નીપર (Dnepr, Dnieper) : યુરોપની લાંબી નદીઓ પૈકીની એક. તેનું પ્રાચીન નામ બોરીસ્થેનિસ હતું. વૉલ્ગા અને ડૅન્યુબ પછી લંબાઈમાં તેનો ત્રીજો ક્રમ આવે છે. તેની કુલ લંબાઈ 2,255 કિમી. છે. તેનો પટ સ્થાનભેદે 84થી 360 મીટરની પહોળાઈવાળો અને મુખભાગ 14 કિમી. જેટલો છે. ત્રિકોણપ્રદેશીય મુખ કળણવાળું બની રહેલું છે. તેનું ઉદગમસ્થાન મૉસ્કોથી 240 કિમી. પશ્ચિમે, વાલ્દાઈ ટેકરીઓની શૃંખલામાં, રશિયાના સ્મોલેન્સ્ક નગરની બાજુમાં આવેલું છે. ત્યાંથી તે રશિયા, બેલારુસ તથા યુક્રેન પ્રજાસત્તાકના પ્રદેશોમાંથી પસાર થઈને ખેરસન નજીક કાળા સમુદ્રમાં ઠલવાય છે. તેનો જળનિર્ગમ વિસ્તાર 5,04,000 ચોકિમી. જેટલો છે. સ્મોલેન્સ્ક, ઓર્સા, મોગિલેવ, કીવ (યુક્રેનનું પાટનગર), નેપ્રોપેટ્રોવ્સ્ક અને ખેરસન (બંદર) જેવાં મોટાં, ઔદ્યોગિક નગરો આ નદીના કાંઠા પર આવેલાં છે. ઉત્તર તરફ તે જંગલવિસ્તારમાંથી તથા દક્ષિણ તરફ તે કૃષિ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસેલા પ્રદેશોમાંથી વહે છે. તેના પર બાંધેલા બંધ અને જળાશયોને કારણે ખીણપ્રદેશ ઊંડો બનેલો છે. જળપ્રપાતના અવરોધો નીકળી ગયા છે, પરિણામે વર્ષના બરફમુક્ત આઠથી નવ માસ તેનો જળપટ નૌકાવ્યવહાર માટે અનુકૂળ બની રહે છે; પરંતુ ઉત્તરતરફી ઉપલો વિસ્તાર વર્ષમાં આશરે ચાર માસ સુધી તથા સમુદ્ર નજીકનો મુખભાગ પણ બે માસ સુધી થીજી જાય છે. માલની અને મુસાફરોની અવરજવર માટે આ નદીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. યુક્રેનમાંથી કોલસા તથા અનાજની, ઉત્તરના પ્રદેશોમાંથી ઇમારતી લાકડાની, તેમજ અન્ય વિસ્તારોમાંથી મીઠું, બાંધકામની ચીજવસ્તુઓ અને ખનિજતેલની બનાવટોની હેરફેર મોટા પ્રમાણમાં આ નદી મારફતે થાય છે. માલની હેરફેર કરતી યુરોપની નદીઓ પૈકી તેનો ત્રીજો ક્રમ આવે છે. બાલ્ટિક સમુદ્રમાં ઠલવાતી અન્ય ઘણી નદીઓ સાથે તેને નહેરો દ્વારા જોડવામાં આવેલી છે. તેની ઉપનદીઓમાં બેરેઝિના, દેસ્ના, ઇન્ગુલેટ્સ, પ્રિપ્યાત, સેલ તથા સોઝ ઉલ્લેખનીય છે. જળપુરવઠા ઉપરાંત જળવિદ્યુત ઊર્જાના નિર્માણની દૃષ્ટિએ આ નદી મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
આ નદીના ઉપરવાસ(upstream)ના ઉત્તર ભાગમાં વર્ષાપ્રમાણ વાર્ષિક 610 મિમી. અને હેઠવાસ(downstream)ના દક્ષિણ ભાગમાં વાર્ષિક વર્ષાપ્રમાણ 410 મિમી. જેટલું રહે છે.
નીપર નદીના ઉદગમસ્થાનથી મુખભાગ સુધીના ખીણપ્રદેશની સપાટી પર જુદી જુદી ભૂસ્તરીય વયના ખડકો વિવૃત થયેલા છે; જેમ કે, મૉસ્કો નજીકનું કાર્બોનિફેરસ લિગ્નાઇટ થાળું, ડેવોનિયન રેતીખડક, ક્રિટેશિયસ ચૉક અને ચૂનાખડકો, તૃતીય જીવયુગના જૂના નિક્ષેપો તથા નવા વયના નરમ નિક્ષેપો, ચતુર્થ જીવયુગના હિમજન્ય નિક્ષેપો, ગ્રૅનાઇટનાં આગ્નેય અંતર્ભેદનો. એ જ રીતે નદીના ઉત્તર ભાગમાં પોડસોલ પ્રકારની જમીનો, જંગલવિસ્તારમાં રાખોડી જમીનો તથા કાળા સમુદ્ર નજીક ચેસ્ટનટ જમીનો આવેલી છે. નદીના સ્મોલેન્સ્ક નજીકના ખીણપ્રદેશમાં ખરાઉ વનસ્પતિ, વચ્ચેના ભાગમાં છૂટક છૂટક વૃક્ષો સહિત કે રહિત સ્ટેપ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. 55° ઉ. અક્ષાંશથી ઉત્તરના ભાગોમાં બટાકા, ફલૅક્સ (કંતાન) અને શણનું, જ્યારે 55° ઉ. અક્ષાંશથી દક્ષિણના ભાગોમાં ઘઉં, ઓટ, જવ અને રાય (rye) જેવા શિયાળુ પાકોનું ઉત્પાદન લેવાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે