નીગ્રી કાય : નીગ્રી કાય એક પ્રકારની અંતર્ગત કાય (Inclusion body) છે, જે હડકવા (રેબીઝ) રોગના વિષાણુઓની વૃદ્ધિથી ઉત્પન્ન થાય છે.
અંતર્ગત કાય કોષરસ કે કોષકેન્દ્રમાં જોવા મળે છે. અંતર્ગત કાય પ્રોટીન અથવા વિષાણુ કૅપ્સીડના પુંજ બનવાથી બને છે. આ કાય વિષાણુની વૃદ્ધિનું સ્થાન દર્શાવે છે. જુદા જુદા વિષાણુઓ અલગ પ્રકારની અંતર્ગત કાય ઉત્પન્ન કરે છે જે સારણી 1માં દર્શાવવામાં આવ્યા છે.
અંતર્ગત કાય ઇલેક્ટ્રૉન ઘન (dense) અને અપવર્તક (રીફ્રેક્ટાઇલ) છે. અમુક પ્રકારની અંતર્ગત કાય વીજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર(ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ)ની શોધ થઈ તે પહેલાં વૈજ્ઞાનિકોએ પ્રકાશ સૂક્ષ્મદર્શક(લાઇટ માઇક્રોસ્કોપ)નો ઉપયોગ કરીને વિષાણુઓની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે કોષની અંદર કોષરસમાં અને કોષકેન્દ્રમાં અંતર્ગત કાય જોઈ શકાય છે જે રોગ સાથે સંકળાયેલા છે.
સારણી 1 : અંતર્ગત કાયના પ્રકાર
અંતર્ગત કાય | વિષાણુ | સ્થાન | |
1 | ગુઆર્નેરી કાય (Guarnieri body) | સ્મોલ પોક્સ વિષાણુ | કોષરસ |
2 | નીગ્રી કાય (Negri body) | હડકવાના વિષાણુ | કોષરસ |
(રેબીઝ વિષાણુ) | |||
3 | બોલીન્જર કાય (Bolinger body) | ફાઉલ પોક્સ વિષાણુ | કોષરસ |
4 | ઇન્ટ્રાન્યુક્લિયર કાય (Intranuclear body) | હર્પસ વિષાણુ, | કોષકેન્દ્ર |
ચીકન પોક્સ વિષાણુ, | |||
પોલીહેડ્રલ જંતુઓના વિષાણુ |
નીગ્રી કાય ઘણા પ્રકારની અંતર્ગત કાય પૈકીની એક છે. તે ઇઓસીનોફિલીક (ઍસિડ અભિરંજકોથી અભિરંજિત થાય) છે. તેનું કદ 2થી 10 માઇક્રોમીટર છે. તેનો આકાર ગોળ અથવા લંબગોળ છે. તેનું જનીનદ્રવ્ય એકસૂત્રીય RNAનું બનેલું છે. નીગ્રી કાયનું નામ તેને શોધનાર વૈજ્ઞાનિકના નામ પરથી પડ્યું છે.
આ રોગના વિષાણુઓ સૌપ્રથમ શેરીમાં રખડતાં પ્રાણીઓમાં દાખલ થાય છે. આ પ્રાણી જ્યારે માણસને કરડે ત્યારે માણસના શરીરમાં દાખલ થાય છે. સામાન્ય રીતે આ વિષાણુઓ સ્નાયુઓના કોષોમાં જમા થાય છે. ત્યારબાદ તે ઉપદ્રવક કોષિકાઓ(subepithellial cells)માં વૃદ્ધિ પામે છે. વિષાણુઓ પૂરતા પ્રમાણમાં જમા થાય પછી ચેતાચાલક સંવેદી કોષ અને સંવેદનાત્મક ચેતાકોષોમાં વૃદ્ધિ પામે છે અને આ કોષોમાં ચેપ ઉત્પન્ન કરે છે. હડકવાના વિષાણુઓ ચેતાકોષોના એસિટાઇલકોલીન રીસેપ્ટર (Acetylcholine receptor) સાથે જોડાય છે. હવે આ વિષાણુઓ સંવેદનાત્મક ચોતાકોષોમાંથી મધ્યવર્તી ચેતાતંત્ર પર અસર કરે છે. ચેપ આગળ વધતાં કેન્દ્રસ્થ ચેતાતંત્રમાં ફેલાય છે. હડકવાનો ચેપ અનુમસ્તિષ્ક(cerebellum)ના પરકીંજે ચેતાકોષોના કોષરસમાં હોય છે. હડકવાના વિષાણુની આવા પ્રકારની વૃદ્ધિને નીગ્રી કાય કહે છે.
આ વિષાણુઓની ચેતાતંત્રમાં વૃદ્ધિ થતાં દરદીમાં અનેક પ્રકારની વિકૃતિઓ આવે છે. જેને આપણે રોગનાં ચિહનો કહીએ છીએ.
શરૂઆતમાં ચિંતા, તામસી પ્રકૃતિ, ઉદાસીનતા, અવાજ અને પ્રકાશ માટેની સંવેદનશીલતા, જલભીતિ (hydrophobia) વગેરે ચિહનો દેખાય છે. ત્યારબાદ રોગ આગળ વધતાં પક્ષાઘાત, મૂર્છા, મૃત્યુ જોવા મળે છે.
પેશીરોગ વિજ્ઞાનીય તપાસ (histopathology) અને જૈવપરીક્ષણ દ્વારા હડકવાના રોગનું નિદાન થઈ શકે.
દરદીના મગજની પેશીઓને મેળવીને તેમને હીમેટોક્સિલિન (Hematoxylin) અને ઇઓસીન(Eosin)થી અભિરંજિત કરવામાં આવે અને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવામાં આવે તો મગજનો સોજો (encephalomyelitis) છે કે કેમ તે જાણી શકાય છે. તેના આધારે રોગનું નિદાન થઈ શકે.
નીલા ઉપાધ્યાય