છે. પૃથ્વીના ઊંડાઈવાળા ભાગોમાંથી પ્રાપ્ત સ્કેપોલાઇટ આગંતુકો-સ્વરૂપે અગ્નિકૃત ખડકોમાં પણ મળે છે.
પ્રાયોગિક ધોરણે સાબિત થયું છે કે મીઓનાઇટ 20 Kbar (1 Kbar = 108 N/m2) દબાણ હેઠળ 1500° સે. સુધી સ્થાયી રહી શકે છે, જે સૂચવે છે કે બેઝિક મૅગ્મામાંથી ઘણી ઊંડાઈએ સ્ફટિકીકરણ ક્રિયાથી તે અગ્નિકૃત-ખનિજ તરીકે ઉદભવી શકે છે.
ગિરીશભાઈ પંડ્યા