કથાસરિત્સાગર (અગિયારમી સદી ઉત્તરાર્ધ) : કાશ્મીરી બ્રાહ્મણ કવિ સોમદેવનો સંસ્કૃત કથાગ્રંથ. ગુણાઢ્યે પૈશાચી ભાષામાં રચેલી બૃહત્કથાનું સોમદેવે કરેલું સંસ્કૃત રૂપાન્તર છે. કવિએ પોતે જ કહ્યું છે કે તે સંકલનકર્તા છે (सोमेन…विहित: खलु संग्रहोडयम् ।) શ્રીરામનો પુત્ર સોમદેવ કાશ્મીરનરેશ અનંતનો દરબારી કવિ હતો. અનંતનો શાસનકાળ 1042થી 1081નો મનાય છે. રાજાના મૃત્યુ પછી તેની રાણી સૂર્યમતીના મનોવિનોદરંજન માટે આ મનોરંજક કથાઓના ગ્રંથની સોમદેવે રચના કરી. કથાઓ ગુણાઢ્યની હોવા છતાં સોમદેવે કાવ્યમય શૈલી અને કલ્પનાન્વિત રજૂઆતની નવી પદ્ધતિ દ્વારા કથાઓને વધારે રમ્ય બનાવી છે. કવિએ બૃહત્કથાના રચનાક્રમમાં કોઈ પરિવર્તન કર્યું નથી. પણ અવાન્તરકથાઓ જોડવાની બાબતમાં પોતાની સ્વતંત્ર કલ્પનાનો ઉપયોગ કર્યો છે.
કથાસરિતસાગરના 22 હજાર શ્લોકો છે; તે 18 લંબક અને 24 તરંગોમાં વિભક્ત છે. 18 લંબકોનાં નામ છે કથાપીઠ, કથામુખ, લાવાણક, નરવાહનદત્તજનન, ચતુર્દારિકા, મદનમંજુકા, રત્નપ્રભા, સૂર્યપ્રભ, અલંકારવતી, શપ્તિયશ, વેલા, શશાંકવતી, મદિરાવતી, મદનમંચુકા, મહાભિષેક, સુરતમંજરી, પદ્માવતી અને વિષમશીલ. અહીં વત્સરાજ ઉદયનનો પુત્ર નરવાહનદત્ત કથાનાયક છે અને તેનાં પરાક્રમોનું વર્ણન છે. કાલ્પનિક કથાઓ ઉપરાંત આદર્શ વ્યક્તિઓનું ચરિત્ર નિરૂપતા પ્રસંગો પુરાણોમાંથી લીધા છે. અહીં ઋગ્વેદકાળની કથાઓ છે તે સાથે સૌંદર્યભરી કન્યાઓ અને તેમના સાહસિક પ્રેમીઓ, રાજાઓ અને નગરો, રાજતંત્ર અને ષડ્યંત્રો, છળકપટ, હત્યા અને યુદ્ધ, રક્તપાન કરનાર વેતાળો, યક્ષ પ્રેત અને પિશાચો, ભીખ માગતા સાધુઓ, સતી અને પતિસેવિકાઓ, સ્ત્રીઓના ચિત્તની સમજવી ઘણી મુશ્કેલ ગતિ(दुरवधार्या गति:)નો પરિચય કરાવતી દુષ્ટ, ચારિત્ર્યહીન અને કૃતઘ્ની સ્ત્રીઓ, વિટ વેશ્યા અને જુગારીઓ તથા જાદુ અને કામણટૂમણની કથાઓ સુરેખ, ચિત્તાકર્ષક અને રોચક શૈલીમાં નિરૂપવામાં આવેલી છે. માનવસ્વભાવના વૈચિત્ર્યનું ચિત્રણ, સરળ અને પ્રવાહી શૈલી, સુંદર વર્ણનો અને ચતુરાઈભર્યા સંવાદોથી સોમદેવની વિલક્ષણ પ્રતિભાનો અહીં પરિચય થાય છે. તેમાં તત્કાલીન સામાજિક, ઐતિહાસિક, ભૌગોલિક, ધાર્મિક, રાજતંત્રવિષયક વગેરે અનેકવિધ પાસાંની બહુમૂલ્ય માહિતી મળે છે. બૃહત્કથાનાં ઉપલબ્ધ ત્રણ સંસ્કૃત અને એક પ્રાકૃત ભાષાનાં સંસ્કરણોમાં કથાસરિત્સાગરને ઉત્તમ માનવામાં આવે છે. બ્લૂમફીલ્ડે તેને ‘વિસ્તાર, કથાસંપત્તિ અને કથાનિરૂપણની ર્દષ્ટિએ અદ્વિતીય’ કહીને ‘દુનિયાનો અજોડ અને સર્વોચ્ચ’ વાર્તાગ્રંથ ગણાવ્યો છે. તેનો પ્રભાવ માત્ર ભારતીય સાહિત્યકારોએ જ નહિ પરંતુ વિદેશી સાહિત્યકારોએ પણ ઝીલ્યો છે.
સુરેશ જ. દવે