નીકટાજીનેસી

January, 1998

નીકટાજીનેસી : વનસ્પતિના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલ કર્વેમ્બ્રી શ્રેણીનું એક કુળ. નીકટાજીનસ એટલે રાત્રે ખીલતાં પુષ્પ. આ કુળમાં આશરે 30 પ્રજાતિ અને 300 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં બોરહેવીઆ, મીરાબીલીસ, બોગનવિલીઆ, અને પીસોનીઆ પ્રજાતિઓ થાય છે. ગુજરાતમાં બોરહેવીઆની ત્રણ જાતિ, મીરાબીલીસની એક, બોગનવિલીઆની બે, ઉપરાંત તેની અનેક બાગાયત જાત તથા પીસોનીઆની એક જાતિ શોધાઈ છે. આ કુળની વનસ્પતિઓ વિષુવવૃત્તીય તથા ઉષ્ણ કટિબંધમાં અને સવિશેષ અમેરિકામાં ઊગે છે.

તે એકવર્ષાયુ શાકીય અથવા નિમ્નક્ષુપ (મીરાબીલીસ), કાષ્ઠમય વળવેલ (બોગનવિલીઆ), અને વૃક્ષ કે ક્ષુપ (પીસોનીઆ અને નીઆ) છે. પ્રકાંડ ગાંઠ ફૂલેલી, પ્રકાંડમાં અસાધારણ દ્વિતીય વૃદ્ધિ, મજ્જાકીય વાહીપુલોની હાજરી; પર્ણો સાદાં, અનુપપર્ણીય, સમ્મુખ અખંડિત, કેટલીક વાર સામસામે ગોઠવાયેલાં પર્ણો અસમાન, સદંડી; પુષ્પવિન્યાસ એકશાખી કે દ્વિશાખી, પરિમિત પુષ્પો નિપત્રી. બોગનવિલીઆમાં દલાભ નિપત્રો. લાલ, ગુલાબી, કેસરી કે પીળા રંગનાં. તેની બાગાયત જાતો નિપત્રો ઉપરથી વર્ગીકૃત કરાય છે. મીરાબીલીસનાં નિપત્રો બાહ્ય દલાભ (sepaloid) લીલા રંગનાં; જ્યારે બોરહેવીઆમાં પાતળાં, ત્વચીય અને શલ્કી નિપત્રો; પુષ્પો નિયમિત, દ્વિલિંગી (એકલિંગી પીસોનીઆ), અધોજાયી. પરિદલપત્રો ચાર કે પાંચ એકચક્રીય રંગીન, નલિકાકારનાં કે ઘંટાકાર, દલાભ, દીર્ઘસ્થાયી. પરિદલપુંજનો ઉપરનો ભાગ પરાગનયન પછી ખરી પડે; જ્યારે તલસ્થ ભાગ ફળની ફરતે કૂટ ફલાવરણ (anthocarp) રચે; કલિકાન્તરવિન્યાસ પ્રવલિત (plicate) અથવા વ્યાવૃત (contorted); પુંકેસરો પાંચ, ક્યારેક ઓછા કે વધારે; પુંકેસર તંતુઓ અસમાન; પરાગાશય દ્વિખંડી, સ્ફોટન આયામ; સ્ત્રીકેસર એક, બીજાશય ઊર્ધ્વસ્થ, અંડક એક, તલસ્થ. ફળ-ચર્મફળ કૂટફલાવરણથી રક્ષાયેલું. બીજ પાતળાં બીજપત્રવાળું અને ભ્રૂણવક્ર. સાટોડી–પુનર્નવા (બોરહેવીઆ) અને ગુલબાસ (મીરાબીલીસ) આ કુળની ઔષધકીય ઉપયોગી વનસ્પતિઓ છે.

પુનર્નવા બહુવર્ષાયુ ભૂપ્રસારી, ગુલાબી રંગનાં પુષ્પો ધરાવે છે. તે નીંદામણ સ્વરૂપે ભારતભરમાં ખેતર, નકામી કે પડતર જમીન પર અને રસ્તાની આજુબાજુ ઊગે છે. તેનાં મૂળ રેચક, મૂત્રવર્ધક, ઉષ્ણતાદાયક છે. શરદી, સળેખમ ઉપર અકસીર છે. મૂળમાં પુનર્નેવીન નામનું આલ્કેલૉઈડ આવેલું છે. તેની મંદ માત્રા મૂત્રવર્ધક છે; પરંતુ ઊંચી માત્રાથી ઊલટી થાય છે.

બોગનવિલીઆની લગભગ 60 જેટલી જાતો બાગ-બગીચામાં સુશોભન માટે ઉછેરવામાં આવે છે. તેનાં નિપત્રોના રંગો તથા પુષ્પના રંગો ઉપરથી જાતોનું વર્ગીકરણ કરવામાં આવે છે. કટકા કલમથી તેનું સરળતાથી પ્રસર્જન થાય છે.

જૈમિન વિ. જોશી