સોલી (1) (Soli) : તુર્કીના આઇસેલ પ્રાંતમાં આજના મર્સિનથી પશ્ચિમે આવેલું પ્રાચીન ઍનાતોલિયાનું દરિયાઈ બંદર. ર્હોડ્ઝના વસાહતીઓએ તેની સ્થાપના કરેલી. ઍલેક્ઝાન્ડરે ઈ. પૂ. 333માં જ્યારે તે કબજે કરેલું ત્યારે તે એટલું બધું સમૃદ્ધ અને જાહોજલાલીવાળું હતું તેથી તથા તે ઈરાન સાથે જોડાયેલું હોવાને કારણે તે ત્યાંથી તે વખતની 200 કલાત્મક ચીજવસ્તુઓ જબરદસ્તીથી લઈ ગયેલો. ઈ. પૂ. 96/95થી ઈ. પૂ. 56ના ગાળામાં આર્મેનિયાના શાસક તિગ્રેને તેનો વિધ્વંસ કરેલો. પરિણામે ત્યાંની વસ્તી સ્થળાંતર કરી ગયેલી; પરંતુ તે પછીથી રોમન જનરલ પૉમ્પેય દ્વારા સિલિસિયન ચાંચિયાઓને હરાવીને તેને ફરીથી વસાવેલું અને તેને પૉમ્પિપોલીસ નામ આપેલું. ત્યાં બોલાતી સ્થાનિક ગ્રીસ બોલીના શબ્દ ‘સોલેસિઝમ’ (મૂળ ગ્રીક શબ્દ ‘સોલોઈ કિસ્મોસ’) પરથી ‘સોલી’ શબ્દ ઊતરી આવ્યો હોવાની સંભાવના ગણી શકાય.
અહીં વળેલા છેડાવાળા બે સમાંતર પાળા (ડક્કાન) સ્વરૂપનું કૃત્રિમ બારું હોવાના અવશેષો નજરે પડે છે; પરંતુ તેનાથી પણ વધુ ધ્યાન ખેંચતા તો બારા તરફ જતા સોલીના મુખ્ય માર્ગની ધાર પરના લાંબા થાંભલાઓની હારના અવશેષો છે.
જાહનવી ભટ્ટ